માનસ દર્શન / પ્રકાશ ડિસ્ટર્બ કરે છે, અંધારું સહાયક બને છે

Light disturbs, darkness subsides

  • સાધના અમાસની રાતે કરો. અંધારામાં થયેલી ભૂલ ક્ષમ્ય છે, અજવાળામાં થયેલી ભૂલ અક્ષમ્ય છે

મોરારિ બાપુ

Dec 15, 2019, 07:26 AM IST

સાધનાની કેટલીક સૂક્ષ્મ વાતો છે. સાધના પૂર્ણિમાની રાતે ઓછી કરો; અમાસની રાતે કરો. પૂર્ણિમાએ ઉત્સવ મનાવો. એ દિવસે રાસ કરો. ગુરુપૂર્ણિમા છે, તો ઉત્સવ મનાવો. નાનકપૂર્ણિમા છે, તો જપૂજીનો પાઠ કરો. બુદ્ધપૂર્ણિમા છે, તો ધ્યાન કરો. શરદપૂર્ણિમા છે, તો રાસ કરો. સાધના તો અમાસે જ થાય છે. જે લોકોએ અમાસે સાધના કરી છે એમણે અંધારામાં સાધના કરી છે, પ્રકાશમાં નહીં. પ્રકાશ ડિસ્ટર્બ કરે છે. અજવાળાનું કામ ડિસ્ટર્બ કરવાનું છે. સાધના, ધ્યાન, સમાધિ બધું છોડો. આપણે સંસારી જીવ છીએ. આપણે સૂતા હોઇએ અને કોઇ સ્વિચ ઓન કરે તોય આપણે જાગી જઇએ છીએ. પ્રકાશ સદૈવ ડિસ્ટર્બ કરે છે. અંધારું સહાયક બને છે.

તો સાધના-ભજન અને અમાસના સમયનો મામલો છે. તુલસીએ જે સાધના ચિત્રકૂટમાં કરી એ અમાવસ્યાની સાધના છે, પૂર્ણિમાની નહીં. તુલસીએ પોતાના ગુરુની પૂર્ણિમા મનાવી હશે. શાસ્ત્રચિંતન કર્યું હશે તો વ્યાસપૂર્ણિમા મનાવી હશે. સાધના તો અમાસની રાતમાં થઇ છે. એટલા માટે ચિત્રકૂટ પક્ષમાં આજે પણ એવું કહેવામાં આવે છે કે મહિમા અમાસનો છે, કેમ કે અમાસને દિવસે સૂર્ય અને ચંદ્ર રજમાત્ર અંતરથી એક થઇ જાય છે. યોગશાસ્ત્રના નિયમ અનુસાર સૂર્યનાડી અને ચંદ્રનાડી જ્યારે એક થઇ જાય ત્યારે સાધનાનો પ્રવાહ શરૂ થાય છે. તુલસીદાસજીએ ‘ઉત્તરકાંડ’માં જ્ઞાનદીપનું વર્ણન કર્યું છે. ચિત્રકૂટમાં ભરત જ્યારે રામને મનાવવા ગયા ત્યારે ત્યાં જેટલા જ્ઞાની લોકો હતા એ બધા જ્ઞાનદીપ હતા; ત્યાં જેટલા પ્રેમી લોકો હતા એ ભક્તિદીપ હતા અને રામનામ જપતા હતા. જેમને જ્ઞાન-ભક્તિની કોઇ પરવા ન હતી એ મણિદીપ હતા અને તુલસીદાસ કહે છે કે રામ જ એક દીપક છે.

સાધના અમાવસ્યાની રાતમાં થઇ શકે છે. અંધારું બહુ મદદ કરે છે. ગામડામાં ગાઢ અંધારામાં જો તમે નીકળો તો અડધા કલાકમાં અંધારું તમને અજવાળું આપવા લાગે છે. અજવાળામાં ઘણાયે ભૂલા પડ્યા છે! મારા શબ્દોને સમજજો. અજવાળાએ જેટલી ભૂલ કરાવી છે એટલી અંધારાએ કરાવી નથી. અંધારામાં થયેલી ભૂલ ક્ષમ્ય છે, અજવાળામાં થયેલી ભૂલ અક્ષમ્ય છે; દંડનીય છે; સજાને પાત્ર છે. રાફડામાં અજવાળાં ન હોય. એમાંથી બે જ નીકળે. કાં તો સાપ નીકળે અને નહીં તો વાલ્મીકિ નીકળે; કાં તો અમૃત નીકળે અથવા તો વિષ નીકળે. મારો કાગ કહી ગયો,
મંથનની ગોળીને તળિયે ઝેર હશે તો નીકળશે,
કાં જગ સળગીને ભસ્મ થશે,
કાં કોઇ જટાધર જાગી જશે.

અને ધ્યાન દેજો, જેમાંથી બુદ્ધપુરુષ નીકળે કે મણિધર સાપ નીકળે એને જ રાફડો કહેવાય. બે જ નીકળવા જોઇએ. કાં તો બુદ્ધપુરુષ, કાં વિષ. વિષ નીકળે તો તો સારું છે કે માર્ગ મળી ગયો. સાધનામાં વિષ મળે તો ખુશ થવું કે સાપ મળી ગયો છે કે સાપને ધારણ કરનારા પણ મળશે. માર્ગ ખૂલી ગયો; દરવાજો ખૂલી ગયો. સાધનાનો આરંભ તો વિષથી જ થાય છે, એનું પરિણામ અમૃત હોય છે અને સંસારનો આરંભ અમૃત હોય છે, પરિણામ વિષ હોય છે. લોકો કહે છે કે અમે ભજન કરીએ છીએ, લોકોનું કંઇ બગાડતા નથી, છતાં પણ લોકો અમને ગાળો આપે છે! તો તમે સમજો કે તમને સર્પ મળી રહ્યો છે તો સર્પને ધારણ કરનારા પણ મળશે. એ રૂપમાં જુઓ અને હું તો એ પણ કહીશ કે અક્રિય થાઓ. રામનામ જપો, ‘રુદ્રાષ્ટક’ જપો, પરંતુ કંઇ પણ ન હોય અને બારથી ત્રણની સ્વયંભૂ સાધનામાં તમે કેવળ ચૂપ બેઠા હો અને તમારી આંખોમાં અકારણ આંસુ આવે તો તમને તમારી સાધનાની રસીદ આપવામાં આવે છે કે લે બેટા, તારી સાધનાની આ રસીદ છે. ‘વિનયપત્રિકા’નું એક પદ છે-
હૈ નીકો મેરો દેવતા કોલસપતિ રામ,
સુભગ સુરોરુહ લોચન, સુઠિ સુંદર સ્યામ.

તુલસી કહે છે કે મારો રામ, મારો પરમાત્મા બહુ નીકો છે, બહુ સારો છે. તુલસી શબ્દોમાં, ગ્રામ્ય હિન્દીમાં સુઠિનો અર્થ થાય છે સુંદર, પરંતુ ગમતી સુંદરતા; સુંદરતા તો ઘણી હોય છે, પરંતુ એ બધી ગમતી સુંદરતા ન પણ હોય. સૌંદર્ય હોય અને આપણને સારું લાગે એવું સૌંદર્ય હોય. સુઠિ સુંદર. આપણે એવા કેટલાય સાધુઓને આપણે જોઇએ છીએ તો આપણે એમને નમન પણ કરીએ છીએ, પરંતુ કેટલાક સાધુ આપણને પસંદ ન પણ હોય. દંડવત્ તો બધા કરશે, પરંતુ ભીતરથી પસંદ ન પડે. તુલસીએ એવો સિક્કો નાખ્યો કે હે ઇશ્વર! મને એવો સાધુ આપજે કે જે મને ગમતો પણ હોય.
એક બીજી વાત પણ કહું. તીર્થમાં જ્યારે જાઓ ત્યારે કંઇ માગો નહીં. તીર્થ માગવા માટે નથી, પરંતુ અત્યાર સુધીના અર્જિત કરાયેલાં પુણ્યો તીર્થને આપવા માટે છે. આજે યાત્રા સાવ ઊલટી થઇ રહી છે એટલે તીર્થ ફલિત નથી થઇ રહ્યાં. એટલા માટે અખાએ ખોટી તીર્થયાત્રાની આલોચના કરી છે.
તીરથ કરી કરી થાક્યાં ચરણ,
તો યે ન પહોંચ્યો હરિને શરણ.

આલોચના શા માટે કરવી પડી? કથામાં પુણ્ય કમાવા માટે ન આવો. જો તમારા બાપદાદાનું પુણ્ય હોય તો પોથીને આપવા માટે આવો. યાત્રા જ મૂળથી ઊલટી થઇ ગઇ એટલા માટે કથાનું પરિણામ નથી મળ્યું. તીર્થોનું પરિણામ નથી મળ્યું. એટલે લોકો આલોચના કરે છે કે આ ભટકાવ કરે છે કે આ ભટકાવ છે! આપણે બધા કહીએ છીએ કે અમે તીર્થમાં જઇએ છીએ તો પુણ્ય કમાઇએ છીએ. ખાક પુણ્ય કમાઇએ છીએ! ભરતે શું શીખવ્યું?
માંગઉ ભીખ ત્યાગી નિજ ધરમૂ,
આરત કાહ ન કરઇ કુકરમૂ.

ભરતજી ચિત્રકૂટ જઇ રહ્યા છે; ત્રિવેણીના તટ પર પ્રયાગ આવ્યા છે; ગંગા-જમુના-સરસ્વતી પાસે આવ્યા પછી ભરત માગી રહ્યા છે. જોકે, માગવું ન જોઇએ; આ ભરત વશિષ્ઠ પાસે ભણ્યા છે. અલ્પ કાળમાં બધી વિદ્યા પ્રાપ્ત કરી છે એવા ભરત શાસ્ત્ર નિષિદ્ધ વાત કરી રહ્યા છે, પરંતુ આજે મારા ભરત તીરથરાજ પ્રયાગ પાસે ભીખ માગી રહ્યા છે, પરંતુ એમને ખબર છે કે હું ક્ષત્રિયનો પુત્ર છું, મારો ધર્મ છોડીને હું ભીખ માગી રહ્યો છું. હું મારો સ્વધર્મ છોડીને ભીખ માગી રહ્યો છું. ભરત બોલ્યા કે ક્ષત્રિયનો પુત્ર કોઇ પાસે માગે એ ધર્મ છૂટ્યો છે. એક તો એ છે હું ધર્મ છોડીને માગી રહ્યો છું એમાં બીજો ભાવ એ છે કે હું વૈષ્ણવ છું અને વૈષ્ણવ પરંપરાનો એ નિયમ છે કે જે વૈષ્ણવ હોય છે એ પોતાના ઇષ્ટ સિવાય બીજા કોઇ પાસે માગતા નથી. હું તીરથરાજ પાસે નથી માગી શકતો.

હું માગું તો રામ પાસે માગું, કેમ કે હું વૈષ્ણવ છું. ત્રીજું, ધર્મ છૂટી રહ્યો છે અને હું માગી રહ્યો છું, કેમ કે તીર્થોમાં માગવું નહીં જોઇએ, તીર્થોમાં આપવું જોઇએ અને આપ તીરથ નથી, તીરથરાજ છો. અહીં તો વધારે આપવું જોઇએ. ચોથું, હું એટલા માટે ધર્મ છોડીને ભીખ માગી રહ્યો છું, કેમ કે દીકરીની પાસે બાપે મગાય નહીં. અમારી બે પુત્રીઓ અહીં છે. એક સૂર્યપુત્રી યમુના અને બીજી ગંગા કે જેને અમારો દાદો, પરદાદો ભગીરથ લાવ્યો છે. હું આજે આરત છું, પીડિત છું. એટલા માટે માગી રહ્યો છું. તો તીર્થોમાં, દેવસ્થાનોમાં ક્યારેય કંઇ માગવા માટે ન જાઓ. બાપદાદાનાં થોડાં પણ પુણ્ય હોય તો આપીને જાઓ.

X
Light disturbs, darkness subsides

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી