માનસ દર્શન / સનાતન ધર્મ જેવો કોઈ માનવધર્મ નથી

There is no human religion like Sanatan Dharma

Divyabhaskar.com

Sep 22, 2019, 07:23 AM IST

સનાતનના ઉદરમાંથી માનવધર્મ, પ્રાણીધર્મ, ભૂતધર્મ, સત્યધર્મ બધું જ એમાંથી નીકળ્યું છે. માનવધર્મ જ છે આ

કથા બહુ જ વિશાળ ક્ષેત્ર છે. આદિ-અનાદિ કાળથી આ ચાલે છે. કેટલા પ્રકારની કથાઓનું નિરૂપણ તુલસીદાસજી કરે છે! એક તો ‘રામાયણ’માં કથા છે એનું નામ છે કર્મકથા. કર્મના સિદ્ધાંતો; કર્મ ક્યાંથી પ્રગટે? કર્મનું મધ્ય, આદિ, અંત શું? કર્મ પ્રધાન છે કે ઉપપ્રધાન છે? આવા અનેક વિષયને કેન્દ્રમાં રાખીને આપ કહી શકો અને શ્લોકથી લોક સુધીનાં તારણો તમે રજૂ કરી શકો. અભ્યાસ અને ગુરુકૃપા માગી લે, પણ એક કથાનું નામ રામકથામાં છે કર્મકથા. ‘કરમ કથા રબિનંદનિ બરની.’ કર્મકથાને તુલસીદાસજીએ યમુના કહી છે. પછી એક કથા છે સમન્વય કથા.

હરિ હર કથા બિરાજતિ બેની.
સુનત સકલ મુદ મંગલ દેની.
એક કથા છે હરિહર કથા; બંનેની કથા છે. સમન્વય, સેતુ, યુગપદ, ટૂંકમાં રઘુનાથની કથા. ‘રામકથા’ શબ્દ ઓલરેડી કેટલીવાર આવ્યો! નવ વાર. ક્યાંક ક્યાંક ‘શ્રીરામ કથા’ ‘શ્રી લગાડે તુલસી. એ વિશેષ કારણ હશે. કેટલી વખત ‘રામકથા’ શબ્દ ‘માનસ’માં ઊતર્યો છે! ‘તુલસી કથા રઘુનાથ કી.’ ઉમાની કથા, શિવકથા. એક કથા છે સીતા અને રામના સ્વયંવરની કથા. અતિ સુંદર કથાઓ છે આ બધી.

પંથકથા ખર આતપ પવનૂ.
એક કથા છે પંથની કથા, માર્ગની કથા. આપણે કયા માર્ગે જવું? ઉગમણું, આથમણું, ઉત્તર, દક્ષિણમાં ક્યાં જવું? અને કયા ભોમિયાને સાથે લઇ જવો? પંથકથામાં ભાથું કયું લેશો? ભરદ્વાજને મારો રાઘવ પૂછે છે કે મને કેડો બતાવો, અહીંથી મારે કયા માર્ગે જાવું? પંથકથા એક સ્વતંત્ર સબ્જેક્ટ થઇ જાય. એમાં પછી આ નાના-મોટા પંથો યે આવે. આ પંથ. આ પંથ! સનાતન ધર્મમાં જે નાની-નાની કેડીઓ પાડી હોય ખોટી! ગેરકાયદેસર કેડીઓ પાડી હોય એ બધાય આવી જાય. ટૂંકા, આમ બધા શોર્ટકટ કાઢવા! નવો રસ્તો તો ક્યાંથી કાઢે? એટલે બીજાના ખેતરમાં! આ બધા લોકો છે ને હમણાં હમણાં ઊતરી પડ્યા માનવધર્મ, માનવધર્મ! પણ સનાતન ધર્મ જેવો કોઈ માનવધર્મ નથી. એ કહે છે, અમે નવું સંશોધન કર્યું! પણ સનાતનના પેટમાં જગતભરના માનવધર્મ સમાય.

સનાતન ધર્મએ માનવધર્મનો ઇન્કાર કર્યો? તો બધા કહે, અમે બીજા કોઇ ધર્મમાં ન માનીએ; અમે માનવધર્મમાં માનીએ, પણ માનવધર્મનો બાપ સનાતન ધર્મ છે એ તમે કેમ ભૂલી જાઓ છો? આ એક બહુ ખોટો પ્રચાર શરૂ થયો છે અને આવું કરનારા ગૌરવ લે છે! સનાતનના ઉદરમાંથી માનવધર્મ, પ્રાણીધર્મ, ભૂતધર્મ, સત્યધર્મ બધું જ એમાંથી નીકળ્યું છે. માનવધર્મ જ છે આ. ઘણા લોકો પોતાનું ડહાપણ દેખાડવા કહે, માનવધર્મ શ્રેષ્ઠ ધર્મ છે! માનવધર્મ પણ આની અંદર આવે છે. અમુક વસ્તુ તો બહુ વિનયથી કહેવી જ પડશે. આ બધી નાની-નાની કેડીઓ પાડી છે!

વિનોબાએ વૈદિક ધર્મની વાત કરી. વિનોબાજી માનવધર્મ વિરુદ્ધ છે? કોઇની મજાલ નથી! ગાંધી એમ કહે, ‘ગીતા’ એ મારો પ્રાણ છે. ‘ગીતા’ની ચર્ચા કરનારો ગાંધી કોઇ દિવસ માનવધર્મ ચૂક્યો છે? ‘રામાયણ’ કહેનારો મોરારિબાપુ કોઇ દિ’ માનવધર્મ કહેવાની વાત ચૂક્યો છે? એક દાખલો બતાવો. ધર્મ ઉપર બોલો ત્યારે વિચારીને બોલો, અભ્યાસ કરીને બોલો! બધાએ કેડીઓ પાડી છે પોતપોતાની! કારણ કે મોટા રસ્તે તો ભૂલા પડી જવાય! એટલે બધાએ કેડીઓ પાડી! હું બધા ગ્રૂપથી દૂર રહું છું. આમ આદર આપું ત્યારે મારું હૈયું ઠાલવી નાખું, બાકી રાજકીય ક્ષેત્ર હોય, સાધુક્ષેત્ર હોય, અખાડા, ધર્મ, પંથ કે દુનિયાના કોઇપણ ક્ષેત્રમાં હું બધાથી દૂર રહું છું, કારણ કે બધાને ગ્રૂપ છે.

પછી પાછળથી એ જ વાતો કરતા હોય! એવી વાતો કરે એ બધો કુસંગ છે. પછી સાધુ કરે તે સાધુ, રાજકારણીઓ કરે તો એ, પંથો કરતા હોય તો પંથો, વિદ્યાના ઉપાસકો કરતા હોય તો એ બધો કુસંગ છે. ‘નારદભક્તિસૂત્ર’ કહે, કુસંગ સર્વથા ત્યાજ્ય છે. પંથકથામાં દુષ્ટતા આવે છે. પંથકથા પછી હરિકથા. સ્વતંત્ર હરિની કથા. એક પૂર્વજન્મની કથા. પૂરબા કથા, જેમાં અનેક જન્મોની કથા હોય. માણસ અનેક વાર આવ્યો છે. ક્યારેક આપણો પૂર્વજન્મ હતો અને ક્યારેક પુનર્જન્મ થઇ પણ શકે. આ એક ચક્ર છે.

‘રામાયણ’માં ગંગા અવતરણની કથા છે. વિશ્વામિત્રજીની રામના પ્રશ્ન ઉપર આખી ગંગા અવતરણની કથા સ્વતંત્ર વિષય થઇ જાય. ત્યારબાદ અહલ્યાના ઉદ્ધારની કથા તુલસીદાસજીએ કરી છે. ‘રામાયણ’માં ઘણાની નિજ કથા છે. ગાધિસુત વિશ્વામિત્રની કથા આખું સ્વતંત્ર પ્રકરણ. વિરોધ પ્રગટાવે એવી કથા છે. મંથરા એની આચાર્ય છે. કથાકારનું નામ છે મંથરા. એની શોક્યોની જુદી-જુદી કથા કહી કૈકેયીના મગજમાં વિરોધનો એકદમ વિપ્લવ કરે છે. એ કથાનું નામ વિરોધકથા, શોક્યોની કથા. બોધકથા એમ વિરોધકથા પણ ‘માનસ’માં છે. પરીકથા. એક તો મારગની કથા તો બીજી મારગીની કથા. જે મારગે ચડી ગયો હોય એની કથા. રસ્તા ઉપર ચાલે છે.

એની કથા. પુરાતન કથા. ‘કથા પુરાતન કહૈ સો લાગા.’ અંધ તપસ્વીની કથા. તાપસ, શ્રવણનાં મા-બાપની કથા. રામરાજ્ય, રસભંગ એની કથા. રામવનવાસની કથા. ‘ભરત કથા ભવબંધ બિમોચનિ.’ ભરતની કથા જે ભવબંને તોડી નાખે. હનુમાન સીતાને ખબર આપીને નીકળ્યા પછી જાનકીએ કહ્યું કે રામજીને સકસુતની કથા સંભળાવજે. એનામાં કેટલી તાકાત છે એ રામ ભૂલી ગયા હોય તો એને યાદ દેવડાવજે. સકસુત કથા એટલે ઇન્દ્રના દીકરા જયંતની કથા. જાનકી કહે છે, મારા પગમાં જયંત ચાંચ મારીને ગયો ત્યારે તણખલાનું બાણ બનાવીને રામે બ્રહ્મલોક સુધી એને શાંતિ ન લેવા દીધી. એ ઇન્દ્રના દીકરાની કથા એને કહેજે. જેણે ચાંચ મારી તો રામનું બાણ આટલું ઊપડ્યું તો આ રાવણ મને ચોરીને નીકળી ગયો અને છતાંય તમે કાંઇ નથી કરતા? એ બાણના પ્રભાવની કથા સંભળાવજે.
સિર અરૂ સૈલ કથા ચિત રહી.
રાવણ એક કથા માંડે છે. બસ જ્યારે હોય ત્યારે માથાની કથા અને પર્વત ઉપાડ્યો, કૈલાસ ઉપાડ્યો. મારાં મસ્તકો મેં કાપી કાપીને ચડાવ્યાં ને મેં ડુંગરા ઊંચા કર્યા. આ બસ એક જ કથાની સતત વાત કરે. સીતાહરણની કથા; જાનકી અપહરણની કથા. પછી દંતકથા. ‘રામાયણ’માં દંતકથાની વાત આવી. ભગવાન અવતારની એક કથા. સાગરનિગ્રહ કથા. ભગવાને ધનુષબાણ ઉપાડ્યું ‘સુન્દરકાંડ’ના અંતમાં અને એ સાગરનિગ્રહની કથા. ‘રામાયણ’માં ઘણી વિચિત્ર કથાઓ છે. આપણને એમ લાગે કે અદ્્ભુત રસ ઝલકે છે; પણ બધી વિચિત્ર કથા. મગજને ન સમજાય એવી વિચિત્ર કથાનો એક વિષય પણ ‘માનસ’ ધરાવે છે.

સાવધાન મન કરિ પુનિ શંકર,
લાગે કહન કથા અતિ સુંદર.
કેવલ સુંદર કથા. ‘સુન્દરકાંડ’ની કથા એમાં સીતા સુંદર; સિંધુ તીર એક ભુધર સુંદર; એક સુંદર પર્વત; એમાં એક મુદ્રિકા મનોહર સુંદર, બધું સુંદર. સુંદર કથા એ પણ એક વિષય છે. એક કથા નિર્મલ, જેમાં અપવાદની કથા નહીં; પેલો તપ કરતો’તો શંબુક નામનો માણસ; એને પછી મારી નાખવામાં આવ્યો. એ વિવાદની કથા. એ નિર્મલ કથા નથી. તુલસીદાસજી કાઢી નાખે.

X
There is no human religion like Sanatan Dharma
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી