નીલે ગગન કે તલે / ‘ઓક્ટો–ચેમ્પ્સ’ વળી શી બલા છે?

What is the 'oct-champs'?

Divyabhaskar.com

Jun 12, 2019, 08:06 AM IST

ઈંગ્લેન્ડના ‘ટાઇમ્સે’ કે ઓક્સફર્ડે કે એવી કોઈ ‘હેવી’ સંસ્થાએ આગાહી કરેલી છે કે ઇંગ્લિશ બોલનારાં સૌથી વધુ લોકો હાલ અમેરિકામાં છે, પણ દસેક વરસમાં ઇન્ડિયામાં હશે. એક વરતારા મુજબ સૌથી વધુ ઇંગ્લિશ બુક્સો પણ ઇન્ડિયામાંથી પબ્લિશ થશે. યાને આજે જેમ અમેરિકન ઇંગ્લિશની પાસે બાકીની દુનિયા કુર્નિશ બજાવે છે તેમ મિસ્ટર એન્ડ મિસિસ વાચક! આપણા તડપતા તિલમિલાતા ઇંગ્લિશને દુનિયા ‘નમસ્તે, ગુડ મોર્નિંગ’ વિશ કરશે. ઇન્ડિયાનો સૂરજ ચોવીસ કલાકમાં ક્યહીં ભી નહીં આથમે, કેમ કે દશે દિશામાં આપણી ઇંગરેજીની હાક હશે ને ધાક હશે. સોર્રી, જરા લેંગ્વેજની વાત આવે એટલે ગગનવાલા સનેપાતે ચડી જાય છે. મતલબ કે વિલાયતની ક્રિકેટ તો આપણે હજમ કરી ગયા છીએ. આપણે ઇન્ડિયામાં અઢારમી સદીના વ્યાકરણવાળું ઊલટું–સીધું ઇંગ્લિસ્તાની બોલીએ છીએ અને પાટા ઉપરથી ઊતરી ગયેલી ટ્રેનની ગતિથી આપણી પોતાની ભાષાઓને ‘દાદી લેંગ્વેજ’ બનાવીને વી પીપલ મોડન મોડન ઇંગ્લિશમાં સીટિયું
મારીએ છીએ.
એ બધું તો છે જ, પણ મોડન મોડન ઇંગ્લિશ વર્ડિંગના વોલ્કાનો જેવા અમેરિકા જેવા કન્ટ્રીમાં હાર્ડ હાર્ડ ઇંગલિશ વર્ડિંગના સ્પેલિંગ કડકડાટ બોલી બતાવવાની હરીફાઇયું થાય છે, ડૂ યુ નોવ? તેમાં લાસ્ટ બાર વરસથી ચેમ્પિયન્સો કોણ બને છે? ટોટલી ઇન્ડિયન ચિલ્ડ્રન્સો જ ઓફ કોર્સ! હોલ વર્લ્ડમાંથી આવેલા 350થી વધુ સ્પર્ધકોની સામે ઇન્ડિયન બાળકો નયણાં નચાવતાં નચાવતાં અમેરિકાની ભારે ઇજ્જતદાર ‘સ્ક્રિપ્સ સ્પેલિંગ બી’ નામક નેશનલ કોન્ટેસ્ટ જીતતા આવ્યા છે. ગયા અઠવાડિયે તેના 94 વર્ષના ઇતિહાસમાં અમેરિકાની અભૂતપૂર્વ ઘટના બની છે: તેના એક કે બે નહીં, પણ આઠ ચેમ્પિયન જાહેર થયા છે. આઠ-આઠ બાળકોએ મારા ડાડા જેવી ડિક્શનેરિયુની સામે શિંગડાં લડાવ્યાં ને છેવટે પરીક્ષકશ્રીએ જાહેર કર્યું કે હવે કોઈ અઘરા શબ્દો ડિક્શનેરીમાં બચ્યા નથી! આ 12થી 14ની વયનાં ‘વિજયાષ્ટક’ બચ્ચાંઓએ તત્કાળ પોતાના માટે શબ્દ બનાવ્યો છે, ‘Octo-Champs.’ તે આઠમાંથી કોઈ ઇન્ડિયન ખરું કે? યસ્સ્સ્સ્! સેવન! (તે સેવનમાંથી ગુજરાતી ખરું કે? જીસ્મીરો!) ટોટલ 562 સ્પર્ધક હતા. ટોટલ 20 રાઉન્ડ્ઝ હતા.
આ હરીફાઈ સ્પર્ધકોનાં પેરેન્ટ્સ માટે એક ઇલાયદો હોબી બની જાય છે. પેરેન્ટ્સ પોતપોતાનાં લિસ્ટ બનાવે છે, કેટલાક પ્રાઇવેટ કોચ રોકે છે અને કેટલાક ઇન્ડિયામાં પોતાનો બાબો જીતે તે માટે હોમ–હવન (નો જોક) કરાવે છે!
બકનેલ યુનિવર્સિટીના ફિલોસોફર બંને હાથ ફેલાવી રસુઘોષ મજમુંદાર ગેલમાં આવી રાજીપો બતાવે છે, કે દેખીતી રીતે ડિક્શનેરીના બધા અઘરા શબ્દોના સ્પેલિંગ કડકડાટ બોલી જવા તે હુનરનો કોઈ પ્રેક્ટિકલ ઉપયોગ નથી, પરંતુ તેમ છતાંયે એ બાળકોને ફક્ત વર્ડ્ઝની એક લિજ્જત આકર્ષે છે તે હર્ષની વાત છે.
નોર્થવેસ્ટ યુનિવર્સિટીનાં સ્કોલર શાલિની જણાવે છે કે અમેરિકા વસતાં ભારતીય કપલ્સ ભણેલાંગણેલાં પ્રોફેશનલ્સ હોઈ પૈસેટકે ઓરરાઇટ હોય છે. તે સમજે છે કે ભણતર ખુદ પોતે એક આનંદનો વિષય છે. ભલે આખી ડિક્શનેરી મોઢે હોય તેથી કોઈ બીજો શુક્કરવાર વળતો નથી, પરંતુ તે કારણે જીવનમાં એક શિસ્ત બંધાય છે અને ઇંગ્લિશ ભાષા ઉપર પ્રભુત્વ હોય તો જીવનના દરેક ક્ષેત્રમાં તરક્કી થાય છે. હવે આ ડિજિટલ એજમાં જાણે બાળકો રમતગમત ને ધીંગામસ્તીથી મોટું કરવાને બદલે બાળઉછેરનું ફોકસ જઈ રહ્યું છે આ પ્રકારના બૌદ્ધિક વ્યાયામ તરફ!
ગુરનેક બેઇન્સ નામે એક લેખક કહે છે કે સાહિત્ય લખાતું થયું તેની પહેલાં બોલાતું હતું અને તે મૌખિક સાહિત્ય શિક્ષાર્થીઓના કંઠાભરણથી પેઢી દર પેઢી સચવાતું હતું. તેના સ્મૃતિઉત્તેજક ખાસ 15 નિયમો બન્યા જેના કારણે મહાભારત, રામાયણ આદિ સાહિત્ય અકબંધ રહ્યું છે. ‘યુનેસ્કો’એ 2003માં તે નિયમોને મનુષ્ય જાતની એક અપૂર્વ સિદ્ધિ તરીકે સન્માનિત કરેલ છે.
આ વર્ષના આઠ વિજેતાઓએ છેલ્લે સુધી અઘરામાં અઘરા 47 શબ્દોના સ્પેલિંગ કહી બતાવ્યા. તે છે, સોહમ સુખાન્તનકર, અભિજય કોડાલી, ઋષિક ગાંધાશ્રી, શ્રુતિકા પાધી, રોહન રાજા, ક્રિસ્ટોફર સેરારો, સાકેત સુંદર અને ઇરિન હાવર્ડ. તે દરેકને $ 50,000નું રોકડ ઇનામ તેમજ સ્ક્રિપ્સ કપ એનાયત થયાં. હવે કોઈ ગુજરાતી વિજેતા થશે કે? કે પછી હજી ગુજરાતી ડન્કિન ડોનટ કે સબવે કે સેવન ઇલેવનની ફ્રેન્ચાઇઝમાં ચકચૂર રહેશે? જય અષ્ટઋષિ! ⬛[email protected]

X
What is the 'oct-champs'?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી