પ્રભુનું નામ જપવું એ સૌથી મોટું પુણ્ય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પૂણ્ય શું છે? સુકૃત એટલે પુણ્ય. આપણે એક શબ્દ યોજીએ છીએ - પુણ્યપુંજ. આ ‘પુણ્યપુંજ’ બહુ સુંદર શબ્દ છે; પુણ્યનો સમૂહ. ‘માનસ’માં હનુમાનજી માટે આ શબ્દ બહુ પ્રેમથી ઉપયોગમાં લેવાયો છે.
પુન્ય પુંજ તુમ્હ પવનકુમારા.
સેવહુ જાઈ કૃપા આગારા.
આપણાં શાસ્ત્રોમાં પુણ્ય સાથે જોડાયેલો એટલો જ બીજો એક સુંદર શબ્દ છે - પુણ્યશ્લોક. મારે તમારી સામે કેટલાંક પુણ્યની વાત કરવી છે.
એક પુણ્યની વ્યાખ્યા તો એવી છે કે પ્રસન્નતા જ પુણ્ય છે, અપ્રસન્નતા પાપ છે. તમે દરેક સ્થિતિમાં પ્રસન્ન રહી શકો છો. એટલે કોઈ પ્રોગ્રામ હોય તો પણ પ્રસન્નતા અને ન હોય તો પણ પ્રસન્નતા. આ અસંગતા જે છે એ બહુ મુશ્કેલ છે અને જગદ્્ગુરુ કહે છે કે સત્સંગથી જ તમે ધીરે ધીરે અસંગ થવા લાગશો. ભજનના પ્રતાપથી કે ગુરુના પ્રતાપથી માણસ નિરંતર આત્મપરીક્ષણ કરે અને એના દ્વારા જો એક સ્થિતિ, એક અવસ્થા નિર્મિત થઈ જાય અને માણસ નિરંતર પ્રસન્ન રહેવા લાગે તો એના જેવું પુણ્યપુંજ બીજું કોઈ નથી.
તમે માનસિક રૂપે બીજા વિશે શુભ વિચારો એ પણ પુણ્ય છે. મનથી કોઈને માટે તમે શુભ વિચારો, બીજાના માટે સારું વિચારો, એ પુણ્ય છે. પાંચ લાખ રૂપિયાનું દાન કરો એ પુણ્ય છે, પરંતુ પાંચ લાખનું દાન કરવામાં કેટલીક માત્રામાં પાપ પણ થાય છે, પરંતુ શુદ્ધ વિચાર એ પુણ્ય છે અને આપણી મુશ્કેલ સ્થિતિ એ છે કે આપણે એક લાખ રૂપિયા કોઈને આપી શકીએ છીએ, પરંતુ લાખેણો વિચાર નથી આપી શકતા! માત્ર વિચારો, બસ. કોઈ સારી પ્રગતિ કરતા હોય તો એમના માટે દુઆ કરો. એ પુણ્ય છે. મનનો સદ્્ભાવ પુણ્ય છે અને ગોસ્વામીજીએ કળિયુગના વર્ણનમાં લખ્યું છે કે કળિયુગ એક એવો સમય છે, જેમાં તમે માનસિક રૂપે બીજા માટે શુભ વિચારશો તો એનું બહુ મોટું પુણ્ય છે. બધા માટે શુભ વિચારો; પછી કોઈ પણ હોય.
કિસ પર પથ્થર ફેંકૂ ‘કૈસર’ કૌન પરાયા હૈ?
શીશ મહલ મેં હર એક ચેહરા મુઝ-સા લગતા હૈ.
તમારી પાસે જે ક્ષમતા છે એના દ્વારા પરોપકાર કરો એ ત્રીજું પુણ્ય છે. જે વસ્તુની તમારી પાસે ક્ષમતા હોય એના દ્વારા બીજાનું ભલું થાય એ બહુ મોટું પુણ્ય છે. હું સમાજના કિસ્સા સાંભળું છું તો હેરાન થઈ જાઉં છું કે લોકો શોષણ કરવામાં પડ્યા છે! આપણી ક્ષમતા મુજબ આપણે બીજા માટે કંઈક કરીએ. ફુરસદનો જ્યારે પણ સમય મળે ત્યારે પ્રભુનું નામ લેવું એ પુણ્ય છે. તુલસી લખે છે,
રામ ભગત જગ ચારિ પ્રકારા.
સુકૃતી ચારિઉ અનઘ ઉદારા.
જેમને નામનો આધાર છે એ પુણ્યપુંજ છે; જેમને કેવળ હરિનામનો આધાર છે અને વિશ્વાસ રાખજો કે પહોંચી ચૂકેલા માણસોના જીવનમાં આવી ઘટનાઓ યુગોથી, શતાબ્દિઓથી ઘટતી આવે છે. જ્યારે તમને કોઈ સહારો સહાયક ન બને ત્યારે હરિનામ સહાયક બને છે. દ્રૌપદીએ પોતાના સામર્થ્યનો પૂરો ઉપયોગ કર્યો કે ભરસભામાં મને નિર્વસ્ત્ર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે એમાંથી બચી જઈશ; પરંતુ બધા પ્રયાસ નિષ્ફળ નીવડ્યા! કેટલા મોટા મોટા લોકો બેઠા હતા એ બધા સામે હાથ ફેલાવવામાં આવ્યા. દ્રૌપદીએ સ્વબળનો, સ્વસમજનો અને સ્વપુરુષાર્થનો બહુ પ્રયોગ કર્યો, પરંતુ આખરે દ્વારિકાધીશનું સ્મરણ જ એને કામ આવ્યું. ગજરાજને અંતે દ્વારિકાધીશનું જ સ્મરણ કામ આવ્યું. અજામિલને પણ અંતે તો હરિનામ જ કામ આવ્યું. તુલસીના જમાનાની એ સમયની નૃત્યાંગના વાસંતીને હરિનું નામ જ આખરે કામ આવ્યું. પ્રભુનું નામ સૌથી મોટું પુણ્ય છે. હા, પોતાનું કર્તવ્ય બરાબર નિભાવવું; પોતાની ફરજો પૂરી કરવી, પરંતુ તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિભાવતાં નિભાવતાં શાંતિથી બેઠાં બેઠાં હરિનામ લેતા હોય તો સમજવું કે તમારા ઘરમાં પુણ્યનો અવતાર થયો છે. આ જગતમાં હરિનામની તુલનામાં બીજું કાંઈ નથી.
તો પ્રભુનું નામ પરમ પુણ્ય છે. એનાથી વધીને બીજું કોઈ પુણ્ય નથી. દુનિયા કંઈ પણ કહે. આજે મને અને તમને કહેવાવાળા તો બહુ ઓછા છે; દુનિયાની આટલી વસ્તીમાં આલોચના કરવાવાળા બહુ ઓછા છે. કૃષ્ણ જ્યારે હતા ત્યારે વસ્તી ઓછી હતી અને આલોચના કરવાવાળા વધારે હતા! પાંડવો તો પાંચ જ હતા, કૌરવો સો હતા. અત્યારે તો સારો સમય છે કે પાંડવ સો નીકળે છે અને કૌરવ ગણીને માંડ પાંચ-છ નીકળે છે. આ અવસર છે સુંદર. હરિનામની ફસલ કળિયુગમાં બહુ જદલી પાકી જાય છે. હું ફરી એક વાર ગાંધીબાપુને યાદ કરું. એ કહે છે કે રામનામ અને મારી પ્રાર્થનાએ મને મુશ્કેલ સમયમાં બહુ મદદ કરી છે.
હરિભજન સૌથી મોટું પુણ્ય છે. હું એમ નથી કહેતો કે આ જ નામ લો. કોઈ પણ નામ તમે લઈ શકો છો. અલ્લાહ-અલ્લાહ કરો, શું ફરક પડે છે? હરિ ભજો. પરમાત્માનું નામ લો. જેવી રીતે ઇસ્લામ ધર્મમાં હજ પઢવી, રોજા રાખવા, અને એના જે નિયમ છે એમાં એક વાત એ પણ કરવામાં આવી છે કે માણસ કંઈ ન કરે, પરંતુ ‘અલ્લાહ-અલ્લાહ’ કરતો રહે તો એ પણ બહુ મોટું પુણ્ય છે. બીજાં બધાં તો વિધિવિધાન છે. કોઈ પણ નામ એ પુણ્ય છે. નામનો ઘણો મહિમા છે. નામ જપનારા પુણ્યપુંજ છે. પુણ્યની શૃંખલામાં હરિનામ. પરમ પુણ્ય છે પ્રભુનું નામ. જેમણે લીધું છે, લઈ રહ્યા છે, લેશે એ બધા પામશે.
હું જેને પુણ્ય માનું છું એમાં એક એ પણ છે કે કોઈ તમને મળે અને તમે અકારણ દિલથી એની સામે મુસ્કુરાઓ એ પુણ્ય છે. કોઈની સામે હૃદયથી મુસ્કુરાવું એ પુણ્ય છે. બધા પ્રકારની સુવિધા હોવા છતાં પણ, આપણી પાસે અધિકાર છે, હક છે, લાયકાત છે, એ બધું હોવા છતાં પણ સ્વભાવને સરળ રાખવો એ પુણ્ય છે. જેટલા જેટલા બુદ્ધપુરુષો થયા છે એ બધા સરળ છે; માસૂમ લાગે છે; જટિલ-ક્લિષ્ટ નથી લાગતા. રમણ મહર્ષિ હોય કે રામકૃષ્ણ પરમહંસ કે પછી ઈસુ ખ્રિસ્ત! મારી સમજ મુજબ બધું હોવા છતાં સરળ રહેવું એ પુણ્ય છે. આપણે આપણાં પાપનો સ્વીકાર કરી લઈએ એ પણ એક પુણ્ય 
છે.  ⬛(સંકલન : નીતિન વડગામા)
nitin.vadgama@yahoo.com
અન્ય સમાચારો પણ છે...