માનસ દર્શન / આજે આપણા સમાજમાં સંવેદનાની કટોકટી છે

There is a crisis of sensation in our society today

  • સંવેદનાઓ ક્ષીણ થતી જોવા મળે છે. આ મૂલ્યહ્રાસ છે; આ આપણી સભ્યતાને બહુ મોટું નુકસાન છે

મોરારિ બાપુ

Jan 19, 2020, 07:28 AM IST

સમાજના લોકો સંવેદના ગુમાવતા જાય છે. પુન: પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સંવેદનાનો ઇશ્વર પ્રગટે, પ્રત્યેક હૃદયની અયોધ્યામાં સંવેદનાના પરમાત્મા પ્રગટ થાય એ જરૂરી છે. હું કહ્યા કરું છું કે જ્યારે હિન્દુસ્તાન આઝાદ થયું અને સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ મહામહિમ રાજેન્દ્રબાબુ રાજભવનમાં બિરાજ્યા અને એમણે રાષ્ટ્રપતિ ભવનમાં સત્સંગનો એક નાનકડો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. મુખ્ય અતિથિ સ્વામી શરણાનંદજી હતા. સો-બસો માણસો બેઠા હતા. રાજેન્દ્રબાબુએ પ્રસ્તાવ મૂક્યો કે, ‘સ્વામીજી, અમે આપની પાસે માર્ગદર્શન ઇચ્છીએ છીએ કે આપણી સામે રસ્તો છે, એ રસ્તા પર આપણે ચાલીએ તો સામે મંજિલ પણ છે અને આપણા પગમાં તાકાત પણ છે, છતાં પણ આપણે યાત્રા કેમ નથી કરી શકતા?’ સ્વામી શરણાનંદજીએ કહ્યું, ‘રાજેન્દ્રબાબુ, રસ્તો છે, પગમાં તાકાત છે, લક્ષ્ય પણ દેખાય છે, છતાં તમે કહો છો કે યાત્રા કેમ નથી કરી શકતા? એ માટે સંવેદનાનો અભાવ જ એકમાત્ર કારણ છે.’

સંવેદના હોય તો ઊબડખાબડ રસ્તો પણ રાજમાર્ગ બની જાય છે. સંવેદના હોય તો નિર્બળ પગ પણ છલાંગ મારવાનું સાહસ કરે છે. સંવેદના હોય તો લક્ષ્યપ્રાપ્તિ થાય છે. આજે આપણા સમાજમાં સંવેદનાની કટોકટી છે. ક્યારેક ક્યારેક મા-બાપની પોતાનાં બાળકો પરની સંવેદના પણ ઓછી થતી જાય છે. એટલું જ નહીં, યુવાન બાળકોની પોતાનાં માતા-પિતા પ્રત્યેની સંવેદના પણ ક્ષીણ થતી જોવા મળે છે! આ મૂલ્યહ્રાસ છે; આ આપણી સભ્યતાને બહુ મોટું નુકસાન છે. નાના હોય ત્યારે ભાઇ-ભાઇ કેવા હોય છે! પછી જેમ મોટા થાય છે, પરિવાર વધે છે અને ભાઇઓ પ્રત્યેની સંવેદના ઓછી થવા માંડે છે! દરેક ક્ષેત્રમાં કંઇક આવું જ નજરે પડે છે. એટલે આપણા હૃદયરૂપી વૃંદાવનમાં સંવેદનારૂપી ઇશ્વરનું અવતરણ થાય એ જરૂરી છે.

એક બાળકની લગભગ પાંચ-છ વર્ષની ઉંમર હશે. એ બાળક પોતાની પાસે પર્સ જેવું કંઇક હતું એ લઇને એક બહુ જ મોટો મોલ હતો એના એકાઉન્ટન્ટની પાસે જઇને ઊભો રહ્યો. એની પાછળ એક મોટો ધનિક માણસ શોપિંગ કરવા આવ્યો હતો. એને એમ થાય છે કે આ એક એકલો નાનકડો બાળક શું લેવા આવ્યો હશે? ત્યાં પેલા બાળકે કહ્યું, ‘અંકલ, મને એ ઢીંગલી જોઇએ છે’ વેચનારાને ખબર હતી કે બાળક પાસે ઢીંગલીના પૂરા પૈસા નથી. એ બિચારો ત્યાં નોકરી કરતો હતો એટલે કંઇ કરી શકે તેમ પણ ન હતો, એટલે બાળકને એ કહે છે કે તારી પાસે પૂરતા પૈસા નથી. ધનિક માણસ જુએ છે કે બાળક એનું પોકેટ ખોલે છે ને બંધ કરે છે! જુઓ, સંવેદનાનો જન્મ કેવી રીતે થાય છે! પેલા ધનિક માણસને થાય છે કે હું શું કરું? એ બાળકને બોલાવે છે અને પૂછે છે કે તું આ ઢીંગલી શા માટે ખરીદવા માગે છે? બાળક હવે કથા શરૂ કરે છે કે અંકલ મારી એક બહેન ભગવાન પાસે ચાલી ગઇ છે અને મારી બહેનને આ ઢીંગલી બહુ પ્રિય હતી, પરંતુ અમે એને આ ઢીંગલી ન અપાવી શક્યાં, તો હવે ભગવાન પાસે ગયેલી એ મારી બહેન માટે મારે એ ખરીદવી છે. હવે તો સમસ્યા વધુ જટિલ બની ગઇ! સાત વર્ષના બાળકને કેમ સમજાવવો? ધનિક માણસ પૂછે છે કે તું એ તારી બહેન પાસે કેમ પહોંચાડી શકીશ? બાળક કહે છે, અંકલ, એનો ઉપાય છે. મારી મા બે-ત્રણ દિવસમાં ભગવાન પાસે જવાની છે!

રહસ્ય વધુ ઘેરું બનતું ગયું. કાઉન્ટર પર બેઠેલા અને પાછળ ઊભેલા ધનિક એ બંને માણસ માટે રહસ્ય હતું! હવે પાછળ ઊભેલા ધનિકને થયું કે ત્રણ દિવસ પહેલાં અખબારમાં એક ખબર છપાઇ હતી, એક ટ્રક ડ્રાઇવરે શરાબ પીને ટ્રક ચલાવી અને એક બાળકીનું મૃત્યુ થયું તથા એની મા બહુ ગંભીર રીતે ઘાયલ થઇ. એની માને હોસ્પિટલમાં દાખલ કરી અને ડોક્ટરોએ કહ્યું કે એ બચે પણ ખરી અને ન પણ બચે! ક્યાંક આ બાળકની એ બહેન તો મરી ગઇ નહીં હોય ને? ક્યાંક હોસ્પિટલમાં દાખલ થયેલી એની બેહોશ મા વિશે તો ડોક્ટરોએ હાથ અધ્ધર નહીં કરી દીધા હોય ને? ત્યારે કદાચ આ માસૂમ હૃદયમાં એવી વાત ઊઠી હશે કે હું મારી મા સાથે મારી બહેન માટે આ ઢીંગલી મોકલી આપું! એટલે બિચારો આ બાળક પોતાની પાસેના થોડાક પૈસા લઇને ઢીંગલી ખરીદવા ઘૂમતો હશે! ધનિક કહે છે, બેટા, તારું પોકેટ લાવ. કદાચ ગણવામાં તારી ભૂલ થતી હશે. બાળકે પોકેટ આપ્યું અને બાળકને ખબર ન પડે એ રીતે એ વ્યક્તિએ થોડા પૈસા એમાં નાખી દીધા! સંવેદનાનો જન્મ આમ થાય છે.

કહેવાય છે કે પૈસા હોય ત્યાં સંવેદના નથી હોતી. આ સૂત્ર નથી. આ કાયમી સિદ્ધાંત નથી. જો આપણા જીવનમાં વિવેક પ્રગટ થાય તો પૈસામાંથી પણ સંવેદના પ્રગટ થઇ શકે છે; વિદ્યામાંથી પણ સંવેદના પ્રગટ થઇ શકે છે; જ્ઞાનમાંથી પણ સંવેદના પ્રગટ થઇ શકે છે. દરેક ક્ષેત્રમાં સંવેદનાનો જન્મ થાય છે અને એ અંકલે બાળકના પોકેટમાં પૈસા નાખીને વિશ્વને એક મેસેજ આપ્યો કે મારાં ભાઇ-બહેનો, થોડી સંવેદના અર્જિત કરો. આ નાનકડી વાર્તાના સારરૂપે મારે એ જ કહેવું છે કે સંવેદના પ્રગટ થવી જોઇએ.

મારું એક સૂત્ર છે કે જે દેશ પાસે ‘વેદ’ હોય અને ‘વેદના’ ન હોય તો વેદ કેટલો સહાયક બની શકે? આપણી પાસે વેદ છે, પરંતુ વેદના નથી. હું મારાં યુવા ભાઇ-બહેનોને એ જ કહેવા માગું છું કે વડીલો પાસેથી પ્રેરણા લઇને હરિને પ્રાર્થના કરો કે અમારી અંદરની સંવેદનાનો નાશ ન થાય. આપણી વેદના સલામત રહે એ બહુ જરૂરી છે. પરસ્પર સંવેદના હોય તો એક નાનકડી ઝૂંપડી પણ રાજમહેલ બની જાય છે. ગુજરાતીમાં એક પંક્તિ છે-
આંગણું એનું સાવ નાનું,પણ આભ જેવો આવકાર.

આંગણું જુઓ તો નાનકડું, પરંતુ એના આવકારમાં આકાશ પણ નાનું લાગે છે! આની જરૂર છે. કથા શા માટે? હું સમજુ છું કે એક કથા થાય છે એનો ખર્ચ કંઇ ઓછો નથી થતો? ઘણો બધો ખર્ચ થાય છે. ક્યાંક આપણો સત્સંગ પણ વાંઝણી પ્રવૃત્તિ ન બની જાય! સંવેદનાનું અવતરણ થાય, વેદના પ્રગટ થાય એ જરૂરી છે. મારો અનુભૂત પ્રયોગ છે કે રામકથાથી સંવેદના પ્રગટ થઇ શકે છે. હું સારનાથમાં હતો ત્યારે પત્રકાર ભાઇઓએ કહ્યું કે આજકાલ દેશમાં ઘણી યાત્રાઓ નીકળે છે, તો આપ પણ એક યાત્રા કાઢો ને! મેં કહ્યું કે હું બાવન વર્ષથી યાત્રા પર છું અને મારી યાત્રા મોસમી યાત્રા નથી. મારી યાત્રા ‘ચરેવૈતિ ચરેવૈતિ’ છે અને એ ખૂબ જ સફળ યાત્રા છે.

આંસુ વિનાની આંખ એ કાંઇ આંખ છે? ગુજરાતીમાં એને ‘કોડિયું’ કહેવાય છે! આંખમાં સંવેદના હોય, આંખમાં પ્યાર હોય, આંખમાં ભાવ હોય એ જરૂરી છે. તમે વિચારો તો ખરા કે આપણી આંખોમાં કેટલી બધી સ્પર્ધા ઘૂસી ગઇ છે! જ્યાં જુઓ ત્યાં સ્પર્ધા! હું અવારનવાર કહ્યા કરું છું કે એવરેસ્ટ માટે સ્પર્ધા જોઇએ, પણ કૈલાસ માટે તો શ્રદ્ધા જ જોઇએ. કૈલાસ શ્રદ્ધાનો વિષય છે.

સંવેદનાશૂન્ય થતો જતો સમાજ સંવેદનાથી સભર થાય એ ખૂબ જ જરૂરી છે. ઠાકુરની એક સૂક્તિ છે કે, જ્યાં સુધી ફૂલનો રસ લેવાનું શરૂ ન કરે ત્યાં સુધી જ માખીનો ગણગણાટ થાય છે, પરંતુ જ્યારે ફૂલ પર બેસી જાય છે ને રસ ચૂસવા લાગે છે ત્યારે એનો ગણગણાટ બંધ થઇ જાય છે. સંવેદના પ્રગટાવી જીવનના કોઇ એવા સદ્પ્રવૃત્તિના ફૂલ પર બેસી જાઓ. કર્મોની ઐસીતૈસી! ઠાકુર કહે છે કે જેમાં તમારો કોઇ સ્વાર્થ નથી એવી પ્રવૃત્તિમાં રુચિ લઇને કેવળ, કેવળ અને કેવળ બીજાને માટે તમારા હૃદયમાં સંવેદના પ્રગટ થશે અને તમે કોઇ એક ફૂલ પર બેસી જશો તો કર્મનો ગણગણાટ બંધ થઇ જશે. તેઓ કહે છે કે પીપળનો એક નાનો છોડ હોય તો એને સંભાળવા માટે વાડ કરવી પડે, પરંતુ એ જ પીપળનું વૃક્ષ બહુ મોટું થઇ જાય પછી એના થડ સાથે હાથીને બાંધી દો તો હાથી પણ એને નહીં ઉખેડી શકે. એવી રીતે વ્યક્તિની સંવેદના અને સાધના જ્યારે ઓછી હોય ત્યારે એને સુરક્ષાની જરૂર રહે છે, પરંતુ ભજન જ્યારે વિરાટ થઇ જાય છે ત્યારે કામ-ક્રોધના હાથ એને ઉખેડી નથી શકતા. કોઇ વિકારની તાકાત નથી કે એને નિર્મૂળ કરી શકે!

X
There is a crisis of sensation in our society today

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી