તડ ને ફડ / પક્ષપલટો : નાણાં માટે કે સત્તાલોભ માટે!

latest article by nagindas sanghavi

  • પક્ષ નબળો પડે અને સામા પક્ષે જવાથી વધારે ફાયદો છે તેવું દેખાવા લાગે પછી જ ધારાસભ્યોના ખરીદી વેચાણની હાટડીઓ કામ કરતી થાય છે. ધનલોભ કરતાં પણ સત્તાધારી પક્ષમાં રહેવાનું આકર્ષણ ઘણું વધારે પ્રબળ હોય છે

નગીનદાસ સંઘવી

Mar 18, 2020, 08:05 AM IST

મધ્યપ્રદેશના રાજવી કુટુંબ સિંધિયા માટે પક્ષપલટો કોઇ નવી બાબત નથી. 1967માં પંડિત દ્વારકાપ્રસાદ મિશ્રની કોંગ્રેસી સરકારને પછાડીને રાજમાતા વિજયારાજે સિંધિયા જનસંઘમાં જોડાયાં હતાં. તેમના દીકરા માધવરાવ સિંધિયા જનસંઘ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તેમના દીકરા જ્યોતિરાદિત્યે કોંગ્રેસને પડતી મૂકીને ભાજપનો આશરો લીધો છે. ઊગતા સૂરજને પૂજવો અને બને તેટલી સત્તા-હોદ્દા મેળવવા સિવાય બીજી કોઇ ગણતરી ધ્યાનમાં લેવાતી નથી. સિંધિયા ભાજપી આગેવાન તરીકે રાજ્યસભામાં જવાના છે અને સંભવ છે કે મોદીના પ્રધાનમંડળમાં પહોંચે, પણ મધ્યપ્રદેશની વિધાનસભામાં રાજકારણનો ખેલ હજી ખતમ થયો નથી. સિંધિયાના પગલે ચાલનાર બાવીસ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં છે.

કમલનાથ સરકારને ઉથલાવવા માટે આ સંખ્યા પૂરતી છે, પણ 114માંથી માત્ર 22 ધારાસભ્યો હોય તે સિંધિયાની નબળાઇની નિશાની છે. રાજીનામાં નકારી કાઢવા માટે સ્પીકર પર દબાણ થઇ રહ્યું છે. 1974ના ગુજરાતના નવનિર્માણ પછી ધારાસભ્યોનાં રાજીનામાંના સ્વીકાર-અસ્વીકારની સત્તા સ્પીકરોને આપવામાં આવી છે. રાજીનામાં મંજૂર ન થાય ત્યાં સુધી આ ધારાસભ્યો કોંગ્રેસની શિસ્તથી બંધાયેલા છે. ગેરહાજર રહે કે વિરુદ્ધમાં મત આપે તો પક્ષપલટા માટે ગુનેગાર ઠરે. રાજીનામાં મંજૂર કરી લેવામાં આવે તો ધારાસભ્યોની સંખ્યા 208ની થઇ જાય. પોતે વિધાનસભામાં બહુમતી મેળવી લેશે તેની ખાતરી મુખ્યમંત્રી કમલનાથે ઉચ્ચારી છે. આ ખાતરી કેટલી નક્કર છે ને કેટલી પોકળ છે તે ધારાસભાની બેઠક વખતે જ જાણવા મળશે.

કોંગ્રેસને પછાડવા માટે અથવા બદનામ કરવા માટે ભાજપે પોતાના દરવાજા ઉઘાડા ફટાક મૂક્યા છે અને પક્ષપલટો કરનારને આવકાર્યા છે. આ નીતિથી કદાચ કામચલાઉ લાભ મેળવી શકાય, પણ લાંબા ગાળે આ વલણના કારણે ભાજપે ઘણી નુકસાની ભોગવવી પડે. લાંબા સમય સુધી કોંગ્રેસી આગેવાન તરીકે પ્રતિષ્ઠા અને હોદ્દા ભોગવનાર આગેવાનો સત્તાની લાલચે પક્ષનો દ્રોહ કરે તે ભાજપને પણ વફાદાર રહેવાના નથી અને ખરા વખતે ખસી જશે. દ્રોહીઓનો સાથ લેવામાં વાંધો નથી, પણ તેમને હોદ્દા આપવામાં આવે તો ભાજપના નિષ્ઠાવાન કાર્યકરોમાં નારાજગી વધે. જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યસભાની ઉમેદવારી આપવામાં ભાજપી કાર્યકરનો ભોગ લેવો પડે અને આ બધું લાંબો વખત ચાલતું રહે તો પક્ષમાં અસંતોષ ફેલાયા સિવાય રહે નહીં.

આ દ્રોહ નથી. માથા વગરના ધડ જેવો કોંગ્રેસ પક્ષ વહેલે મોડે છોડવો જ પડે તેવી સ્થિતિ હોવાથી સિંધિયાએ આ પગલું સમયસર ભરીને પોતાની દૂરંદેશી દર્શાવી છે. મધ્યપ્રદેશમાં શરૂઆત થયા પછી રાજસ્થાન અને મહારાષ્ટ્રની ઊથલપાથલ થયા સિવાય રહેવાની નથી. ખખડી ગયેલા મકાનની એક ઇંટ ખરી પડ્યા પછી બીજી ઇંટો આપોઆપ ખરી પડે છે.

જે કંઇ બની રહ્યું છે તે માટે કોંગ્રેસની નબળાઇ અને નિષ્ક્રિયતા જવાબદાર છે તેવું બધા સમજે છે, પણ લાંબા વખતથી કચડાયેલો અવાજ ફરીથી ઉઠાવી શકે અથવા ઉઠાવે તેવો નેતા દેખાતો નથી. ઇન્દિરા ગાંધીના જમાનાથી પૂંછડી પટપટાવવા માટે ટેવાયેલા કોંગ્રેસી આગવાનો ભસવા-કરડવાનું લગભગ ભૂલી ગયા છે. કોંગ્રેસમાં નેતાઓની ખોટ નથી. ડો. મનમોહનસિંહ, ચિદમ્બરમ્, એન્થની, શશી થરૂર જેવા નેતાઓનાં નામ જાણીતાં છે. કોંગ્રેસે બે વરસ અગાઉ જીતેલા પ્રદેશોના નેતાઓએ વહીવટ સુપેરે સંભાળ્યો છે, પણ આ નેતાઓની શક્તિ અને આવડતનો લાભ ઉઠાવી શકે તેવી સામૂહિક આગેવાની કોંગ્રેસ પાસે નથી. રાજવંશી ખાનદાનમાં પક્ષની લગામ પકડવાની શક્તિ કે આવડત દેખાતી નથી.

કોંગ્રેસને સજીવન કરવા માટે આંતરિક ચૂંટણીઓ જરૂરી છે અને તળિયેથી ટોચ સુધીના આગેવાનો ચૂંટાયેલા હોવા જોઇએ તેવી સલાહ શશી થરૂરે જાહેર રીતે આપી છે, પણ સાચી સલાહ આપનાર મળે તો પણ તેને સાંભળનાર શોધ્યા જડતા નથી. આયુર્વેદના નિષ્ણાતો કહેતા હોય છે કે આયુર્વેદ પાસે રામબાણ ઔષધો છે, પણ દર્દીનો મરણકાળ આવ્યો હોય ત્યારે વૈદને દવા સૂઝતી નથી અને સૂઝે તો પણ દર્દી તે દવા ખાઇ શકતો નથી. કોંગ્રેસની સ્થિતિ આવા મરણાસન્ન માનવી જેવી થઇ પડી છે અને તેથી તેને ઉગારવાની જવાબદારી ધરાવતા લોકો પણ હાથ જોડીને સૂનમૂન બેઠા છે.

આ પરિસ્થિતિ દેશ માટે કે લોકશાહી માટે ખતરનાક છે. લોકશાહીને ટકાવી રાખવા બહુત્વ અત્યંત જરૂરી છે. દેશમાં એક જ પક્ષનું વર્ચસ્વ હોય તો લોકશાહી વહેલે મોડે કરમાઇ જાય છે. 1947થી 1996 સુધીના કોંગ્રેસી વર્ચસ્વે લોકશાહીને પાંગરવા દીધી નથી અને હવે ભાજપી વર્ચસ્વ જામે તે પણ ઇચ્છનીય નથી. મધ્યપ્રદેશમાં કોની રાજવટ સ્થપાય તે સવાલ રાજકારણીઓ માટે મહત્ત્વનો છે, પણ પક્ષોની રાજવટ જતી-આવતી રહેશે કે નહીં તે સવાલ વધારે મહત્ત્વનો છે.
કર્ણાટક, મધ્યપ્રદેશ માટે ભાજપને દોષ દેવાનું વાજબી નથી. આ બંને રાજ્યોમાં જે ઊથલપાથલ થઇ તે સત્તાધારી પક્ષના આંતરપ્રવાહોના કારણે થઇ છે. અમારા ધારાસભ્યોને ખરીદી લેવાયા તેવો કકળાટ કરવાથી કશો ફાયદો નથી.

પક્ષ મજબૂત હોય અને સત્તા સ્થિર હોય તો કોઇ ધારાસભ્ય જાણી બૂઝીને વિરોધ પક્ષમાં જતો નથી. પક્ષપલટો કરવા માટે જેટલાં નાણાં મળે તેના કરતાં ઘણાં વધારે નાણાં ધારાસભ્યો પોતાનાં કામ કરાવીને મેળવી લેતા હોય છે. પક્ષ નબળો પડે અને સામા પક્ષે જવાથી વધારે ફાયદો છે તેવું દેખાવા લાગે પછી જ ધારાસભ્યોના ખરીદી વેચાણની હાટડીઓ કામ કરતી થાય છે. ધનલોભનું આકર્ષણ ઘણું જબરદસ્ત હોય છે, પણ સત્તાધારી પક્ષમાં રહેવાનું આકર્ષણ તેના કરતાં ઘણું વધારે પ્રબળ હોય છે. રાજકારણી આગેવાનો હંમેશાં સત્તાવર્તુળમાં રહેવાની મથામણ કરે છે. સત્તા વગરનો રાજકીય આગેવાન પાણી વગરનાં માછલાંની જેમ તરફડતો હોય છે. માત્ર નાણાં મેળવવા માટે પક્ષપલટા થતા નથી. નાણાંની જોડાજોડ સત્તા પણ મળવાની છે તેવી સંભાવના પણ હોય છે.

ધારાસભ્યોની ખરીદી વેચાણ અંગે આપણા અખબારી અને વીજાણુ માધ્યમો ઘણું કહેતાં હોય છે અને ખરીદ ભાવના આંકડા પણ ખાસ્સા જબરદસ્ત હોય છે, પણ પક્ષપલટો કેવળ નાણાથી થઇ શકે નહીં. રાજકારણમાં નાણાંનો વપરાશ અતિશય સંભાળપૂર્વક કરવો પડે. જો તેમાં થોડી પણ ઊણપ રહે તો દાવ ઊલટો ગળામાં ફસાઇ જાય છે. જેને નાણાં આપો તે ધારેલું કામ કરી શકે નહીં તેની ખાતરી હોતી નથી, પણ જેને નાણાં અપાયાં નથી તે તો તમારી વિરુદ્ધમાં વર્તન કરશે જ. નાણાં રાજકારણમાં અને જીવતરમાં પણ નકારાત્મક ગુણ ધરાવે છે. નાણાં ન હોય તો દુ:ખી થવાય જ, પણ નાણાં હોય તો સુખી થવાય તેવી બાંયધરી આપી શકાતી નથી. સત્તામાં બંને પ્રકારના ગુણ હોય છે. મધ્યપ્રદેશમાં પક્ષપલટો થયો તેમાં નાણાંની વાત હજુ સુધી સાંભળવા મળી નથી, પણ સત્તાલાભ તો સમાયેલો છે જ. મધ્યપ્રદેશની ઘટનાને તેના પૂરેપૂરા પરિપ્રેક્ષ્યમાં મૂલવવાનો અવસર હજી પાક્યો નથી. તેનાં સારાંનરસાં પરિણામ આવતાં દેખાય ત્યાર પછી જ તટસ્થ મૂલ્યાંકન થઇ શકે.

X
latest article by nagindas sanghavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી