તડ ને ફડ / સરદાર સરોવર ડેમ : જશનો ધણી કોઈ એક ન હોઈ શકે

tad ane fad by nagindas sanghvi

  • પૂરથી બચવા માટે નાનકડો બંધ બાંધવાની વાતથી નર્મદાની કથા શરૂ થાય છે તેનો જશ કોઈને આપવો હોય તો સિંચાઈ શાસ્ત્રના વિશ્વખ્યાત ઇજનેર ખોસલા સાહેબને જ આપી શકાય

નગીનદાસ સંઘવી

Sep 25, 2019, 08:07 AM IST

વીસમી સદીના ભારતીય ઇતિહાસનો અંધાર યુગ ચાલી રહ્યો છે અને કોંગ્રેસી આગેવાનોએ શરૂ કરેલાં ગપ્પાષ્ટકોમાં ભાજપના આગેવાનો ઉમેરો કરી રહ્યા છે.

અંગ્રેજી રાજવટ દરમિયાન પહેલી જ વખત આખો દેશ એક થયો. તેથી દેશની એકતા ટકાવી રાખવા માટે અંગ્રેજોએ અને ગાંધીજીએ તનતોડ મહેનત કરી કેબિનેટ મિશને તો લગભગ અશક્ય ગણાય તેવું ગણથરનું સમવાય સંઘનું માળખું ઘડી આપ્યું અને ગાંધીજી ભાગલાનો વિરોધ કરવા માટે દેહ પાડી નાખવાની જાહેરાત કરી, પણ કોમવાદી હુલ્લડો અને દ્વેષ એટલી હદે ફેલાયા હતા કે, ભાગલા સિવાય બીજો રસ્તો જ નથી તેવું સમજીને પાકિસ્તાનની સ્થાપનાને સૌથી પહેલી મંજૂરી સરદાર પટેલે આપી. પોતાના ગુરુ ગાંધીજીનો વિરોધ કરનાર સરદાર પટેલે ગાંધીજીને પોતાની વાત ગળે ઉતારી. હિન્દુ બહુમતીવાળાં રાજ્યો ભારતમાં રહે અને મુસ્લિમ બહુમતીવાળું પાકિસ્તાનમાં જાય તે સરદારે સ્વીકારી લીધેલું, પણ જિન્નાહે કરેલા આક્રમણનો વિરોધ કરીને તેમણે કાશ્મીરનો બચાવ કર્યો. આક્રમણ ન થયું હોત તો કદાચ કાશ્મીર પાકિસ્તાનમાં જોડાયું હોત.

નેહરુને વગોવનાર લોકો તે કામની પરિસ્થિતિ જોવા-સમજવા તૈયાર નથી. કાશ્મીરનો સવાલ જાગ્યો ત્યારે નિઝામના હૈદરાબાદની કથા અધૂરી હતી. કાશ્મીરમાં મહારાજા હરિસિંહનું જોડાણ આખરી ગણીએ તો નિઝામનું પાકિસ્તાની જોડાણ આખરી બની જાય, તેથી નેહરુએ લોકમત લેવાની શરત રાખી અને કાશ્મીર જતું કરવાની તૈયારી બતાવીને હૈદરાબાદ પરનો હકદાવો મજબૂત કર્યો. કાશ્મીર જાય તો ભારતનો હાથ કપાય, પણ હૈદરાબાદ જાય તો ભારતની છાતી તૂટી જાય તે નેહરુની ગણતરી અધૂરિયા લોકો સમજી શકે નહીં તેમાં કશી નવાઈ નથી, પણ 1947-48માં આ વાત તદ્દન સાફ અને સહુની જાણકારીની હતી. ભૂતકાળનો કક્કો ન જાણનાર રાજકીય આગેવાનો મનમાં આવે તેવી ઠોકાઠોક કરે છે અને ઝનૂની લોકો પોતાને ગમે તેવી વાત સ્વીકારી લે છે. ભૂતકાળ કે ભવિષ્યકાળ તમારી મરજી મુજબ ઘડાતો નથી અને વર્ણવી શકાતો નથી. ભૂતકાળને જાણવા માટે તેમાં કાળ પ્રવેશ કરવો પડે છે. રાજકારણમાં ઉપયોગી થઈ પડે તેવી ખુશામતખોરી તેમાં કામ લાગતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં ભરેલું પગલું એક કઠિન કોયડાના ઉકેલનો એક માર્ગ છે, પણ તેમાં સરદાર પટેલનું નામ ઘુસાડવાથી વાસ્તવિકતાની વિકૃતિ જ થાય છે. નર્મદા યોજનાનો જશ પણ સરદાર માગતા નથી.

સરદારે ઘણાં મોટાં કામ કર્યાં છે, પણ બધાં કામ તેમણે જ કર્યાં છે તેવું કહી શકાય નહીં અને આવાં વખાણ તે સરદારનું અપમાન છે. નર્મદાના પૂરથી બચવા માટે નાનકડો બંધ બાંધવાની વાતથી નર્મદાની કથા શરૂ થાય છે તેનો જશ કોઈને આપવો હોય તો સિંચાઈ શાસ્ત્રના વિશ્વખ્યાત આપણા ઇજનેર ખોસલા સાહેબને જ આપી શકાય. નેહરુની ભૂલ તેમણે બતાવી અને પંજાબની બે મોટી નદીઓ ભેગી કરો તેટલું પાણી નર્મદામાં છે, તેથી પંજાબના ભાખરા નાંગલ બંધ કરતાં મોટો બંધ બાંધવાનો તેમણે આગ્રહ રાખ્યો. તેમની વાત કબૂલ થતાં દસ વર્ષ લાગ્યાં અને પોતાનો મત પુરવાર કરવા માટે નર્મદા નદીનાં પાણીની માપણી દસ વર્ષ સુધી કરી. દસ વર્ષ એટલાં માટે કે ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષમાં એક વર્ષ ઘણો વરસાદ, એક વર્ષ દુષ્કાળનું અને ત્રણ વર્ષ સામાન્ય હોય છે. આવું કેમ છે તે કોઈ જાણતું નથી, પણ છે તે છે તેથી પાંચ વર્ષની બે વખત ગણતરી કરવામાં આવી કે જેથી કશી ભૂલ ન રહે.

ખોસલા સાહેબે વિરાટ યોજના ઘડી. દુનિયામાં બીજા નંબરની આ યોજના છે. નર્મદા નદી પર બે પ્રચંડ બંધો સરદાર સરોવર અને ઇન્દિરા સરોવર બાંધવા. મધ્યમ કક્ષાના અને નાના મળીને કુલ 3500 બંધો બાંધવા. નર્મદા નદી ત્રણ રાજ્યોની નદી છે. નર્મદા ગુજરાતમાં છે, પણ ગુજરાતની નથી માત્ર દસ ટકાનો મુખપ્રદેશ ગુજરાતમાં છે, નેવું ટકા મધ્ય પ્રદેશમાંથી બહુ જ થોડો ભાગ મહારાષ્ટ્રના સીમાડે છે અને નર્મદાનાં પાણી રાજસ્થાનને મળી શકે તેમ છે. તેથી આ ચાર રાજ્યો, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના પ્રતિનિધિઓ નર્મદા વેલી ઓથોરિટીના સભાસદો છે. નર્મદા અંગેના બધા નિર્ણય અને બધો વહીવટ આ મંડળ કરે છે.

ગુજરાત કે મધ્યપ્રદેશ મનફાવે તેમ વર્તી શકે નહીં. ગુજરાતમાં કામ શરૂ થયું 1979માં અને તેમાં મુખ્ય કામગીરી બાબુભાઈ જશભાઈ પટેલ, અમરસિંહ ચૌધરી અને ચીમનભાઈ પટેલની છે. થોડું કામ કેશુભાઈ પટેલે કર્યું છે. આ પ્રચંડ બંધનું બાંધકામ નરેન્દ્ર મોદીની રાજવટ દરમિયાન પૂરું થયું, પણ મોદી સાહેબનો તેમાં કશો ફાળો નથી. આવા કામમાં વર્ષો લાગે છે અને કોઈ રાજકીય પક્ષ બધો જશ ખાટી જાય તે શક્ય નથી. સરદાર સરોવરનું બધું કામ કોંગ્રેસી આગેવાનોએ જ કર્યું છે. ભાજપે તો માત્ર ગોતરડે હાથ દીધો છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અનેક કામ કર્યાં છે. સરદાર સરોવરનું કામ તેમના સત્તાકામ અગાઉ થઈ ચૂક્યું હતું.

બંધ બાંધવાથી પાણી ખેતરમાં પહોંચે નહીં તેથી નહેરો બાંધવી પડે. પહેલાં મુખ્ય કેનાલ થાય, તેમાંથી પેટા કેનાલ થાય, પેટામાંથી નાની કેનાલ થાય અને છેવટે પૂંછડીએ ટચૂકડી કેનાલો બાંધવી પડે. હજારો કિલોમીટરની લંબાઈની કેનાલો બાંધવાનું કામ પૂરું થવા આવ્યું છે અને નર્મદાના પાણી ખેતરમાં પ્રવેશશે ત્યારે ગુજરાતમાં ખેતીવાડીનો ચમત્કાર થવાનો છે. હજુ થોડા વર્ષની વાર છે, પણ ચમત્કાર તો શરૂ થઈ જ ગયો છે. નર્મદાની મુખ્ય નહેર ઇજનરી વિધાનો જાદુ છે અને ગુજરાતના ઇજનેરોની પ્રતિભાનો પુરાવો છે. છેક રાજસ્થાન સુધી પહોંચતી આ કેનાલ ક્યાંક નદીની ઉપરથી, કોઈ જગ્યાએ ધરતીની નીચેથી જાય છે. આ કેનાલ પર સૂરજની ગરમીથી વીજળી પેદા કરવાનો ખ્યાલ નરેન્દ્ર મોદીએ આપ્યો અને એક અતિશય મોટી સિદ્ધિ મેળવી.

સરદાર સરોવર અને નર્મદા યોજનામાં ભાતભાતના સવાલો અને અનેક જાતનાં વિઘ્નો પણ આવ્યાં. વર્લ્ડ બેન્કે પહેલાં લોન આપી અને પાછી ખેંચી લીધી. તેનો ઉકેલ માધવસિંહ સોલંકીના નાણામંત્રી સનતભાઈ મેહતાએ કરી આપ્યો. આદિવાસીઓનું હિત આગળ ધરીને મેઘા પાટકરે ઉગ્ર આંદોલન ચલાવ્યું અને સર્વોચ્ચ અદાલત પાસેથી સ્ટે મેળવ્યો તે કેશુભાઈ પટેલે અદાલતમાં રજૂ કરેલા સચોટ નિવેદનથી ઉઠાવી લેવાયો. વિસ્થાપિતો માટે અમરસિંહ ચૌધરીએ આપેલી સવલતો દુનિયાના કોઈ પણ સિંચાઈ ક્ષેત્રના વિસ્થાપિતોને અપાયેલી સવલતો કરતાં વધારે સરસ છે અને તેમાં ગુજરાતના નામી-અનામી ખેડૂતોએ પોતાની જમીન પણ આપી છે. આ કામ પૂરું થયું. આ વર્ષે સરદાર સરોવર પૂરેપૂરું છલકાયું તેનો જશ અને આનંદ આખા ગુજરાતનો છે. કોઈ એક પક્ષ, કોઈ એક આગેવાન આ જશનો ધણી નથી. જે કોઈ પક્ષ કે આગેવાન આવો દાવો કરે તે ગુજરાતની પ્રતિભા, ભલમનસાઈનો અને પ્રજ્ઞાનો ચોર ગણાય.

X
tad ane fad by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી