તડ ને ફડ / લોકશાહી અને ગણતંત્ર એક નથી

tad ane fad by nagindas sanghvi

  • સેક્યુલર એટલે કે કોઈ પણ ધર્મ કે કોઈ પણ ધાર્મિક સંસ્થા જોડે કશી લેવાદેવા ન રાખે તે સરકાર અને સમાજ સેક્યુલર કહેવાય છે. આ અર્થમાં ગાંધીવાદ સેક્યુલર નથી, કારણ કે તેમાં ધર્મને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે

નગીનદાસ સંઘવી

Jan 22, 2020, 08:09 AM IST
ગણતંત્ર દિનની ઉજવણી નજીક આવી ગઈ છે. ભારતમાં આઝાદી અંગેના બે ઉત્સવ ઊજવાય છે, પણ આમજનતા તેમની વચ્ચેનો અતિશય મહત્ત્વનો તફાવત જાણતી નથી. ઓગસ્ટની 15 તારીખ આઝાદી દિન છે અને જાન્યુઆરીની 26 તારીખ ગણતંત્ર દિન છે. ભારતમાં અંગ્રેજ સરકારે પોતાનો કબજો 1947ના ઓગસ્ટની 15 તારીખે છોડ્યો અને અંગ્રેજી વાવટો નીચે ઉતારી લેવામાં આવ્યો, પણ આ વખતે આપણું બંધારણ તૈયાર ન હતું. બંધારણ સભા 1946ના ડિસેમ્બરની 9 તારીખે મળી, પણ તે બંધારણ સભા વાંઝણી પુરવાર થઈ. બંધારણ ઘડતરનું ખરું કામ 1947ની આખરમાં શરૂ થયું અને 1950માં જાન્યુઆરીની 26 તારીખેથી તેનો અમલ શરૂ થયો. 1947 અને 1950ની આ તારીખ વચ્ચે ભારતનો કારભાર અંગ્રેજી પાર્લામેન્ટે ઘડેલા 1934ના કાયદા પ્રમાણે ચાલતો રહ્યો.
વચગાળાનાં આ બે સવા બે વર્ષ ભારતમાં પ્રમુખ નથી, પણ ગવર્નર જનરલ છે. નેહરુ શરૂઆતથી જ વડાપ્રધાન કહેવાયા તે રાજદ્વારી વિવેક છે. નેહરુ ગવર્નર જનરલની કાઉન્સિલના પ્રથમ સભાસદ છે. ગવર્નર જનરલનો હોદ્દો નાબૂદ થયો અને સંઘ પ્રમુખની વરણી કરવામાં આવી. કાઉન્સિલના બદલે પ્રધાનમંડળ બન્યું અને જવાહરલાલજી કાયદેસર વડાપ્રધાન બન્યા. 1950ની 26 જાન્યુઆરીએ પહેલો ગણતંત્ર દિવસ ઊજવાયો, પણ લોકશાહી તો ઘણી મોડી આવી. બંધારણ ઘડાય તેથી કંઈ લોકશાહી સ્થપાતી નથી. લોકશાહી તો લોકોના મત પર ઊભી કરી શકાય છે અને 1950માં જે સરકાર હતી તે કંઈ લોકોએ ચૂંટેલી સરકાર ન હતી. બંધારણ ઘડાયા પછી ચૂંટણીપંચની નિમણૂક કરવામાં આવી અને ભારતના મતદારોની યાદી તૈયાર કરવાનું કામ લાંબો વખત ચાલ્યું. ત્યાર પછી 1951ની આખરમાં અને 1952ની શરૂઆતમાં ચૂંટણીઓ થઈ અને પાર્લામેન્ટની રચના થયા પછી ભારતમાં લોકશાહીનો સાચો અને પૂરેપૂરો અમલ શરૂ થયો.
ગણતંત્રે થોડી મુશ્કેલી ઊભી કરી. લોકશાહી અને ગણતંત્ર એક નથી. લોકશાહી હોવા છતાં બધા દેશોમાં ગણતંત્ર નથી. ઇંગ્લેન્ડ, બેલ્જિયમ, સ્વિડનમાં લોકશાહી છે, પણ ગણતંત્ર નથી. સ્વિટ્ઝર્લેન્ડમાં લોકશાહી છે અને ગણતંત્ર પણ છે. લોકશાહી ન હોય, પણ ગણતંત્ર હોઈ શકે છે. ચીનમાં લોકશાહી નથી, પણ ગણતંત્ર છે. ગણતંત્રમાં વંશ પરંપરાની રાજવટ હોતી નથી. જાપાનમાં લોકશાહી છે, પણ દુનિયાનો સૌથી જૂનો રાજવંશ જાપાનમાં છે, તેથી જાપાન ગણતંત્ર નથી. આપખુદ સરમુખત્યારો તદ્દન જુઠ્ઠી અને બનાવટી ચૂંટણીઓથી પોતાની જાતને ચૂંટાવી કાઢે છે, પણ વંશ પરંપરા ન હોવાથી આવી સરમુખત્યારી પણ ગણતંત્ર ગણાય છે.
ભારતે ગણતંત્ર બનવાનું ઠરાવ્યું, પણ બ્રિટનનાં જૂનાં-નવાં સંસ્થાનોનો સંઘ 1920થી કામ કરતો રહ્યો છે. તેને બ્રિટિશ કોમન વેલ્થ ઓફ નેશન્સ કહેવાય છે અને આ બધા દેશો બધી રીતે સ્વતંત્ર હોવા છતાં બ્રિટનના રાજવીને પોતાના વડા તરીકે સ્વીકારે છે. ભારતને ગણતંત્ર બનવું હતું અને કોમન વેલ્થમાં પણ ચાલુ રહેવું હતું, પણ ગણતંત્ર રાજવીને પોતાના અધ્યક્ષ તરીકે સ્વીકારી શકે નહીં. ભારત કોમન વેલ્થમાં ચાલુ રહે તેવી બીજા દેશોની પણ ઇચ્છા હતી. તેથી લાંબી ચર્ચાઓ પછી ભારતના હાઈ કમિશનર અને પાછળથી સંરક્ષણમંત્રી બનેલા વી.કે. કૃષ્ણમેનને તોડ કાઢી આપ્યો. ભારતે બ્રિટિશ રાજવીને કોમન વેલ્થની એકતાના પ્રતીક તરીકે સ્વીકાર્યો. બ્રિટિશ રાજવી ભારત માટે અધ્યક્ષ નથી, પણ માત્ર એક પ્રતીક છે, પણ કોમન વેલ્થને એકજુટ રાખનાર પ્રતીક છે. આ શબ્દરચના બીજા દેશોને પણ પસંદ પડી અને શ્રીલંકા, પાકિસ્તાન, મ્યાનમાર પણ ભારતના પગલે ચાલ્યા. ભારત ગણતંત્ર છે અને કુટુંબ સાથે જોડાયેલું પણ છે. આ બંને વાત એકબીજાની વિરોધી છે, પણ વહેવારુ જીવનમાં આવા વિરોધાભાસોનો પાર નથી. આ બધા ગણતંત્રો તર્કના કઠોર ધોરણે ગણતંત્ર નથી, પણ વહેવારમાં સિત્તેર વર્ષથી ચાલે છે.
ભારતને ગણતંત્ર જાહેર કરનાર બંધારણના પ્રવેશક ભારત કેવો સમાજ બનશે તેનું ટૂંકું પણ સચોટ વર્ણન જવાહરલાલે કરી આપ્યું છે અને સંપૂર્ણ લોકશાહી માટેની આ ચોટડૂક જાહેરાત છે. ભારતના બંધારણનો આ પ્રવેશક દુનિયાભરના લોકશાહીના ચાહકોમાં વખણાય છે અને અર્નેસ્ટ બાર્કર નામના વિખ્યાત રાજ્યશાસ્ત્રીએ પોતાના પુસ્તકમાં ભારતના બંધારણનો આખો પ્રવેશક લખ્યો છે.
આ પ્રવેશકની ભાવના અને ભાષા એટલી ઊંચી કક્ષાના છે કે દુનિયામાં તેનો જોટો નથી, પણ 1975માં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી અને બંધારણમાં ઘણા ફેરફાર કરી નાખ્યા, પણ સૌથી ખરાબ ફેરફાર તો પ્રવેશકમાં થયો અને ભારતના ગણતંત્ર માટે ઇન્દિરા ગાંધીએ વાપરેલાં બંને વિશેષણો તદ્દન ખોટાં હોવાના કારણે હવે આ પ્રવેશક દુનિયાભરમાં હાંસીપાત્ર બન્યો છે. ભારતનું ગણતંત્ર સમાજવાદી અને સેક્યુલર છે તેવાં બે વિશેષણો તેમાં ઉમેરાયાં.
ભારત સમાજવાદી દેશ હતો, પણ હવે તો ભારત પૂરેપૂરા અર્થમાં મૂડીવાદી દેશ બની ગયો છે. 1992માં નાણાપ્રધાન ડો. મનમોહનસિંહે સમાજવાદની દફનક્રિયા શરૂ કરી અને ત્યાર પછીની બધી સરકારોએ તેમાં પોતપોતાનો ફાળો ઉમેર્યો. નરેન્દ્ર મોદીની સરકારને સમાજવાદ જોડે કશી લેવાદેવા નથી અને હવે તો સંરક્ષણ સાધનો અને હથિયારો પણ બિનસરકારી ઉદ્યોગપતિઓ બનાવવાના છે. વાસ્તવિકતાના ધોરણે પ્રવેશકમાં ઉમેરાયેલો શબ્દ ‘સમાજવાદી’ નર્યું જુઠ્ઠાણું છે અને વહેલી તકે કાઢી નાખવો જોઈએ.
વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ ભારતીય ગણતંત્રને સેક્યુલર વિશેષણ લગાડ્યું. ભારતનું બંધારણ સેક્યુલર નથી, ભારતની સરકાર સેક્યુલર નથી અને ભારતનો સમાજ પણ સેક્યુલર નથી. સેક્યુલર શબ્દ આપણે વારંવાર વાપરીએ છીએ અને હંમેશાં ખોટી રીતે વાપરીએ છીએ. ગુજરાતી ભાષાના મૂર્ધન્ય ચિંતકે તો સેક્યુલર શબ્દ પર પુસ્તકો લખ્યાં છે તે પણ તદ્દન ખોટા ધોરણે લખાયાં છે.
સેક્યુલર એટલે કે કોઈ પણ ધર્મ કે કોઈ પણ ધાર્મિક સંસ્થા જોડે કશી લેવાદેવા ન રાખે તે સરકાર અને સમાજ સેક્યુલર કહેવાય છે. આ અર્થમાં ગાંધીવાદ સેક્યુલર નથી, કારણ કે તેમાં ધર્મને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડ સેક્યુલર દેશ નથી, કારણ કે ઇંગ્લેન્ડની સરકાર ધાર્મિક સંપ્રદાય ચર્ચ ઓફ ઇંગ્લેન્ડને નિભાવે છે અને ઇંગ્લેન્ડનો રાજા ધર્મરક્ષક કહેવાય છે. ભારતના બંધારણમાં કેરળ અને તમિલનાડુની સરકારોએ દર વર્ષે દેવા સ્વામ ફંડમાં નાણાં આપવાં તેવી કલમ છે. આ કલમ બંધારણમાં હોય તે બંધારણ સેક્યુલર ન બની શકે. ભારતીય સમાજ તો સેક્યુલર નથી તેના પુરાવા આપવાની કે સમજ આપવાની કશી જરૂર નથી. ધર્મ-ધાર્મિક આગેવાનો અને ધાર્મિક સંસ્થાઓ, મંદિરો, મસ્જિદો, દેવળો, ગુરુદ્વારાઓ પાછળ લોકો લખલૂંટ ખર્ચ કરે છે અને ભૂખે મરતા લોકો પણ પથરાના દેવને સોનાના મુગટ ચડાવે તેવી મૂર્ખાઈ માત્ર ભારતમાં જ જોવા મળે છે.
ભારત સરકાર પણ સેક્યુલર નથી, કારણ કે ભારત સરકારના તમામ પ્રકલ્પોમાં ધાર્મિક વિધિ થાય છે. પ્રધાનો અને પ્રમુખો ખાતમુહૂર્તની અને લોકાર્પણની વિધિમાં હાજરી આપે છે અને ધાર્મિક સંસ્થાઓના સમારંભોમાં પણ હાજર હોય છે. બંધારણના આમુખમાં સમાજવાદી અને સેક્યુલર શબ્દો છે તેનાથી કશો ફરક પડતો નથી, કારણ કે કાયદાની ભાષામાં આમુખ અથવા પ્રવેશક બંધારણનો ભાગ નથી અને દુનિયાનાં ઘણાં ખરાં બંધારણોમાં આવા પ્રવેશક હોતા નથી.
X
tad ane fad by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી