તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપણા ભારતીય તહેવાર માનવતા નિર્મિત કરનારા ટ્રેનર હોય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શનિવારે ઘરમાં કામવાળી એ શેલ્ફની ધૂળ સાફ કરી રહી હતી કે જ્યાં રમકડાં રાખેલા છે, જે મેં મારા વિવિધ પ્રવાસ દરમિયાન ખરીદયા છે. જ્યારે રમકડાંની જોડ અલગ કરી દેવાઇ તો હું વિચલિત થઇ ગયો. સંતુલનનો અહેસાસ આપવા એકને શેલ્ફના એક છેડે અને બીજાને બીજા છેડે રાખી દેવાયું હતું. મેં તેમને ફરી ગોઠવ્યા, જેમ કે કેરળથી ખરીદેલા રમકડાના હાથી સાથે મૂકી દીધા, કંબોડિયા સ્થિત વિશ્વના સૌથી મોટા મંદિર અંગકોરવાટને જોતું કોરિયન યુગલ વગેરે. મારી દીકરી મારું આ બાળક જેવું વર્તન જોઇને હસી પડી. તેણે કહ્યું, 'પપ્પા, તમે પોતાને મેનેજમેન્ટ ટ્રેનર કહો છો અને પોતાનો જ સમય ઘરના શેલ્ફ પર રાખેલા રમકડાં ગોઠવવામાં વેડફી રહ્યા છો? તમે રમકડાં માટે આટલા ભાવુક કેમ છો? તે (કામવાળી) જેમ ગોઠવે એમ ગોઠવવા દો ને, કેમ કે તેનાથી તે જૂના રમકડાં કે જે તમે આટલા વર્ષોના તમારા પ્રવાસોમાં લાવી-લાવીને ભેગા કર્યા છે તેમાં કંઇક નવીનતા તો આવશે. નવી સજાવટ તેને નવો લુક આપશે.' ત્યાર બાદ મેં જે કહ્યું એ તેને સમજાયું નહીં. મેં કહ્યું, 'હાઉસ-હેલ્પ પાસે રમકડાંની નવી ગોઠવણીની કોઇ કહાણી નથી.' હું વિસ્તૃતમાં જણાવું છું. મારી પુત્રી નવી સહસ્ત્રાબ્દીમાં જન્મેલી પેઢીના દ્રષ્ટિકોણથી એકદમ ઠીક હોઇ શકે છે પણ મારી કહાણી સાવ અલગ છે.    વાસ્તવમાં હું રમકડાં નહીં પણ તેમની પાછળની કહાણી ખરીદું છું, જેમ કે તે કોણે બનાવ્યા છે, ક્યાં બન્યા, કેવી રીતે બનાવાયા, આવા રમકડાં બનાવવાની એક સદી જૂની સંસ્કૃતિ કેવી રીતે વિકસિત થઇ વગેરે. તેથી હાથીઓના તે પરિવારને અલગ કરવો એ મારા માટે ક્રૂરતા છે કે જેણે કેરળના ગીચ જંગલમાં ફણસના એક વૃક્ષને ભેગા મળીને નમાવ્યું છે અને એક સાથે ખાઇ રહ્યા છે. અચાનક મારા મનનો એક હિસ્સો વિચારવા લાગ્યો કે એકબીજાની મદદ વિના આ પરિવાર પોતાનું વજૂદ કેવી રીતે ટકાવી રાખે છે? જોકે, આ રીતે વિચારવું મૂર્ખતાપૂર્ણ છે, કેમ કે રમકડાં વૃક્ષ નમાવીને ફણસ નથી ખાતા અને તેમનામાં લાગણીઓ નથી હોતી. રમકડાંમાં ભલે લાગણીઓ નથી હોતી પણ તેમનામાં તેમને જોનારમાં લાગણીઓ પેદા કરવાની તાકાત હોઇ શકે છે.    મારા માટે તો વાત એવી છે કે હું તે રમકડાં એ કહાણી સાથે લાવ્યો છું કે જેમાં લાગણીઓ છે. દરેક રમકડાની એક કહાણી. જ્યારે મેં મારા વિચારોને ફંફોળ્યા કે મને પ્રોડક્ટના બદલે કહાણી ખરીદવાની આ ટેવ ક્યાંથી પડી તો મને અહેસાસ થયો કે મને આ ટેવ નવરાત્રિ ઉત્સવમાં પડી, જે ભારતમાં ઘણા રૂપમાં મનાવાય છે. અમે તમિળ લોકો તેને 'ગોલુ' ઉત્સવ તરીકે મનાવીએ છીએ. અમે પરંપરાગત ઢીંગલીઓને તેમના પરિવાર સાથે 5, 7, 9 કે 11 સ્ટેપવાળી સીડીઓ પર સજાવીએ છીએ. દરેક સ્ટેપની એક થીમ આધારિત સજાવટ હોય છે, જેમાં તે ઢીંગલીઓના પરિવારની કાલ્પનિક વાર્તા હોય છે. નવરાત્રિના 9 દિવસ સુધી લોકો એકબીજાને પોતાની ઢીંગલીઓનું પ્રદર્શન જોવા આમંત્રિત કરે છે. તમામ આયોજન સામાજિક મેળાપનો અવસર બની જતો. દેવીની પ્રશંસામાં કર્ણાટક શૈલીના ગીતો ગવાતા ત્યારે અમે બાળકો એકબીજાને તે વાર્તાઓ કહેતા કે જે અમે બનાવી હોય.    તે વાર્તાઓમાં ઘણા વળાંક રહેતા, જેમ કે કોઇ 'ખરાબ' પ્રાણી અચાનક આવીને આ વન્ય પરિવારના બાળકોને નુકસાન પહોંચાડતું અને કેવી રીતે આ પરિવાર એક થઇને તેને જંગલમાંથી ભગાડી દેતો? કદાચ આ કારણથી જ મને તે રમકડાં છૂટા પાડવાનું પસંદ નથી. તે દિવસોમાં પૈસાની મજબૂરી હંમેશા રહેતી હતી અને અમારે જુદી-જુદી વાર્તાઓ બનાવવી પડતી, જેથી પેઢીઓથી દર વર્ષે પ્રદર્શિત કરાતી એન્ટિક ઢીંગલીઓ સાથે અમારે કાર્ડબોર્ડ અને કલર પેન્સિલથી લોકેશન બનાવવાના રહેતા. આ રીતે નવી થીમ અને નવી વાર્તાઓ આ એકરસતાને તોડી નાખતી પણ તમામ વાર્તાઓનો અંત સુખદ રહેતો અને ખરાબ પાત્રો ક્યારેય જીતતા નહોતા.    સાંજે 'હલદી-કુમકુમ' થતા અને કંઇક પ્રસાદ અપાતો, જેને અમે 'સુંદલ' કહીએ છીએ. અમે બાળકો હંમેશા ખાવાની સ્વાદિષ્ટ વાનગીઓ માટે અને અમારા જેવા અન્ય બાળકો પાસેથી નવી વાર્તાઓ સાંભળવા મા સાથે જતા. અમે પૂરા 9 દિવસ સુધી પોતાની વાર્તાઓમાં સુધારા કરતા રહેતા અને તેમાં શક્ય હોય તેટલી લાગણીઓ જોડતા, જેથી ઘરે આવતી મહિલાઓ અમારા શક્ય તેટલા વધારે વખાણ કરે. આ રીતે બાળકોમાં હેલ્ધી કોમ્પિટિશનની ભાવના જાગતી. ફંડા એ છે કે - આપણી સંસ્કૃતિ અને પરંપરાઓના કારણે ભારતીય તહેવારોમાં મહાન વ્યક્તિત્વ નિર્મિત કરવાની બહુ મોટી શક્તિ છે. તેના કારણે તમારી અંદર અન્યો માટે પરવા અને પ્રેમ જન્મે છે.