નીલે ગગન કે તલે / એક ફ્યૂચરની ફેન્ટસી

હિમેશ પટેલ
હિમેશ પટેલ

  • રિયાલિટીમાં બીટલ્સ હજી ગાયનની દુનિયાના ગોડ છે

Divyabhaskar.com

Jul 10, 2019, 08:20 AM IST

હવ્વ, એક દહાડો અમઅ ભગવોનને સપનોમાં પૂછેલું કે અમેરિકાનો ફ્યૂચર પ્રેસિડેન્ટ કોણ હશે. તો ભગવોને ઓંખ મારીને કહ્યું કે લાય, હાથ લાય, ને હાથમાં ભગવોને લખ્યું, ‘પ–ટે–લ!’ અમેરિકાના ફ્યૂચરમાં ‘હોટેલ–મોટેલ–પટેલ’ની સાથે હવે ‘પોલિટિક્સ ને પટેલ’ બી પોસિબલ છે. ફ્યૂચરની વાત ફ્યૂચરમાં પણ કરન્ટમાં શોબિઝમાં તો ઓપણો ડંકો વાગ–છઅ, હંક્કે!

ન્યૂ યોર્કમાં ગયા શુક્રવારે ‘યસ્ટરડે’ નામની નવી ફિલ્મ ખૂલી, તે પૂરી થતાં પ્રેક્ષકોએ ઊભા થઈને ધુઆંધાર તાળીવાદન કર્યું. તે ફિલ્મના મહાનાયક છે, હલો! હિમેશ પટેલ! ડાયરેક્ટર છે ‘સ્લમડોગ મિલિયોનેર’ ફેઇમ ડેની બોયલ. તમે દેવ પટેલને ઓળખો, યાહ? દેવભઈની માફક હિમેશભઈ પણ બ્રિટિશ ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકેલ છે. હિમેશના ફાધર-મધરને લંડનમાં ચોકલેટની દુકાન છે અને હિમેશિયો એક તરફ ટીવીમાં કામ કરતો હતો બીજી તરફ બાપાની આજ્ઞાથી 21 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી છાપાંની ફેરી પણ કરતો હતો, કેમ કે તેના મગજમાં ખોટી ‘રઈ’ ભરઈ જાય તે ફાધરને પસંદ નહોતું, પણ હવે તે 28નો થયો છે ને વર્લ્ડ ફેમસ ડાયરેક્ટરે તેને વર્લ્ડ ફેમસ ‘બીટલ્સ’ની મ્યુઝિકલ કોમેડી ફિલ્મનો વ્હિમઝિકલ હીરો બનાવેલ છે તો થોડી રઈ–બઈ ભરઈ તો ભરઈ.

આપ સૌ જાણો છો કે હોલ વર્લ્ડમાં ઓલ ટાઇમ ફેમસમાં ફેમસ મ્યુઝિકલ ગ્રૂપ હતું, ‘બીટલ્સ.’ આપણા ન/મો, ને અમિતાભ, ને ટેંડુલકર, ને શાહરુખ, ને સલમાન, ને આમિર, ને રજનીકાન્થ ને માનો ને કે રિલાયન્સ–બિલાયન્સ બધાની ‘ફેમસિટી’નું ટોટલ મારીને તેને મિલિયનથી મલ્ટિપ્લાય કરીએ એટલા ફેમસ હતા ‘બીટલ્સ’. એમનું ફેમસ સોન્ગ હતું ‘યસ્ટરડે’, જે ટાઇટલ છે પ–ટે–લ હીરોવાળી આ ફિલ્મનું.

એક રાત્રે સંગીતનો માસ્તર બીટલ ભગત જેક મલિક સાઇકલ ઉપર જાય છે ને અચાનક તેની સાઇકલ એક બસ સાથે અથડાય છે ને સંગીતના સર બેભાન થઈ જાય છે. તે ભાનમાં આવે છે ત્યારે એવી દુનિયામાં જાગે છે જેમાં ‘બીટલ્સ’ એટલે શું એની કોઈને ખબર નથી. જગતનું સૌથી વિખ્યાત સંગીતનું ગ્રૂપ અચાનક સમસ્ત સૃષ્ટિની સ્મૃતિમાંથી ભૂંસાઈ જાય છે, સિવાય કે જેક મલિકને તે ગ્રૂપનાં બધાં ગીતો યાદ છે!

પણ દુનિયામાં ખરેખર કોઈને ‘બીટલ્સ’ની ખબર નથી? જેક ગૂગલ કરે છે તો કંઈ ભળતો જવાબ આવે છે. જેક મલિક બીટલ્સનું એક ગીત ‘યસ્ટરડે’ તેના મિત્રો પાસે ગાય છે, મિત્રો અંજાઈ જાય છે અને અનાયાસ જેક મલિક તે ગીત પોતાનું હોવાનો દાવો કરે છે અને પછી તો ટીવી, છાપાં, મીડિયા, ફિલ્મો, ફેનક્લબો, છોકરીઓ, પૈસા, કમાલ, ધમાલ ને ધમપછાડા!
પણ પછી? જેકની ‘ચોરી’ છેવટે પકડાય છે ખરી? બસ, જગતમાં બીટલ્સ હોય જ નહીં તેના કરતાં ઇમિટેશન બીટલ્સ હોય તે સારું નહીં? આવડી નાજુક ફેન્ટસી ઉપર ગોઠવેલી આ તોતિંગ ફિલ્મના સંગીતના ધોધપ્રવાહમાં તેની બીજી બધી બાબતો ગૌણ બની જાય છે ને તમારા ડોળા સામે તરવરે છે મહાગાયક જેક મલિક તરીકે મહાનાયક હિમેશ પ–ટે–લ! ને કાનમાં વાગે છે ‘આઇ સોવ એ ફિલ્મ ટુડેય, ઓહ બોય!’ ને જી, નહીં, બધા ક્રિટિક્સોએ વખાણ કીધાં છે એવું પણ નથી, પણ હિમેશને સૌએ છાબાશી આલેલી છે.

અલબત્ત, ફિલ્મ તે ફિલ્મ છે ને રિયાલિટી તે રિયાલિટી. રિયાલિટીમાં બીટલ્સ હજી ગાયનની દુનિયાના ગોડ છે ને તે ‘બીટલ્સ’ ગ્રૂપના ચાર ગાયકોમાંથી બે ગોડ હજી જીવે છે, પોલ મેકાર્ટની અને રિન્ગો સ્ટાર. રિયાલિટીમાં હિમેશ પટેલને ફફડાટ છે કે સાચા બીટલ્સોને જેક મલિકનું મીન્સ કે હિમેશ પટેલનું ગાણું ગમ્યું હશે, કે રોમ રોમ?

હિમેશભઈ પોતે આ નવી જડેલી કીર્તિથી અભિભૂત છે. હજી આ ફિલ્મ બજારમાં આવે તે પહેલાં જ હિમેશને ત્રણ બીજી ફિલ્મોમાં હીરોના રોલ મળી ગયા છે. હમણાં સુધી મુખ્ય ધારાની ફિલ્મોમાં ઇન્ડિયન કલાકારોને ચાન્સ મળે તો પણ સાઇડ રોલનો. હિમેશભઈ કહે છે કે હવે આ રીતે દ્વાર ખૂલે છે હોલિવૂડનાં અને અમે કહીએ છીએ આ રીતે દ્વાર ખૂલે છે વ્હાઇટ હાઉસનાં!
જય વલ્લભભાઈ પટેલ!

X
હિમેશ પટેલહિમેશ પટેલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી