માનસ દર્શન / રામ તત્ત્વત: બ્રહ્મ છે, એ વ્યાપક ભુવનેશ્વર છે

Ram is essentially Brahman, it is a vast Bhubaneswar

  • રામકથા પૂરો મહામંત્ર છે. અને આ જગતમાં એના જેટલો સરળ પણ કોઈ મંત્ર નથી

Divyabhaskar.com

Nov 03, 2019, 04:49 PM IST

ભુવનેશ્વર એટલે ભગવાન રામ. ભુવનેશ્વર એટલે પરમાત્મા, ઈશ્વર, બ્રહ્મ, ભગવાન, તમે જે કહો તે; એક સર્વોચ્ચ સત્તા, એ છે ભગવાન રામ. જેને આપણે પરમાત્મા કહીએ કે પછી તમે જે કહો તે. શ્રીહનુમાનજી લંકા પર પોતાનો પ્રભાવ પાડીને અને મા સીતાની શોધ કરીને પાછા આવે છે. પછી ભગવાન રામ સહિત બધા સમુદ્રના તટ પર આવી પહોંચે છે. તપસ્વીની સેના સમુદ્રના તટ પર આવી પહોંચી છે, એવી ખબર ગુપ્તચર વિભાગ દ્વારા રાવણને પ્રાપ્ત થાય છે.

રાવણ એક આપાતાલીન બેઠક બોલાવે છે કે હવે આનું શું કરવું જોઇએ? બધા મંત્રીઓ રાવણની ખુશામત કરે છે. વિભીષણનો અભિપ્રાય લેવામાં આવ્યો ત્યારે વિભીષણ ભગવાન રામ વિશે પોતાનું જે દર્શન પ્રસ્તુત કરે છે એમાં એ ‘ભુવનેશ્વર’ શબ્દનો પ્રયોગ કરે છે. વિભીષણ રાવણને કહે છે કે હે તાત, હે મારા પિતા સમાન જ્યેષ્ઠ બંધુ, રામ માત્ર નરભૂપાલ નથી; એ મનુષ્યના રાજામાત્ર નથી; માત્ર મૃત્યુલોકના રાજા પણ નથી. પરંતુ તત્ત્વત: રામ ભુવનેશ્વર છે. અને હે રાવણ, તમે એ પણ સમજી લો કે ભગવાન રામ જે ભુવનેશ્વર છે એ કાળના પણ કાળ છે. પછી આગળ તો વિભીષણ રામનું પૂરેપૂરું ઔપનિષદીય રૂપ પ્રસ્તુત કરે છે. રામ વ્યાપક છે, એ અજિત છે વગેરે-વગેરે. રાવણને જાગૃત કરવા માટે હૃદયની ભાષાથી વિભીષણ રાવણને કહી રહ્યો છે-

તાત રામ નહીં નર ભૂપાલા, ભુવનેશ્વર કાલહુ કર કાલા.
પછી ‘લંકાકાંડ’માં લક્ષ્મણજી રણમેદાનમાં છે. ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. બધી સેનાઓ પોતપોતાની શિબિરોમાં પાછી ફરી રહી હતી. અને સંધ્યા થઇ ચૂકી હતી ત્યારે પણ લક્ષ્મણ રામ પાસે પાછા આવ્યા નહીં ત્યારે ભગવાન પૃચ્છા કરે છે કે લક્ષ્મણ ક્યાં છે? હજુ સુધી લક્ષ્મણ કેમ નથી આવ્યા? પરંતુ રામે કેવી રીતે પૂછ્યું?

વ્યાપક બ્રહ્મ અજિત ભુવનેશ્વર.
લછિમન કહાં બૂઝ કરુનાકર.

કરુણાની ખાણ સમાન કૃપાનિધાન પરમાત્મા જે વ્યાપક છે, જે બ્રહ્મ છે, જે અજિત છે અને જે ભુવનેશ્વર છે, એવા રામે પોતાના સખાઓને પૂછ્યું કે લક્ષ્મણ ક્યાં છે? તો ત્યાં તુલસીએ ‘રામચરિત માનસ’માં ભગવાન રામને ભુવનેશ્વર કહ્યા છે.

તો રામ છે ભુવનેશ્વર. તેઓ માત્ર દશરથના ભવનના જ નિવાસી નથી; તત્ત્વત: તેઓ ભુવનેશ્વર છે. આપણા માટે સીમિત બનીને તેઓ રમી રહ્યા છે પરંતુ રામ તત્ત્વત: બ્રહ્મ છે, રામ વ્યાપક ભુવનેશ્વર છે. ભગવાન રામથી આગળ હવે કંઇ નથી.

રામકથા સ્વયં એક મહામંત્ર છે. તમે રામકથાનું પારાયણ કરી રહ્યા છો. પાઠ કરી રહ્યા છો તો તમે કેવળ પાઠ અને સ્વાધ્યાય જ નથી કરી રહ્યા. મારી સમજ મુજબ એક અદ્વિતિય, એક અલૌકિક એવા મહામંત્રનો જપ કરી રહ્યા છો. તુલસીદાસજીએ સ્વયં કહ્યું છે-મંત્ર મહામનિ બિષય બ્લાલકે.

મેટત કઠિન કુઅંક ભાલ કે.

વિષને ખેંચી લેવું એ મણિનું પહેલું લક્ષ્મણ છે. તો તુલસી કહે છે, સમગ્ર ‘રામચરિત માનસ’ એક એવો મંત્ર છે કે વિષરૂપી સર્પ જે આપણને નિરંતર દંશ દે છે એના વિષને રામકથા ચૂસી લે છે; વિષ ઓછું કરી નાખે છે; પતન સુધી નથી જવા દેતી; એ માણસને ફરી સચેત કરી દે છે, વિવેકી બનાવી દે છે. તો આ રામકથા પૂરો મહામંત્ર છે. અને એના જેટલો સરળ પણ કોઇ મંત્ર નથી. તમે પણ અનુભવ કરો! ‘રામચરિત માનસ’ના મહામંત્રનો આશ્રય કરવાથી વિષયોની માત્રા ઓછી થાય છે. આ મંત્ર મહામણિ જે છે, એ મંત્ર બીજું શું કામ કરે છે? બીજું કામ પ્રકાશ આપવાનું કરે છે. દીપક માટે વાટ જોઇએ, ઘી જોઇએ, એની સુરક્ષા માટે ચીમની જોઇએ. પરંતુ મણિ સ્વયં પ્રકાશિત છે. તો આ મહામંત્ર એક એવો મણિ છે કે જે નિરંતર સ્વયં પ્રકાશ આપે છે. એ પ્રકાશમાં ઓછપ આવતી નથી.

તુલસીદાસજીના જીવન વિશે ઘણી બધી કથાઓ મળે છે; એમાં નિરાલાજીએ પોતાની રીતે એક કથા રજૂ કરી હતી. એમણે કહ્યું હતું કે ગોસ્વામીજી પોતાનો હસ્તલિખિત ‘રામચરિત માનસ’ ગ્રંથ લઇને ચિત્રકૂટના ઘનઘોર જંગલમાં ઘૂમી રહ્યા હતા. ગાઢ અંધારું હતું. તુલસીનો નિયમ હતો કે સમયસર તેઓ ‘રામચરિત માનસ’નું પારાયણ કરતા રહેતા હતા. અને ચિત્રકૂટના એ જંગલમાં ઘૂમતાં-ઘૂમતાં જ્યારે ‘રામચરિત માનસ’નું પારાયણ કરવાનો સમય થયો ત્યારે ગોસ્વામીજીએ વિચાર્યું કે આટલું બધું અંધારું છે તો હું કેવી રીતે પાઠ કરી શકીશ? કોઇ ચોપાઇઓ કે મંત્રોના શબ્દબ્રહ્મ હું જોઇ નથી શકતો! ત્યારે એક મિનિટ માટે એમણે આંખો બંધ કરીને માત્ર ‘રામાયણ’નું ધ્યાન કર્યું કે શંકર ભગવાને જ મારી પાસે લખાવ્યું છે કે આ મણિ છે, તો મણિનો તો પોતાનો પ્રકાશ હોવો જોઇએ. નિરાલાજીનું માનવું છેકે એ સમયે ‘રામચરિત માનસ’ગ્રંથમાંથી પ્રકાશ પ્રગટ થયો છે. તુલસીની પોતાની નિજી અનુભૂતિ છે. આપણા દિલમાં એ વાત કદાચ ન પણ બેસે. પરંતુ નિરાલા જેવા એક મહાકવિ આ વાત કરી રહ્યા છે તો એમાં અવશ્ય કંઇક હોવું જોઇએ.

ગ્રંથનો એક પ્રકાશ હોય છે. ગ્રંથનું એક અજવાળું હોય છે, એ નક્કી છે. તો મણિનું બીજું લક્ષણ છે પ્રકાશ આપવો. ત્રીજું, કોઇ એની ચોરી નથી કરી શકતું કેમ કે એનો એટલો બધો સ્વયં પ્રકાશ છે કે કોઇ પણ એને ચોરીને લઇ જશે તો ત્યાં પ્રકાશ થવા લાગશે! એને ચોરીને લઇ જનારા રંગે હાથ પકડાઇ જશે! આ મહામંત્રરૂપી મણિનું ચોથું લક્ષણ છે કે આ મહામણિથી આપણા ભાગ્યના જે કઠિનમાં કઠિન અંક હોય છે, લેખ હોય છે એ મટી જાય છે. બધી વસ્તુ બુદ્ધિથી સમજાતી નથી; કેટલીક વસ્તુ શ્રદ્ધાથી સમજવી પડે છે, પરમ ભરોસાથી સમજવી પડે છે. તમારી શ્રદ્ધા તમે જાણો. મારી શ્રદ્ધા, મારો ભરોસો, મારો શ્વાસ, મારો વિશ્વાસ, મારો આત્મા, મારું ખાવું-પીવું-સૂવું-જાગવું બધું જ ‘રામચરિતમાનસ’ છે. એના સિવાય હું કોઇના આશ્રયમાં નથી. તો મારા અનુભવ મુજબ તો હું કહી શકું છું કે આ એક એવો મહામંત્ર છે કે જે કઠિનમાં કઠિન કુઅંકને મિટાવી દે છે; નિ:શંક મિટાવી દે છે. પરંતુ પ્રબળ ભરોસો હોવો જોઇએ.

એકવાર ઓશો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ એકલા હતા. એક ભિખારી આવ્યો. એણે ઓશો પાસે એક રૂપિયો માગ્યો. ઓશોએ એક રૂપિયો આપી દીધો. ભિખારીએ લઇ લીધો. એ ભિખારી બીજા ડબ્બામાં ગયો. પાંચ-દસ મિનિટ પછી એ ભિખારી કંઇક કપડાં બદલીને પાછો ઓશોવાળા ડબ્બામાં આવ્યો. ભીખ માગી. ઓશોએ પાછો રૂપિયો આપ્યો. પાછો દસ મિનિટ પછી માથે કંઇક ટોપી પહેરીને, હાથમાં ભિક્ષાપાત્ર લઇને ત્રીજી વાર આવ્યો. ઓશોએ સો રૂપિયા આપ્યા. પછી એ ગયો. પાછો ચોથી વાર આવ્યો. સો રૂપિયા માગ્યા. ઓશોએ સો રૂપિયા આપ્યા. પાછો એ ભિખારી કંઇક વેશ બદલીને પાંચમી વાર આવ્યો. ઓશોએ સો રૂપિયા આપી દીધા. ત્યારે એ ભિખારી બોલ્યો કે હું તો એનો એ જ છું. આપ મને ઓળખી ન શક્યા? ઓશોએ કહ્યું, હું પણ એનો એ જ છું. તું મને ન ઓળખી શક્યો? એ રીતે પરમતત્ત્વ તો એનું એ જ છે. આપણે એને ઓળખી નથી શકતા! એટલા માટે આપણું ભટકવું શરૂ થઇ જાય છે! અને મને એનો એક અર્થ તો એવો પણ જણાય છે કે એ ભિખારી પણ વારંવાર ઓશો પાસે ગયો ત્યારે જ એનું કામ થયું! ડબ્બામાં તો અનેક મુસાફરો હશે. તો રામકથાના મહામંત્રથી જ કઠિનમાં કઠિન કુઅંક મટી જાય છે.

X
Ram is essentially Brahman, it is a vast Bhubaneswar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી