તડ ને ફડ / જવાહરે કુનેહથી ભારતનું નાવડું રણમાં ચલાવી બતાવ્યું

Jawahar showed off India's deserted desert with a gun

નગીનદાસ સંઘવી

Nov 13, 2019, 08:25 AM IST
નહેરુ જન્મદિન વિશેષ 14 નવેમ્બર: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાહરની જેમ ગાજી શકે છે, પણ આજનું ભારત અને 1947ના ભારત વચ્ચેનો તફાવત આ બે નેતાઓના અવાજમાં પડઘાય છે
યુગ પુરુષોની જન્મ કે મરણની જયંતીઓ મોટાભાગે સરકારી ઉજવણી હોવાથી તેમાં રાજકારણની દુર્ગંધ હંમેશાં ભળેલી હોય છે. દાયકાઓ સુધી જેમની ઉપેક્ષા થઈ તે સરદાર પટેલના હવે વધામણા લેવામાં આવે છે અને જેમની શતાબ્દી ઉજવવા પાછળ રાજીવ ગાંધીની સરકારે 400 કરોડનું આંધણ કર્યું તે જવાહરલાલ નહેરુને હવે વિસારે પાડવામાં આવે છે.
ભારતનો ઇતિહાસ નવેસરથી અને ભારતીય દૃષ્ટિકોણથી લખાવો જોઈએ તેવા હાકલા પડકારા થઈ રહ્યા છે, પણ ઇતિહાસને દેશકાળ કે માન્યતા પ્રમાણે લખી શકાય નહીં. ઇતિહાસ માત્ર સત્ય શોધનનો પ્રયાસ છે અને તેથી ગઈ સદીના યુગપુરુષોની વંદના કરવામાં જરૂરી તટસ્થતા જાળવવામાં જેટલી કસર રહી જાય તેટલી વિકૃતિ થાય છે. ભારતમાં લોકશાહીના મૂળિયા ઊંડે સુધી ધરવી દેવાની કામગીરી જવાહરલાલજીના સત્તર વર્ષનાં સત્તાકાળમાં થઈ તેટલી પછીના કોઈ જમાનામાં થઈ નથી. જે લોકશાહીનું બાપે સંવર્ધન કર્યું તેના મૂળ ઉખેડી નાખવાનો પ્રયાસ દીકરીએ કર્યો, પણ ગાંધીજીની તપશ્ચર્યા અને જવાહરલાલજીના અભિગમને મિથ્યા કરવાની શક્તિ ઇન્દિરા ગાંધીમાં નહોતી. ગાંધી-જવાહર-સરદારની ત્રિપુટી આ બાબતમાં એકમત હતી, પણ સરદારને પોતાનો ફાળો આપવા માટે કાળનો ગજ ટૂંકો પડ્યો. સરદાર આઝાદી પછી માત્ર સાડાત્રણ વર્ષ જીવ્યા. જવાહરલાલે સત્તર વર્ષ જવાબદારી ઉપાડી.
ભારતની આઝાદી માટેની લડતનો આરંભ ગાંધીજીએ કર્યો નથી, પણ તેમણે આ લડતને લોકલડતનું પરિમાણ આપ્યું અને તેના સંચાલન માટે દેશભરમાં અનેક મહારથીઓને તાલીમ આપીને તૈયાર કર્યા. આ મહારથીઓના મોખરે ઊભેલા બે સેનાપતિ સરદાર અને જવાહર વચ્ચેનાં સંબંધોને અણસમજું લોકો વિકૃત સ્વરૂપ આપી રહ્યા છે. સરદાર અને જવાહર એકબીજાનાં પૂરક છે તે સમજવાની દૃષ્ટિ આપણે ગુમાવી બેઠા છીએ. ગાંધીએ પોતાના વૈચારિક રાજકીય વારસદાર તરીકે સરદારના બદલે જવાહરની વરણી કરી તેને ગાંધીજીના પક્ષપાતી વલણ તરીકે રજૂ કરવામાં આવ્યું છે.
ગાંધી અને જવાહર બંને સ્વપ્નદૃષ્ટા છે. બંને ઇન્ટેલેક્ચ્યુઅલ છે. બંને લેખક છે. બંને અવહેવારું પણ છે. ગાંધીજી ભારતીય પરંપરાના સમર્થક છે. જવાહર વૈશ્વિક પ્રવાહોનાં પ્રતિનિધિ છે. બંને અંગ્રેજી સરકારથી ઘડાયાં છે અને અંગ્રેજી સમાજના પ્રશંસકો છે. સરદાર પટેલ આ બંનેથી અનેક રીતે અલગ પડી જાય છે. સરદાર અનુભવ વૃદ્ધ અને વ્યવહાર કુશળ છે. જવાહર નિત્ય યુવા છે ને ભાવના પ્રવાહમાં ખેંચાઈને ખોટા રસ્તે અફળાઈ પડવાનું જોખમ ઉપાડનાર છે. સરદાર અંગત જીવનમાં ગાંધીજી જેવા સંયમશીલ છે. જવાહરે સ્ત્રીઓ, શરાબ ને સિગારેટનું સેવન જિંદગીભર કર્યું છે.
જવાહરે ભારતમાં સમાજવાદી વિચારસરણીના બીજ રોપ્યાં. જયપ્રકાશ નારાયણ, રામનારાયણ લોહિયા અને અશોક મહેતાએ સ્થાપેલા કોંગ્રેસ સમાજવાદી પક્ષને હૂંફ આપી. 1931ના કોંગ્રેસ અધિવેશનમાં આર્થિક આયોજનનો ઠરાવ કરાવ્યો અને પ્રો. ખુશાલ શાહ પાસે આર્થિક આયોજનનું પ્રારૂપ પણ તૈયાર કરાવ્યું.
આઝાદ ભારતમાંથી તમામ દેશી રજવાડાઓને નાબૂદ કરવાનો વિચાર જવાહરનો જ હતો. તે જમાનાના તમામ યુવાનોના લાડીલા જવાહરલાલ અંગ્રેજી ભાષાના અતિ સમર્થ વક્તા હતા. આઝાદીને આવકારતું તેમનું ભાષણ વિશ્વના શ્રેષ્ઠ ભાષણોમાં સ્થાન પામ્યું છે. બંધારણસભામાં બંધારણના ઉદ્દેશો અંગે જવાહરે આપેલું પ્રવચન બંધારણના આમુખ તરીકે લેવાયું છે. ઇન્દિરા ગાંધીએ તેમાં થોડો બગાડ કર્યો છે, પણ આમુખની કવિતા મનોહારી છે અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રી અર્નેસ્ટ બાર્કરે લોકશાહીની સર્વોત્તમ વ્યાખ્યા તરીકે પોતાના પુસ્તકના આરંભે આખો આમુખ ઉતાર્યો છે.
ભારત જેવા પછાત, અભણ, ગરીબ દેશમાં લોકશાહીની સ્થાપના અશક્ય છે તેવી દુનિયાભરનાં વિદ્વાનોની માન્યતાને ઠોકરે મારીને જવાહરે અભણ અને ગરીબ સમાજને મનાધિકાર અપાવ્યો છે. ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી) જેવા ધુરંધર આગેવાન આવા મતાધિકારના વિરોધી હતા. કાશ્મીર, તિબેટ અને ચીન અંગેના જવાહરના અભિગમની ટીકા કરનાર લોકોને તે જમાનાની પરિસ્થિતિની કશી જાણકારી નથી.
જવાહરલાલનું ઘણું મોટું પ્રદાન વિદેશનીતિના ઘડતરમાં છે. તે જમાનાની બે મહાબળવાન મહાસત્તાઓ અમેરિકા અને રશિયા બંનેને પડતાં મૂકીને તેમણે નોન અલાઇમેન્ટની ઘોષણા કરી. ઇજિપ્તના કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના માર્શલ ટીટો તેમની સાથે જોડાયા અને બંને મહાસત્તાઓથી અલગ સો જેટલા રાજ્યોના સંઘની આગેવાની ભારતના હાથમાં આવી. તે જમાનાના કંગાળ, નિર્બળ ભારતને યુનોમાં કોઈ સાંભળે નહીં, પણ સો રાજ્યોનાં આગેવાન ભારતનો અવાજ જવાહરે યુનોમાં ગજાવ્યો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાહરની જેમ ગાજી શકે છે, પણ આજનું ભારત અને 1947ના ભારત વચ્ચેનો તફાવત આ બે નેતાઓના અવાજમાં પડઘાય છે. જવાહરે પોતાની કુનેહથી ભારતનું નાવડું રણમાં ચલાવી બતાવ્યું.
પોતાની વિદેશનીતિમાંથી તસુભાર વિચલિત થયા વગર જવાહરે રશિયાની મૈત્રી હાંસલ કરી અને ભારતમાં પાયાના ઉદ્યોગોના કારખાના રશિયાની મદદથી ઊભાં થયા. રશિયાની નકલ કરીને જવાહરે અપનાવેલ પંચ વાર્ષિક યોજનાઓ અને કમ્યુનિટી ડેવલમેન્ટ સેન્ટર્સથી ભારતીય અર્થતંત્રને ફાયદો થયો કે નુકસાન થયું તે બાબતમાં અર્થશાસ્ત્રીઓ વચ્ચે મોટો મતભેદ છે, પણ તે જમાનામાં કદાચ બીજો કોઈ વિકલ્પ નહોતો, તેવા બચાવ કરવામાં આવે છે.
આઝાદી મળી ત્યારે ભારતમાં એક જ રાજકીય પક્ષ કોંગ્રેસ હતો અને આવો એક જ પક્ષ હોય ત્યાં લોકશાહી ટકતી નથી છતાં ભારતમાં લોકશાહી ટકી રહી તેની અજાયબી દુનિયાભરનાં રાજ્યશાસ્ત્રીઓએ અનુભવી અને ભારતીય લોકશાહી માટે એક પક્ષ પ્રભાવી લોકશાહી એવું નવું નામ અપાયું. વરાહ અવતારી વિષ્ણુએ એક દાંતથી આખી પૃથ્વીને ઉપાડી તેવો શ્લોક ચાણક્ય માટે પણ વપરાય છે. થોડીક અતિશયોક્તિ કરીએ તો ભારતની લોકશાહીના મૂળ જવાહરલાલના પ્રયાસથી જ જામ્યા તેમ કહી શકાય.
જવાહરલાલ કોંગ્રેસના આગેવાન, પણ તેમની આગેવાની આસાન નહોતી. ગાંધીજીની તાલીમ પામેલા અનેક મહારથીઓ જોડે તેમણે કામ પાડવાનું હતું. આવી આગેવાની માટે જુલિયસ સિઝર માટે લેટીન ભાષામાં વપરાયેલું સૂત્ર પ્રાઇમસ ઇન્ટર પારેસ (સમાનો વચ્ચે આગેવાન) લાગું પાડી શકાય છે. મૌલાના આઝાદ, રાજેન્દ્ર પ્રસાદ, રાજાજી, રફી અહમદ કિડવાઈ, ગોવિંદ વલ્લભ પંત જેવા મહારથીઓને સંભાળવાનું કામ સાધારણ માણસ કરી શકે નહીં. જવાહરલાલનો સમોવડિયો શોધવો હોય તો અઢી હજાર વર્ષ અગાઉના એથેન્સ શહેરના આગેવાન પેરિક્લીસને યાદ કરવો પડે. ઇતિહાસકારોએ નોંધ્યું છે તેમ ત્રીસ વર્ષ એથેન્સની લોકશાહી પેરિક્લીસનો ચહેરો હતો. ભારતની લોકશાહીના આરંભના વર્ષો માટે પણ કહી શકાય કે સત્તર વર્ષ ભારતની લોકશાહીની ઓળખ જવાહરલાલ છે.
આવા પુરુષનો આવતી કાલે જન્મ દિવસ છે. આપણે તો માત્ર તેમને ખોબાભર અર્ધ્ય આપી શકીએ અને ખોબામાં કેટલી વાત સમાય?
[email protected]
X
Jawahar showed off India's deserted desert with a gun

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી