તડ ને ફડ / ગાંધી-ગોડસે : ચર્ચા ચાલતી જ રહેશે!

Gandhi-Godse: Discussion will continue!

નગીનદાસ સંઘવી

Jun 12, 2019, 08:15 AM IST

ભારતીય જનતા પક્ષની શિસ્ત સમિતિએ ભોપાલમાંથી નવાંસવાં ચૂંટાયેલાં પોતાના પક્ષનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને શિસ્તભંગ માટે નોટિસ મોકલી છે અને ગોડસેને દેશભક્ત કહેવા માટેનાં કારણોની વિગત માગી છે. પોતે આ વિગતો મોકલી આપી છે તેવો ખુલાસો તેમણે કર્યો છે, પણ તેમનો ખુલાસો તેમના અગાઉના બકવાસ જેવો જ વાહિયાત હોવાની સંભાવના નકારી શકાય નહીં. ચૂંટણી દરમિયાન અતિશય ઊહાપોહ થયો તેથી પ્રજ્ઞાએ માફી માગેલી, પણ તેમની વિચારણા જેમની તેમ જ રહી હોવાના કારણે તેમની માફી પણ તેમના વૈરાગ્ય જેટલી જ બનાવટી હોવાનો સંભવ છે. આ બધાં કહેવાતાં સાધુ-સાધ્વીઓમાં જો ત્યાગ-વૈરાગ્યનો અંશ પણ હોય તો સત્તાકારણમાં પડવાનું અશક્ય
બની જાય.
ગાંધી-ગોડસેની ચર્ચાબાજી અનંતકાળ સુધી ચાલ્યા કરવાની છે, કારણ કે યુગપુરુષ ગાંધીનું અવસાન થવામાં હજી બીજાં સો-બસો વર્ષ લાગી જવાનાં છે. ગાંધીજી જીવતા હતા ત્યારે જેટલા ચર્ચાસ્પદ હતા તેટલી જ ચર્ચાઓ તેમના વિશે તેમના અવસાન પછી ચાલતી રહી છે અને હિમાલયનું માપ કાઢવાની મથામણ કરનાર વેંતિયાઓના કાદવ ઉછાળથી કશું થવાનું નથી. સૂરજ સામે ઊંચું માથું કરીને થૂંકનાર માણસના ચહેરા પર જ તે થૂંક પાછું આવી પડે છે. ગાંધીજીના વિશે વગર સમજ્યે આદરભાવ દર્શાવનાર લોકો પણ બીજા પ્રકારના વેંતિયાઓ જ છે. ગાંધીજીનું મૂલ્યમા‌પન કરવા માટે તેમની કક્ષાએ પહોંચે તેવા વિરાટ વિવેચકો આપણી પાસે નથી. જીવતા જીવે ગાંધીજી મહાત્મા કહેવાયા, પણ ભારતની આમ જનતા તેમના માટે આદરભાવ સેવતી હતી તેમ કહેવું તે જુઠ્ઠાણું છે અને ગાંધીજીને અન્યાયકારક છે. પયગંબરો પોતાના દેશમાં કદી આદર પામતા નથી. તેવું ઇસુનું કથન થોડું વિસ્તારીને કહીએ તો પોતાના દેશ અને પોતાના જમાનામાં કોઈ પયગંબર પૂજાયો નથી. સત્યનો મહિમા ઘણો ગવાયો છે, પણ ઇતિહાસના તમામ સત્યવક્તાઓને સમાજે હંમેશાં વગોવ્યા છે અને મારી પણ નાખ્યા છે. બુદ્ધની હત્યાનો પ્રયાસ કરનાર અને મહાવીરના કાનમાં ખીલા ઠોકનાર તો એકલદોકલ જ હોય, પણ સમાજની અનુમોદના તેને મળતી રહેતી હોય છે. ગોડસે પણ આવી એકલદોકલ વ્યક્તિ છે, પણ ગાંધીજી પ્રત્યે બહુજન સમાજના ધિક્કાર અને અવિશ્વાસનું ગોડસે એક પ્રતીક છે અને ગાંધીજી જીવશે ત્યાં સુધી તેમનો હત્યારો ગોડસે પણ જીવતો જ રહેશે. રામની કથા કહેવી હોય તો રાવણીને પણ આપોઆપ યાદ કરવા જ પડવાના છે.
ગાંધીહત્યામાં એક અધૂરપ-ઊણપ રહી ગઈ છે. હું તમારી હત્યા કરવા આવ્યો છું તેવું ગોડસે ગાંધીજીને કહી શક્યા હોત તો કદાચ જ્હોનીસ બર્ગમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન થયું હોત. કદાચ ન પણ થયું હોત. આ ચમત્કારી ઘટના વખતે હાજર રહેલાં શ્રીમતી કોલન બેકે પોતાના ટચૂકડા ગ્રંથમાં તેનું હૂબહૂ વર્ણન કર્યું છે.
હું અને મિ. ગાંધી સભામાંથી પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે એક ઉશ્કેરાયેલો માણસ ગાંધી પાસે આવીને કશું બરાડવા લાગ્યો. ગાંધી તેને શાંત પાડવાની મહેનત કરતા હતા. ભાષા ન જાણતી હોવાથી તેમની વાતચીત હું સમજી શકતી નહોતી. બંને મારાથી થોડાં પગલાં આગળ ચાલતા હતા. ગાંધી તેની પાસેથી કંઈક માગી રહ્યા હતા અને પેલો માણસ આનાકાની કરતો હતો. છેવટે તેણે ગાંધીના હાથમાં કશુંક મૂક્યું અને ચાલ્યો ગયો. થોડાં પગલાં ઉતાવળે ચાલીને હું ગાંધી પાસે પહોંચી અને શું હતું તે મેં ગાંધીને પૂછ્યું. ગાંધીએ કહ્યું કે, ‘તે માણસ મારું ખૂન કરવા આવ્યો હતો. મેં તેને સમજાવ્યું કે મને મારી નાખવાથી તેનો હેતુ ફળવાનો નથી. છેવટે તે મને છરો આપીને ગયો.’ ગાંધીએ હાથની મુઠ્ઠી ખોલીને મને તે છરો બતાવ્યો.
ગાંધીએ મરણનો ભય ક્યારનોય છોડી દીધો હોવાથી તેમની હત્યા કરવાથી કોઈનું કશું વળે તેમ નથી.
સાધ્વી પ્રજ્ઞાએ ગોડસેને દેશભક્ત કહ્યા છે, કારણ કે આ મૂરખ બાઈને દેશ અને દેશભક્તિ કોને કહેવાય તેની સમજ નથી. તેમના માટે હિન્દુઓ દેશ છે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર કહેવાની ઝંખના સંઘપરિવારના બધા એકમો સેવે છે.
પણ જેમણે ભારતનો કારોબાર સંભાળવો છે તેમને આવી સંકુચિતતા પોસાય નહીં. ભારતની વિશાળતા અને હિન્દુત્વની સંકુચિતતા પરસ્પર વિરોધી છે. હિન્દુત્વ પણ એક વિભાવના છે અને દરેક પ્રકારની સંકુચિત મનોવૃત્તિને લાગુ પડે છે. મુસ્લિમત્વ અને ઇસાઇત્વ પણ હિન્દુત્વ જેટલા જ જોખમી પર્યાયો છે.
મોદીનો ઉછેર સંઘ પરિવારમાં થયો છે અને સંઘની વિચારસરણીના પ્રચારક તરીકે તેમણે વીસ વર્ષ ગાળ્યાં છે, પણ બાળપણની આ ભાવના તેમણે પુખ્ત વયે છોડી દીધી છે. નરેન્દ્ર મોદી હિન્દુ છે, હિન્દુ હોવા માટે ગૌરવ ધરાવે છે અને અન્ય સંપ્રદાયના બાહ્ય પ્રતીક મુસ્લિમોની ટોપી કે ખ્રિસ્તીઓનો ક્રોસ ધારણ કરવા તૈયાર નથી, પણ પોતપોતાના સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવનાર પ્રામાણિક લોકો બીજા ધર્મોના શત્રુઓ બની જતા નથી. અબ્દુલ કલામ ચુસ્ત મુસ્લિમ હતા અને પોતાના મોટાભાઈ હજ કરવા જઈ શક્યા તેનો આનંદ તેમણે પોતાની આત્મકથામાં વ્યક્ત કર્યો છે. મધર ટેરેસા ચુસ્ત ખ્રિસ્તી હતાં અને ખ્રિસ્તી સંપ્રદાયની દરેક રસમનું પાલન કરતાં હતાં, પણ કલકત્તાની શેરીઓમાં સબડતા લોકો પ્રત્યે અનુકંપા દર્શાવવામાં તેમણે ખ્રિસ્તી, બિનખ્રિસ્તીનો ભેદ કદી પાળ્યો નથી. ગાંધીજી પોતાની ઓળખાણ હંમેશાં ચુસ્ત સનાતની હિન્દુ તરીકે આપતા હતા, પણ ગાંધી કોમવાદી બની ન શકે તેટલા વિશાળ હતા. ગાંધીજીની રાજનીતિ અને રણનીતિનો વિરોધ બિચારો ગોડસે કેવી રીતે કરી શકે? આ વિરોધ તો વલ્લભભાઈએ કર્યો અને જવાહરલાલ નેહરુએ કર્યો. મારા શબ પર જ પાકિસ્તાનની સ્થાપના થશે તેવું કહેનાર ગાંધીને બાજુએ તારવીને વલ્લભભાઈએ પાકિસ્તાની સ્થાપનાને મંજૂરી આપી. ગાંધીજીના વિચારો કે માન્યતાઓનો વિરોધ કરવામાં કશું ખોટું નથી અને ખરાબ પણ નથી. ગાંધીજીના ઉગ્ર વિરોધી અને તેમના કારણે તેમણે કોંગ્રેસ છોડવી પડી તેવા સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકેનું સંબોધન સૌથી પહેલાં કર્યું. ગાંધીજીએ મહમ્મદ અલી જિન્નાહને કાયદે આઝમનો ખિતાબા આપ્યો અને પાકિસ્તાને મોરારજી દેસાઈને ‘નિશાને પાકિસ્તાન’ બનાવ્યા. વિરાટ પુરુષોના આ સંમેલનમાં ગોડસે જેવું એક મગતરું ગાંધી વિચારનો વિરોધ કેવી રીતે કરી શકે અને પ્રજ્ઞા ઠાકુર બિચારાં આ બધી વિરાટલીલાને જોવા-સમજવાની આંખ ક્યાંથી લાવે?
ગોડસેને દેશભક્ત કહેવા માટે પોતે સાધ્વી પ્રજ્ઞાને કદી માફ કરી શકશે તેવું કહેનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘપરિવારના અગણિત આગેવાનોનું શું કરશે? લગભગ આખો સંઘપરિવાર ગાંધીને રાષ્ટ્રદોહી જ ગણે છે. તેમની ચુપકીદી તેમની સંમતિની નિશાની છે.
પણ વડોપ્રધાન કેવળ હિન્દુઓનો અથવા કેવળ ભાજપનો વડોપ્રધાન નથી. આખા દેશનો, તેમના વિરોધીઓનો અને તેમને ‘જલ્લાદ’ કહેનાર શ્રીમતી રબડી દેવીનો પણ વડોપ્રધાન છે. તેમને હિટલર ગણનાર મમતા બેનર્જી અને મણિશંકર અય્યરનું હિત જાળવવાની જવાબદારી નરેન્દ્ર મોદીએ નિભાવવી પડે. સબકા સાથમાં બધા નાગરિકો, મોદીના કટ્ટર દુશ્મનો પણ આવી જાય છે. ભારત જેવા વિશાળ, સંકુલ અને અદ્્ભુત સમાજનો આગેવાન સંકુચિત રહે તો તેનો નાશ થાય અને નાશ થવો જોઈએ, કારણ કે આગેવાન આંધળો હોય તો તેનું દળકટક કૂવામાં પડે તેવી કહેવત આપણે ત્યાં જૂના જમાનાથી વપરાય છે. ગોડસેને દેશભક્ત કહેનાર થોડા લોકો દેશમાં હોવા જોઈએ. ગાંડાઓનાં ગામ કંઈ જુદાં વસતાં નથી. તેઓ પણ હમવતન છે અને હમસફર પણ છે. {
[email protected]

X
Gandhi-Godse: Discussion will continue!

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી