માનસ દર્શન / હિન્દુસ્તાન ચમત્કારોનો નહિ, સાક્ષાત્કારોનો દેશ છે

Hindustan is a land of apocalypses, not miracles

  • બુદ્ધપુરુષ પાણીને સ્પર્શે તો પાણી પણ માણસ માટે હરિનામનો નશો બની જાય છે

Divyabhaskar.com

Dec 29, 2019, 07:32 AM IST

મને પૂછવામાં આવ્યું છે કે, ‘બાપુ, પાણીમાંથી શરાબ બનાવવાની જે વાત છે, તો જિસસે પાણીમાંથી શરાબ બનાવી દીધો?’ મને પૂછ્યું છે એટલે જ હું જે અર્થ કાઢું એનો પણ કોઇ જુદી રીતે અર્થ ન લેવો, કેમ કે ચીજ એક જ હોય છે, પરંતુ કોના હાથમાં છે એનો મહિમા છે. એક હથિયાર તમે રક્ષકના હાથમાં આપી દો તો જુદી વાત છે અને એક હથિયાર આતંકવાદીના હાથમાં દઇ દો તો પણ જુદી વાત છે. હથિયાર તો એનું એ જ છે. એક રક્ષકના હાથમાં છે, એક આક્રમકના હાથમાં છે એટલે વાત બદલી જાય છે. ગોસ્વામીજી કહે છે, ગ્રહની કયા ગ્રહ સાથે યુતિ થાય છે એના આધારે શુભ-અશુભ થતું હોય છે. તો ગ્રહ સુયોગ અને કુયોગ પામીને અર્થ બદલી દે છે અને અર્થ બદલતાં જ પરિણામ બદલી જાય છે. રાવણના હાથમાં તલવાર એ એક ખલના હાથની તલવાર છે, પરંતુ એ જ શસ્ત્ર રામના હાથમાં આવે તો વિશ્વની સુરક્ષા થઇ જાય છે.

રામજીના હાથમાંથી પણ શસ્ત્ર મેં બહુ જ પ્રેમથી લઇ લીધાં છે, પરંતુ શસ્ત્ર જેટલાં રામના હાથમાં શોભા આપે છે એટલાં પરશુરામના હાથમાં નથી આપતાં. ક્યારેક ક્યારેક કોઇકના હાથમાં શસ્ત્ર પણ શાસ્ત્ર બની જાય છે. એ જ કિરપાણ એ ગુરુપરંપરામાં-શીખ પરંપરામાં આવે છે તો શોભા બની જાય છે, એક શાસ્ત્ર બની જાય છે. એ ધર્મની રક્ષા માટે છે, તો ત્યાં શુભ છે, ત્યાં ગુરુજનોનું સ્મરણ છે, પરંતુ એના માટે વિવેક જોઇએ અને એ વિવેક જ્યાંથી પણ મળે એ સત્સંગ છે. એક સારું પુસ્તક વાંચવાથી તમારામાં વિવેક જન્મે તો એ પુસ્તક સત્સંગ છે. તમે શેર-શાયરી સાંભળો અને તમારામાં વિવેક આવે તો એ સત્સંગ છે. તમે કોઇ ઉપાસનાભરી આંખથી નૃત્ય જુઓ અને તમારામાં વિવેક આવી જાય તો એ નૃત્ય સત્સંગ છે.

મારું સ્પષ્ટ માનવું છે કે આપણા જીવનના રથનાં બે પૈડાં છે. એક પૈડાનું નામ વિચાર છે અને બીજા પૈડાનું નામ વિશ્વાસ છે. વિશ્વાસની જીવનમાં ઘણી જરૂર છે. વિશ્વાસ જ જીવન છે. સ્વામી વિવેકાનંદ કહે છે, સંશય મોત છે. અંધ વિશ્વાસ નહીં, જે અંધશ્રદ્ધાની વાત છે એ નહીં; અને વિચાર પણ જોઇએ. વિચાર ન હોત તો આટલી આટલી શોધ કેમ થઇ હોત? પરંતુ પૈડાં એમ જ તો નથી ચાલતાં. વચ્ચે ધરી જોઇએ. એ ધરીને મારી વ્યાસપીઠ વિવેક કહે છે. વિવેકયુક્ત વિચાર અને વિવેકયુક્ત જીવનને ધર્મરથમાં કન્વર્ટ કરી દે છે.

તો ભગવાન જિસસે પાણીને શરાબ બનાવી દીધો. એને હું માત્ર શરાબના રૂપમાં નથી જોતો. હું વિચારું છું કે બુદ્ધપુરુષ પાણીને સ્પર્શે તો પાણી પણ માણસ માટે હરિનામનો નશો બની જાય છે. ‘નામ ખુમારી નાનકા લગી રહે દિન રૈન.’ આ અર્થમાં અને પૂર્વ, જ્યાંથી સૂરજ નીકળે છે ત્યાં તો પાણીમાંથી શરાબ શું, પાણીમાંથી અમૃત બની જાય છે! ઇસુ આવ્યા તો પાણીમાં પણ એક ઉત્સાહ ભરી દીધો, પાણીથી જીવનની ગતિ વધી ગઇ, એ અર્થમાં લેવું. તો નીર નશો બની શકે છે, જીવનની મસ્તી બની શકે છે, એ અર્થમાં હું એનું અર્થઘટન કરું; પરંતુ હજાર વર્ષ પહેલાં જ્યાં સાક્ષાત્ ઇશ્વર આવ્યા હતા ત્યાં નીર અમૃત બન્યું હતું; અને ‘સભી સયાને એક મત.’ ભગવાન ઋગ્વેદનો એક મંત્ર છે-
ઇદમાપ: પ્ર વહત યત્કિં ચ દુરિતં મયિ,
યદ્વાહમભિદુદ્રોહ યદ્ધા શેપ ઉતાનૃતમ્.

ભગવાન ઋગ્વેદનાં વચનો છે. એમાં જલનો મહિમા છે. જુઓ, આપણી મનીષાએ, આપણા ઋષિઓએ કેવળ મંદિરોમાં જ ઇશ્વરને નથી જોયો. મંદિરોમાં આસ્થા અવશ્ય કેન્દ્રિત થઇ છે. મૂર્તિઓની આપણે પૂજા કરી છે, કરવી જોઇએ, જ્યાં જેમની નિષ્ઠા, પરંતુ આપણે પ્રવાહને પૂજ્યો છે. ‘આપ:’ એટલે પાણી. ‘ઇદમાત્ર: પ્ર વહત’, હે જલદેવતા, આપ એવી રીતે વહો, ‘યત્કિં ચ દુરિતં મયિ’ અમારાથી જાણતાં-અજાણતાં જે કંઇ પાપ થઇ ગયાં હોય, દુરિત થઇ ગયાં હોય એને વહાવી દો. આપણે પંચતત્ત્વોને, સૌને દેવ માન્યા છે. હવે વેદ પાણીમાંથી શું બનાવે છે, જુઓ! અહીં પાણીથી એક જીવનનો નશો, જીવનની એક મસ્તી છે. જિસસે બેહોશ નથી કર્યા, એ સૌને હોશમાં લાવ્યા છે, પરંતુ અહીં તો અમર કરવાની વાત છે અને યાદ રાખજો, જે માણસ પૂર્ણ નિષ્પાપ થઇ જાય છે એ અમર થઇ જાય છે. એ મુશ્કેલ છે. એટલા માટે આપણે મરણધર્મા છીએ, કેમ કે આપણે નિષ્પાપ નથી થઇ શકતા.

આપણા બધાંનાં પાપનો જન્મ ત્રણ વસ્તુમાંથી થાય છે. બીજાના દ્રોહથી, ખુદ પર કે બીજા પર કરેલા ક્રોધથી અને જૂઠથી. જ્યારે પણ આપણે કોઇનો દ્રોહ કરીએ છીએ ત્યારે સમજવું કે આપણે પાપને જન્મ આપ્યો. પછી એ જ પાપ ઉંમરલાયક થઇને તમારું ગળું પકડે છે, જેવી રીતે શાહજહાંનું ઔરંગઝેબે પકડ્યું! દીકરો જ બાપને પકડે છે, એટલે સાવધાન! હનુમાનજી શું કામ અમર છે? કેમ કે એ નિષ્પાપ છે. જે પૂર્ણત: નિષ્પાપ હોય છે તે ક્યારેય બૂઢા નથી થતા. શરીરની વાત છોડો. એ વિચારોથી વૃદ્ધ નથી થતા. એમની સદ્્વૃત્તિઓ ક્યારેય વૃદ્ધ નથી થતી. જીવનને નિષ્પાપ બનાવવામાં કળિયુગમાં કેવળ, કેવળ અને કેવળ હરિનામથી સરળ કોઇ સાધન નથી. મારા તુલસી લખે છે, ‘જાસુ નામ પાવક અઘ તૂલા.’ નામ અગ્નિ છે.

પાપ રૂની માફક હરિનામના અગ્નિથી તરત જ ખતમ થઇ જાય છે. જીવવાની ઇચ્છા કરો. વિચાર અને વિશ્વાસથી જ જીવો, પરંતુ વિવેક ન ચૂકો. બીજું, ક્રોધથી પાપનો જન્મ થાય છે, જે બોધને હરિ લે છે અને જૂઠથી. ‘નહિં અસત્ય સમ પાતક પૂંજા.’ ભૂલ જાણીબૂઝીને ન કરવી, પરંતુ થઇ જાય તો હરિનામ પાવક છે. તો ભગવાન વેદનું બહુ જ કરુણાસભર વચન છે કે હે નીર, હે પ્રવાહમાન કરુણા, અમારાથી જાણ્યે-જાણ્યે જે ભૂલ થઇ ગઇ હોય એ તું હરી લે અને ‘અનૃત’ જૂઠથી કોઇ ભૂલ થઇ ગઇ હોય, પાપથી, દ્રોહથી અને ક્રોધથી ભૂલ થઇ ગઇ હોય, તો તું દયાળુ છે, તારા કરુણાના પ્રવાહમાં અમારાં પાપોને વહાવી દે.

તો મને લાગે છે, જિસસે પાણીને શરાબ બનાવી દીધો, એને કદાચ એક હોંસલામાં પરિવર્તિત કરી દીધો હશે, એમ બની શકે. હિન્દુસ્તાન સ્વયં ચમત્કાર છે. હિન્દુસ્તાન ચમત્કારનો નહીં, સાક્ષાત્કારનો દેશ છે. જ્યાં લોકોએ ઇશ્વરનો અહેસાસ કર્યો છે, હરિને મેળવ્યા છે. આખરે ફરીફરીને મારી વ્યાસપીઠ રામનામ તરફ વળી જાય છે. ભગવાન રામ વિશ્વામિત્રજી સાથે જનકપુરમાં હતા. ધનુષયજ્ઞનો દિવસ છે. શતાનંદજીએ પ્રાર્થના કરી કે ધનુષયજ્ઞમાં આપની પ્રતીક્ષા થઇ રહી છે. આપ રાજકુમારોને લઇને આવો અને જાનકીના ભાગ્યનો નિર્ણય થાય. વિશ્વામિત્રજીએ રાઘવને કહ્યું કે ચાલો, આપણે ધનુષયજ્ઞમાં જઇએ અને જોઇએ, ત્યારે ગોસ્વામીજી ‘ઇસુ’ શબ્દનો પ્રયોગ કરે છે, ‘ઇસુ કાહિ ધૌં દેઇ બડાઇ.’ ઇશ્વર કોને બડાઇ આપે છે, જરા જોઇએ. ઇશ્વર તો સૌને બડાઇ આપે છે, પરંતુ એ સમયે કોણ પોતાને એ પાત્રતા માટે સક્ષમ બનાવે છે એના પર વાત નિર્ભર છે.

જિસસને પૂછાયું કે પ્રભુના દરબારમાં, આકાશના રાજમાં, પરમાત્માના રાજમાં, સ્વર્ગમાં સૌથી પહેલો કોનો અધિકાર હશે? એક બાળક રમી રહ્યું હતું. તો જિસસે કહ્યું, આ બાળક જેવા જે હશે એમને પહેલો પ્રવેશ મળશે. બાળક જેવા હશે એનો મતલબ બાળક જેવા નિર્દોષ, બાળક જેવા નિખાલસ, બાળક જેવા પવિત્ર અંત:કરણ, બાળક જેવા આશ્રિત, એવી સ્થિતિમાં જે હશે એ પરમાત્માના રાજમાં પહેલાં પહોંચશે.

X
Hindustan is a land of apocalypses, not miracles
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી