તડ ને ફડ / દારૂબંધી : પ્રતિબંધ છતાં પિવાય છે!

Drunkenness: Drinking though ban!

  • દારૂબંધી કદી પૂરેપૂરી સફળ થઈ નથી અને કોઈ દિવસ, કોઈ પ્રદેશમાં પૂરેપૂરી સફળ થવાની નથી છતાં તેના પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે

નગીનદાસ સંઘવી

Oct 16, 2019, 07:53 AM IST

ગુજરાતમાં ઘેર-ઘેર દારૂ પીવાય છે તેવું રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવેદનને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાનું અપમાન ગણાવ્યું અને ગુજરાતમાં દારૂબંધીની સફળતા નિષ્ફળતા અંગે જબરો ઊહાપોહ જામ્યો. આ વિધાનમાં અતિશયોક્તિ તો છે જ, કારણ કે ગુજરાતનાં મોટા ભાગનાં કુટુંબો પરંપરાગત ધોરણે દારૂ પીતાં નથી, પણ કાયદેસર અને ગેરકાયદેસર રીતે દારૂ પીનારની સંખ્યા નાનીસૂની નથી. સમૃદ્ધિ વધે તેની સાથે ભાતભાતની નશાખોરી હંમેશાં વધે છે તેવો આખી દુનિયાનો અનુભવ છે. ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે અને તેની સમૃદ્ધિ વધતી જાય છે.

દારૂબંધી હોય ત્યાં હંમેશાં ગેરકાયદેસર દારૂ ગાળવાનું, વેચવાનું અને પહોંચાડવાનું કામ ચાલે જ છે. દારૂબંધીના સૌથી જૂના પ્રયોગની નોંધ મહાભારતમાં લેવાઈ છે અને યાદવોનાં વ્યસન તોડવા માટે કૃષ્ણે દ્વારકામાં દારૂબંધી કરી અને દારૂ ગાળનાર, પીનાર માટે સખત સજાની જોગવાઈ કરી. છતાં કશું વળ્યું નહીં અને યાદવો દારૂ પીને યાદવાસ્થળીમાં પરસ્પર કપાઈ મુવા. દારૂબંધીમાં શ્રીકૃષ્ણ નિષ્ફળ જાય તો રૂપાણી સાહેબને દોષ આપવાની જરૂર નથી.

ભારતને આઝાદી મળી ત્યારે લગભગ બધાં રાજ્યોએ દારૂબંધીનો કાયદો કર્યો, પણ દારૂ પરની જકાતની મોટી આવક, બુટલેગરોનો ત્રાસ અને દારૂબંધીની નિષ્ફળતાના કારણે ધીમે-ધીમે બધાં રાજ્યોએ દારૂબંધીના કાયદા નાબૂદ કર્યા, પણ ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં દારૂબંધી સતત ટકી રહી છે. મિઝોરામમાં દારૂબંધી છે, બિહારમાં સ્ત્રી મતદારોની માગણીના કારણે નીતીશકુમારે 2016 પછી દારૂબંધી દાખલ કરી છે. આંધ્રમાં પણ દારૂબંધીનો અમલ છે.

દારૂ બનાવવાનો ધંધો સહેલો છે અને ઘણો નફો રળી આપે છે. ખાવા પીવાની કોઈ પણ ચીજ સડી જાય ત્યારે તેમાંથી દારૂ બને છે. કૃષ્ણના મોટાભાઈ બલરામે કોંકણવાસ દરમિયાન સડેલાં ફૂલમાંથી બનાવેલો દારૂ પીધો અને દારૂના અડંગ વ્યસની બન્યા તેવું હરીવંશમાં નોંધાયું છે. પ્રાચીન ભારતમાં દારૂનો નિષેધ નથી તેવું વાલ્મીકિ રામાયણમાં ઠેર-ઠેર નોંધાયું છે. દારૂનો પહેલો અને સખત નિષેધ પયગંબર મહમ્મદ સાહેબે કર્યો અને દારૂ શરીરના જે ભાગને અડે તે ભાગ કાપી નાખવાનું ફરમાન નબી સાહેબે કર્યું. આ ખ્યાલ હિન્દુઓએ અપનાવી લીધો અને દારૂ અંગેની ઉગ્ર નફરત હિન્દુ ધર્મનો ભાગ બની ગઈ.

દારૂ પાપ નથી, કુટેવ છે. ઘણી ખરાબ અને નુકસાનકારી આદત છે. તંદુરસ્તી માટે જરૂરી કાળજી (લીવર) દારૂના કારણે બગડે છે અને દારૂડિયો મોટા ભાગે વહેલો મરે છે. દારૂ અતિશય મોંઘી કુટેવ છે અને ગરીબ વ્યસનીઓ બાળકોનાં મોમાંથી કોળિયો અને સ્ત્રીનાં ઘરેણાં કપડાં પડાવીને દારૂ પીવે છે. દારૂ ઘણી ગંદી આદત છે. શરીર પરથી કાબૂ ગુમાવી બેઠેલા દારૂડિયાઓ ગમે ત્યાં ઢળી પડે છે અને પોતાની ઊલટીમાં રગદોળાય છે. દારૂથી મિત્રો વચ્ચે ઝઘડા થાય છે. ફ્રાન્સમાં થયેલા એક સર્વેક્ષણ મુજબ નેવું ટકા અકસ્માતો અને લગભગ પંચોતેર ટકાના ગુનાઓ દારૂડિયાઓ કરે છે.

વ્યક્તિ અને સમાજના સ્વાસ્થ્ય માટે અને સમૃદ્ધિ માટે દારૂબંધી આવશ્યક છે. શ્રીમંત કુટુંબના નબીરાઓ દારૂ અને બીજા નશાના ભોગ બને તેનાથી તેમના કુટુંબને ખાસ કશું નુકસાન થતું નથી અને તેમના વહેલા મરણ પછી પણ તેમનાં બીબી-બચ્ચાં આરામથી રહે છે, પણ મજૂર વર્ગની, આદિવાસી અને દલિત સ્ત્રીઓ દારૂબંધીની ચુસ્ત ટેકેદાર હોય છે. મહારાષ્ટ્રમાં સ્ત્રીઓએ શરૂ કરેલી ઝુંબેશ પછી નિયમ કરવામાં આવ્યો છે કે જે ગામડામાં બહુમતી સ્ત્રીઓનો વિરોધ હોય તેવા ગામડામાં સરકાર દારૂના પીઠા સ્થાપવા માટે મંજૂરી નહીં આપે. આવું જ આંધ્રમાં થયું છે.

દારૂ સ્ત્રીઓનો દુશ્મન છે, કારણ કે નશાબાજની ગાળો અને મારકૂટ તેમણે સહન કરવાં પડે છે અને ધણી, છોકરાંને ખવડાવ્યા પછી ખાવાનું ભાગ્યે જ બચે છે, કારણ કે ઘરની આવક દારૂમાં તણાઈ જાય છે. દારૂબંધી કદી પૂરેપૂરી સફળ થઈ નથી અને કોઈ દિવસ, કોઈ પ્રદેશમાં પૂરેપૂરી સફળ થવાની નથી છતાં તેના પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. ચોરી અથવા જુગારના ગુનાઓ બને છે તેના કારણે ચોરી કે જુગારની છૂટ આપવાની માગણી કોઈ કરતું નથી. દારૂબંધીથી સરકારની આવક ઘટે છે, પણ આમ જનતાના ઘરમાં થોડાક રૂપિયાની બચત થાય છે. દારૂબંધી માટે કાયદો જરૂરી હોવા છતાં તેની સફળતા કાયદાથી મળવાની નથી. દારૂ માણસની આદત છે અને કાયદાનો ધોકો પછાડવાથી અથવા તેના માથામાં મારવાથી આદત બદલી શકાતી નથી.

લોકોને સુધારવાનું કામ સરકાર કદી કરી શકે નહીં, કારણ કે સરકાર પાસે માત્ર બે જ સાધન છે. સરકાર લોકોને કાયદાથી ડરાવી શકે કે લલચાવી શકે, પણ ડર કે લાલચ સ્વભાવ બદલવાં માટે નકામાં છે. સ્વભાવ સુધારવાનું કામ માત્ર ધર્મ અને ધર્મપુરુષો જ બજાવી શકે. આપણી પાસે તેના નમૂના પણ હાજર છે. બસો વર્ષ અગાઉ સ્વામી સહજાનંદે કાઠિયાવાડ-કચ્છમાં વ્યસન મુક્તિની ઝુંબેશ ચલાવેલી અને ઘણી સફળતા મેળ‌વી. આજે પણ સ્વામિનારાયણનો ધર્મ પાળનાર લોકો બહુધા વ્યસનમુક્ત હોય છે. પરંપરાગત ધર્મ રૂઢિઓમાં શ્રદ્ધા રાખનાર કુટુંબો દારૂનો વપરાશ કરતાં નથી. ધર્મને હંમેશાં આત્મા પરમાત્મા સાથે જોડી દેવાની જરૂર નથી. ધર્મ એક જબરદસ્ત સામાજિક પરિબળ છે, પણ ધર્મનો વધારે પડતો ઉપયોગ લોકોને અંધશ્રદ્ધાળુ ને ઝનૂની બનાવે છે, તેથી ધર્મનું સાધન રાજકર્તાઓ વાપરે તે હંમેશાં નુકસાન કરે છે.
એકરારનામું. ગેહલોત સાહેબે કરી છે તેવી મૂર્ખાઈ મેં ચાલીસ વર્ષ અગાઉ કરેલી. 1977-78માં મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ

X
Drunkenness: Drinking though ban!

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી