માનસ દર્શન / જે ધર્મમાં હૃદય નહીં હોય એ ધર્મ હિંસા કરાવશે

A religion that does not have a heart will lead to violence

  • ‘રામાયણ’નાં કેટલાં પાત્રોનો વિચાર કરીએ તો બધાં પાત્રોનાં હૃદયમાં હૃદયધર્મ જ પડ્યો છે

મોરારિ બાપુ

Nov 10, 2019, 07:31 AM IST

સૌને પોતપોતાનો ધર્મ હોય; એની સ્વતંત્રતા એ એનો અધિકાર છે. આપણો ધર્મ અથવા તો બીજાનો ધર્મ આપણાથી ભિન્ન હોય એ સ્વીકારવું જ રહ્યું, પણ આપણાથી બીજા કે બીજાથી આપણે હીન છીએ એ વિચાર બહુ જ ઘાતક છે. ભિન્ન હોય છે, છતાંય ધર્મનાં મૂળ જે સૂત્રો એ તો બધાંનાં લગભગ એક જ છે; અને છતાંય આ ધર્મ, આ ધર્મ, આ ધર્મ! એમાંય સૌની જુદીજુદી રીત હોય એને આપણે સ્વીકારીએ. હૃદયનું પહેલું લક્ષણ એ ધબકતું રહેવું જોઇએ. હૃદયધર્મનું પહેલું લક્ષણ એ ધબકતું હોવું જોઇએ. એ બંધિયાર થઇ જાય, એ સ્થૂળ થઇ જાય એમ નહીં. હૃદય ન હોય એને ધર્મ કહેવો કેમ એ એક પ્રશ્ન છે. અને માનસ એટલે હૃદય. ‘માનસ-ધર્મ’ એટલે આપણા હૃદયને ધર્મ. આ હૃદયનો ધર્મ મને અને તમને જ્યારે સમજાશે ત્યારે કદાચ આ ધર્મ-ધર્મ વચ્ચેના સંઘર્ષો, એને લીધે ઉપજતી અનેક વિભીષિકાઓ, એનો કદાચ આપણે ઉકેલ લાવી શકીએ.


જેમને આજના સંદર્ભે હું મહામુનિ કહું છું એવા વિનોબાજીનું વાક્ય મને સતત ગમે, પ્રેરણા આપે કે સંઘર્ષ બે ધર્મોની વચ્ચે હોતો જ નથી, બે અધર્મોની વચ્ચે જ હોય છે. ઘર્ષણ બે અધર્મો જ કરતા હોય છે.ધર્મ કદી પણ ઘર્ષણ કરી શકે જ નહીં. ‘રામાયણ’નાં કેટલાં પાત્રો છે આપણી પાસે! એ બધાં પાત્રોનો વિચાર કરીએ તો બધાં પાત્રોનાં હૃદયમાં હૃદયધર્મ જ પડ્યો છે. મારે તો સ્વર્ગે જવું નથી; ગની દહીંવાલાના શબ્દો મને ગમે- ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી.


કદાચ માણસ માણસ સુધી પહોંચ્યો હશે તો પણ, હૃદય હૃદય સુધી પહોંચ્યું નથી! આટલા ધર્મોની ચર્ચા પછી, આટલા ધર્મોના મોટા-મોટા સમારંભો થયા પછી પણ આપણે હૃદય સુધી પહોંચ્યા નથી! ‘માનસ’માં પાંચ પાત્રોની કથા લખી છે- શિબિ, દધીચિ, હરિશ્ચંદ્ર, રતિદેવ, બલિ. ‘મહાભારત’ અને પુરાણના આ પાત્રો છે. આ પાંચેય પાત્રોમાં તમે કોને પ્રધાન ગણશો? કઇ વસ્તુ હતી કે આ પાંચેય પાત્રોએ ધર્મ માટે કોટિ સંકટો, અનેક પ્રકારનાં સંકટો સહન કર્યા? ક્યારેક માણસે શાંતિથી બેસીને વિચાર કરવો જોઇએ કે આપણી સંકટની સંખ્યા કેટલી? આપણા વ્યવહારમાં જે અમુક સંકટો આપણે સતત બોલીએ છીએ; એક શબ્દ આપણે બહુ જ યોજીએ છીએ કે ભાઇ, અમારે ‘ધર્મસંકટ’ આવ્યું. આપણે બધાંને સંકટથી મુક્ત થવું છે; પણ એ સંકટની સંખ્યા કેટલી? અહીંયા ઘણાં પ્રકારના સંકટો સહન કરીને એમણે ધર્મને ધારણ કરી રાખ્યો.


તો આ શ્રવણની વિદ્યા આપણે ચૂક્યા છીએ! નહીંતર ક્રાંતિ થાય. અને એટલે જ ‘ભાગવત’કાર કહેતા હશે, પહેલી ભક્તિ શ્રવણ છે. તમે સાંભળો બે મિનિટ, પાંચ મિનિટ. તમે કોઇ જ્યેષ્ઠની, શ્રેષ્ઠની, મિત્રની સારી વાત સાંભળો. ખાલી કથા જ સાંભળો એમ હું નથી કહેતો. શ્રવણ એટલે હું વિશાળ અર્થમાં કહી રહ્યો છું. ભગવાને વાલ્મીકિજીને પૂછ્યું કે મારે ચૌદ વરસ વનમાં રહેવું, એમાં મારે કઇ જગ્યાએ રહેવું એ મને સ્થાન બતાવો. ત્યારે જે સ્થાનો બતાવ્યાં ‘રામચરિતમાનસ’માં; એમાં પહેલું સ્થાન શ્રવણનું છે. તમે સાંભળો. એક વિજ્ઞાન છે શ્રવણ. ‘ભાગવત’માં પણ છે કે મારા કાન સારું સાંભળે; શુભ વિચારો મારા કાન દ્વારા હૃદયમાં ઊતારે. આપણાં કુંડલ કોઇકે લઇ લીધાં છે! એટલે ધર્મોનાં જુદાં જુદાં નામો છે અને રહેવાં જોઇએ; પણ ક્યાંક હૃદયનો ધર્મ ચુકાય છે! અને જે ધર્મમાં હૃદય નહીં હોય એ ધર્મ હિંસા કરાવશે; એ ધર્મ શાસ્ત્રોને મૂકીને શસ્ત્ર ઉપડાવશે; એ ધર્મ વિઘટન પેદા કરાવશે; એ ધર્મ સેતુ નહીં બાંધે, તોડી નાખશે. એક તો ધર્મસંકટ; આપણે બોલીએ છીએ. બીજું, ‘ધર્મ’ શબ્દ આવે તો મારા મગજમાં ધર્મ એટલે સત્ય, પ્રેમ, કરુણા. અને જ્યાં સત્ય આવ્યું ત્યાં સંકટ આવવાનું જ. નવાઝ દેવબંદીએ એમ કહ્યું કે-મજા દેખા મિયાં સચ બોલને કા?
જિધર તૂ હૈ ઉધર કોઇ નહીં!


તું જ્યાં સત્યને લઇને બેઠો છે, ત્યાં તારી સાથે ભીડ નહીં હોય; સામે જ લોકો હશે! એટલે ધર્મસંકટમાં એક સત્યસંકટ. બીજું ભક્તને આવતું સંકટ, જેને પ્રેમસંકટ કહેવાય. ત્રીજું કરુણાનું સંકટ. તો સત્યમાં આવતું સંકટ, પ્રેમમારગમાં આવતું સંકટ અને કરુણાના મારગમાં આવતું સંકટ એ ધર્મસંકટ છે. સંકટો આવવાનાં જ. ભરતજી પ્રેમમાર્ગી છે. ભરતને ‘રામચરિતમાનસ’માં પ્રેમની મૂર્તિ કહી છે. ભરતજીને રામના પ્રેમનું સાક્ષાત્ વિગ્રહરૂપ ગણ્યા છે. ભરત એટલે રામના પ્રેમે એક મનુષ્ય શરીર ધારણ કર્યું એનું નામ ભરત. ભરતજી ચિત્રકૂટ જાય છે આખી અયોધ્યાને લઇને રામને મનાવવા માટે. આ ભારતની જે પ્રેમયાત્રા છે અને એમાં જે સંકટો આવ્યાં છે ભરતને. આપણા જીવનના ભક્તિ મારગમાં સંકટો હોઇ શકે. માણસે તૈયારી રાખવાની.


ભરતજી ચિત્રકૂટ ગયા છે ત્યારે એને પાંચ બાધાઓ આવી છે. ભરતજીએ એક વ્રત લીધું કે મારો રામ જો પગે ચાલીને વનમાં ગયો હોય તો મારાથી રથનો ઉપયોગ ન કરી શકાય. હું સેવક છું, મારે પદયાત્રા કરવી છે. ભરત, શત્રુઘ્ન બંને પગે ચાલે છે. બધાંને ખબર પડી કે ભરતજી પગે ચાલે છે, એટલે લોકો પોતપોતાનાં વાહનોનો ત્યાગ કરી નીચે ઊતરી ગયાં. હવે ભરતજીના સંકલ્પમાં વિઘ્ન-સંકટ આવ્યું. બધાંને પગે ચાલતાં જોયાં એટલે મા કૌશલ્યાએ કહારોને પોતાની ડોલી ભરતજી પાસે લઇ જવા કહ્યું. કહારો ભરત, શત્રુઘ્ન પાસે ડોલી લાવ્યા છે. માએ પરદો હટાવી ભરતના માથે હાથ મૂક્યો, કહ્યું, ‘ભાઇ, ચારે બાજુ જોઇ લે. તું નીચે ચાલે છે એટલે આખી અયોધ્યા નીચે ચાલે છે. તારા પિતાના વિયોગમાં, રામવનવાસની પીડા અને વિયોગમાં પ્રજા શારીરિક રીતે પણ એટલી સક્ષમ નથી. બીમાર પડશે.


તું રથમાં બેસી જા.’ ભરત રથમાં બેસે છે, જેથી બીજાં બધાંને મુશ્કેલી ન પડે. પરંતુ એક વસ્તુ તો ચોક્કસ થઇ કે ભરતે વ્રત લીધું’તું કે મારે સત્ય સુધી, રામ એટલે પરમસત્ય સુધી પગે ચાલવું; એમાં વિઘ્ન આવ્યું. ભરત જેવા મહાપુરુષને આ સંકટ કેમ આવ્યું? મને એક જ કારણ દેખાયું કે વ્રત જાહેર થઇ ગયું. મારે-તમારે આનો અર્થ એટલો સમજવાનો કે આપણે લીધેલું કોઇ વ્રત, જો એની લોકોને જાણ થઇ જશે, તો વ્રતભંગ થશે. એટલે વ્રતધારીએ વ્રત ગુપ્ત રાખવું. વ્રતભંગ એ પ્રેમમારગનું પહેલું સંકટ છે. આપણા આધ્યાત્મિક વિકાસ માટે લીધેલું કોઇ વ્રત, આપણા ગજા પ્રમાણે લીધેલું વ્રત જાહેર થાય તો એ સંકટ છે. ભરતે રથમાં બેસવું પડ્યું.


યાત્રા આગળ વધી. ગંગાને કિનારે શૃંગબેરપુર ભીલો અને નિષાદોની વસ્તી; ભરતજી ત્યાં આવે છે અને નિષાદ લોકો તો રામના બની ગયેલા. રામ ત્યાં રોકાયા હતા; એ લોકોને ભરત માટે ગેરસમજ ઉત્પન્ન થઇ. એના આગેવાનને એમ જ થયું કે આ ભરત નિષ્કંટક રાજ્ય કરવા નીકળ્યો છે. સત્યના મારગનું, પ્રેમના મારગનું આ બીજું સંકટ છે. આજુબાજુનો સમાજ આ મારગે ચાલનારની ગેરસમજ ઉત્પન્ન કરે. ભરતને નહીં જવા દઇએ! આ માણસ કૈકયીનો દીકરો છે અને વિષની વેલને અમૃતનાં ફળ આવે જ નહીં! આવી ગેરસમજ આખા શૃંગબેરપુરમાં ઊભી કરી! આ સત્ય, પ્રેમ, કરુણા. ત્રણ ધર્મને પાળનારનું આ બીજું સંકટ છે. આખા વિશ્વના બાપ ગાંધીબાપુના પ્રયોગો સાથે ગેરસમજો થતી’તી જ. અને હજી ક્યાં નથી થતી! કારણ કે ગાંધીનો મારગ સત્યનો મારગ હતો, અહિંસા અને કરુણાનો મારગ હતો; તો આ થાય જ. હરિશ્ચંદ્રને વેચાવું જ પડે! સોક્રેટિસને ઝેર મળે જ! મીરાંને ઝેર પીવું જ પડે! તમે બહુ કથામાં જશો એટલે તમારા ઉપર ગેરસમજ શરૂ થશે. તત્કાલીન સમાજ ગેરસમજ ઊભી કરે. ભરતજી આમાંથી પાર ઊતર્યા. ગેરસમજ દૂર થતાં નિષાદ સમાજે ભરતનું સન્માન કર્યું.

X
A religion that does not have a heart will lead to violence

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી