માનસ દર્શન / વિવેક શિષ્યની અને પરમવિવેક ગુરુની સંપદા છે

Conscience is the property of the disciple and the conscience of the Guru

  • શુભ સંગથી અને કોઈ પણ રૂપે સત્સંગથી જો વિવેક આવશે તો લક્ષ્ય પામવામાં તમે પાછા નહીં પડો

મોરારિ બાપુ

Jan 12, 2020, 07:34 AM IST

ઠાકુર રામકૃષ્ણદેવને એકવાર કોઇ સાધકે પૂછ્યું કે પ્રાર્થના શા માટે કરવી જોઇએ? એ તો ઠાકુરને પૂછવામાં આવ્યું હતું, પરંતુ મને જો કોઇ પૂછે કે માગવું શું જોઇએ, તો હું કહીશ કે કશું માગો જ નહીં. એક સૂફીનો શેર છે-
યહી સોચકર મૈં કુછ કહતા નહીં હૂં,
સુના હૈ કિ તુઝકો સબકુછ પતા હૈ.

આપણે જ્યારે કોઇ બુદ્ધ પુરુષની પાસે બેસી જઇએ છીએ ત્યારે એ મુલાકાતમાં આપોઆપ જ ઉપનિષદનું પ્રગટીકરણ થઇ જાય છે. છતાં આપણે જીવ છીએ એટલે માગો તો કોઇ સમર્થ પાસે માગો. માગો તો કોઇ સાધુ પુરુષ પાસે માગો, કપટી પાસે ન માગો. માગો કોઇ શુદ્ધ પુરુષ પાસે. રાજ કૌશિકનો શેર છે,
તૂ હી મેરા સાકી તૂ હી તો નશા હૈ.
તૂ હી મેરા દર્દ તૂ હી તો દવા હૈ.

આપણા માગવાથી ક્યાંક એનું અંતર્યામીપણું ખંડિત ન થઇ જાય, એને દાગ ન લાગી જાય એટલા માટે ચૂપ રહીને માગો. જેની પાસે આપણે માગીએ છીએ એ સમર્થ છે, પરંતુ ચિલ્લાઇને માગીશું તો એને દાગ લાગી જશે! દુનિયાને લાગશે કે આ બિચારો માગી રહ્યો છે એ કેમ આપતો નથી? અને એ એટલા માટે નથી આપતો કે એમાં તારું હિત નથી! નારદે માગ્યું હતું તો પણ પ્રભુએ આપ્યું નહીં. પ્રભુએ કહ્યું, તું હિત વિચારે છે, પરંતુ હું તારા પરમ હિતનો વિચાર કરું છું.
મારે મારી જવાબદારી સાથે કહેવું હોય તો કહીશ કે વિવેકાનંદ હંસ છે, ઠાકુર પરમહંસ છે. ગુરુએ યોગ્ય નામ આપ્યું છે, ‘વિવેકાનંદ’. આટલા ઓછા આયુષ્યમાં આ માણસે કેટલું મોટું કામ કર્યું! આ મહાપુરુષે હિન્દુ ધર્મની ગરિમાને લહેરાવી. એ હંસ છે અને એમણે નીર-ક્ષીર જાણ્યું છે અને એમના સદગુરુ ભગવાન પરમહંસ છે. શિષ્યોએ પરમહંસ થવાની જરૂર નથી. ગુરુની કૃપાથી હંસ-વિવેક આવી જાય તોપણ પૂરતું છે. તો કોઇ હિત ઇચ્છે છે અને કોઇ પરમ હિતનો વિચાર કરે છે.

‘બાલકાંડ’માં બે વ્યક્તિ માગે છે. એકની માંગ સફળ થઇ, એકની માંગ અસફળ થઇ. બંનેએ યોગ્ય માત્રામાં માગ્યું છે, કારણ કે ત્યાં સમર્થ-અસમર્થનો ભેદ હતો; સાધુ અને કપટીનો ભેદ હતો; મુખરતા અને ચૂપ રહેવાનો ભેદ હતો. મનુ અને શતરૂપા વનમાં કઠોર તપશ્ચર્યા કરે છે. મનુ પાસે વારંવાર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આવે છે. પછી આકાશવાણી થાય છે. મનુએ ચાર ચીજ માગી. સૌથી પહેલાં દર્શન, પ્રત્યક્ષ દર્શન, રામ સમર્થ છે, સાધુ છે. ત્યાં મનુએ ચિલ્લાઇને નથી માગ્યું. બીજી માગણી કરી કે મારા હવે પછીના જન્મમાં આપ જેવા પુત્રની પ્રાપ્તિ થાય. ભગવાન એક જ વાર અહીં એની ઇચ્છા પૂરી નથી કરી શકતા.

ભગવાને કહ્યું, અસંભવ, કારણ કે એમના જેવું બીજું કોઇ છે જ નહીં. મનુએ ત્રીજું વરદાન માગ્યું, આપના ચરણમાં મારી પ્રીત વધતી જાય. દશરથજી કામાતુર થઇને નથી મર્યા, રામાતુર થઇને મર્યા છે અને ચોથી વસ્તુ માગી કે જેમ જળ વિના માછલી તડપી તડપીને પ્રાણ ત્યજી દે છે એમ મારું જીવન કેવળ આપનાં દર્શનને આધીન રહે. એમની ઇચ્છાઓ પૂરી થઇ, કેમ કે સાધુઓ પાસે માગ્યું હતું, સમર્થ પાસે એ માગવામાં આવ્યું હતું. એ જ ‘બાલકાંડ’માં પ્રતાપભાનુ, કપટમુનિ પાસે ચાર વસ્તુ માગે છે અને એમને નિષ્ફળતા મળે છે, કારણ કે જેમની પાસે માગ્યું હતું એ સમર્થ ન હતો, સાધુ ન હતો. ‘રામચરિતમાનસ’માં પ્રતાપભાનુએ કપટમુનિ પાસે ચાર વસ્તુ માગી છે. એક, મારા શરીરને બુઢાપો ન આવે. બીજું, મારું મૃત્યુ ન થાય.

વિવેકાનંદજીને જ્યારે કહેવામાં આવ્યું કે સ્વામીજી, આપ કાર્ય કરવાનાં સૂત્રો બતાવો. ત્યારે સ્વામીજીએ ચાર વાતો કરી. પહેલી વાત કરી કે ત્યાગ હોવો જોઇએ. ખલિલ જિબ્રાનનું વાક્ય છે કે તમે ખુદને આપી દો એ જ દાન છે. સ્વામીજીએ બીજી વાત કરી કે ખુદ પર વિશ્વાસ કરવો. બીજા પર વિશ્વાસ કરવો બહુ આસાન છે, કારણ કે બીજા પર વિશ્વાસ કરવાનાં બે કારણ છે ભય અને પ્રલોભન. હરિ પર ભરોસો ભય અને પ્રલોભનથી નથી થઇ શકતો. જ્યારે કોઈ સદગુરુ પર આપણી પૂર્ણ નિષ્ઠા થઇ જાય છે ત્યારે એવો ભાવ નથી ઊઠતો કે, ‘તુમ સા નહીં દેખા!’ અને સ્વામીજી ત્રીજી વાત કરે છે, સાહસ. સાધક સાહસી હોવો જોઇએ. આપણા સદ્્ગુરુના બળથી સાહસનું સામર્થ્ય આવે છે. ચોથું સૂત્ર, અસંગ રહેવું. આટલું મોટું કામ છતાં પણ આંતરિક અવસ્થા જુઓ તો અસંગ છે!

પ્રતાપભાનુએ એવા માણસ પર ભરોસો કર્યો કે જે દરેક ચીજમાં ‘તથાસ્તુ’ કહી દે છે! એણે ત્રીજી વસ્તુ માગી છે કે મને રણમેદાનમાં કોઇ જીતી ન શકે. ચોથું માગ્યું કે સો કલ્પ સુધી આ ભૂમંડળમાં માત્ર મારું એકલાનું જ સાર્વભૌમ શાસન હોય. આ વરદાન તો રામ વિભીષણને આપી શકે છે.

તો, પહેલી વાત તો એ કે માગવું જ નહીં. ઠાકુરને જ્યારે પૂછવામાં આવ્યું કે પ્રભુ પાસે માગવું હોય તો શું માગવું? ઠાકુર કહે છે તમે આર્દ્રભાવે પ્રભુ પાસે એટલું માગો કે હે પ્રભુ, તું મને એટલો વિવેક આપ કે મને અનિત્ય ક્યારેય નિત્ય ન લાગે; અનાત્મ ક્યારેય આત્મ ન લાગે; દુ:ખ ક્યારેય સુખ ન લાગે અને અપવિત્ર ક્યારેય પવિત્ર ન લાગે. આને કહેવાય વિવેક. જો માગવું હોય તો વિવેક માગો. તુલસીદાસજીએ વિવેકના સંદર્ભમાં શબ્દપ્રયોગ કર્યો છે કે-
અસ બિબેક જબ દેઇ બિધાતા,
તબ તજિ દોષ ગુનહિં મનુ રાતા.

હે વિધાતા, માગવું ન પડે એવો વિવેક દેજે અને આપણા જેવા પામરોને માટે વિધાતા કોણ છે? આપણા સદગુરુ. આપણે મહાપુરુષોના આશ્રયમાં, ગુરુના આશ્રયમાં બેસી જઇએ છીએ ત્યારે વિવેક આપોઆપ જ આવી જાય છે. ગુરુ પાસેથી બીજું શું મેળવવાનું હોય? બુદ્ધિ, સંપત્તિ, પ્રતિષ્ઠા? સદગુરુ પાસેથી શું મળે? મેળવવા જેવો તો છે વિવેક. ગુરુ જ્યારે એવો વિવેક આપશે ત્યારે મન દોષથી મુક્ત થઇ જશે અને શુભ તત્ત્વમાં લાગી જશે.

મારું સ્પષ્ટ માનવું છે કે વિવેક શિષ્યની સંપદા છે અને પરમ વિવેક ગુરુની સંપદા છે. વિવેક એટલે અગ્નિ. તુલસીદાસજી કહે છે કે વિવેકરૂપી અગ્નિને પ્રગટ કરવા માટે રામકથા એક અરણિમંથન છે. જેવી રીતે બે લાકડાંને ઘસવાથી અગ્નિ પેદા થાય છે તેમ રામકથા કહેવી. રામકથા સાંભળવી એ બધું મંથન છે. એમાંથી વિવેકનો અગ્નિ પ્રગટ થશે. હવે વિવેકને જ્યારે અગ્નિ કહેવામાં આવે છે ત્યારે અગ્નિનાં જેટલાં મુખ્ય લક્ષણો છે એ વિવેકનાં લક્ષણો છે. અગ્નિનો પહેલો સ્વભાવ છે દાહકતા. અગ્નિનું બીજું લક્ષણ છે પ્રકાશ. વસ્તુને શુદ્ધ કરવી એ અગ્નિનો ત્રીજો સ્વભાવ છે અને અગ્નિનું ચોથું અને અંતિમ લક્ષણ એ છે કે અંતે અગ્નિની જ્વાળા ક્યાં ચાલી જાય છે એની જાણ નથી થતી.

X
Conscience is the property of the disciple and the conscience of the Guru

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી