માનસ દર્શન / નિંદા, ઈર્ષ્યા અને દ્વેષ ત્રણ મોટામાં મોટા કષાય છે

manas darshan by morari bapu

  • નિંદક સાચો હોય જ નહીં અને સાચો હોય એ નિંદા કરે જ નહીં. સાધુપુરુષ નિંદા ન કરે, નિદાન કરે

મોરારિ બાપુ

Oct 13, 2019, 08:10 AM IST

કથાના કેટલાય પ્રકારો છે. અનેક રીતે કથાઓનું અવતરણ ધરતી ઉપર થતું રહ્યું છે, પણ વક્તા અને શ્રોતા માટે કથામાં પાંચ વસ્તુ શીખવા જેવી છે. આ પાંચ કથામાં વિઘ્ન કરે છે. કથાનાં જે બાધક તત્ત્વો છે એ પાંચ છે. એનાં શાસ્ત્રીય નામ છે. એક છે લય. બીજું વિક્ષેપ. ત્રીજું અપ્રતિપત્તિ. ચોથું કષાય. પાંચમું બાધક તત્ત્વ છે સ્વાદાભૂતિ. આ બધા પ્રતિબંધો છે. ભગવદ્કથામાં હું ને તમે લીન થતા જઇએ, એમાં પાંચ સ્પીડબ્રેકરો છે. કોઇ પણ સાધના પદ્ધતિમાં આપ જાઓ. આ પાંચેય પ્રતિબંધ હોય જ છે.

લય, પહેલો પ્રતિબંધ. લયનો અહીં અર્થ છે કે આપણે કથા કહેતા હોઇએ, કથા સાંભળતા હોઇએ અને એમાં આપણને પ્રમાદ આવે; આળસ આવે. હું આલોચનાના રૂપમાં નથી કહેતો. આ એક ખોજ છે. આપણે કથામાં બેઠા હોઇએ ને આપણને પ્રમાદ આવે. એ લય વિઘ્ન છે. એ બાધક છે. આમ તો સંગીતની દૃષ્ટિમાં લય બહુ સારી વસ્તુ છે કે લયમાં ચાલો. અહીંયાં લય આધ્યાત્મિકતામાં બાધક બન્યો છે. એક પરમ મહાપુરુષ એક ધર્મના બંદગી કરતા હતા અને તેમાં લયપૂર્વક સંગીત ચાલ્યું તો બંદગીમાં વિઘ્ન થયું. પછી એને એમ થયું, આ બંદગીમાં સંગીત ન હોવું જોઇએ. તો એ જ્યાં લય છે એને એ બાધક બન્યો. પ્રમાદ આવે, આળસ આવે, બની શકે. એટલું જ નહીં, કદાચ વચ્ચે-વચ્ચે થોડીક ઊંઘ આવી જાય. આ પ્રતિબંધો છે.

વક્તા માટે મોટામાં મોટો ફાયદો છે કે આ લય વક્તાને ક્યારેય બાધક બનતો નથી. વક્તા ક્યારેય સૂએ નહીં! બને જ નહીં, પણ અહીંયાં બધું જ થઇ શકે! ક્યારેક બની પણ શકે. સૂઇ જાય! લોકસભા જાગવા માટે છે. સૂવા માટે છે? તોય ઘણા નથી સૂઇ જતા? રાષ્ટ્રકલ્યાણની ચર્ચા થતી હોય એ પણ એક રાષ્ટ્રસાધના છે; એમાં તમે સૂઇ જાઓ એ બરાબર નથી, પણ તમારો દોષ નથી. એમાં લય નામનું બાધક તત્ત્વ છે. તમે આને લાયક નહોતા ને ગોઠવાઇ ગયા છો! સો રૂપિયાની બોટલને લીધે તમને કોકે મત આપ્યો છે! અને એમાં તમે ગેરલાયક હોવા છતાંય તમે ઊંઘવા આવ્યા છો! કોઇની આલોચના નથી. આ સમાજકલ્યાણની વાતો છે. આ લોકકલ્યાણની વાતો છે. આ રાષ્ટ્રજાગરણની વાતો છે.

બીજું વિક્ષેપ. તમે ને હું કથામાં બેઠા છીએ. હું કથામાં બેઠો છું અને કોઇક ઓચિંતા આવે; કોઇ અતિ આવશ્યક હોય તે વાત જુદી, પણ કોઇ ઓચિંતા મને સ્ટેજ ઉપર આવીને ચિઠ્ઠી આપે કે બાપુ, જરાક આ કરો, તો એને વિક્ષેપ કહેવાય. અત્યંત આવશ્યક હોય તો આપણે પ્રેક્ટિકલ રહેવું જોઇએ. જગતમાં જડ ન બનાય. અત્યંત આવશ્યક હોય તો વ્યાસપીઠને રોકી પણ શકાય. તમને અત્યંત આવશ્યક હોય તો ફોન પર વાત કરવી જોઇએ; એની ના નથી, પણ એ વિક્ષેપ છે. વિક્ષેપથી મુક્ત રહો. શાસ્ત્ર ના પાડે છે. તમે કથામાં બેઠા છો ને આયોજકને ક્યારેક ક્યારેક અગત્યનું કામ આવ્યું હોય તો ઊઠવું જોઇએ ચોક્કસ, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ એ પ્રતિબંધક તત્ત્વ આવ્યું છે. એ વિક્ષેપ છે.

કથાનું ત્રીજું પ્રતિબંધક તત્ત્વ છે અપ્રતિપત્તિ. સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ છે કે તમારામાં શક્તિ છે, સમજણ છે, સમય પણ છે છતાંય તમે શ્રેષ્ઠ વસ્તુનો ત્યાગ કરો છો એ અપ્રતિપત્તિ કહેવાય. તમારી પાસે સમય છે, સમજ છે, શક્તિ છે, બધું છે છતાં તમે એમ કહો. કથામાં શું સાંભળવાનું? કથા એટલે શું? સામર્થ્ય છે. સંસ્કૃત આવડે છે. હું ‘ગીતા’નો એક અધ્યાય વાંચી શકું, પણ વળી મન કહે, ના રે ના, ‘ગીતા’ શું વાંચું? સમાજસેવા કરોને! ‘ગીતા’ વાંચ્યા વગર તારી સમાજસેવા અહંકારી થઇ જશે. પહેલાં ‘ગીતા’વાંચ. ગાંધીની સમાજસેવા ટોચે ગઇ, કારણ કે ‘ગીતા’ વાંચી હતી. તેમાંથી અનાસક્તિ યોગ ઉત્પન્ન કર્યો હતો. તમારી પાસે રૂપિયા છે, સમજ છે કે મારે કોકને આપવું જોઇએ. છતાં અેમ કહે ના રે ના, એને શું આપવું? કારણ કે એ બધા કમિટીવાળા ખાઇ જાય! આ બધા વિચાર આવે એ બધાં પ્રતિબંધક તત્ત્વો છે.

ચોથો અવરોધ છે. કથાજગતનો તે છે કષાય. કષાય એટલે પાપ, દોષ, અપરાધો, મેલ, કીચડ, ગંદકી અંદરની. જૈન ધર્મમાં આ શબ્દ બહુ વપરાયો. સનાતન ધર્મ એને ષડ્કષાય કહે છે. છ પ્રકારના કષાય કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર; છ પ્રકારના જે ષડરિપુ પણ કહે; દોષ પણ કહે. કષાય; આપણાં નાનાં-મોટાં પાપો; આપણી મૂઢતાઓ આપણને નડે. આપણે ગંગા સુધી ગયા હોઇએ, તબિયત સારી હોય, પણ નહાવા ન દે. પેલા કષાય આડા આવે! થોડુંક ભણ્યા હોઇએ એટલે થાય કે ગંગામાં નહાવાથી પાપ જાય? ભગતબાપુ કહે છે-
ભરોસે રહેવાય,
એમાં પંડનાં ડહાપણ ન ડોળાય,
એને ભરોસે રહેવાય.

એને ભરોસે રહેવાય, એમાં પંડનાં બહુ ડહાપણ ન ડોળાય. એક પ્રતિબંધક છે લય; બીજો વિક્ષેપ; ત્રીજો છે આપણામાં સામર્થ્ય હોય ને આપણે સમય ચૂકી જઇએ; હરિ ભજવાની વેળા હોય છતાં ‘રામ રામ રામ રામ’ શું કરવાનું? એ અપ્રતિપત્તિ બાધક તત્ત્વ પડે. ચોથું કષાય. નાનાં-મોટાં પાપ. કફ થઇ જાય એટલે સરખો અવાજ ન નીકળે. અવાજ તો આપણો ટકોરા મારે એવો છે, પણ કફ છે.

એ કષાય આપણને નડે. એ મારી દૃષ્ટિએ નિંદા, ઇર્ષ્યા અને દ્વેષ ત્રણ મોટામાં મોટા કષાય છે. ત્રણ મોટામાં મોટાં પાપ, જે હું મારી રીતે કહ્યા કરું. એક નિંદા, બીજી ઇર્ષ્યા, ત્રીજો દ્વેષ. નિંદા સત્યરૂપી ધર્મને ગ્લાનિ પેદા કરાવે. નિંદા કરનારો કોઇ દિવસ સાચો હોય જ નહીં. એ સત્યરૂપી ધર્મને ગ્લાનિ પેદા કરાવ્યા વગર રહે જ નહીં. નિંદક સાચો હોય જ નહીં અને સાચો હોય એ નિંદા કરે જ નહીં. સાધુપુરુષ નિંદા ન કરે, નિદાન કરે. હું ડોક્ટરી ભાષામાં કહું છું. નિદાન કરવાની છૂટ હોય છે. નિદાન પણ નિંદાનો જ એક પ્રકાર છે. એમાંય સત્ય નથી, પણ ડોક્ટરોએ એ સ્વીકારવું પડે. કેન્સર છે.

છેલ્લું સ્ટેજ હોય, નાનાં-નાનાં બાળકો હોય, સ્ત્રી મજૂરી કરતી હોય તો ડોક્ટર નિદાન કરી લે, પણ ડોક્ટરે થોડીક ગ્લાનિ આપવી પડે છે. મોઢામોઢ કહેવાય નહીં. એમ કહેવાય કે વાંધો નથી, એટલું કાંઇ નથી, થઇ જશે. અત્યારે બધા ઇલાજ છે. એમ કરીને ડોક્ટર થોડુંક છુપાવે અને નિંદા હો કે નિદાન હો, સત્યને થોડીક ગ્લાનિ પેદા કરે જ છે. નિદાન આવું કરવું જ જોઇએ. ડોક્ટરે એમ ન કહેવું જોઇએ કે ખલાસ થઇ ગયો! નિંદા સત્યરૂપી ધર્મને ગ્લાનિ પહોંચાડે. બીજું, ઇર્ષ્યા પ્રેમરૂપી ધર્મને ગ્લાનિ પહોંચાડે છે. પ્રેમમાં ઇર્ષ્યા હોય જ નહીં! પણ જ્યારે ઇર્ષ્યા શરૂ થાય ત્યારે પ્રેમરૂપી ધર્મને ગ્લાનિ થાય અને કરુણારૂપી ધર્મને ગ્લાનિ થાય છે. જ્યારે માણસ દ્વેષ કરે છે, કારણ કે દ્વેષ કરનારો હિંસા સુધી પહોંચે. કરુણારૂપી ધર્મને પીડા થાય, ગ્લાનિ થાય અને હિંસા સુધી જતો રહે માણસ.

પાંચમું અને છેલ્લું તત્ત્વ છે કથાતત્ત્વનાં પ્રતિબંધક તત્ત્વોમાં એનું શાસ્ત્રીય નામ છે સ્વાદાનુભૂતિ; સ્વાદનો અનુભવ. સ્વાદ ખરાબ વસ્તુ નથી, પણ ક્યારેક ક્યારેક રામરસને બદલે નિંદારસનો સ્વાદ વધારે આવે છે! એ નિંદારસના સ્વાદની અનુભૂતિ મને ને તમને કથાના રસમાં બાધક બને છે. નિંદાનો રસ. આમ તો નવ રસ છે, પણ આ રસ કંઇ જેવો તેવો નહીં! માણસ ટક્કર લઇ જાય! ‘એમ? એલા, બધું એવું છે? હોય નહીં?’ આવી ખોટા રસની સ્વાદાનુભૂતિ રસની બાધક છે. ભગવદ્્કથા રસમાં પ્રતિબંધક આ તત્ત્વો છે. આ મોટામાં મોટા કષાય છે, જે કથામાં મને ને તમને વિઘ્ન કરે છે. ધીરે ધીરે એમાંથી મુક્ત થવાય.

X
manas darshan by morari bapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી