તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સદભાવ અને સદ્વ્યવહાર બંને સાથે ચાલવા જોઇએ

એક વર્ષ પહેલાલેખક: મોરારિ બાપુ
 • કૉપી લિંક
 • ભગવાન રામે કૈકયીના પગ પકડ્યા અને શ્રેષ્ઠ વાણીમાં વાતો કરી. શું તેમનો અપરાધભાવ ઓછો થયો?

સ્વીકાર એ સાધુનું લક્ષણ છે. કપડાં બદલીને, વેશ બદલીને, નામ બદલીને કંઇ સાધુ થવાની જરૂર નથી. આપણે બધા એવું ન કરી શકીએ, પણ વસ્ત્રના નહીં, વૃત્તિના સાધુ થઇ શકાય. સ્વીકાર કરતાં શીખો. પ્રેમ કર્યો છે, તો કરુણા કરવાનું પણ શીખી જાઓ, કારણ કે પ્રેમ પછીનું મારું સૂત્ર કરુણા છે. ક્રોધ કરે એના ઉપર ય કરુણા કરો. તમારું મન ઉગ્ર બને તો પણ ‘રામાયણ’ના આધારે કેમ બોલવું એની દીક્ષા લો. સુનિ અતિ બિકલ ભરત બર બાની. આરતિ પ્રીતિ બિનય નય સાની. ચિત્રકૂટની સભામાં કોઇ નિર્ણય આવતો નથી. ભાષા પાંગળી બની ગઇ છે, વશિષ્ઠ જેવાની પણ. ભરતજી અત્યંત વિકળ દશામાં છે. મારી ભૂલ, મારાં માતાની ભૂલ... કેટલું મંથન ચાલી રહ્યું છે! અને એ છતાં તુલસી કહે, ‘બોલે બર બાની’, ‘શ્રેષ્ઠ વાણી બોલ્યા.’ અતિ વિકળ અવસ્થામાં પણ શ્રેષ્ઠ વાણી બોલે એમ ‘રામાયણ’ મને ને તમને શીખવે છે અને એ શ્રેષ્ઠ વાણીનાં અહીં લક્ષણો બતાવ્યાં છે- ‘આરતિ પ્રીતિ બિનય નય સાની.’ વિકળ દશામાં પણ શ્રેષ્ઠ વાણી કોને કહેવાય? પહેલું લક્ષણ આરતી. આરત એટલે દુ:ખ, પીડા, પણ અહીંયાં ‘આરતી’નો અર્થ છે વિનમ્રતાથી બોલવું. ભરતની વિકળ પણ શ્રેષ્ઠ એવી વાણીમાં આરતભાવ છે. આરતભાવ એટલે કરુણાનો ભાવ, આરતી એટલે કરુણાસભર વાણી. બીજું, પ્રીતિ. પ્રેમથી બોલો, નફરતથી નહીં. બદલો લેવાની વૃત્તિથી નહીં. સદભાવ અને સદવ્યવહાર બંને સાથે ચાલવાં જોઇએ. એમ થાય તો જ જગતમાં ‘સદ્’ની સ્થાપના થાય. ઘણા માણસો આપણી સાથે સદવ્યવહાર કરતાં હોય છે, પણ ભીતરમાં સદભાવ નથી થતો અને ઘણાના હૃદયમાં ખરેખર સદભાવ હોય, પણ એની વ્યવહારની માનસિકતા એવી હોય, એની સ્વાભાવિક બોલવાની રીત એવી હોય કે એનો વ્યવહાર આપણને બરાબર ન લાગે. આ બંને લક્ષણો ‘ભગવદ્્ગીતા’ને વાંચ્યા વગર નહીં આવે. ‘ભગવદગીતા’ એટલે સાર્વભૌમ શાસ્ત્ર. ‘ગીતા’એ એમ કહ્યું છે કે ‘સદભાવે સાધુભાવે ચ.’ સદભાવના મૂળમાં સાધુપણું ન હોય તો સદભાવ પણ નથી હોતો અને સદવ્યવહાર પણ નથી હોતો, માત્ર શબ્દોના ખેલ હોય છે. ઘણી વખત સમાજની બીકને લીધે પણ સદવ્યવહાર કરવો પડતો હોય છે અથવા તો આપણે સારા છીએ એમ સિદ્ધ કરવા માટે કરવો પડતો હોય છે. સામેનો ખરેખર ખરાબ હોય, એનો અપરાધભાવ મટી જાય એટલી હદ સુધી તમે એને પ્રેમ કરો, એને એમ લાગે કે મારી ભૂલ છે જ નહીં એટલો એને હળવો કરી દેવાની વૃત્તિ જાગે ત્યારે સદભાવ પ્રગટ્યો ગણાય. આ સાધુભાવ આપણા મૂળમાં જ્યારે પડશે ત્યારે આપણે સદભાવ અને સદવ્યવહારનું વિશ્લેષણ કરવાના અધિકારી ગણાઇશું. ભગવાન રામ કૈકયીમાને મળે છે ત્યારે કૈકયીમા એટલી બધી ગ્લાનિ અનુભવે છે ને કહે છે કે હું શું મોઢું દેખાડું! ત્યારે શ્રીરામે માના પગ પકડી લીધા છે. આ સદવ્યવહાર છે. આવું તો આપણે બધા જ કરતા હોઇએ છીએ, પણ ભીતરી ભાવનું શું? અને ભગવાન રામે કૈકયીના પગ પકડ્યા અને શ્રેષ્ઠ વાણીમાં વાતો પણ કરી, છતાંય શું કૈકયીનો અપરાધભાવ ઓછો થયો? એનું પ્રમાણ શું? સામેની વ્યક્તિનો અપરાધભાવ ત્યારે જ જશે જ્યારે તમે સદભાવ અને સદવ્યવહાર દ્વારા સિદ્ધ કરી દો કે આ તારો અપરાધ છે જ નહીં, આ અપરાધ કાલ, કર્મ અને વિધિનો છે. તારો છે જ નહીં. આમ સામી વ્યક્તિના ચિત્તને અપરાધભાવમુક્ત સિદ્ધ કરવું એનું નામ સદભાવ.  આપણા હાથમાં બેડીઓ અને સાંકળ ન હોય એટલે કાંઇ આપણે સ્વતંત્ર છીએ એમ નહીં માનવાનું. આપણે કેટકેટલાંયથી ઘેરાયેલા છીએ! આપણે સ્વતંત્ર છીએ? તુલસીદાસજીએ લખ્યું છે- પરબસ જીવ સ્વબસ ભગવંતા. જીવ અનેક એક શ્રીકંતા. હિન્દુસ્તાન આઝાદ થયું, છતાં આપણે આઝાદ છીએ? આપણે કેટલા ઘેરાયેલા છીએ! સરહદોથી, સારી-નરસી માનસિકતાથી આપણે ઘેરાયેલાં છીએ! મૂળ તત્ત્વને સમજવા માટે આપણે શાસ્ત્રોને જ પૂછવું પડશે અથવા તો કોઇ બુદ્ધ પુરુષનો પગ પકડવો પડશે. વાણી ગુરુમુખી હોવી જોઇએ. રામાયણ, મહાભારત, ઉપનિષદો, ધમ્મપદ, આગમ-આ બધું જ આપણી અલમારીમાં હોય છે. છતાં આપણે ક્યાં સમજી શક્યાં છીએ? એટલા માટે આપણે સંતોની પાસે જવું પડે. તુલસીદાસજી વર્ણવે છે કે આ જીવ કેટલો પરતંત્ર છે! ‘કાલ કરમ સુભાવ ગુન ઘેરા.’ આ ચાર વસ્તુએ મને અને તમને કાયમ પરતંત્ર રાખ્યા છે: કાળ, કર્મ, સ્વભાવ અને ગુણ. આ ચાર જણાએ આપણને ઘેરો ઘાલ્યો છે. હું અહીંથી નીકળું અને ચાર-પાંચ જણા વ્યવસ્થા કરે તો હું તો એ ચાર જણાની વચ્ચે ઘેરાયેલો છું જ ને? પણ એ તો કરવું પડે, છૂટકો નથી. આમ, સ્વતંત્ર, પણ વ્યવસ્થા માટે મારે ઘેરાયેલું તો રહેવું જ પડે! અર્જુનનો એક પ્રશ્ન બહુ સરસ છે, ‘હે ભગવાન અમારી ઇચ્છા ન હોવા છતાં અમે પાપ તરફ શા માટે જઇએ?’ વિશ્વનો આ બહુ મોટો પ્રશ્ન છે. ઇચ્છા ન હોવા છતાં પાપ કરવા માટે કોણ પ્રેરિત કરે છે? આ પ્રશ્ન આપણા બધાનો છે. કૃષ્ણએ બહુ ચતુરાઇથી જવાબ આપ્યો છે, આપણી ઇચ્છા નથી, છતાં કામ, ક્રોધ, કાળ, કર્મ, ગુણ અને સ્વભાવે આપણા પર ઘેરો ઘાલ્યો છે. આટલું કહીને કૃષ્ણ તો નીકળી ગયા! યુદ્ધનાં નગારાં વાગતાં હતાં એટલે વિસ્તારની વ્યવસ્થા નહીં હોય, નહીંતર જગદ્્ગુરુ આનો જવાબ વધારે આપ્યા વગર રહી જ ન શકે, પણ જગદગુરુમાંથી છૂટી ગયો એ જવાબ તુલસીદાસે આપ્યો. એટલે તમારે ‘રામચરિતમાનસ’ સુધી આવવું પડશે. આમાં કૃષ્ણ અને તુલસીની તુલના ન થઇ શકે. કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે અને તુલસી એના માર્ગે ચડેલો એક પથિક માત્ર છે. પણ જવાબ તો તુલસી આપે છે. અર્જુને પૂછવું જોઇતું હતું કે અમારામાં કામ અને ક્રોધને કોણ પ્રેરિત કરે છે? એ રહી ગયેલો ઉત્તર તુલસીદાસજી 1631માં આપે છે. તુલસી કહે છે, ‘હે હરિ! માફ કરજે. હું તારો છું, તારા વગર મારી કોઇ હસ્તિ નથી, પરંતુ એક વસ્તુ તું કબૂલ કરી લે કે આમ કામ-ક્રોધને પ્રેરણા આપનારો તું છે.’ જો હળવા થવું હોય તો ‘માનસ’ અને તુલસીના ગ્રંથોનું પારાયણ કરો. કેટલાં સત્યની ઉદઘોષણા તુલસીદર્શનમાં છે!  રામ કહે છે, હે મા! તારો કોઇ અપરાધ નથી. રામનો સદભાવ અને સદવ્યવહાર જુઓ! આ અપરાધ તો કાળનો, કર્મનો, ગુણનો, પણ પછી ‘સ્વભાવ’ ન બોલ્યા. નહીંતર ચોથું સ્વભાવ છે, પણ ‘સ્વભાવ’ શબ્દ બોલ્યા નહીં, કારણ કે તો વળી પાછી માને ઠેસ લાગે! આનું નામ રામ કહેવાય! કેટલાં સૂત્રો ક્યાં વાપરવાં, એ સમજે અને સૂત્રોને તોળી તોળીને વાપરે એને ‘બરવાની’ શ્રેષ્ઠ વાણી કહેવાય! રામ સાધુ છે અને સદભાવના મૂળમાં સાધુભાવ હોવો જોઇએ. ચોથું લક્ષણ છે, ‘નય સાની.’ નયનો એક અર્થ છે નીતિસિક્ત વાણી. એટલે નિયમ, નીતિ, આરતી, પ્રીતિ અને બિનતી -આવી રીતે પ્રાસમાં વાણી બોલવી જોઇએ. અત્યંત વિકળ દશામાં પણ ‘રામાયણ’ ગાઇને, સાંભળીને આપણે આવી ચાર પ્રકારની વાણી બોલતા શીખીએ. (સંકલન : નીતિન વડગામા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો