તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વુલ્ફગાન્ગ આમાદેઉસ મોત્ઝાર્ટ

એક વર્ષ પહેલાલેખક: મધુ રાય
  • કૉપી લિંક
  • સાલ્ઝબર્ગના નગરચોકમાં મહાન જર્મન શિલ્પી લુડવિગ શ્વાન્થાલર નિર્મિત મોત્ઝાર્ટની એક ત્રણ મીટર ઊંચી પ્રતિમા 150 વર્ષથી ઊભી છે

જે શ્રદ્ધાળુઓ પાક પરવરદિગાર પરમાત્મા પ્રભોને ઇન્દ્રિયગમ્ય સમજે છે, તેઓ કદાચ સ્વીકારશે કે સંગીત તે પરમાત્માનું શ્રાવ્ય રૂપ છે અને મોત્ઝાર્ટ (1756–1791) છે તે સંગીતનો મૂર્તિમંત અવતાર. વુલ્ફગાન્ગે પાંચ વર્ષની વયથી સંગીતની રચના કરવાનું શરૂ કરી દીધેલું. 11મા વર્ષે તો પ્રથમ મૌલિક ધર્મસંગીત અને 14મા વર્ષે તેનું પ્રથમ ઓપેરા ભજવાયું. તેની અલ્પાયુમાં તેણે 600 અદ્વિતીય સંગીતરચનાઓ કરી જે હજી 250 વર્ષ પછી પણ સર્વોચ્ચ ગણાય છે. ઓસ્ટ્રિયા દેશના સાલત્ઝબર્ગ નગરમાં જન્મીને વુલ્ફગાન્ગે એક ધર્માચાર્યના સંગીત સેવકની નોકરી લીધેલી, જેમાં તેણે ધ.ધુ.પ.પૂ.ના નોકરો, ઘોડાવાળાઓ, હમાલો ને ચોકીદારો સાથે બેસીને રોટી તોડવાનું થતું તથા રાજદરબારમાં ધ.ધુ.પ.પૂ.ની ભજનમંડળીમાં સંગીત વગાડવાનું થતું. તેમાંથી તેને ‘લાત મારીને’ કાઢી મુકાયો ને તે જર્મની, ઇટાલી, ફ્રાન્સ, હંગેરી ફરતો રખડતો અંતે વિયેના નગરમાં સ્થાયી થયો, જ્યાં ત્રણેક વર્ષ તેનાં સુખચેનમાં વીત્યાં, તેની વરેણ્ય કૃતિ ‘મેરેજ ઓફ ફિગરો’ ત્યાં લખાઈ અને દેશવિદેશમાં તે ખ્યાતિમંત થયો, પરંતુ સફળતાનો કેફ તેને એવો ચડ્યો કે તેણે બેફામ પૈસા વેડફવાનું શરૂ કર્યું. જુગારમાં ખુવાર થયો ને દોસ્તો પાસેથી પૈસા માગવાનો દહાડો આવ્યો. પછી આમ થયું ને તેમ થયું ને અંતે ફક્ત 35 વર્ષની વયે પૃથ્વી ઉપર જન્મેલા મહાનતમ સંગીતકારે કશીક ભેદી બીમારીમાં ઇહલોકમાંથી વિદાય લીધી. તેની મેધા, તેને જિંદગી જીવવાની છટપટાહટ, તેની નાદાનિયત, અલ્પજીવી પણ જ્વલંત સફળતા, તેનાં વ્યસનો, તેની બાલિશતા, તેના પ્રેમસંબંધો અને ધૂળ ચાટતી નિષ્ફળતા, તેના ‘શંકાસ્પદ’ મૃત્યુના કારણે તેમજ તેના સંગીતની સ્વર્ગીયતાના કારણે તેની જીવનકહાણી અનેકોએ અનેકવાર લખી છે, કહી છે, ગાઈ છે, ભજવી છે અને ભેળસેળ ભેદભરમ ભભરાવીને તમારી ને મારી સામે મૂકી છે જેનો સૌથી જાણીતો દાખલો છે નાટ્યકાર પીટર શેફર્સનું નાટક અને સિનેમા ‘આમાદેઉસ’. કહેવાય છે કે સેલિયારી નામે એક સમસામયિક સંગીતકારે ઇર્ષાના માર્યા તેને ઝેર આપીને મારી નાખ્યો? કોઈ સબૂત નથી. સેલિયારીએ તેની પાસે કરુણ ને નાકામયાબ સંગીતનું પ્રેત–લેખન કરાવી તેના આત્માને ઝેરીલો કરીને માર્યો? શી ખબર. આ ડાહ્યલું ડાહ્યલું ગનાન ગગનવાલાના પુચ્છ–વિશાણ–હીન ખોળિયામાં શીદને ઊગી નીકળે છે? ગગનવાલા યુરોપાટન કરન્તા કરન્તા આવી ચડેલ છે, સંગીતવાટિકા વિયેના નગરીમાં, જ્યાં કપાસીની સ્કૂલના ઘંટની માફક રસ્તાની મોટરોનાં હોર્ન પણ સપોઝ સૂરમાં વોર્ન કરે છે રાહદારીઓને: સા–રે–ગ–મ હટો હટો, પ–ધ–નિ–સા દૂર હટો! નમતી બપોરના ધગતા પહોરે ગગનવાલાને હોર્ન ચેતવે છે, હોટલ છોડીને સા–રે–ગ–મ ચલો ચલો, પ–ધ–નિ–સા સિટી સેન્ટર ચલો! સિટી સેન્ટરના રાજસી દેવસ્થાન સેન્ટ સ્ટેફન કથિડ્રલની ચોગરદમ ફરતા ચોકમાં વિયેના શહેરની નાની ને મોટી, સાચી ને જૂઠી અસંખ્ય દુકાનો, બેન્કો, ગાણાબજાણિયાઓના રસ્તે બિછાવેલ થાણાં, પુરાણી નકશીદાર કોઠીઓ, નૈનરંજક પ્રતિમાઓ, મ્યુઝિયમો ને અલબત્ત પુરપેચ ગલીઓમાં છિતરાયેલાં ખાણીપીણીનાં રસોડાં ને ફોટાપણીનાં ઠેકાણાં. તેમાનું એક છે, 250 વરસથી જેમનું તેમ ઊભેલું મોત્ઝાર્ટહૌસ, પ્લસ મોત્ઝાર્ટ મ્યુઝિયમ. મકાનના દરવાજે શોભન્તા મોત્ઝાર્ટના ચિત્રને ઝડપી ગગનવાલા તગડો દરમાયો આલીને મોત્ઝાર્ટ મ્યુઝિયમની મૂલ્યપત્રિકા ખરીદે છે. દરેક ટૂરિસ્ટ ત્રાગડાની માફક તેમાં પણ ભભક જાસ્તી છે ને મુદ્દામાલ કમતી. તો બી આ ઓરડાઓમાં પેલો ખિખિયાટા કરતો, એકીબેકીની અસભ્ય જોક્સ કહેતો, બેઠી દડીનો, વાંકા બરડે ઠૂમકા લેતો, સફેદ વિગ પહેરેલો સંગીતસમ્રાટ ફરતો હશે, ચરતો હશે ને રતિ કરતો હશે તે વિચારે ગગનવાલાનો રોમાન્ટિક માંહ્યલો રોમાંચિત થાય છે. ઊંડો શ્વાસ લઈ કમરાની હવા ફેફસાંમાં ઓરી દેવાય છે, જે કદીક દિલને સતાવશે ગમે ત્યારે યાદ કરાવશે વિયેનાની સા–રે–ગ–મ. સાલ્ઝબર્ગના નગરચોકમાં મહાન જર્મન શિલ્પી લુડવિગ શ્વાન્થાલર નિર્મિત મોત્ઝાર્ટની એક ત્રણ મીટર ઊંચી પ્રતિમા 150 વર્ષથી ઊભી છે. સન 1842માં તેનું લોકાર્પણ થયેલું મોત્ઝાર્ટના પુત્રોની હાજરીમાં. સન 2006ની જાન્યુઆરીની 27મી તારીખે ઓસ્ટ્રિયાના સાલત્ઝબર્ગ નગરનાં તમામ દેવળોના ઘંટનાદ દર કલાકે એકીસાથે ગાજી ઊઠતા હતા, કેમ કે 2006ની સાલ હતી મોત્ઝાર્ટના 250મા જન્મદિવસની સાલ. જય હિંમતલાલ કપાસી! 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો