માનસ દર્શન / માનો પ્રભાવ સીમિત નહિ, અમિત હોય છે

Its influence is immense, not limited

  • માતૃશરીરના ત્રિ સ્તર છે. પહેલી કન્યા; બીજી પત્ની અને ત્રીજી માતા. કન્યા સત્ય છે, પત્ની પ્રેમ છે ને મા કરુણા છે

મોરારિ બાપુ

Oct 06, 2019, 07:31 AM IST

કોઇપણ માતૃશરીરના ત્રિ સ્તર છે. એટલા માટે જ કદાચ આપણે એને સ્ત્રી કહીએ છીએ. પહેલી કન્યા; બીજી પત્ની અને ત્રીજી માતા. કન્યા સત્ય છે,

પત્ની પ્રેમ છે અને મા કરુણા છે. કોઇપણ કન્યાને આપણે ‘કન્યાકુમારી’ કહીએ છીએ. એ સત્ય છે. નાની-નાની દીકરીઓમાં જે કલા ઊભરી રહી છે એ સત્ય છે.

પત્ની પ્રેમ છે. પતિ-પત્નીમાં પ્રેમ હોવો જોઇએ. મા કરુણા છે. ત્રણ સ્તર માતૃશરીરના બતાવે છે ગોસ્વામીજી. પહેલી સહજ સુંદરતા. સહજતા બહુ મોટી ઉપલબ્ધિ છે. ‘રામચરિતમાનસ’માં લખ્યું છે, ‘મનુ જાહિં રાચેઉ મિલિહિ સો બરુ સહજ સુંદર સાંવરો.’ મા ભવાનીએ જાનકીને આશીર્વાદ આપ્યા કે તમને એવા પતિ મળશે જે સહજ સુંદર હોય. તો વિશ્વના કોઇ પણ માતૃશરીરનું પહેલું સ્તર છે કન્યા અને કન્યા હોય છે સહજ સુંદર.‘સુંદર સહજ સુશીલ’, બીજું સ્તર સુશીલ. સુંદર શીલ; સુંદર સ્વભાવ. કન્યા મોટી થઇ જાય, કોઇને પરણે તો સુશીલ થઇ જાય અને મા બની જાય તો સયાની, સમજદાર થઇ જાય. તો આ ત્રણ સ્તર છે અને નારદે જ્યારે માનું નામ રાખ્યું તો ત્યાં પણ ત્રણ સ્તર છે-


સુંદર સહજ સુશીલ સયાની.
નામ ઉમા અંબિકા ભવાની.


ઉમા કન્યાવાચક નામ છે. જોકે, શંકર ભગવાન ‘માનસ’ સંભળાવતી વખતે ક્યારેક-ક્યારેક ‘ઉમા’ સંબોધન કરે છે; ક્યારેક ભવાની, ગિરિરાજકુમારી અને પાર્વતી પણ કહે છે. ઉમા છે કન્યારૂપ. અંબિકા છે પત્નીરૂપ. ભવાની છે માતૃરૂપ, તો કન્યા, પત્ની, મા; સહજ સુંદર, સુશીલ, સયાની; ઉમા, અંબિકા, ભવાની એવી દુર્ગા, એની શક્તિપીઠ કહેવાય છે એવી પીઠોનો મહિમા છે. જાનકી અને ભવાનીમાં ફરક નથી; બંને એક જ તત્ત્વ છે. જાનકીજીએ પુષ્પવાટિકામાં જ્યાં ગૌરી સ્તુતિ કરી છે, ત્યાં આ ત્રણ સ્તરની જ વાત આવી છે.


જય જય ગિરિબરરાજ કિશોરી.
જય મહેશ મુખ ચંદ ચકોરી.


હિમાચલપુત્રી, ગિરિવર રાજકિશોરી એ કન્યા. મહેશના મુખચંદ્રની ચકોરી એ પત્ની. તમે ક્યારેય વિચાર્યું છે. પાર્વતી શંકરના મુખચંદ્રને ચકોરી બનીને શું કામ જુએ છે? એક બહેનને ભાઇ પ્રત્યે પ્રેમ છે તો ભાઇના ચહેરાને જુએ છે કે મારો ભાઇ ઉદાસ તો નથી ને? દીકરી પોતાના બાપનું મુખ જોશે. એક પત્ની પોતાના પતિના મુખની ચંદ્રચકોરી બનીને જુએ છે. મા તો કેવળ મુખ જ જુએ છે. ભગવાન શંકરનો ચહેરો ચંદ્ર છે અને મા નવદુર્ગાનું ત્રીજું રૂપ છે ચંદ્રઘંટા, જે ચાંદનીને જોવા ટેવાયેલાં છે; જે શીતળતાનું પાન કરે છે. મા બાળકને દૂધ પીવડાવે છે તો મર્યાદાભંગ ન થાય એટલા માટે સાડીનો પાલવ બાળક પર ઢાંકી દે છે ત્યારે પણ મા બાળકનું મુખ જ જુએ છે.


જય ગજબદન ષડાનન માતા.
જગત જનની દામિનિ દુતિ ગાતા.


તું કાર્તિકેય અને ગણેશની મા છે, પરંતુ તુલસી સાવધાન છે. મા જાનકી સાવધાન છે. દુર્ગાની સ્તુતિ કરતી વખતે કહે છે, કોઇ એવો સંકીર્ણ અર્થ ન કરે કે તું કેવળ ગણેશ અને પુરુષાર્થની મા છે.


ગણેશ એટલે વિવેક અને પુરુષાર્થ એટલે ઉદ્યમ. જેમનો પુરુષાર્થ વિવેકમય હશે એમની એ મા છે.


તુલસી કહે છે, તું જગતજનની છે. તમે ક્યારેય વિચાર્યું છે કે જગત કોને કહેવાય છે? બસો વર્ષ પહેલાં કર્ણાટકમાં સંસ્કૃતના પ્રકાંડ પંડિત થયા જેમનું નામ હતું પંડિત દેવેન્દ્રજી. એમણે એક દુર્ગાસ્તુતિ લખી. પંડિત દેવેન્દ્રજીનું પોતાની સ્તુતિ પર ભાષ્ય છે, એમાં એમણે જગતની વ્યાખ્યા કરી, જ એટલે જમીન, ગ એટલે ગગન, ત એટલે તળ. તમે કેવળ કાર્તિક અને ગણેશની જ મા નથી. તમે પૃથ્વી, આકાશ અને પાતાળ એ ત્રણેયની મા છો. ‘જનની’ શબ્દનો સાહિત્યમાં કેવળ જનેતા માટે જ પ્રયોગ થાય છે; જેમણે આપણને જન્મ આપ્યો છે એ જનની. મા કોઇને પણ કહી શકીએ છીએ. આપણે આખી પૃથ્વીને મા કહીએ છીએ, ‘જનની જન્મભૂમિ શ્ચ સ્વર્ગાદપિ ગરીયસી.’


તો ત્રણે સ્તરે ચાલી રહી છે આખીયે માતૃવંદના. જાનકી માની સ્તુતિ કરતાં બોલી, તારું જે શરીર છે, તારું સ્ફુરણ થાય છે તો જાણે વીજળી ચમકી જાય છે! એનો શું અર્થ? વીજળી ચમકી જાય ત્યારે દર્શનનાં મોતી પરોવી લેવાં, ‘વીજળીને ચમકારે મોતી પરોવવાં.’ વીજળી જેવી ચમક સાધકનું વરણ કરી લે છે, તું આ મારી છબી જોઇ લે.

નહિં તવ આદિ મધ્ય અવસાના.
અમિત પ્રભાઉ બેદુ નહીં જાના.


હે પરામ્બા, ન તારો આદિ છે, ન મધ્ય છે, ન અંત છે. તારો પ્રભાવ અમિત છે. બધાનો પોતપોતાનો પ્રભાવ હોય છે, પરંતુ આપણો પ્રભાવ સીમિત હોય છે અને માનો પ્રભાવ અમિત હોય છે. કેટલાક લોકો પાસે કુળનો પ્રભાવ હોય છે. આજનું વિજ્ઞાન કહે છે, સંતાનમાં બાપનો અવાજ આવે છે, માનો ચહેરો આવે છે અને સુંદરતા બંનેની આવે છે. કેટલાક લોકો પાસે ધનનો પ્રભાવ હોય છે. એ બધા પ્રભાવ સીમિત છે.


કોઇનો રૂપનો પ્રભાવ હોય છે. એ બુદ્ધકાલીન ગણિકાની વાત જાણીતી છે. તથાગતને ભિક્ષા આપીને એણે કહ્યું, હું આપની સાથે આવું? બુદ્ધે કહ્યું, આજે તારી સાથે ચાલનારા ઘણા છે, પરંતુ સાધુ છું; વચન આપું છું કે તારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું ચાલીને તારી પાસે આવીશ, કેમ કે રૂપ, વિદ્યા, કલાનો તારો પ્રભાવ છે એ સીમિત છે.


રૂપનો પ્રભાવ સીમિત છે. કોઇ પણ અવસ્થાને મુસ્કુરાઇને સ્વીકારી લો તો પ્રત્યેક અવસ્થાની એક શોભા હોય છે. એનો સ્વીકાર કરો. અસ્વીકાર અધર્મ છે. સફેદ વાળનો પણ પોતાનો પ્રભાવ હોય છે. શબ્દનો, કલાનો, વિદ્યાનો પ્રભાવ હોય છે, પરંતુ મને તમે પૂછો અને મારે ‘માનસ’ના આધારે કહેવું હોય કે સૌથી મોટો પ્રભાવ કયો? તો ‘દેખેઉ ભજન પ્રભાવ’, ભજનના પ્રભાવ જેવો વિશ્વમાં કોઇ પ્રભાવ નથી. મા દુર્ગામાં અમિત પ્રભાવ છે.


ભવ ભવ બિભવ પરાભવ કારિનિ.
બિસ્વ બિમોહનિ સ્વબસ બિહારિની.


ભવનો એક અર્થ થાય છે સંસાર. ભવનો એક અર્થ થાય છે ઉદ્્ભવ કરવો, પ્રગટ કરવું. મા, તું સંસારને પ્રગટ કરે છે.


તું વિભવ એટલે કે સંસારનું સંચાલન કરે છે, પોષણ કરે છે અને સમય આવ્યે પરાભવ કરે છે. તું વિશ્વમોહિની છે; આખા વિશ્વને પ્રભાવિત કરે છે. મા, જ્યારે તારું માયારૂપ અવિદ્યારૂપ આવે છે


તો આખું જગત તારામાં વિમોહિત થઇ જાય છે
અને હે જગદંબા, જ્યારે તારું વિદ્યારૂપ આવે છે


તો એ જ જીવ આ ભવકૂપમાંથી બહાર નીકળી જાય છે.


હે પરામ્બા! તું સ્વવશ વિહાર કરનારી છે અને માણસ ક્યાંય પણ વિહાર કરે, કોઇ રોકટોક ન કરે તો ખતરો નથી. સ્વતંત્રતાનો અર્થ જો સમજી ન શકાય તો સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતા આવી શકે છે. પરામ્બાના રૂપમાં એમાં કોઇ બંધન નથી.


હે મા! તું ખુદને વશ કરીને વિહાર કરે છે. ઉપર બેઠેલી મા હોય કે ઘરમાં બેઠેલી મા હોય, મા સદૈવ કુળની તથા પોતાની મર્યાદાને વશ કરીને વિહાર કરે છે.

X
Its influence is immense, not limited

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી