નીલે ગગન કે તલે / તૂ હસીં ઔર મંય જવાંઆંઆં

You are beautiful and I am young

  • મેડીજિન હાલ અમેરિકાના કોઈ બી શહેરથી બમણું નિરાપદ છે

મધુ રાય

Nov 13, 2019, 08:52 AM IST
ગગનવાલાનો ભત્રીજો પહેલી વાર ગાંધીનગરથી અમેરિકા આવ્યો ત્યારે તેને તાજ્જુબ થયેલું કે અરે? કોઈ કાવબોય પિસ્તોલ લઈને દોડતો નથી ને કોઈ બ્લેક ગુંડો છરો બતાવીને તમને લૂટતો નથી? ગગનવાલાના મનમાં સાઉથ અમેરિકા ખંડનો 'કોલમ્બિયા' દેશ એટલે પાબ્લો અસ્કોબારનો દેશ જેમાં ગલીએ ગલીએ લોહીની નદીઓ વહેતી હશે ને પોલીસની ગાડીઓ ચીસાચીસ કરતી સુમ્મ સુમ્મ ચકરાવા લેતી હશે. ગગનવાલા આણિ બાયકો એવન્સવિલ યુનિવર્સિટીમાં ભણેલા ત્યારે સુવર્ણાની ક્લારા નામની એક કોલમ્બિયન સહપાઠી હતી સન 1974 76માં. અચાનક બે વર્ષ પહેલાં ક્લારાએ ફેસબુક થકી ગગનવાલાની ભાળ કાઢી. તે અને તેના મિસ્ટર છેલ્લાં 45 વરસ કોલોમ્બિયાની યુનિ.માં પ્રોફેસર છે. ગયા વર્ષે તે તેની કોઈ ઇન્ડિયન સખીનાં લગ્નમાં દિલ્હી જઈ આવેલી અને હાથીની અંબાડી ઉપર બેસી આવેલી. હવે બીજા સહપાઠીઓને મળવા કોલોમ્બિયાથી એવન્સવિલ આવવાની હતી એ ક્રમે ક્લારા અને તેની કોલીગ ફીબી ન્યુ જર્સીમાં ગગનવાલાની સત્તરમા માળની અંબાડી ઉપર એક અઠવાડિયું રહી ગયેલાં.
અને ગયા મહિને ગગનવાલો આળોટી આવ્યો એ જાજરમાન ને જુવાન સુહાના દેશ કોલમ્બિયામાં! જેમાં રોજ સવારે પનિહારીઓ ઇન્દ્રધનુષને દોહવા જાય છે ને દિવસ ઉઘડતાં કલર બાય ટેક્નીકલરની જેમ ચપ્પા ચપ્પામાં રંગોની રોશનાઈ પૂરે છે ધોળા દિવસે. લાલ પથ્થરના પહાડોની વચ્ચે જાણે ઉગાડેલું છે નગર 'મેડેજિન' જે અસ્કોબારની ક્રૂરતાની રણભૂમિ તરીકે દુનિયાનું સૌથી જોખમી ખૂનામરકીનું શહેર હતું. જે હવે હસતું હસતું પ્રવાસીઓને આવકારની ચૂમીઓ કરે છે. અચરજ તે છે કે હર લડકી ને હર લડકા આંખ અંજાઈ જાય તેવાં 'ગુડલુકિંગ' યાર! અને તે સેક્સી કે છાકટા ગુડલુકિંગ નહીં જસ્ટ 'ગુડ' ગુડલુકિંગ: સ્ટૂડન્ટ્સ, વેઇટર્સ, કન્ડક્ટર્સ, સ્ટોર ક્લાર્કસ. નગરભરમાં વિવિધ બસ અને બીઆરટીએસ ઉપરાંત ત્રણ ત્રણ કેબલ કાર્સની લાઇનો છે જે કેવળ ટૂરિસ્ટોને આંજવા જ નહીં પણ સામસામા પહાડોની બસ્તીઓમાં જાવઆવવા રોજિંદા વાહન વહેવારમાં પુરજોશ વપરાય છે. 'કોમ્યુના 13' નામના લત્તામાં એક સમયે અરધો ડઝન ડ્રગની ગેન્ગો સામસામે ગોળીબાર કરીને ઘોર આતંકપૂર્વક જનતાને ખદેડતી હતી. મહિનાઓ પછી એક યન્ગ મધરે કાંખમાં બાળક સાથે વરંડામાં આવીને સફેદ રૂમાલ ફરકાવ્યો. અને લડાઈથી થાકેલ ડઝનબંધ લોકો પણ બહાર આવ્યા ને જોતજોતામાં સેંકડો સફેદ રૂમાલ ફરફર્યા. બસ, ત્યારથી 'પીસ'. સરકારે સફાઈ શરૂ કરી, પહાડોને લાંઘતો કેબલ કારની ડોલીઓનો રોપવે બાંધ્યો અને લોકલ લોકોએ ભીંતે ભીંતે ગ્રફીટી ચીતરી જે આજે ટૂરિસ્ટોનો મધપૂડો છે. શહેરની મધ્યમાં શ્રેષ્ઠ શિલ્પીઓનાં બેત્રણ ડઝન ગંજાવર શિલ્પો છે અને ઓહ મેડીજિનમાં છે હરેકૃષ્ણ પંથની જેવણે ચી ઉત્તમ સોઈ, ગોવિંદ ભોજનાલય. નજીકના કમભાગી દેશ વેનેઝુએલામાંથી થોકે થોકે નિરાશ્રિત કિશોર કિશોરીઓ રોટી રોજીની શોધમાં ભાગી આવે છે અને આખા દેશની હોટેલો ને રેસ્ટોરાંમાં કપાતા પગારે ગોઠવાઈ જાય છે. મેડીજિન હાલ અમેરિકાના કોઈ બી શહેરથી બમણું નિરાપદ છે, છતાં મૂળવાસીઓ તમને ગુસપુસ સમજાવતા હોય છે કે સેલ ફોન બહાર ના કાઢો; પાકિટ બધાના દેખતાં ના ખોલો.
મેડીજિનથી ગગનવાલા ક્લારાના મુકામે 'આરમિનિયા'ની નગરચર્યા કરે છે. કોલોમ્બિયાના મોટાભાગનાં મધ્યમ વર્ગની જેમ ક્લારાનાં કોફીનાં ખેતર છે, જેનો વહીવટ અમેરિકન મહાબાહો કંપનીઓ કરે છે. આર્મિનિયા ટચુકડું છે પણ ઓહ ત્યાંનાં મકાનો, સ્થાપત્ય, ચૌટા, બજારો ને રેસ્તોરાં કોઈ ફક્કડ યુરોપીયન શહેરના ડગલાના બટન કાપી લે તેવાં 'શાર્પ' છે. તેની આસપાસ બીજાં તેવાં જ અલ્લડ ગામડાં પોતપોતાના લોકલ કલર્સ સાથે લમ્બી તાન કે સૂતાં છે. પાબ્લો એસ્કબાર હતો ત્યારે હતો પણ હવે દેશ આખો જાણે ફરીથી આળસ મરડી જવાન બની રહ્યો છે. દુનિયાની શ્રેષ્ઠ કોફી અને દુનિયાનો નિકૃષ્ટ દુર્જન એસ્કોબાર, બે વાતે કોલોમ્બિયા ઓળખાય છે, એમ?
નો નો નો! બાબુ સુથારનો પયગામ આવે છે કે આ બધી હરવા ફરવાની ને ખાવા બાવાની તે સઘળી ભૌતિક વાતો છે. હિંમત હોય તો જાઓ મહાન મહાકાય કોલોમ્બિયન રાઇટર ગેબ્રિયેલ ગાર્સિયા માર્કેઝના જન્મસ્થાને, એક આધિભૌતિક અનુભૂતિનો નાસ લેવા!
પરંતુ આ ખેપમાં તે બને તેમ નથી, યારબ! કદાચ તકદીર હશે ને પાછા બોલવશે જો કોલમ્બિયાની નમણી નાયિકા, તો કહેશું કે 'તૂ હસીં ઔર મંય હેંહેંહેંહેં જવાંઆંઆં...' જય ગાબ્રિયેલમાર્કેઝ!
[email protected]
X
You are beautiful and I am young

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી