મેનેજમેન્ટ ફંડા / સમય જ જણાવે છે કે, 'સમય'ની શું કિંમત છે?

Time itself says, what is the value of 'time'?

એન રઘુરામન

Jan 13, 2020, 07:16 AM IST
તમે એ વાર્તા તો સાંભળી જ હશે, જેમાં એક નિર્દોષ પુત્ર કમ્પ્યૂટર પર કામમાં વ્યસ્ત પોતાના પિતાને પુછે છે, 'પપ્પા, તમે એક કલાકમાં કેટલી કમાણી કરો છો?' પિતા નારાજ થઈને જવાબ આપે છે, 'તારે શું કામ છે?'. પુત્ર જવાબ આપે છે, 'એમ જ, મારે જાણવું છે.' પિતા તેની સામે જોયા વગર કહે છે, '100 ડોલર.' પુત્ર તરત પુછે છે, 'શું મને 50 ડોલર આપશો?' પિતા વધુ ગુસ્સે થઈને પુછે છે, 'શું તું તેનાથી કોઈ નક્કામું રમકડું કે કોઈ અન્ય કામ માટે મારી પાસેથી પૈસા માગે છે. જા તારા રૂમમાં જઈને સુઈ જા. તું સ્વાર્થી થઈ રહ્યો છે. હું દરરોજ મહેનત કરીને પૈસા કમાઉં છું.'
નાનો બાળક ચુપચાપ પોતાના રૂમમાં જતો રહ્યો અને દરવાજો બંધ કરી લીધો. પિતાનો ગુસ્સો જ્યારે શાંત થયો ત્યારે તેને થયું કે તેનો પુત્ર ક્યારેક જ તેની પાસે પૈસા માગે છે. પિતા તેના રૂમમાં ગયો અને જોયું કે તે પડી રહ્યો છે. પિતાએ પુત્રને '50 ડોલર આપ્યા અને કહ્યું કે, તેમાંથી શું ખરીદવા માગે છે?' પુત્રએ ઓશિકા નીચેથી કેટલીક વળી ગયેલી નોટો કાઢી અને પિતાને આપતાં બોલ્યો, 'મારી પાસે 100 ડોલર છે. શું હું તમારી પાસેથી એક કલાક ખરીદી શકું છું? પ્લીઝ આવતીકાલે ઘરે વહેલા આવી જજો. હું તમારી સાથે ડીનર કરવા માગું છું.' આ સાંભળીને પિતા ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યો, પુત્રને ગળે લગાવી લીધો અને તેની માફી માગી.
મને આ વાર્તા એટલા માટે યાદ આવી જ્યારે મેં સામાજિક કાર્યકર્તા પ્રકાશ શુક્લાની તબિયત ખરાબ થવા અંગે સાંભળ્યું. તેઓ 80 વર્ષથી મોટી ઉંમરના છે અને મંગળવારે તેમને જયપુરની સરકારી સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રકાશ શુક્લા 1974માં દિલ્હી નગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર હતા. 1975માં તેઓ જે.પી. આંદોલન સાથે જોડાયા અને કટોકટી દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો. ત્યાર પછી તેઓ જયપુરમાં સ્થાયી થયા. અહીં તેમણે ગુલાબી શહેરના વોલ એરિયામાં પ્રવાસીઓના ચાલવા માટે બનેલા માર્ગમાં દુકાનદારોના અતિક્રમણ સામે અવાજ ઉઠાવ્યો. 1989માં હાઈકોર્ટમાં પીઆઈએલ કરી. સરકારે તેમની અપીલ પર ધ્યાન ન આપ્યું તો તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. સુપ્રીમે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને જયપુરના મ્યુનિસિપલ કમિશનર મંજીત સિંહને આ રસ્તો ખાલી કરાવા આદેશ આપ્યો. આટલા કામમાં પ્રકાશને 25 વર્ષ લાગી ગયા.
હોસ્પિટલમાં દાખલ થયા પછી થોડા દિવસ સુધી તેમના મિત્રોએ તેમનું ધ્યાન રાખ્યું. મિત્રોને પણ પોતાનું અંગત જીવન હોય છે, એટલે તેમણે જયપુરમાં 8 મહિના જુની 'ટાઈમ બેન્ક ઓફ ઈન્ડિયા'ની મદદ લીધી. આ સંસ્થાના વોલેન્ટિયર હોસ્પિટલ કે ઘરમાં એવા બીમાર અને જરૂરિયાત ધરાવતા લોકોને પોતાનો સમય આપે છે, જે એકલા છે. તેના બદલામાં તેમણે જેટલો 'સમય ખર્ચ્યો' હોય, તેટલો સમય તેમના ખાતામાં જમા થઈ જાય છે. આ સમયનો તેઓ ત્યારે ઉપયોગ કરી શકશે જ્યારે તેમને ખુદને મદદની જરૂર હશે. શનિવારથી આ સંસ્થાના વોલેન્ટિયર પ્રકાશની સારસંભાળ લઈ રહ્યા છે.
આ બેન્કની સ્થાપના એપ્રિલ, 2019માં પી.સી. જૈન દ્વારા કરાઈ હતી અને હવે દેશભરમાં તેના 600 સભ્ય છે. જોકે, તેનું યોજનાબદ્ધ અને વ્યવસ્થિત કામ જયપુરમાં જ શરૂ થયું છે અને અત્યાર સુધી તેમાં માત્ર 3 લોકોની મદદ કરી શકાઈ છે. હવે સોશિયલ મીડિયાની મદદથી આ યોજનાને ધીમે-ધીમે ગતિ મળી રહી છે. તેના માટે સુરક્ષાની દૃષ્ટિએ પિન કોડના આધારે વ્હોટ્સએપ ગ્રૂપ બનાવાયા છે. આ પ્રક્રિયામાં જોડાયેલી દરેક વ્યક્તિને રજિસ્ટર કરવામાં આવે છે. અત્યારે વોલેન્ટિયર્સની સંખ્યા વધી છે, પરંતુ જરૂરિયાત ધરાવતા લોકોની સંખ્યા વધવાની બાકી છે. આ બેન્કમાં પૈસાની નહીં, સમયની લેણ-દેણ થાય છે. ફંડા એ છે કે, સમય જીવનની સૌથી મોટી સંપત્તિ છે. તેને પોતાનાં સ્વજનો પાછળ ખર્ચ કરવો જોઈએ અને જ્યારે પણ શક્ય હોય 'સમય' કમાવો જોઈએ.
X
Time itself says, what is the value of 'time'?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી