તડ ને ફડ / મહામાનવ ગાંધીજી

tad ane fad by nagin das sanghvi

  • ગાંધીજી જેવો અદ્ભુત માણસ દુનિયામાં ખરેખર જન્મ્યો હોય અને જીવ્યો હોય તેવું નવી પેઢીના લોકો માની શકશે નહીં તેવું આઇન્સ્ટાઇનનું વાક્ય જાણીતું છે અને વારંવાર વપરાય પણ છે

નગીનદાસ સંઘવી

Oct 02, 2019, 08:11 AM IST

દોઢસોમાં વર્ષે જેમના જન્મની સાલ દેશભરમાં ઊજવાઈ રહી છે તે ગાંધી આજના જમાનાના એકમાત્ર યુગપુરુષ છે. માત્ર ભારતમાં જ ગાંધીની યાદ જળવાઈ છે તેવું નથી, દર વર્ષે દુનિયાના વિવિધ દેશોમાં ગાંધીને સમજવા-જાણવા માટે, ગાંધી વિચારના અર્થઘટન માટે ત્રણથી ચાર મહાગ્રંથો પ્રસિદ્ધ થાય છે. દુનિયાનો લગભગ દરેક શિક્ષિત માણસ ગાંધીના નામ અને કામથી પરિચિત છે અને આખો દેશ ગાંધીના દેશ તરીકે ઓળખાય છે.

ગાંધીજી ભારતમાં જન્મ્યા, ભારતમાં ઉછર્યા અને ભારતીય આગેવાન તરીકે દુનિયામાં જાણીતા બન્યા, પણ ગાંધીજીના વિકાસમાં ભારતીય પરંપરામાં જેટલો ફાળો આપ્યો છે તેટલા આજના ભારત દેશે આપ્યો નથી. ગાંધીજીનો સર્વાંગી વિકાસ સાધવામાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ વધારે ફાળો આપ્યો છે. બેરિસ્ટર થવા માટે ગાંધીજી લંડન ગયા ત્યાં શુદ્ધ શાકાહારી બન્યા, અખબારોમાં લખતા થયા, શાકાહારના પ્રચાર માટે ભાષણો આપતા થયા અને હિન્દુધર્મ ગ્રંથોનું વાચન પણ લંડનમાં શરૂ થયું. વર્ષ માટે દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધી બાવીસ વર્ષ રોકાયા, ખ્યાતનામ વકીલ થયા. જ્હોનિસબર્ગમાં ગાંધીના હાથ નીચે ત્રીસ વકીલો કામ કરતા. ગાંધીની વકીલાત ફી સૌથી મોંઘી. ગાંધી અઢળક ધન કમાયા. જે જમાનામાં લોજ-વીશીમાં એક રૂપિયામાં આખો મહિનો બે ટંક ભોજન મળે તે જમાનામાં ગાંધીજી વર્ષે પંદર હજાર રૂપિયા કમાતા. આજના ભાવે મુલવણી કરીએ તો ગાંધીની વાર્ષિક કમાણી બેથી અઢી કરોડ રૂપિયા જેટલી થાય.

હિન્દીઓના આગેવાન તરીકે ગાંધીજીનું નામ ત્રણ ખંડમાં ગાજ્યું. દક્ષિણ આફ્રિકામાં, ઇંગ્લેન્ડમાં અને ભારતમાં. ત્યારે ગાંધીજીની ઉંમર ચોવીસ વર્ષની હતી, પણ આ બધું ગૌણ છે. આફ્રિકાનો વસવાટ ગાંધીજીનો સાધના કાળ છે અને સાધનાની ધખતી ભઠ્ઠીમાં ગાંધીજી મહાત્મા તરીકે ઘડાયા. ‘તમે તો એક વકીલ મોકલેલો, અમે તેને મહાત્મા બનાવીને પાછો મોકલ્યો.’ તેવી બડાઈ દક્ષિણ આફ્રિકાના આગેવાનો મારે છે તે તદ્દન સાચી છે અને વાજબી છે. ભારતને તો મહાત્મા ગાંધીજી લગભગ મફતમાં જ મળી ગયા છે. ગાંધીજીની સૌથી પહેલી જીવિત કથા લખનાર રેવરેન્ડ ડોકે લખ્યું છે તેમ ગાંધીજી દરેક માનવીમાં ઇશ્વરનાં દર્શન કરતા થયા.

લાંબા પરદેશ વાસના કારણે અંગ્રેજી ભાષા પર ગાંધીજીની પકડ જામી. ગાંધીજી ગુજરાતી ભાષાના સારા લેખક છે, પણ અંગ્રેજીના પ્રમાણમાં તેમનું ગુજરાતી નબળું ગણાય. કથા સાચી છે કે ખોટી તે નક્કી કરી શકાય નહીં, પણ એવું કહેવાય છે કે વાઇસરોય લોર્ડ લિંલીથગોએ પોતાના અનુગામી લોર્ડ વેવેલને સલાહ આપેલી કે ગાંધી જોડે ચર્ચા થાય તેનો હેવાલ લખવાનું કામ ગાંધીને કદી આપવું નહીં. ગાંધી સાચું જ લખે, પણ એકાદ વિરામ ચિહ્ન આડુંઅવળું મૂકીને આખો અર્થ ફેરવી નાખે તેટલી શક્તિ આ માણસમાં છે.

ગાંધી જેવો અદ્ભુત માણસ દુનિયામાં ખરેખર જન્મ્યો હોય અને જીવ્યો હોય તેવું નવી પેઢીના લોકો માની શકશે નહીં તેવું આઇન્સ્ટાઇનનું વાક્ય જાણીતું છે અને વારંવાર વપરાય છે. ભાવિ પેઢીઓની વાત જવા દઈએ, પણ ગાંધીજીને જીવતા-જાગતા નજરોનજર જોનાર લોકો પણ ગાંધીજીને કોઈ પૌરાણિક કથાના નાયક તરીકે જ જોઈ શકે છે.

ગાંધીજીની બધી વાત કે બધા વિચારો સ્વીકારવા જેવા નથી અને સ્વીકારાયા પણ નથી. ગાંધીજીની ખાદીને આપણા આગેવાનોએ નરી ઢોંગબાજી બનાવી મૂકી છે અને દરેક પરિસ્થિતિમાં અહિંસાનું પાલન કરવાનો ગાંધીનો આગ્રહ સરદાર, જવાહર જેવા તેમના ચુસ્ત ભક્તોએ પણ નકારી કાઢ્યો છે. હિટલરના દમનચક્રમાં પિસાઈ રહેલા યહૂદી સમાજને તેમણે આપેલી શિખામણનો સર્વાંગિક તિરસ્કાર જ થયો હતો. ગાંધીજીનો બ્રહ્મચર્ય અંગેનો ખ્યાલ યોગ્ય નથી અને ગાંધીજીએ લખેલા ‘હિન્દ સ્વરાજ’ ગ્રંથને તેમના ગુરુ ગોપાળકૃષ્ણ ગોખલેજીએ ‘પાગલ માણસે લખેલો ગ્રંથ’ ગણાવ્યો હતો.

આવી કેટલીક મર્યાદાઓ ગાંધીજીના યુગ પુરુષત્વની બાધક નથી. ઊલટું તેમાંથી તેમની ઊંચાઈનું ઉમેરણ થાય છે. ગાંધીજીના વિચારો ન સ્વીકારો છતાં તમે તેમના પ્રસંશક બની શકો છો. તેના ઉત્તમ નમૂનારૂપ જયપ્રકાશ નારાયણ લગભગ છેલ્લા ગાંધીવાદી છે.

ગાંધીજી નાની-મોટી દરેક બાબતમાં સંપૂર્ણતાના આગ્રહી હતા. ટપાલની ટિકિટ ચોંટાડવાથી માંડીને મહત્ત્વની મંત્રણાઓ સુધીનો વ્યાપ ગાંધીએ સર કર્યો છે, કારણ કે ગાંધીને મન જીવનની કોઈ પણ ક્રિયા નકામી કે નજીવી નથી.

ગાંધીજીએ જેમને પોતાના પુત્ર અને પોતાના પિતા ગણાવ્યા છે અને જેમણે ગાંધીજીના અંતેવાસી તરીકે આખી જિંદગી વિતાવી તે મહાદેવભાઈ દેસાઈ હંમેશાં કહેતા કે ગાંધીજી જોડે એક દિવસ રહેવું તેના કરતાં જ્વાળામુખીની ટોચ પર આખી જિંદગી રહેવાનું સહેલું છે. નાની-મોટી દરેક બાબતમાં નજીવી ભૂલ કે ફેરફાર ગાંધીજી ચલાવી લે નહીં અને દરેક ભૂલ તરત જ સુધારી લેવાનો તેમનો આગ્રહ ક્યારેક જોખમી થઈ પડે.

નોઆખલી યાત્રઆના ગાંધીના એકમાત્ર સાથી મનુબહેન ગાંધીજીના સ્નાન માટેનો પથરો ભૂલી ગયા (ગાંધી પાછળની જિંદગીમાં સાબુનો ઉપયોગ ન કરે) તે લેવા માટે આ હુલ્લડગ્રસ્ત વિસ્તારમાં અંધારી રાતે મનુબહેન જેવડી છોકરીએ એકલા જવું પડ્યું. ભૂલ થવી જ ન જોઈએ, તેવો ગાંધીનો નિયમ. ગાંધીજીની ચાલ એટલી ઉતાવળી કે તેમની જોડે કદમ મિલાવીને ચાલવા માટે દોડવું પડે. તેમના વૈચારિક પ્રવાસના સાથી સંગાથીઓ માટે અશક્ય નીવડ્યું.

ત્રીસ વર્ષ ગાંધીનાં તમામ સલાહ-સૂચનો સ્વીકારી લેનાર તેમના અનુયાયીઓએ પણ 1945 પછી તેમનો સાથ છોડ્યો. ભારતના ભાગલા પડે તે અટકાવવા માટે આઝાદ ભારતની પહેલી સરકારનું સંચાલન જિન્નાહને સોંપી દેવું, કોંગ્રેસનું રાજકીય પક્ષ તરીકે વિસર્જન કરીને સમાજસેવા માટે જોડવી. ભારતના વાઇસરોય (પ્રમુખ) તરીકે ગરીબ, અભણ, હરિજન છોકરીને બેસાડવી - આવી બધી વાત કોણ કબૂલ રાખે? ગાંધી જીવનનાં છેલ્લાં ત્રણ વર્ષ ગાંધીજી માટે ‘એકલા ચલો રે’નાં વર્ષ છે.

ગાંધીજીના સત્યાગ્રહોમાં ભારતની જનતાનું ઘડતર થયું, પણ આ લડતોના કારણે અથવા પરિણામે ભારતને આઝાદી મળી તેવું માની શકાય તેમ નથી. ગાંધીજીએ ચલાવેલી તમામ લડત- ખિલાફત, અસહકાર, મીઠાનો સત્યાગ્રહ, ભારત છોડો. તદ્દન નિષ્ફળ નીવડી, કારણ કે એક પણ લડતનો ઉદ્દેશ પાર પડ્યો નહીં, પણ આઝાદી તો મળી જ. અમેરિકન સ્વાતંત્ર્ય યુદ્ધના સેનાપતિ જ્યોર્જ વોશિંગ્ટન માટે એવું કહેવાયું છે કે બધી લડાઈ હાર્યા છતાં યુદ્ધ તો જીતાયું જ. આ વાક્ય ગાંધીજીની લડતોને પણ લાગુ પડે છે.

સામાજિક અને રાજકીય સંઘર્ષોમાં ગાંધીજીનો પરાજય થયો તેવું કહેવામાં કે કબૂલ કરી લેવામાં કશો સંકોચ રાખવાનું કારણ નથી. દુનિયાભરના પયગંબરો હંમેશાં હારતા જ રહ્યા છે. સોક્રેટિસને ઝેર મળ‌ે, ઇશુ વધસ્તંભે ચડે, તો મહમ્મદ પયગંબર પથરામાર સહે, તો ગાંધીને ગોળી મળે તેમાં શી નવાઈ છે? પયગંબરો હંમેશાં હારે છે, પણ આવા દરેક પરાજયના પરિણામે સમાજ એકાદ તસુ કે એકાદ સેન્ટિમીટર જેટલો ઊંચે ચડે છે. ગાંધી આવો પરાજિત પયંગબર છે.

X
tad ane fad by nagin das sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી