માનસ દર્શન / મા ક્યારેય નાની કે સંકીર્ણ નથી હોતી

manas darshan by morari bapu

  • મા તો અચલ છે. માની ઊંચાઈ ગજબ છે! એની કરુણા આપણને એની આજુબાજુ ઘૂમવા મજબૂર કરે છે

મોરારિ બાપુ

Sep 29, 2019, 07:51 AM IST

‘માતૃદેવો ભવ’માં ત્રણ શબ્દો છે. માતૃ એટલે મા. આપણાં શાસ્ત્રોમાં ‘મા’ શબ્દ સમજાવવા માટે એકવીસ શબ્દોનો પ્રયોગ કર્યો છે. માના પર્યાય, માના સગોત્રી શબ્દો એકવીસ છે. માતૃનો એક અર્થ છે આકાશ. આપણને ખબર નથી કે ‘મા’ શબ્દનો અર્થ આકાશ થાય છે. ભારતીય શાસ્ત્રો ઘણાં ઊંડાં છે; મા ક્યારેય નાની નથી હોતી. મા સીમામાં બદ્ધ નથી થઇ શકતી. મા અને માતૃત્વ આકાશની જેમ ઉદાર અને અસીમ હોય છે. કોઇની પાસે આ ધર્મ છે. કોઇની પાસે તે ધર્મ છે. કોઇની પાસે કોઇ ધર્મ નથી. સૌની પોતાની નિજતા છે, પરંતુ પ્રત્યેક ઘરમાં મા તો હોય જ છે.

દેવનો અર્થ થાય છે સાધુ અને મુનિ. જેવી રીતે વૈદિક દેવ હોય છે, પૌરાણિક દેવ હોય છે. એટલા માટે ‘માનસ’ પાંચ દેવોની પૂજા કરે છે. આ તેત્રીસ કોટિ દેવ તો હશે, પરંતુ મારા માટે જે પાંચ દેવ છે એ આ છે. રામદેવ એટલે કે ભગવાન રામ. બીજા નામદેવ, પ્રભુનું નામ. ત્રીજા જ્ઞાનદેવ, ‘માનસ’ના વિચાર, એનું જ્ઞાન, વિવેક જે મારી દૃષ્ટિએ જ્ઞાનદેવ છે. ચોથા જેનો વાસ્તવિક સ્વરૂપમાં ઇન્કાર નથી કરી શકાતો એ છે કામદેવ અને પાંચમા છે મારા મહાદેવ. દેવનો અર્થ જે મેં જાણ્યો એ મુજબ દેવ એટલે સાધુ, મુનિ, સંત; એને પણ દેવ કહે છે. સાધુ-સંત-મુનિ એ પેલા સ્વાર્થી દેવ નથી. એ પરમાર્થી દેવ છે; એક જુદી જાતના દેવ છે. દેવનો એક અર્થ થાય છે વૃષભ, બળદ. એક અર્થ થાય છે વરસતો-વરસાદ-મેઘ. તો જ્યારે ‘મા’ શબ્દ આવે છે ત્યારે આકાશ, સાધુ, કપાસ, બળદ અને વરસતો વરસાદ-મેઘ એ બધા અર્થોનું સ્મરણ થાય છે. તો એનો અર્થ થયો કે મા કેવી છે? મા આકાશ જેવી છે. બીજું, મા કેવી છે? મા ‘સાધુચરિત’ ‘શુભ ચરિત કપાસુ.’ મા શુદ્ધ ચરિત્ર કપાસના ફૂલ જેવી હોય છે. વૃષભ એટલે ધર્મ. મા ધર્મનું પ્રતીક છે. મા કૃપાની વર્ષા કરનારી છે અને મેઘની માફક સાર્વભૌમ છે.

નવદુર્ગાના રૂપમાં માને આપણે પૂજીએ છીએ અને આસો નવરાત્રિમાં તો શૈલપુત્રીની પૂજા થાય છે. વિધિવત્ સ્થાપનમાં આપણે ઘટસ્થાપન કરીએ છીએ. નવરાત્રિમાં તો શૈલપુત્રીનું પૂજન થાય છે. શૈલપુત્રી એટલે પાર્વતી, શૈલજા, હિમગિરિનંદિની; એક અર્થમાં પાર્વતી. પહેલું સ્વરૂપ આપણી સામે આવ્યું એ શૈલપુત્રી. શૈલ એટલે પર્વત; પર્વત સ્થિર હોય છે તેમ માની મમતા અને કરુણા પોતાનાં સંતાનો પર, પોતાનાં બાળકો પર અચલ અને સ્થિર રહે છે, કેમ કે શૈલપુત્રી છે. શંકરાચાર્યએ ગાયું, ‘કુપુત્રો જાયેત ક્વચદપિ કુમાતા ન ભવતિ.’ પુત્ર કુપુત્ર બની શકે છે, પરંતુ માતા ક્યારેય કુમાતા નથી બની શકતી. શૈલપુત્રીનો એક અર્થ મારી વ્યાસપીઠ આવો પણ કરવા માગે છે. ‘રામચરિતમાનસ’માં લખ્યું છે- બુંદ અઘાત સહહિં ગિરિ કૈસે.
ખલ કે બચન સંત સહ જૈસે.

‘કિષ્કિન્ધાકાંડ’માં વર્ષાઋતુના વર્ણનમાં લખ્યું છે કે આકાશમાંથી વરસાદનું પાણી પડે છે, ખૂબ જ પ્રહારના રૂપમાં પડે છે. એને પર્વત એવી રીતે સહન કરે છે જેવી રીતે ખલોનાં વચનોને કોઇ સાધુ સહન કરે. કોઇ બાળક વિકલાંગ બની ગયું હોય, વિકૃત બની ગયું હોય, જે ટ્રેક પર ન હોય એવાં બાળકોનાં વચનોને મા શૈલપુત્રી હોવાને કારણે સહન કરે છે. જે શૈલપુત્રી છે એ સહન કરે છે એ માની મૂર્તિ છે. એટલા માટે નવરાત્રિના પ્રથમ દિવસે એની પૂજા થાય છે. મા એટલી ઊંચી છે; શૈલની માફક ઊંચાઇ ધરાવે છે. મા ક્યારેય નાની કે સંકીર્ણ નથી હોતી. પર્વત જેટલો ઊંચો હોય છે એટલી એની શીતળતા વધારે હોય છે. માની ઊંચાઇ બીજાને ઉષ્મા આપનારી છે. જે ઊંચાઇ બીજાને ઉષ્ણતા આપે, બળતરા જન્માવે એ ઊંચાઇની વિશ્વમાં કોઇ કિંમત નથી. જે ઉષ્મા આપે એવી એક શીતળતા માની હોય છે.
જગત માતુ સર્બગ્ય ભવાની.
માતુ સુખદ બોલી મૃદુ બાની.

જે સુખ આપે, જલાવે નહીં, પરંતુ જીવાડે. આ કાશ્મીર હિમાલયની ગિરિમાળાની શૃંખલા છે. ઉચ્ચ શિખરો પર શ્વેત બરફ છવાયેલો છે. એનો શું મતલબ છે? મા જ્યારે શૈલપુત્રી છે ત્યારે એનો મતલબ છે કે એની ઊંચાઇ તાલબદ્ધ છે; એની ઊંચાઇ ધવલ છે; એની ઊંચાઇ શ્વેત છે; એમાં કોઇ દાગ નથી; કાંઇ કલંક નથી. એ બિલકુલ નિષ્કલંક છે. એક બીજી વાત કરવાની પણ ઇચ્છા થાય છે કે પર્વતો પરથી જેવી રીતે ઝરણાં વહે છે એવી રીતે શૈલપુત્રી વહાલ, વાત્સલ્ય, કરુણા, દુલાર એ બધું વરસાવતી રહે છે અને નીચે સુધી આવે છે, એ છે તો એટલી ઊંચાઇ પર પરંતુ એના વાત્સલ્યનો પ્રવાહ ખીણ સુધી આવે છે. મા તો ઊંચાઇ સુધી ગયા પછી પણ પોતાનાં જે બાળકો નીચે ખીણમાં પડ્યાં છે એને પવિત્ર કરવા માટે પોતાની કરુણાને ઝરણાંની જેમ નિરંતર વહેતી રાખે છે. મા તો અચલ છે. માની ઊંચાઇ ગજબ છે! એની કરુણા આપણને એની આજુબાજુ ઘૂમવા માટે મજબૂર કરે છે કે તમે પરિકમ્મા કરો; તમે ચારે બાજુથી જીવો. મારા માટે તો ‘રામચરિતમાનસ’ જ મા છે. તુલસીદાસજીએ સ્પષ્ટ લખ્યું છે-
કલિમલ હરનિ બિષય રસ ફીકી.
સુભગ સિંગાર મુક્તિ જુબતી કી.
દલન રોગ ભવ મૂરિ અમી કી.
તાત માત સબ બિધિ તુલસી કી.
આરતિ શ્રીરામાયનજી કી.

ગોસ્વામીજી કહે છે, માણસમાં રહેલા સદ્ગુણો, સારા સંસ્કારો, સદ્્ગુણરૂપી દેવતાઓને જન્મ આપનારી ‘રામચરિત’ માતા દેવમાતા છે, દેવજનની છે. આપણે ‘ગીતા’ને પણ મા કહીએ છીએ. આપણે ગંગાને પણ મા કહીએ છીએ. આપણે ગાયત્રીને પણ મા કહીએ છીએ. આપણે પૃથ્વીને પણ મા કહીએ છીએ. માનાં એકવીસ રૂપો છે. એમાંનાં નવ તો મુખ્ય છે, બાકી એકવીસ રૂપો ધરીને જુદી જુદી સંજ્ઞાથી માનાં રૂપ દરરોજ આપણને મળવા આવે છે.

X
manas darshan by morari bapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી