માનસ દર્શન / પ્રેમની યાત્રામાં પાંચ વિઘ્ન આવે છે

There are five obstacles in the journey of love

‘લક્ષ્મણ, રાજમદ આવ્યા વિના નથી રહેતો, પરંતુ ભરત એક એવો પ્રેમી છે કે જેને રાજમદ ન આવે...’

Divyabhaskar.com

Jun 09, 2019, 08:01 AM IST

ભરતજી પ્રેમાવતાર છે અને પ્રેમના ચરિત્રને સાંભળવા માટે સાવધાન થવું બહુ જરૂરી છે. ભરતજી આખી અયોધ્યાને લઈને ચિત્રકૂટ જાય છે. આપણે સાવધાનીથી સાંભળીશું તો આ યાત્રામાં જે-જે ઘટનાઓ ઘટી છે એ આપણા જીવનનું સત્ય છે. ચિત્રકૂટની યાત્રામાં પાંચ પડાવ એવા આવે છે, જ્યાં એક પરમ પ્રેમીની કસોટી થાય છે. કોઈ કહે છે ને કે અમારી આટલી બધી ભક્તિ છે છતાં પણ વિઘ્ન આવે છે! વિઘ્ન આવશે જ. એ પરીક્ષા છે. અસહ્ય પ્રેમની ભૂમિકામાં ભરત ચાલ્યા આવ્યા ત્યારે પાંચ વિઘ્ન આવ્યાં છે અને આપણા જીવનમાં પણ આપણે હરિપ્રાપ્તિ માટે અને પ્રસન્નતા માટે યાત્રા કરીએ છીએ ત્યારે પાંચ વિઘ્ન આવે છે. કોઈ ને કોઈ અવરોધ આવે છે.

પ્રેમ એવી મંજિલ છે, એની યાત્રા કરવામાં પાંચ-પાંચ ખતરા આવે છે. ભરતજી ચિત્રકૂટની યાત્રામાં પાંચ બાધાઓ આવી, જે પ્રત્યેક સાધકના જીવનની ઘટના છે.
પ્રેમની દશામાં પહેલું વિઘ્ન એ આવ્યું, શૃંગબેરપુર સુધી ભરતનો સમાજ પહોંચ્યો ત્યારે સૌથી પહેલી મુશ્કેલી એ આવી કે નિષાદ, એ લોકો ભરત વિશે ગેરસમજ કરવા લાગ્યો. એને થયું કે આખરે એ કૈકેયીનો દીકરો છે. ભરત માટે થઈને રામને વનમાં જવું પડ્યું છે અને આ ભરત કદાચ નિષ્કંટક રાજ્ય કરવા માટે નીકળ્યો છે. જે પરમ પ્રેમની યાત્રા કરે છે એને પહેલું વિઘ્ન એ આવે છે કે રસ્તામાં આવતો સમાજ એના વિશે ગેરસમજ કરશે. મીરાં પ્રેમમાર્ગમાં ચાલી, એટલે જ્યાં-જ્યાં ગઈ ત્યાં લોકોએ ગેરસમજ પેદા કરી. જે પણ સત્યની, પ્રેમની અને કરુણાની યાત્રામાં નીકળશે એમના જીવનમાં એવું થશે જ! સમાજ ગેરસમજ કરશે. પ્રેમપંથના સાધકની પહેલી કસોટી છે કે વચ્ચે આવેલો સમાજ ગેરસમજ પેદા કરશે.

એક બીજું વિઘ્ન પણ ત્યાં આવ્યું, જ્યારે બધા યાત્રામાં ચાલવા લાગ્યા ત્યારે ભરતજીએ નિર્ણય કર્યો કે રામ, લક્ષ્મણ, જાનકી વનમાં ઉઘાડા પગે પદયાત્રા કરી રહ્યાં છે અને હું રથમાં યાત્રા કરું એ બરાબર ન કહેવાય. ભરતે નક્કી કરી લીધું કે ભગવાન ચાલીને ગયા છે તો હું પણ પદત્રાણ વિના એમ જ જઈશ. પછી વાત ફેલાઈ ગઈ. કૌશલ્યા આદિ માતાઓ ડોલીમાં બેઠી હતી. ડોલીનો પરદો હટાવીને માએ ભરતના માથા પર હાથ મૂકીને કહ્યું કે ભરત, તારા મનની સ્થિતિ હું સમજું છું કે રામ પગે ચાલે છે તો તને રથમાં બેસવાનું મંજૂર નથી. પ્રેમની એ સ્થિતિ હું જાણું છું, તું રથમાંથી નીચે ઊતરી ગયો તો આખી અયોધ્યા નીચે ઊતરી ગઈ. આપણી જવાબદારી છે અને વચ્ચે કોઈ બીમાર થાય કે કોઈને કંઈ થાય! એ સાંભળીને ભરત રથમાં બેસી ગયા.

પરમ તત્ત્વને પામવા માટે કોઈ વ્રત ધારણ કરે છે તો એ વ્રતમાં બાધા આવવા લાગે છે. જ્યાં સુધી એ વ્રતની કોઈને જાણ ન હોય ત્યાં સુધી બાધા નથી આવતી. કોઈ વ્રત રાખો તો એવી રીતે રાખો કે કોઈને એની જાણ ન થાય, નહીંતર બાધા આવશે! ભરતજી ગંગા પાર કરીને આગળ ગયા. ભારદ્વાજ ઋષિના આશ્રમમાં પ્રયાગમાં આવ્યા. ‘માનસ’માં લખ્યું છે કે ભરતના સ્વાગતમાં રિદ્ધિ-સિદ્ધિએ ગંગાના તટ પર સ્વર્ગમાં પણ ન હોય એટલી વ્યવસ્થા કરી. જેની જેવી રુચિ હતી એવા ભોગ ભોગવવામાં બધા પ્રવૃત્ત થઈ ગયા. ભરતજી એનાથી અલિપ્ત રહ્યા. પ્રેમની અવસ્થાના સાધકની યાત્રાનો એ ત્રીજો કસોટીકાળ છે. માણસ ધીરે ધીરે સાધનાના પથ પર જશે તો સમૃદ્ધિઓ બહુ આવશે. આ સમૃદ્ધિ-સુવિધાઓ ત્રીજી કસોટી છે. પછી ત્યાંથી યાત્રા આગળ વધે છે.

દેવતાઓને ચિંતા થઈ કે આ ભરત તો રામ પાસે જઈને જરૂર રામને મનાવીને પાછા ફરશે અને જો રામ અયોધ્યા આવશે તો આપણી યોજના નિષ્ફળ નીવડશે! હવે કોઈ એવું વિઘ્ન નાખીએ કે ભરત અને રામની મુલાકાત જ ન થાય. સાધનામાં દૈવી તત્ત્વોનાં પણ વિઘ્ન આવે છે. આપણી પ્રેમયાત્રામાં બાધક અસુર જ હોય છે એવું નથી, દૈવી તત્ત્વ પણ બાધક બને છે! બૃહસ્પતિના સમજાવવાથી ઇન્દ્ર થંભી જાય છે અને ભરતજી એ કસોટીમાંથી પણ પાર ઊતરી જાય છે.

ચિત્રકૂટની નજીક ભરતજી આવે છે. હજારો લોકો સાથે છે. સવારનો સમય છે. ભગવાન રામ ઉત્તર દિશા તરફ જુએ છે તો લાગે છે કે આજે ઉત્તર દિશા તરફ કંઈક ઊહાપોહ છે! આટલી બધી ધૂળ કેમ ઊડી રહી છે? આટલો કોલાહલ કેમ થઈ રહ્યો છે? એવું વિચારે છે એટલામાં કોલ, કિરાત, ભીલ બધા દોડતાં દોડતાં આવે છે અને કહે છે, અયોધ્યાથી રાજકુમાર ભરત અને શત્રુઘ્ન આખી અયોધ્યાને લઈને ચિત્રકૂટ આવે છે. અત્યંત સુમંગલ વેણ રામે જ્યારે સાંભળ્યાં ત્યારે રામનું મન પ્રસન્ન થઈ ગયું. રામનું શરીર પુલકિત થઈ ગયું. મન આનંદથી ભરાઈ ગયું. આંખોમાં આંસુ આવી ગયાં, પરંતુ બીજી જ ક્ષણે ભગવાન રામ વિચારવા લાગ્યા, ચિંતિત થઈ ગયા! ભરતના આગમનનું કારણ શું હશે? ભગવાનના હૃદયને કંઈક ઠેસ લાગી છે, એવું લક્ષ્મણજીને પ્રતીત થયું અને નીતિવિચારની ઉદ્્ઘોષણા કરવા લાગે છે. મહારાજ, વિષની વેલને ક્યારેય અમૃતનું ફળ નથી લાગતું. કૈકેયીના ઉદરમાંથી જન્મેલા ભરતમાં સદ્્ભાવ ન હોઈ શકે! લક્ષ્મણ બહુ બોલે છે! કહે છે, બંને ભાઈઓને હું મૃત્યુદંડ આપીશ! એનામાં એક આવેશ છે.

રામની દશા બહુ વિપરીત થઈ છે. ભગવાન લક્ષ્મણને ઠપકો પણ નથી આપી શકતા, કેમ કે લક્ષ્મણ એટલા સમર્પિત છે. લક્ષ્મણ ઘણું બોલી ગયા. ભગવાન રામે કહ્યું કે, ‘લક્ષ્મણ, રાજમદ આવ્યા વિના નથી રહેતો, પરંતુ મારી વાત પણ સાંભળ. ભરત એક એવો પ્રેમી છે કે જેને રાજમદ આવી શકતો નથી. લક્ષ્મણ, મને તારા સોગંદ અને આપણા સ્વર્ગીય પિતાની આણ. આ વિશ્વમાં, ત્રિભુવનમાં ભરત સમાન કોઈ પવિત્ર ભાઈ નથી.’ પ્રભુનું પ્રમાણપત્ર મળી ગયું. લક્ષ્મણ સમજી ગયા. પ્રભુના પગ પકડ્યા, ‘મારી ભૂલ થઈ ગઈ!’ અસહ્ય પ્રેમની અવસ્થાવાળા માણસ જ્યારે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે યાત્રા કરે છે ત્યારે પાંચ અવરોધ આવે છે.

વ્રતભંગ થાય, વચ્ચે આવતો સમાજ ગેરસમજ કરે, મહાત્માઓ કસોટી કરે, દેવતાઓ કસોટી કરે, પરંતુ ત્યારે સમજવું કે ચિત્રકૂટ બહુ નિકટ આવી રહ્યું છે અને જ્યારે પરિવારનો જ કોઈ સભ્ય તમારી હત્યા કરવાનું એલાન કરે ત્યારે સમજવું કે ચિત્રકૂટ સાવ નિકટ છે, કેમ કે ઘણી વાર પ્રેમીઓને નિકટના લોકો જ મારવા માટે તૈયાર થાય છે! જિસસને હિન્દુઓએ અહીંથી જઈને શૂળી પથ ચડાવ્યા છે? અથવા તો મીરાંને ઝેર આપવા માટે કોઈ અમેરિકાથી આવ્યું હતું? આપણા લોકો જ ઝેર પીવડાવે છે! કરબલાના મેદાનમાં જે લોકો મર્યા એમને મારવા કોઈ હિન્દુસ્તાનથી ગયું હતું અને કુરુક્ષેત્રમાં જે મર્યા એમને મારવા માટે કોઈ કરબલાથી આવ્યા હતા?
આગ તો અપને હી લગાતે હૈં,
ગૈર તો સિર્ફ હવા દેતે હૈં.
ગાંધીને ગોળી કોણે મારી? કોઈ અમેરિકને આવીને મારી? આપણાવાળા, નિજી જ જ્યારે પ્રહાર કરે ત્યારે ‘હે રામ!’ બહુ નિકટ હોય છે. અત્યંત પ્રેમપથિક માટે પાંચમું વિઘ્ન એ છે કે નિકટની વ્યક્તિ જ હત્યા સુધી પહોંચશે, પરંતુ અત્યંત પ્રેમની અવસ્થા એક લેવલવાળી હોય, લેબલવાળી ન હોય તો સમજવું, રામ સ્વયં ઊભા થઈને નિર્દોષ જાહેર કરશે. ⬛(સંકલન : નીતિન વડગામા)

X
There are five obstacles in the journey of love
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી