ગાંધીકથા / ગાંધીજીના સત્ય-અહિંસાના દર્શનમાં તેમનું વિશ્વપુરુષ હોવાનું દેખાય છે

In Gandhi's vision of truth-non-violence, he appears to be the world leader

  • સૌથી લોકપ્રિય રામ કથાકાર મોરારિબાપુએ ગાંધીજીના વિશ્વપુરુષ બનવાની કથા લખી

Divyabhaskar.com

Oct 02, 2019, 07:19 AM IST

ભગવાન વેદે જે એક શબ્દ આપ્યો છે, વિનોબાજીએ તેને લઈને વિસ્તારથી વાત કરી છે. કહ્યું છે કે વિશ્વમાં એક વિશ્વપુરુષ હોવો જોઈએ. આપણે કેટલા નાના-નાના માણસ છીએ. આપણે કેટલા અલગ-અલગ હિસ્સામાં વહેંચાયેલા છીએ. જરા પણ અતિશયોક્તિ વગર કહું તો ગાંધી બાપુ વિશ્વપુરુષ છે. વિનોબાજીએ એવું પણ કહ્યું છે કે તુલસીદાસ, પયગંબર સાહબ, જગદગુરુ શંકરાચાર્ય પણ વિશ્વપુરુષ છે. વેદ શબ્દના સહારે વિનોબાજી વિશ્વપુરુષની વાત કરે છે. તો વિશ્વપુરુષની વ્યાખ્યા શું છે? ગાંધીજીના દર્શનમાં જે દેખાય છે તેના આધારે વિશ્વપુરુષની ઓળખ કરી શકાય છે. બાપુની વિશ્વપુરુષમાં ગણતરી કરીએ તો વિશ્વપુરુષના લક્ષણોની યાદી લાંબી થઈ શકે છે. ખેર, બાપુના વિરાટ વ્યક્તિત્વના માત્ર ચાર લક્ષણોને પસંદ કરીએ- નિહસ્પૃતા (લાલસાનો અભાવ), બીજું છે જવાન કિસાન. ત્રીજું છે સંવેદનાથી ભરપૂર વૈજ્ઞાનિક અને ચોથું સત્ય અને અહિંસા.

નિહસ્પૃતા : બ્રિટનના પ્રવાસનો પ્રસંગ છે. બાપુ જ્યોર્જ પાંચમા સામે બેઠા હતા. ચર્ચિલને આ ગમ્યું નહીં કારણ કે તે પ્રોટોકોલની વિરુદ્ધ હતું. કારણકે ગાંધીજી સામાન્ય ભારતીય પોષાકમાં હતા. ધોતી અને ખભા પર એક કપડું હતું. એક બાળકે બાપુને પૂછ્યું શું તમારા માટે ઝભ્ભો સીવી દઉં ? હું માને કહું છું કે તે તમારા માટે ઝભ્ભો સીવે. બાપુએ કહ્યું આભાર બેટા, પરંતુ તમારા માતાજી કેટલા ઝભ્ભા સીવશે? મને તો 40 કરોડ ઝભ્ભા જોઈએ. મારા દેશમાં 40 કરોડ લોકોના શરીર પર કપડું નથી. તમારા માતાજી જો આટલા ઝભ્ભાં આપી શકે તો હું ઝભ્ભો પહેરી શકીશ. ગાંધીજીમાં આવી ત્યાગભાવના હતી. બાપુ એક સમ્રાટ સામે પણ વૈરાગ્યવૃત્તિ અને નિહસ્પૃતાથી બેઠા હતા.

જવાન કિસાન: ગાંધી બાપુ જવાન કિસાન છે. આપણા વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રી (તેમનો જન્મદિવસ પણ 2 ઓક્ટોબર)એ સૂત્ર આપ્યું હતું કે- જય જવાન જય કિસાન. વિનોબાજીએ કહ્યું છે કે પૃથ્વી પર ક્ષત્રિય કિસાન, બ્રાહ્મણ કિસાન હોવા જોઈએ. વન્ય જાતિના કિસાન હોવા જોઈએ. યુવાસ્યાત સાધુ, યુવાસ્યાત અધ્યાપક:. અર્થાત સાધુ વૃદ્ધ હોવો જોઈએ નહીં. શરીરની વાત અલગ છે. વિચારોથી વૃદ્ધ હોવો જોઈએ નહીં. મને હંમેશા બાપુ જવાન કિસાન જ દેખાયા છે. હું જવાબદારીથી કહું છું કે આ ગાંધીજીને વિશ્વપુરુષ બનાવતો બીજો પ્રબળ પક્ષ છે.

સંવેદનાથી ભરપૂર વૈજ્ઞાનિક: બાપુએ 7 સામાજિક પાપ જણાવ્યા છે. કહ્યું છે કે સંવેદનાશૂન્ય વિજ્ઞાન સામાજિક પાપ છે. ગાંધીજીના રૂપમાં આપણને એક સંવેદનાયુક્ત વૈજ્ઞાનિક મળ્યા. તેઓ જળ પદાર્થના શોધકર્તા વૈજ્ઞાનિક નહોતા. તેઓ ચિદવિલાસ વૈજ્ઞાનિક હતા. તમે બાપુના પ્રયોગોને જુઓ. તેમની આત્મકથાનું પણ નામ છે- સત્યના પ્રયોગો. મારી સમજ અનુસાર ગાંધીજીએ ચિદવિલાસની ચેષ્ઠા કરી. આથી જ તેઓ વિશ્વપુરુષ છે. તેમણે માનવને સ્વાસ્થ્ય, શિક્ષણને લઈને પ્રયોગ કર્યા. બેરોજગારી નિવારણ માટે પ્રયોગ કર્યા. રામસ્વરાજ, ગ્રામોદ્યોગ, સર્વોદયના પ્રયોગ કર્યા. આથી ગાંધી વિશ્વપુરુષ છે. તેમણે દરેક સ્થળે દરેક ધર્મના શુભ-શુભ તત્ત્વને લીધું. છતાં પણ કહ્યું કે સનાતન હિન્દુ હોવાનો મને ગર્વ છે. તેઓ આવી નિર્ભિક ઘોષણા કરે છે કે બધાને પોતાના પર ગૌરવ હોવું જોઈએ, પરંતુ ક્યારેય ટૂંકી દૃષ્ટિના બનવું જોઈએ નહીં. એકમ સતની આપણી પરંપરા છે. આ નો ભદ્રા ક્રતવો... શુભ વિચાર જ્યાંથી પણ મળે ત્યાંથી લઈ લો, ઈસ્લામમાંથી, સનાતન ધર્મમાંથી, ખ્રિસ્તીમાંથી, જૈનમાંથી, બૌદ્ધમાંથી. નીતિવાન હોવું ખરાબ નથી પરંતુ વિશેષ જાતિવાળા બીજાને નિમ્ન સ્તરના સમજે તેનાથી જઘન્ય અધર્મ બીજો હોઈ શકે નહીં.

સત્ય અને અહિંસા: બાપુએ કહ્યું છે કે સત્ય જ મારો ધર્મ છે. સત્યને પ્રાપ્ત કરવાનો મારો માર્ગ છે અહિંસા. અહિંસાથી જ હું સત્ય સુધી પહોંચું છું. સત્ય અને અહિંસાના આટલા સ્પષ્ટ વ્રતનો આ પથ બાપુને વિશ્વપુરુષ બનાવે છે. જેટલું થઈ શકે એટલું સત્યનું આચરણ કરવું જોઈએ. વિચારનું સત્ય, બોલવાનું સત્ય અને આચરણનું સત્ય. આ ભગવાન શિવનું ત્રિપુંડ છે. ગાંધીજીનું સત્ય વિચાર-વાણી અને આચરણનું સત્ય છે. વિશ્વ કલ્યાણ કરવાવાળા શિવતત્ત્વનું આ ત્રિપુંડ છે. લોકો કહે છે કે સત્ય કડવું હોય છે. હું આ મતનો નથી. સત્ય મધુર હોય છે. સત્યં બ્રુયાત, પ્રિયં બ્રુયાત... અર્થાત સત્ય અને પ્રિય બોલવું જોઈએ. ગાંધીજીના વિશ્વપુરુષનું શિખર પ્રમાણ છે- સત્ય અને અહિંસા. ગાંધીજીએ જે 11 વ્રત જણાવ્યા છે તેનો આરંભ સત્ય અહિંસાથી થાય છે. ચોરી ન કરવી અને અપરિગ્રહ પણ તેમાં સામેલ છે. થાળીમાં 11 પકવાન પીરસ્યા હોય તે તમામનું સેવન કરવું સંભવ નથી. તેમાંથી ચાર-પાંચ પણ ગ્રહણ કરીએ તો પણ પેટ ભરાઈ જાય. તેવી જ રીતે ગાંધીજીના એકાદશ વ્રતમાંથી આપણે જેટલું પણ સત્યની નજીક જઈશું એટલી જ વધુ નિર્ભયતા પ્રાપ્ત થશે. આથી ગાંધીજીને વિશ્વપુરુષ કહેવા જ પડશે.

જેટલું થઈ શકે એટલું જીવનમાં સત્યનું આચરણ કરવું જોઈએ
બાપુએ કહ્યું જ છે- સત્ય જ મારો ધર્મ છે, સત્યને પ્રાપ્ત કરવાનો મારો માર્ગ અહિંસા છે. અહિંસાથી જ હું સત્ય સુધી પહોંચું છું. સત્ય અને અહિંસાના આટલા સ્પષ્ટ વ્રતનો આ રસ્તો બાપુને વિશ્વપુરુષ બનાવે છે. જેટલું થઈ શકે એટલું સત્યનું આચરણ કરવું જોઈએ.

X
In Gandhi's vision of truth-non-violence, he appears to be the world leader
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી