તડ ને ફડ / ભાજપને જ ભારે પડેલી પિરિક વિક્ટરી

tad ane fad by nagindas sanghvi

  • કેન્દ્રમાં સત્તા ધરાવનાર પક્ષ બધા રાજ્યોમાં છવાઈ જવાની મહેનત કરે છે, પણ કેન્દ્રમાં અને રાજ્યોમાં જુદા-જુદા પક્ષોની સરકાર હોય તે ભારત માટે વધારે હિતકારી છે

નગીનદાસ સંઘવી

Nov 06, 2019, 07:53 AM IST

જીવનમાં, લડાઈમાં અને ચૂંટણીમાં હાર-જીત તો થયા જ કરે છે અને શાણા-અનુભવી માણસો પોતાની જીત કે પોતાનો પરાજય પચાવી જાય છે, પણ કેટલીક વખત જીત મળે તો પણ પરાજય કરતાં વધુ ખરાબ હોય છે. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને ફ્રાંસ લડાઈ તો જીત્યા, પણ એવા પાયમાલ થયા કે પરાજીત જર્મની કરતાં ય તેમની હાલત વધારે ખરાબ હતી.

2019ની પ્રાદેશિક (મહારાષ્ટ્ર, હરિયાણા) ચૂંટણીમાં ભાજપનો વિજય થયો અને સૌથી વધારે બેઠક મળી, પણ ધાર્યા પ્રમાણે ન થવાથી ભાજપ જીત્યા છતાં પરાજ્યનો અનુભવ કરે છે. આવા વિજય માટે અંગ્રેજી ભાષામાં ખાસ શબ્દ છે. આવી જીતને ‘પિરિક વિક્ટરી’ કહેવાય છે. આ શબ્દ રોમના ઇતિહાસમાંથી ઉતરી આવ્યો છે. રોમના વિજયરથને અટકાવવા માટે તે જમાનાનો સૌથી કાબેલ અને સૌથી બળવાન રાજા પિરહસ લડાઈમાં ઉતર્યો અને જીત્યો, પણ તેના એટલા બધા સૈનિકો મર્યા અને એટલું નુકસાન થયું કે તેણે બીજી વખત લડવાની ના પાડી. ‘આવો બીજો વિજય મળે તો હું ખતમ થઈ જાઉં.’ તેવું કહીને તે પાછો ફરી ગયો. પીરહસના નામ પરથી ‘પિરિક વિક્ટરી’ શબ્દ વપરાય છે.

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાઓમાં સૌથી વધારે બેઠક ભાજપને મળી અને સરકાર પણ ભાજપની જ બનવાની છે, કારણ કે બીજો કોઈ પક્ષ સરકાર રચવા જેટલી બેઠક જીત્યો નથી, પણ આ જીત તો પરાજય કરતાં પણ ભૂંડી છે. હરિયાણામાં સરકારની રચના માટે જનનાયક જનતા પક્ષના આગેવાન દુષ્યંત ચૌટાલાના મનામણા કરવા પડ્યા અને તેનો બાપ અજીતસિંહ ખૂનના આરોપસર જેલમાં હતો તેને છોડવો પડ્યો. હરિયાણામાં ભાજપે નીતિ અને પ્રમાણિકતાનું દેવાળું કાઢ્યું છે, પણ ખરો ખેલ તો હવે થવાનો બાકી છે. ચૌટાલાનું આખું કુટુંબ બદનામ છે. 1989માં દેવીલાલ ભારતના નાયબ વડાપ્રધાન હતા. તેના દીકરા ઓમપ્રકાશ ચૌટાલાએ ચૂંટણી જીતવા માટે એટલી બધા કાવાદાવા કર્યા હતા વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહે તેને હાંકી કાઢ્યો. ઝઘડો વધી પડ્યો અને અંતે દેવીલાલની ખટપટના કારણે વિશ્વનાથસિંહે રાજીનામું આપવું પડ્યું. ભાઈ દુષ્યંત ચૌટાલાની દોસ્તી ભાજપને ભારે પડી જવાની છે.

મહારાષ્ટ્રમાં તો આવી દોસ્તીના કારણે ભાજપની આબરું ધૂળધાણી થઈ ગઈ છે. ભાજપને મળેલી 105 બેઠકની સામે માત્ર 56 બેઠક (લગભગ અડધી બેઠક) જીત્યા છતાં શિવસેના સરખા હિસ્સે ભાગીદારી માગે છે અને આ માગણી અંગે દબાણ કરવામાં શિવસેનાનાં આગેવાનોએ જે ભાષા વાપરી છે તે તો માત્ર ભાજપ જ સહન કરી શકે. શિવસેનાનો કોઈ આગેવાન વિવેક કે મર્યાદામાં કદી સમજતો નથી અને ગાળ દીધા પછી બીજી જ ક્ષણે દોસ્ત બનવામાં તેમને કશી શરમ પણ લાગતી નથી. પોતાની નબળાઈ કે મર્યાદા શિવસેનાનાં આગેવાનો કાં તો સમજતાં નથી અને કાં તો સમજવા છતાં સ્વીકારતાં નથી, પણ મહારાષ્ટ્રના ભાજપી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પોતાના સાથી પક્ષને બરાબર ઓળખે છે અને બુમબરાડાથી ગભરાતા નથી. શિવસેનાએ ઠેકાણે આવવું જ પડશે અને રાજકારણમાં સંખ્યાનું મહત્ત્વ કબૂલ કર્યા વગર ચાલવાનું નથી.

અમે ભાજપના બદલે બીજા પક્ષો જોડે ગઠબંધન કરશું તેવી સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની ધમકી તદ્દન પોકળ છે, કારણ કે શિવસેના જોડે બેસવા માટે બીજો કોઈ પક્ષ તૈયાર નથી અને કોંગ્રેસ પક્ષ તૈયારી બનાવે તો પણ સેના વત્તા કોંગ્રેસ મળીને પણ ભાજપની બરોબરી થતી નથી. 288 બેઠક ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી માટે 145 બેઠક જોઈએ તે સેના બીજી કોઈ રીતે મેળવી શકે તેમ નથી.

શિવસેનાને થોડું વધારે આપીને સમાધાન કરી શકાશે તેવી આશા થોડી વધારે ઊજળી બની છે, પણ મુખ્યમંત્રી પદ છોડી દેવાની કબૂલાત ઉદ્ધવ ઠાકરે માટે થૂંકેલું ગળવા જેવી પરિસ્થિતિ થઈ પડે. સાઠ વર્ષના મહારાષ્ટ્ર રાજ્યના ઇતિહાસમાં શિવસેનાએ માત્ર એક જ વખત (1995-99) મુખ્યમંત્રી પદ ભોગવ્યું છે અને ડાભોળ વીજળી પ્રકલ્પ અંગેની બાંધછોડ શિવસેના માટે શોભાસ્પદ ન હતી. નારાયણ રાણે જેવા ખૂનના આરોપીને મુખ્યમંત્રી પદ આપીને શિવસેનાએ પોતાની પ્રતિષ્ઠા ગુમાવી, પણ આ બધી વાતો હવે જૂની થઈ ગઈ છે.

સામાન્ય રીતે ભારતમાં ચૂંટણીનો અનુભવ એવો છે કે લોકસભાની ચૂંટણી જીત્યા પછી પ્રાદેશિક ચૂંટણીઓમાં હંમેશાં વિજય મળે છે, પણ ભાજપને થયેલો અનુભવ જુદો છે. 2014ની ચૂંટણી જીત્યા પછી ભાજપને દિલ્હી અને બિહારની પ્રાદેશિક ચૂંટણીમાં પરાજય મળ્યો અને 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ભાજપી સરકારો ઊથલી પડી, પણ વચ્ચે અનેક રાજ્યોની વિધાનસભાઓમાં વિજય મેળવનાર ભાજપે અજેય પક્ષ હોવાની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી તે હરિયાણા, મહારાષ્ટ્રમાં ધોવાઈ ગઈ, પણ ખરી કસોટી આગામી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓ ઉપરાંત આવતા વર્ષે 2020માં યોજાનાર બિહાર અને દિલ્હીની વિધાનસભાઓની ચૂંટણીઓમાં થવાની છે. કાશ્મીરે રાજ્ય તરીકેનો દરજ્જો ગુમાવ્યો હોવાથી તેની ચૂંટણીનું કશું મહત્ત્વ રહેતું નથી. આ ત્રણ રાજ્યો જીતવાની તૈયારી ભાજપ અવશ્ય કરશે. હરિયાણા-મહારાષ્ટ્રમાં પડેલો ફટકો ભાજપ માટે લાભદાયી પણ છે.

સતત જીત મળે તો પક્ષ અને પક્ષના કાર્યકરો સુસ્ત બની જાય છે તેથી પ્રાદેશિક કક્ષાએ અવારનવાર થોડું નુકસાન પક્ષને સજાગ અને સક્રિય રાખવામાં મદદરૂપ થઈ પડે. માણસે અને સંસ્થાએ વિકાસગામી રહેવું હોય તો અવારનવાર આફતો આવે તેથી રાજી થવું જોઈએ. મહાભારતમાં પાંડવોની માતા કુંતીએ તો અમારા પર કાયમ આફત આવ્યા જ કરે તેવું વરદાન માગ્યું છે અને શાણા આગેવાનો ખરાબ પરિસ્થિતિમાંથી જેટલું ખમીર મેળવે છે તેટલું સારા સંજોગોમાં મળતું નથી. નવી સ્થપાયેલી મુઘલ સલ્તનતને ઉખેડી નાખનાર શેરશાહનો નિયમ હતો કે સારા કે વિજયના ખબર લાવે તેને રૂપાનું કડું ભેટ આપે, પણ ખરાબ સમાચાર હોય અથવા કશે પરાજય થવાના ખબર લાવે તેને સોનાનું કડું ભેટમાં મળે. કેન્દ્રમાં સત્તા ધરાવનાર પક્ષ હંમેશાં બધા રાજ્યોમાં છવાઈ જવાની મહેનત કરે છે, પણ કેન્દ્રમાં અને રાજ્યોમાં જુદા-જુદા પક્ષોની સરકાર હોય તે ભારત માટે વધારે હિતકારી છે. આખા દેશમાં કેસરિયો રંગ છવાઈ જાય તેના કરતાં ભારતીય રાજકારણ ઇન્દ્રધનુષી બની જાય અને જુદા-જુદા રાજ્યોમાં અલગ પક્ષો હોય તો ભારતના વિવિધતા પૂર્ણ સમાજ માટે ફાયદારૂપ છે.

જેનો નાભી શ્વાસ ચાલી રહ્યો છે અને મોટા ગજાના પ્રાદેશિક આગેવાનો જેમાંથી નાસભાગ કરી રહ્યા છે તે કોંગ્રેસ પક્ષને હરિયાણા-મહારાષ્ટ્રમાં ગયા વખત કરતાં વધારે બેઠકો મળી છે અને કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોમાં નવી આશાનો, નવા ઉત્સાહનો સંચાર થયો છે. ભારતીય રાજકારણના સ્વાસ્થ્ય માટે આ લાભદાયી છે. સંસદીય લોકશાહીની મજબૂતી માટે ઓછામાં ઓછા બે પક્ષો હોય અને બંને લગભગ સરખા બળિયા હોય તો ઘણા ફાયદા મળે છે અને બંને પક્ષો વારા ફરતી સત્તા ભોગવે તો બંને પક્ષના આગેવાનોની ગુણવત્તામાં ઉમેરો થાય છે, પણ આવું ભાગ્યે જ બને છે. આ દુનિયામાં જેટલા લોકશાહી દેશો છે તે બધા (અમેરિકાના અપવાદ સિવાય) સંસદીય લોકશાહીની પદ્ધતિએ ચાલે છે અને આ તમામ દેશોમાં (ઇંગ્લેન્ડના અપવાદ સિવાય) અનેક પક્ષોની મિશ્ર સરકારો જ હોય છે. ભાજપ જેવી એક જ પક્ષની સરકાર ભાગ્યે જ જોવા મળે અને ભારતમાં પણ કાયદેસર તો ભાજપી મોરચાનું રાજ છે. ભાજપની કેન્દ્ર સરકારમાં બીજા પક્ષોનાં આગેવાનો પ્રધાન મંડળમાં લેવાયા છે. કોઈ પક્ષ કે આગેવાન કે સંસ્થા સર્વોપરી બની જાય તો લોકશાહીનું નુકસાન થાય છે.

લોકશાહી એટલે બહુમતીનું રાજ એવું સમજવામાં આવે છે તે મોટી ભૂલ છે, કારણ કે અતિશય મજબૂત અને મોટી બહુમતીના હાથમાં રાજસત્તા આવે તો લઘુમતીઓનું આવી બને છે તેથી લોકશાહીને મોટાભાગના પક્ષોની સહમતી-સંમત્તિથી ચાલતું રાજ છે તેવું રાજ્યશાસ્ત્રીઓ કહે છે. લોકશાહી ઘોંઘાટિયું તંત્ર છે, કારણ કે તેમાં મત-મતાંતરો ચાલ્યાં જ કરે છે, પણ દેશ માટે મહત્ત્વના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે બધા પક્ષો સમ વિચારનાં હોવા જોઈએ.

X
tad ane fad by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી