માનસ દર્શન / કરુણાથી પમાયેલા સત્ય અને પ્રેમ મારા માટે ઈશ્વર છે

The truth and love of God is for me

  • દયા કારણ શોધે છે. કરુણાનું કોઈ કારણ નથી હોતું. કરુણા જન્મતી નથી કે મરતી નથી

Divyabhaskar.com

Nov 17, 2019, 07:37 AM IST

એક પ્રશ્ન મારી પાસે એવો આવ્યો છે કે, ગાંધીજી સત્યને ઈશ્વર માને છે. પહેલાં ગાંધીજી ઈશ્વર સત્ય છે, એમ માનતા હતા પરંતુ અનુભવો પછી એમણે કહ્યું કે ‘ઈશ્વર તો સત્ય છે, પરંતુ સત્ય જ ઈશ્વર છે.’ જિસસે કહ્યું કે ‘પરમાત્મા પ્રેમ છે.’ તો બાપુ, આપ આ ક્રમ વિશે શું કહો છો? વ્યાસપીઠને એક યુવાને પૂછ્યું છે, એટલે એનો જવાબ આપતાં પહેલું તો મારે એ કહેવું છે કે આ ક્રમમાં તમે મને રાખશો નહીં, કેમ કે એ તો ઊંચાઇવાળા મહાપુરુષો છે, હું તો તમારી જેમ એક ઇન્સાન છું. તો પૂજ્ય ગાંધીબાપુ, જિસસ, એમની સામે આપણે તો આ ધરતીના સામાન્ય માણસો છીએ, છતાં પણ તમે પૂછ્યું છે તો કહીશ કે ‘સત્ય પરમાત્મા છે’, હું સંમત છું. ‘પ્રેમ પરમાત્મા છે’, હું સંમત છું; પરંતુ મોરારિબાપુને વ્યક્તિગત રીતે કહેવાનું હોય તો હું કહીશ કે કરુણા જ ઈશ્વર છે.

જ્યાં પણ કરુણા જોશો ત્યાં હરિનું દર્શન થશે. સત્ય બહુ ઓછું જોવા મળે છે. સત્યવાળો ઈશ્વર ક્યારેક ગાંધીને, તો ક્યારેક હરિશ્ચંદ્રને જોવા મળ્યો; અને પ્રેમની બહુધા વાતો થાય છે. પ્રેમ તો આત્માનો ધર્મ છે, પ્રેમ વિષય નથી. વિષયના ત્રણ અર્થ થાય છે. એક તો વિષય એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. સાહિત્યમાં વિષયને સંદર્ભ કહે છે; અંગ્રેજીમાં કહે છે ‘સબ્જેક્ટ’; પરંતુ વિષયનો એક અર્થ છે દેશ. તમારો વિષય કયો? એવું કોઇ પૂછે તો જે વિષયને લઇને તમે બેઠા હો એના સંદર્ભનું નામ પણ તમે આપી શકો છો; તમે રસ પણ દર્શાવી શકો છો કે મને ફૂલને સ્પર્શવાનું સારું લાગે છે; ત્રીજો અર્થ છે વિષય એટલે આપણો દેશ. ચિત્રકૂટવાસી રામભદ્રચાર્યજીએ બહુ સુંદર અર્થ કાઢ્યો છે કે મનુરાજામાં વિષય હતો જ નહીં, છતાં પણ ત્યાં લખ્યું છે-

હોઇ ન વિષય બિરાગ ભવન બસત ભા ચૌથપન.

એ માનતા હતા કે મારામાં બીજા વિષય તો નથી, પરંતુ મારું ભારત છે એ મારો વિષય છે; ભગવાન કરે ને એનાથી મારો વૈરાગ્ય ન થાય. ‘સ્વધર્મે નિધનં શ્રેય:.’ એ રીતે ‘સ્વદેશે નિધનં શ્રેય:’

તો પ્રેમને તો મોટેભાગે વિષયોમાં ઢાળી દીધો છે. પ્રેમ વધતાં વધતાં કામ સુધી પહોંચી જાય છે અને કામ વધતાં વધતાં પ્રેમ સુધી પહોંચે છે. ભરતને ‘માનસ’માં જ્યારે કામ મનાય છે ત્યારે એ પ્રેમનું શિખર છે. તો પ્રેમની વાતો પણ જટિલ છે. કરુણા બહુ નજીક પડે છે. સત્યનું સ્થાન છે જિહ્વા; પ્રેમનું નિવાસ સ્થાન છે હૃદય. પરંતુ કરુણાનું મુખ્ય સ્થાન છે આંખો; અને કરુણા રોમેરોમ છવાયેલી હોય છે. કરુણા એકદેશીય નથી હોતી. આ મારો વ્યક્તિગત જવાબ છે.

કરુણાનો અર્થ દયા ન કરતા. દયા પરિસ્થિતિવશ હોય છે. એક ભૂખ્યાને તમે જોયો, તમને દયા આવી ગઇ, રોટી આપી. દયા સદાય પરિસ્થિતિમાંથી જન્મે છે; દયા કારણ શોધે છે. કરુણાનું કોઇ કારણ નથી હોતું. કરુણા જન્મતી નથી કે મરતી નથી. એટલા માટે શંકરને તુલસી ‘કરુણા’ કહે છે.

કુંદ ઇંદુ સમ દેહ ઉમા રમન કરુના અયન.

રાષ્ટ્રને, વિશ્વને કરુણાની જરૂર છે; અને મને કહેવા દો, આપણા જીવનમાં જેટલી કરુણા હશે એટલી સત્ય સમજવામાં સરળતા રહેશે. કઠોરતાથી તમે ન તો તમારું કે ન તો બીજાનું સત્ય સમજી શકો. કરુણા વિના પ્રેમની ઓળખ કરવી અઘરી છે. વિશ્વને શંકરની કરુણાની બહુ જરૂર છે; અને કરુણાનું સ્થાન માણસની આંખ છે. આપણે કહીએ છીએ કે આંખમાં પ્રેમ છે. એ પણ છે; હું જે કહું છું એનું ઉચ્ચ-નીચ જેવું પૃથક્કરણ ન કરશો. કરુણાથી પમાયેલાં સત્ય અને પ્રેમ મારા માટે ઈશ્વર છે. એક માની આંખોમાં કુરણા ન હોય અને મા લાખ સત્ય બોલતી હોય તો બાળકને માટે ફાયદાકારક નથી. બાપને પોતાના પરિવાર માટે બહુ જ પ્રેમ છે પરંતુ કરુણા ન હોય તો? સત્ય બીજ છે, પ્રેમ બીજ છે, કરુણા જળ છે.

તમે તમારી રીતે પણ વિચારજો. પ્રેમ પણ જ્યારે આંખોના માધ્યમથી આંસુરૂપે વહેવા માંડે ત્યારે સમજવું કે પ્રેમે કરુણાનો દરજ્જો મેળવી લીધો છે. પ્રેમ ધન પણ હોઇ શકે છે, કરુણા ક્યારેય ધન નથી હોતી, સ્થૂળ નથી હોતી. પ્રભુ પાસે માગો કે અમને હજુ વધુ કરુણા આપો. કરુણા ઈશ્વર છે. કરુણા વિના ઈશ્વર શું કામનો? ઈશ્વરમાં કરુણા ન હોય તો એ ક્યારેય અવતાર નથી લઇ શકતો. વિનોબાજી તો કહે છે કે ઈશ્વરનાં દર્શન પણ થઇ શકે છે; બધા બુદ્ધિશાળીઓની બુદ્ધિ પર એક ડંડો મારે છે વિનોબા! વિનોબાજીએ ધર્મોના સારની નાની-નાની પુસ્તિકાઓ લખી છે; યુવાનોએ વાંચવા જેવી છે.

તો કરુણા જ્યાં પણ દેખો, નમન કરજો. કોઇ પણ વ્યક્તિ કરુણારૂપી ઈશ્વરનું મંદિર છે. સત્ય આક્રમક બની શકે છે. ઘઉંને ઘઉં રહેવા દો ત્યાં સુધી એ સત્ય છે; ઘઉંને એક કલાક સુધી પાણીમાં રાખો ત્યારે એ જલદી પાકશે; એ પ્રેમ છે; પરંતુ એ જ ઘઉંને હાંડીમાં નાખીને ચૂલા પર ચઢાવો, એનું પાકી જવું એ કરુણા છે. મારી વ્યાસપીઠ એક મનોરથ છે કે હવે વિશ્વમાં એક પાંચમો યુગ આવે, જેનું નામ હોય ‘પ્રેમયુગ’ અને જેનું સિંચન કરુણાથી થતું હોય.

તુલસી ‘માનસ’માં એક શબ્દ આપે છે, ‘બંદીગૃહ.’ આપણા નરસિંહ મહેતાને પણ જેલમાં નાખ્યા હતા. એ ગૃહમાં ઈશ્વરતત્ત્વને પ્રગટ થવાની સંભાવના છે. વિનોબાજી જેલમાં હતા. જેલમાં વિનોબાજી પાસેથી ‘ગીતા’નાં પ્રવચનો મળ્યાં! આજે એનું ચોક્કસ સ્થાન છે. હું થોડું થોડું વાંચું છું. માણસનો ઇષ્ટગ્રંથ એક હોવો જોઇએ, પછી જ્યાંથી શુભ ભિક્ષા મળે ત્યાંથી લઇ લો. ગ્રંથ એક હોય, પંથ એક હોય. બધા પંથે જવાથી ભટકી જશો!

જીવનમાં એક ગ્રંથ હોય, એક પંથ હોય અને એક કંત હોય, કંત એટલે માલિક. સૌને પ્રમાણ કરો. પરંતુ સ્વામી એક જ હોય. આપણા મંદિરમાં કેટલા દેવતાઓ હોય છે! બે જ બસ છે, એક હરિ અને એક હરિનું નામ. એક ગ્રંથ, એક પંથ, એક કંત અને જીવનમાં એક સંત. સંત એટલે સદગુરુ. આદર સૌને આપો, પરંતુ તમારા સદગુરુ તો એક જ હોવા જોઇએ. સદગુરુની બાબતમાં પતિવ્રતા બનવું. દત્તાત્રેયે ચોવીસ ગુરુ કર્યા. પરંતુ સદગુરુ તો એમના પણ એક જ હતા. ગોસ્વામીજી કહે છે-

એક ભરોસો એક બલ એક આસ વિસ્વાસ,
એક રામ ઘનશ્યામ હિત ચાતક તુલસીદાસ.
આપણે કેટલાં બધાં ભટકીએ છીએ! ‘ગીતા’માં એને ‘વ્યભિચારિણી બુદ્ધિ’ કહી છે. પ્રલોભન અને ભય જ આપણી માનસિક દશા બગાડે છે. આપણે મૂર્છામાં જીવી રહ્યા છીએ. અમારા એક જ્યોતિષી છે, જેઠાદાદા, એ ચોખ્ખેચોખ્ખું કહે છે કે તને એક પણ ગ્રહ નડતો નથી. તું તને નડવાનું બંધ કર! ડરો નહીં, ભયભીત ન થાઓ.
ઘરમાં મંદિર રાખો, પરંતુ તમે ઘરને મંદિર નથી બનાવી શકતા! એ સબૂત છે કે તમે ઘરને મંદિર નથી બનાવી શક્યા, એટલે તો તમારે એક ખૂણામાં મંદિર બનાવવું પડે છે! અને તમારા ઘરમાં એક જીવંત ઈશ્વર ઘૂમે છે, એક નાનકડું બાળક, ઘરડા દાદા, અનુસરણ કરતી સ્ત્રી, ભાઇ-આ બધાં ઈશ્વર જ છે! મને ઘણા લોકો કહે છે કે બાપુ, આપ એક અપીલ કરો તો લોકો દ્વારા કેટલાં મંદિર બનાવી શકો! પરંતુ કહું છું કે મારું કામ બીજું છે. હું મંદિર બનાવડાવતો નથી. હું તો લોકોના ઘરને જ મંદિર બનાવવાની ચેષ્ટા કરું છું. તમારું ઘર જ મંદિર બને. પરિવારના સદસ્યો દેવતા છે, પરંસ્પર પ્રેમ કરો.

X
The truth and love of God is for me
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી