તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીર નામે એક કૂટપ્રશ્ન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાશ્મીરમાં ત્રાસવાદીઓ જ્યારે પણ ઉધમાત મચાવે ત્યારે હિન્દુત્વવાદીઓ કાશ્મીરના સવાલને તોડી-ફોડીને ભૂંસી નાખવા માટે નારા લગાવે છે. પુલવામા પર લશ્કરી વાહનલંંગાર પર ત્રાસવાદીઓ તૂટી પડ્યા અને વાહન અથડાવ્યા ઉપરાંત તેમણે ધીંગાણું પણ ખેલ્યું. આ બધું થાય છે તે કાશ્મીરના કારણે થાય છે અને ભારત કાશ્મીરનો કબજો છોડતું નથી. વચન આપ્યા છતાં કાશ્મીરમાં લોકમત લેવાતો નથી તેથી ત્રાસવાદ ફેલાયો છે તેવી દલીલ પાકિસ્તાને હંમેશાં કરી છે. કમલ હસન જેવા દોઢડાહ્યા માણસે આ સવાલને બરાબર સમજ્યા વગર લોકમત લેવાની વણમાગી સલાહ આપી છે.
આજે દુનિયામાં અઘરામાં અઘરા બે સવાલ છે, એક ઇઝરાયેલના પેલેસ્ટાઇનનો અને બીજો કાશ્મીરનો. આ બંને સવાલો એવા ગૂંચવાયા છે કે તેના ઉકેલ શોધવાનું કામ કોઈ કરી શકતું નથી.
સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં બધાં દેશી રજવાડાંઓનો સવાલ ઉકેલી આપ્યો, પણ ત્રણ રાજ્યો જૂનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદના સવાલ અણઉકેલ રહ્યા. જૂનાગઢ અને હૈદરાબાદને ભારતે લશ્કરી પગલાં ભરીને ભેળવી દીધા, પણ કાશ્મીરનો નીવેડો એ રીતે લાવી શકાયો નહીં. કાશ્મીરમાં બનેલી ઘટનાના કારણે આ સવાલ યુનોના ચોપડે ચડ્યો છે. કાશ્મીરમાં યુનો નિરીક્ષક મંડળનું કાર્યાલય છે અને યુનોની સલામતી સમિતિ અવારનવાર કાશ્મીરની ચર્ચા કરે છે.
દરમિયાનમાં કાશ્મીર ભારતમાં આંશિક રીતે જોડાયું અને કાશ્મીરને ખાસ-વિશેષ દરજ્જો આપવાની ગોઠવણ બંધારણમાં કરવામાં આવી. ભારતનાં 29 રાજ્યોમાં એકમાત્ર કાશ્મીરને અલગ બંધારણ છે. અલગ ધ્વજ છે અને કાશ્મીરની ધારાસભાની પરવાનગી વગર પાર્લામેન્ટનો કાયદો કાશ્મીરમાં ચાલતો નથી. બીજી ખાસ સવલતો આપવામાં આવી હતી તે ઇન્દિરા ગાંધીએ ધીમે ધીમે ઘસી-ઘસીને કાઢી નાખી હતી.
કાશ્મીર મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય છે અને તેથી કાશ્મીરને આપવી પડેલી સવલતો અમુક લોકોને આંખના કણાની જેમ ખૂંચે છે. આ સવલતો રદ કરવાની માગણી સતત થયા જ કરે છે.
ભારત પોતાનો પ્રદેશ પાકિસ્તાનમાં જવા દેવા માટે તૈયાર નથી. કાશ્મીરને મેળવવા પાકિસ્તાને ભારત જોડે ત્રણ વખત મોટી લડાઈઓ કરી છે, પણ ભારતને હરાવવાનું કામ પાકિસ્તાન માટે અઘરું છે.
લડાઈમાં પછડાટ ખાધા પછી પાકિસ્તાને ત્રાસવાદનો ઉપયોગ શરૂ કર્યો અને કટ્ટરપંથી મુસલમાનોએ ત્રાસવાદી મંડળો સ્થાપ્યાં અને કાશ્મીરમાં ત્રાસવાદનો દોર શરૂ થયો. આ ત્રાસવાદીઓને કચડી નાખવા માટે ભારત સરકારે અજમાવેલા તમામ રસ્તાઓ નિષ્ફળ નીવડ્યા છે અને ત્રાસવાદી પ્રવૃત્તિઓને સ્થાનિક લોકોના સાથ અને સહકાર મળતા હોવાથી ભારતને સફળતા મળી નથી. પાકિસ્તાન જોડે કાશ્મીર અંગે સમાધાન કરવાના પણ ઘણા પ્રયાસ અને ઘણી વાટાઘાટો થઈ છે અને તેમાં પણ કશી સફળતા 
મળી નથી.
કાશ્મીર અત્યારે બે ભાગમાં વહેંચાયેલું છે. ભારતના કબજા તળેનું કાશ્મીર અને પાકિસ્તાનના કબજા તળેનું આઝાદ કાશ્મીર. આઝાદ કાશ્મીરમાં કશી આઝાદી નથી અને ઇસ્લામપરસ્ત શ્રદ્ધાળુ મુસલમાનોનો ઉપયોગ કરીને જાનનું જોખમ ખેડનાર ‘ફીદાયીન’(આત્મઘાતી) ત્રાસવાદીઓને તૈયાર કરવામાં આવે છે.
ત્રાસવાદીઓ ચીલાચાલુ ગુનાખોરો નથી. મોટાભાગના ત્રાસવાદીઓ શિક્ષિત અને મોટાભાગે શ્રીમંત અથવા મધ્યમવર્ગના હોય છે. તેઓ ગુનેગાર ન હોવાના કારણે પોલીસના દફતરે તેમના વિશે કશી માહિતી પણ હોતી નથી, તેથી ત્રાસવાદીઓને ઓળખવાનું કે તેમની ગુપ્ત પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું કામ પોલીસ બજાવી 
શકતી નથી.
ત્રાસવાદી દુનિયાભરના તમામ દેશोો માટે ત્રાસરૂપ છે, પણ ત્રાસવાદીને શોધવાનો કે પૂરતી શિક્ષા કરવાનો જડબેસલાખ ઉપાય આપણી પાસે નથી અને ત્રાસવાદીઓને નશ્યત કરવાના પ્રયાસમાં આપણે આપણા પોતાના લોકોને સજા કરી બેસીએ છીએ.
કાશ્મીરને અપાયેલો ખાસ દરજ્જો અને તેને અપાયેલી વિશિષ્ઠ સગવડ રદ કરવા માટે બંધારણમાં સુધારો કરવો પડે. બંધારણમાં અનેક સુધારા થયા છે, પણ તેના માટે બે પ્રકારની બહુમતી જરૂરી છે. લોકસભા અને રાજ્યસભામાં તે વખતે જેટલા સભાસદ હોય તેમાંથી 2/3 બહુમતી મળવી જોઈએ અને કુલ સભાસદની બહુમતી હોવી જોઈએ. આટલી બહુમતી ભાજપ સરકાર પાસે નથી અને તેથી બંધારણમાં આવો જબરદસ્ત ફેરફાર કરવાનું કામ મોદી સરકાર કરી શકે તેમ નથી. આ બંને ફેરફાર માટે ભારતના સંઘપ્રમુખની વટહુકમ કાઢવાની માગણી તો તદ્દન અયોગ્ય છે. બંધારણની ફેરવણી માટે વટહુકમ કાઢવો તે સત્તાનો દુરુપયોગ ગણાય અને ભારતના પ્રમુખ તથા મુખ્યમંત્રી પર મહાભિયોગની કારવાઈ લાગુ પાડી શકાય.
વટહુકમ તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા માટે અથવા દેશનું પ્રધાનમંડળ હાલકડોલક હોય ત્યારે કાઢી શકાય છે, પણ અત્યારે આવી પરિસ્થિતિ નથી અને તેથી પ્રમુખ-વડાપ્રધાન ધારે તો પણ આવો વટહુકમ બહાર પાડી શકાય તે એક જુગારી દાવ થઈ પડે.
કાશ્મીરને અપાયેલો દરજ્જો અને સવલતો નાબૂદ કરવાનો આગ્રહ રાખનાર લોકો પોતાની જાતને મોટા દેશભક્તો ગણે છે, પણ ખરી રીતે તો આ લોકો દેશના દુશ્મન ગણાવા જોઈએ, કારણ કે કાશ્મીરની ગૂંચવાયેલી સમસ્યાને તેઓ વધારે ગૂંચવી રહ્યા છે અને ભારત સરકારનો બોજો વધારી રહ્યા છે.
આ ત્રાસવાદી હુમલાઓનાં આયોજન પાકિસ્તાનમાં થાય છે તેવી આપણી માન્યતા છે, પણ તેના માટેના જરૂરી નક્કર પુરાવા આપણી પાસે હોતા નથી. પાડોશી અથવા પરદેશી રાજ્યોમાં જે કંઈ થાય છે તેની ચકાસણી કરવાનું અથવા તેના પર દેખરેખ રાખવાનું કામ કોઈ રાજ્ય બજાવી શકે નહીં. અમેરિકાના લશ્કરને પરેશાન કરનાર તાલિબાનોની પ્રવૃત્તિઓની જાણકારી અમેરિકા જેવા સાધનસમૃદ્ધ દેશ પાસે પણ હોતી નથી, તેથી અમેરિકા સાઉદી અરેબિયા અને સીરિયા જેવાં કેટલાંક કટ્ટરપંથી મુસ્લિમ રાજ્યોને અવારનવાર ઊતારી પાડે છે, પણ આ દેશોમાં ચાલતી અમેરિકા વિરોધી પ્રવૃત્તિ અટકાવી શકતું નથી. કાશ્મીર જેવા ગૂંચવાયેલા સવાલનો ઉકેલ કાશ્મીરને અપાયેલો ખાસ દરજ્જો નાબૂદ કરવાથી આવવાનો નથી. સામાજિક અને રાજકીય સમસ્યાઓ ઉગ્ર બની જાય અને ઘણા ખરા લોકો તેના ઉકેલ માટે હિંસાત્મક રસ્તા અપનાવે ત્યારે શાણા રાજપુરુષોએ શાંતિનો રસ્તો અપનાવવો પડે છે અને ઉગ્ર ઉકેલ સૌમ્ય ઉપાયોથી જ લાવી શકાય છે, તેવો અનુભવ આખી દુનિયાને થયો છે.
ભારતની આઝાદીની માગણી વધારે ઉત્કટ બની અને વધારે વ્યાપક બની ત્યારે અંગ્રેજી રાજપુરુષોએ નમતું જોખ્યું અને સમય આવે બધું છોડીને ચાલતા થયા.
કાશ્મીર છોડવાનું ભારતને પોસાય તેમ નથી, કારણ કે કાશ્મીરની સરહદ પરથી ચીનનો વેપારી માર્ગ પસાર થાય છે અને આ વેપારી માર્ગ પર પોતાનો કબજો જમાવવા માટે ચીન ટાંપીને બેઠું છે. બીજું, પંજાબની ત્રણ નદીઓ સતલજ, બિયાસ અને રાવીના ઉદ્્ગમસ્થાન કાશ્મીરમાં છે. આ નદીમાં ઉપરવાસ બીજાના હાથમાં જાય તો ભારત માટે ભવિષ્યમાં મોટું જોખમ આવી પડે અને આ વિસ્તાર ભારતના કબજામાં હોય તો પાકિસ્તાને હંમેશાં ભારતનો ઓથાર અનુભવવો પડે. કાશ્મીર ભારત કે પાકિસ્તાનમાં ભળે તે બેમાંથી કોઈ પાડોશીને પોસાય નહીં અને કાશ્મીરને આઝાદી આપવા માટે પણ પાકિસ્તાન કે ભારત તૈયાર ન થાય.
આ સમસ્યાનો ઉપાય છે, પણ પાકિસ્તાન ભારત વચ્ચે વિખવાદના કારણે તે વાપરી શકાય તેમ નથી. પહેલા વિશ્વયુદ્ધ પછી આવા કેટલાક તકરારી પ્રદેશોનો કબજો અને વહીવટ વિખવાદી રાજ્યોને સંયુક્ત સંસ્થાન તરીકે સોંપાયો હતો. વાજપેયી-મુશર્રફ વચ્ચે કારગીલ અગાઉ જે મંત્રણા થઈ તે વખતે આવી દરખાસ્ત કરવામાં આવી હતી, પણ તેનું કશું પરિણામ આવ્યું નહીં. {
nagingujarat@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો