માનસ દર્શન / સાધુ ભલે ન બની શકીએ, શયતાન તો ન જ બનીએ

A monk cannot be a devil or a devil

  • ઘણી સંસ્થાઓ એવી છે, કાંઈ કામ ન કરે, ફળ એ મોટા જ લઈ જાય! આ શયતાનનું લક્ષણ છે!

મોરારિ બાપુ

Nov 24, 2019, 07:24 AM IST

કથા માટે ‘મહાભારત’માં ચાર શબ્દો પ્રયોજ્યા વ્યાસજીએ. ચારેયનો અર્થ વ્યાસ મહારાજે કથામાં કર્યો. ‘મહાભારત’ના રચયિતા ભગવાન વ્યાસ કહે છે એક શબ્દ, જે આપણે ત્યાં સાહિત્યિક જગતમાં, શિક્ષણ સંસ્થાઓમાં વપરાતો હોય છે; પ્રેમાનંદી પરંપરાઓમાં, ગામની ગલીઓમાં, ચોકમાં પણ આ શબ્દ વપરાતો હોય છે, એ છે આખ્યાન. આખ્યાન પણ કથા છે. ‘મહાભારત’ બીજું કહે છે ઉપાખ્યાન. ‘મહાભારત’માં આપણને ઘણા ઉપ-આખ્યાન મળશે. એ પણ કથાનું જ ગોત્ર ધરાવે છે. ત્રીજું, પુરાણકથાઓ. ‘મહાભારત’નું દર્શન કરો તો એમાં અનેક પુરાણોના સંદર્ભો આપણને મળશે, કારણ કે પુરાણકર્તા અને મહાભારતકર્તા બંને એક છે.


એટલે પૌરાણિક પ્રસંગોને પણ મહાભારતકારે કથાઓ કહી છે અને ચોથું, ઇતિહાસ. આ ચારેયને એક શબ્દમાં મહાભારતકાર કથા કહે છે. મારે તો આખી દુનિયામાં આ કથાનું જ કામ કરવાનું. અનેક સ્વભાવના બધા માણસો સાથે એક ડિસ્ટન્સ રાખીને અસંગ રહીને કામ કરવાનું છે. કોઇના હાથને કમળની ઉપમા આપવામાં આવે. પરમાત્માને તો મુખકમળ, નેત્રકમળ, હૃદયકમળ, ચરણકમળ; બધું કમળ, કમળ. એટલા માટે કે કમળ અસંગ છે. કમળ બહુ જ મહત્ત્વનું ફૂલ છે, પણ એ અસંગ છે. આપણને કમળની અસંગતાનો જ ખ્યાલ છે, પણ કમળનો બહુ જ મોટોમાં મોટો ગુણ એ છે કે આ એક જ ફૂલ એવું છે કે એને કોઇ ફળની અપેક્ષા નથી. કમળના ફૂલને કોઇ ફળ નથી. અસંગ સાધુ એને કહેવાય જે કમળના ફૂલની જેમ રહે; જેની સાથે રહે એની પાસેથી કોઇ ફળની અપેક્ષા ન હોય. ફૂલ જ રહે. આ કમળ. એટલા માટે ઈશ્વરના હાથ-પગ બધાને કમળ કહેવાય છે, કારણ કે એને ફળ નથી લાગતું. બાકી બધાને ફળ આપે છે.


ઇસ્લામ ધર્મમાં શયતાનની વ્યાખ્યા શું હોય છે? શયતાનની એક વ્યાખ્યા છે કે થોડો ઘણો કોકનો ઉપકાર કરે અથવા તો જરાય ઉપકાર ન કરે અને તોય બીજા પાસેથી મોટી ફળની આશા રાખે એને ઇસ્લામ પરંપરાએ શયતાન કહ્યો છે. આપણે સાધુ ભલે ન બની શકીએ, પરંતુ શયતાન તો ન જ બનીએ. થોડુંક કર્યું હોય ને મોટું ફળ ઇચ્છે! ક્યારેય કાંઇ ન કરે! સંસારમાં ઘણી સંસ્થાઓ એવી છે, કાંઇ કામ ન કરે, ફળ એ મોટા જ લઇ જાય! કરવાનું કાંઇ નહીં! આ શયતાનનું લક્ષણ છે! એમાં કોઇ મજહબનો ફર્ક નથી. કોઇ પણ માનવજાત હોય એને ઇસ્લામ ધર્મએ શયતાન કહ્યો છે. શયતાનની બીજી પરિભાષા ઇસ્લામ ધર્મએ કરી છે અને એ છે, જે નેકી નથી કરતો; નેક કામ નથી કરતો એ શયતાન છે.


આપણે નેક કામ ન કરી શકીએ તો જ્યાં નેક કામ થતાં હોય એમાં પથ્થર ન નાખવા. તમારા ગામના જે વિકાસનાં કાર્યો કરતા હોય એમાં આપણા નાના-નાના સ્વાર્થના પથ્થર ન નાખતા. ખોટા-ખોટા રાજકારણીને પડખે ચડી અને ગામના કામ અટકાવવાં નહીં. નેકીથી દૂર ભાગવાની વાત છે. મહુવાની કેટલી સંસ્થાઓ છે અને આ બધી સંસ્થાઓ સાથે હું સદભાવ રાખું. દુનિયા તો એમ જ માને કે આ બધી સંસ્થાઓ મોરારિબાપુની જ છે! અને એમાં આપણે નેકી કે કલ્યાણ કરવાનું ક્યાંક ભૂલથી પણ ચૂકી જઇએ ત્યારે આંગળી મારા ઉપર ચીંધાય છે કે આ મોરારિબાપુની સંસ્થા છે! આવું બોલાય છે. એટલા માટે નેકીનું ધ્યાન રાખવું, નહીંતર આપણે શયતાનમાં ગણાઇશું. જ્યાં જ્યાં સમાજમાં ગામનું, નગરનું, વર્ગોનું શુભ થતું હોય ત્યાં આડા ન પડવું.


ત્રીજી શયતાનની બહુ સરસ વ્યાખ્યા ઇસ્લામ ધર્મએ કરી છે તે, ચાર વસ્તુ કરે એ શયતાન છે. એક તો ચોરી કરે; બીજું વ્યભિચાર કરે; ત્રીજી હિંસા કરે; ચોથું મદ્યપાન કરે. મદ્યસેવન; મારે પ્રાર્થના કરવી છે મારા આખા સમાજને કે બને તો ભલે ધીરે ધીરે પણ વ્યસનો ઓછાં કરજો. એક ઝાટકે વ્યસન દૂર થાય એ મુશ્કેલ છે. વ્યસનનો સંસ્કૃતમાં અર્થ થાય દુ:ખ. સીધું દુ:ખ જ છે. આપણે નોતરેલું દુ:ખ છે આ વ્યસન. વ્યસનો થોડાક ઓછા થાય; જે તે પીવાનું બંધ થાય. ગામની અંદર આવું બધું બનતું હોય તો એ બધું બંધ થાય તો સારું. ગામની-સમાજની ગાયોની સેવા થાય. આપણી ગાયો બચે. ગામમાં કોઇ વિધવા મા હોય એના દીકરા બનીને આપણે એની સેવા કરતા થઇએ. આ બધાં ઇન્સાનિયતનાં કાર્યો છે.


મદ્યપાન, ચોરી, વ્યભિચાર અને હિંસા; ઇસ્લામ ધર્મએ આને શયતાનકર્મ કહ્યું છે અને ચોથું ઇસ્લામ ધર્મના કહેવા મુજબ શયતાન કર્મ છે નિ:સાર પ્રવૃત્તિ; જેનો કોઇ સાર ન હોય એવી પ્રવૃત્તિ. જેનું કોઇ પરિણામ નહીં; જેનામાંથી કોઇ નીકળે નહીં એવી સાવ સારહીન પ્રવૃત્તિ એને શયતાની કર્મ કહ્યું છે ઇસ્લામ ધર્મમાં. સાધુ ન થવાય તો કોઇ ચિંતા નહીં; શયતાન ન બની જઇએ એ માટે બહુ જ જવાબદારી મારી ને તમારી રહે છે. મોરારિબાપુ બધું જાણે છે અને બધી રીતે મહાન છે એવું કંઇ નથી. આપણે બધાએ આપણી બુરાઇઓ, કમજોરીનું દર્શન કરવાનું, ખાડા પૂરવાના. એટલે હું ને તમે શયતાની કર્મોથી બહાર નીકળીએ.


સાધુ હાથ પકડે એ મૂકે જ નહીં, પણ આપણે જ ક્યારેક ક્યારેક છોડાવીને ભાગી જતા હોઇએ છીએ! પ્રતિષ્ઠા માટે, ફોટા પડાવવા માટે આમ આપણે કરતા હોઇએ છીએ! બાકી સાધુ બેય કામ કરે. થાપે ને ઉથાપે, બેય કામ સાધુ કરે. કોઇ વાર સંસ્થા સ્થાપેય ખરો ને ક્યારેક ઉથાપેય અને એને ગંગાસતીએ સપોર્ટ કર્યો છે-
વચને થાપવું ને વચને ઉથાપવું,

વચને કરવાં ગુરુનાં કામ.
‘રામચરિતમાનસ’ના ‘અયોધ્યાકાંડ’માં અયોધ્યામાં રામ પરણીને આવ્યા પછી સમૃદ્ધિ બહુ વધી. ઘણાંનાં પગલાં એવાં હોય, ઘરમાં આવેને તો સમૃદ્ધિ વધવા માંડે. ઘણાનાં પગલાંથી નળિયાં જતાં રહે! રોજ મંગલ પ્રસંગો, આનંદ, વધાઇ, રિદ્ધિ-સિદ્ધિની નદીઓમાં પૂર આવ્યાં. સમૃદ્ધિ બહુ સારી છે, પણ અતિ સમૃદ્ધિમાંથી પછી રામનો વનવાસ જ જન્મતો હોય છે. સમ્યક સમૃદ્ધિ, કાં તો ગમે તેટલી સમૃદ્ધિ મળે, પણ સમજ સમ્યક રહેવી જોઇએ. મહારાજ દશરથને આ વિચાર આવ્યો કે રામને રાજ્ય આપી દઉં એ સંકલ્પ મહારાજ કૈકયીને કહેવા ગયા એના વચ્ચે ઘટના ઘટી કે મંથરાની બુદ્ધિ બગડી. દેવતાઓના સ્વાર્થે રામરાજ્ય ઉપર ચોકડી મુકાવી દીધી. મારા ને તમારા નાના એવા સ્વાર્થો ગામના વિકાસ ઉપર ચોકડી મુકાવી દે. આ બધાં મંથરા કર્મો છે; આ બધાં કૈકેયી કર્મો છે. જ્યારે સમજાય ત્યારે જાગીને દિલગીરી વ્યક્ત કરવી જોઇએ. એનો પશ્ચાત્તાપ થવો જોઇએ. કવિ કલાપી કહી ગયા છે-


હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઇને પુણ્યશાળી બને છે.
દેવતાઓએ સરસ્વતીને કહ્યું; સરસ્વતીએ મંથરાની બુદ્ધિ ફેરવી; મંથરાએ કૈકેયીની બુદ્ધિ ફેરવી અને કૈકેયીએ દશરથ મહારાજની પાસે બે એવાં વચન માગ્યાં જે કથાથી આખી દુનિયા પરિચિત છે. સત્સંગ થાય તો બહુ સારું. ન થાય તો કુસંગ થઇ જાય એટલી જાગૃતિ મારામાં ને તમારામાં આવે તો જીવન બહુ ધન્ય બને. મહારાજ દશરથજીએ વચનો આપ્યાં ને રામને રાજ મળવાનું હતું, એને બદલે ત્રણેય વનની વાટ પકડે છે સુમંતના રથમાં બેસીને. આખી અયોધ્યા ચોધાર રડે છે તમસાને કિનારે. શૃંગબેરપુર ભીલોનું ગામ નિષાદોનું. પછાત, વંચિત, ઉપેક્ષિત દલિત સમાજ; ભગવાન એની પાસે જઇને એક રાત રોકાયા. સુમંતના રથને પાછો વાળ્યો. શૃંગબેરપુરમાં ભગવાન રામે વડલાનું દૂધ લઇને પોતાની જટા બાંધી. જેને આજ રાજમુકુટ પહેરવાનો હતો એણે આજ વડલાના ક્ષીરથી જટા બાંધી! આમાં મારે ને તમારે શું રડવું? મોટામોટા જેટલા થયા એમાં પલકોમાં પરિસ્થિતિ બદલાઇ ગઇ છે, એમાં હું ને તમે શું? એટલે મારો નાગરો, મારો નરસિંહ મહેતો કહી ગયો-

સુખ દુ:ખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયા,
ટાળ્યા તે કોઇના નવ ટળે રઘુનાથ જડિયા.
શૃંગબેરપુર પ્રભુ કેવટની નૌકામાં બેસીને સામે કિનારે ગયા છે. ત્યાં રેતીનું શિવલિંગ બનાવી ભગવાને શિવની પૂજા કરી. ત્યાંથી ભગવાનની પદયાત્રા આગળ વધી. ભારદ્વાજ ઋષિના આશ્રમમાં જઇ પછી મારગ પૂછ્યો અને ભગવાન આ રીતે વનયાત્રા કરતાં કરતાં ચિત્રકૂટમાં નિવાસ કરે છે. વચ્ચે વાલ્મીકિને મળ્યા. રહેવાનું સ્થાન પૂછ્યું. વાલ્મીકિએ આધ્યાત્મિક સ્થાનો બતાવ્યાં અને પછી સ્થૂળ જગ્યા બતાવી. ચિત્રકૂટમાં આપ નિવાસ કરો. રામ, લક્ષ્મણ, જાનકી ચિત્રકૂટમાં પર્ણકુટિ બાંધી નિવાસ કરવા લાગ્યાં.

X
A monk cannot be a devil or a devil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી