મેનેજમેન્ટ ફંડા / પોતાના અધિકાર જાણો છો તો પોતાની ફરજ પણ જાણો

If you know your rights, know your duty too

એન રઘુરામન

Jan 09, 2020, 08:15 AM IST
બુધવારે હું પોતાની 'દૂધવાલા ફ્લાઇટ' (એકદમ વહેલી સવારની ફ્લાઇટ) પકડવા માટે મુંબઈ એરપોર્ટ પર હતો. ત્યાં મેં સિક્યોરિટી કાઉન્ટર્સ પર અવાજ સાંભળ્યો, જ્યાં બોર્ડિંગ એરિયામાં જઈ રહેલા યાત્રીઓની તપાસ થઈ રહી હતી, એ જોવા માટે કે ક્યાંક કોઈ પાસે કોઈ નુકસાન પહોંચાડનારો સામાન તો નથી. સમસ્યા એ હતી કે એક યાત્રી ભાવુક થઈ ગયો હતો કારણ કે તેણે સુરક્ષાકર્મી દ્વારા આપેલા જેકેટ ઉતારવાના આદેશને મન પર લઈ લીધો હતો. એ જ જેકેટ જેને કેટલાક લોકો 'નેહરૂ જેકેટ' તો કેટલાક 'મોદી જેકેટ' કહે છે. યાત્રી પોતાની વાત પર કાયમ રહ્યો કે તે જેકેટ નહીં ઉતારે કારણ કે ત્યાં માત્ર ઠંડી ન હતી પરંતુ સુરક્ષાકર્મી આવા જ જેકેટ પહેરેલા અન્ય યાત્રીઓને આ આદેશ નહોતો આપી રહ્યો. સુરક્ષાકર્મીએ કહ્યું, 'તમે જેકેટ ઉતારો નહીં તો તમને પ્લેનમાં બેસવા દેવામાં નહીં આવે.' એક નિયમિત વૃદ્ધ યાત્રી મદદ માટે આગળ આવ્યા અને પહેલા યાત્રીને તેનો ઉકેલ આપ્યો. તેમણે કહ્યું, 'હું તમારુ જેકેટ પહેરી લઉં છું અને તમે મારું પહેરી લો. પછી જુઓ કેવી રીતે મને રોકે છે અને તમને જવા દે છે.' તે ભણેલો પરંતુ જિદ્દી વ્યક્તિ આશ્ચર્યચકિત થઈને માની ગયો અને પછી થયું એવું જ જેવું વૃદ્ધ યાત્રીએ કહ્યું હતું.
વૃદ્ધ યાત્રીને સિક્યોરિટી પર રોકવામાં આવ્યા અને તેમણે જેકેટ ઉતારીને તપાસ માટે મશીન નીચે રાખી દીધું. તેમજ હવે પહેલા યાત્રીને રોકવામાં ન આવ્યો. સિક્યોરિટીને જે વાતે એલર્ટ કરી તે પહેલા યાત્રીની જેકેટમાં રાખેલું તેનું આઇડેન્ટિટી કાર્ડ હતું જેમાં મેટલની રિંગ હતી. જોકે, તે યાત્રી પોતાની ભૂલ પર શરમ અનુભવતો હતો પરંતુ પછી તેણે કંઈક રસપ્રદ કર્યુ. તે વ્યક્તિ જે અત્યાર સુધી નારાજ હતો અચાનક ખુશ થઈ ગયો કારણ કે તેને પોતાનું ખોવાઇ ગયેલું આઇડેન્ટિટી કાર્ડ મળી ગયું હતું જેને તે છેલ્લા બે સપ્તાહથી શોધી રહ્યો હતો. આ ખુશી સાથે તે કોઈનો આભાર આપ્યા વિના જ સીધે ફ્લાઇટમાં ચઢવા જતો રહ્યો. ત્યાં સુધી કે એ યાત્રીને પણ નહીં જેણે તેની મદદ કરી હતી. જ્યારે સુરક્ષાકર્મીએ તે વૃદ્ધ યાત્રીને કહ્યું, 'કાશ બધા યાત્રી તમારા જેવા હોય!' એરક્રાફ્ટની અંદર મેં એકદમ જુદું જ દ્રશ્ય જોયું. મોટાભાગના લોકો પોતાના કાનમાં હેડફોન લગાવીને મોબાઇલ ફોનમાં ફિલ્મ અથવા સીરિયલ જોવામાં વ્યસ્ત હતા.
બધાના કાન એવી રીતે બંધ હતા કે તેમને કેબિન ક્રૂના 'પોતાનો સીટ બેલ્ટ બાંધી લો' અથવા 'પોતાના મોબાઇલ ફોનને એરોપ્લેન મોડમાં નાખી દો' જેવા નિર્દેશ પણ નહોતા સંભળાતા. જોકે, યાત્રીઓ સારી રીતે જાણે છે કે આ ફ્લાઇંગ રૂલ્સ છે અને આખા એરક્રાફ્ટની સુરક્ષા માટે તેને ધ્યાનથી સમજવા જરૂરી છે. તેમ છતા પણ તેમણે 'હું તો ફિલ્મ જોઇ રહ્યો હતો અને સાંભળી ન શક્યો' જેવા બહાના આપી તેને નજરઅંદાજ કરી દીધા.
ક્રૂના સભ્યોને તેમના ખભા પર હાથ રાખીને અગત્યના નિયમોનું પાલન કરવા માટે ટોકવું પડ્યું. આ વ્યવહારને જોઇ હું વિચારમાં મૂકાઇ જાઉં છું કે કેવી રીતે ભણેલા લોકોમાં ખાસ કરીને સાર્વજનિક સ્થળો પર એકતા અને સામંજસ્ય ગાયબ થતું જઈ રહ્યું છે. ઉદાહરણ માટે મહારાષ્ટ્રની હાઉસિંગ અને ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઝના 2.2 લાખ ઘરનો મામલો જ લઈ લો. તેમાં 50 ટકા કરતા વધુ ઘર કાયદાકીય ઝઘડામાં ગૂંચવાયેલા છે. આ સોસાયટીઝ મેન્ટેનન્સ માટે આશરે 1200 કરોડ રૂપિયા એકત્ર કરે છે અને મહારાષ્ટ્ર સોસાયટીઝ વેલફેર એસોસિએશનનું કહેવું છે કે 20 ટકા રૂપિયા કાયદાકીય ઝઘડામાં જતા રહે છે.
વેલફેર એસોસિએશન દ્વારા એકત્ર કરેલા આંકડાના આધાર પર અનુમાન છે કે નાની-મોટી સોસાયટીઝ મળાવીને, દર બીજી સોસાયટી રાજ્યના કોઈ ન કોઈ કોર્ટમાં કોઈ કાયદાકીય વિવાદમાં ફંસાયેલી છે. નારાજ સભ્ય નાની-નાની ફરિયાદો પણ કો-ઓપરેટિવ સોસાયટીના ડિપ્ટી રજિસ્ટ્રાર, કો-ઓપરેટિવ કોર્ટ, જોઇન્ટ રજિસ્ટ્રાર, કમિશ્નર અથવા પછી કોર્પોરેટિવ મંત્રી પાસે લઈ જવાની જગ્યાએ સીધે કોર્ટમાં લઈ જઈ રહ્યા છે. કોર્ટને તેના પર સમય ખર્ચ કરવો પડી રહ્યો છે. આંકડા જણાવે છે કે આ નારાજ સભ્યોના કારણે સોસાયટીઝને માત્ર 2016-17માં જ 16 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડ્યા. ફંડા એ છે કે જો આપણે શિક્ષિત છીએ અને પોતાના અધિકાર જાણીએ છીએ તો અપેક્ષા કરી શકાય છે કે આપણે ઓછામાં ઓછા સામાજિક વ્યવહારમાં તો આપણી ફરજ જાણીએ નહીં તો આપણે આખી સિસ્ટમ બગાડી દઇશું.
X
If you know your rights, know your duty too

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી