નીલે ગગન કે તલે / કયા પ્યાર ઇસી કો કહતે હૈં?

neele gagan ke tale by madhu rye

  • હમ સોચા કે હમ કવિતા લિખેંગે તો કવિતા કો જીત લેગા

મધુ રાય

Jan 22, 2020, 07:50 AM IST
મિસ્ટર પવન જ્યારે જ્યારે ‘ઇમ્પોર્ટન’ વાત કરતા ત્યારે ત્યારે પોતે હિન્દી સિરિયલના કેરેક્ટર હોય તેમ હિન્દાળવું ગુજરાતી બોલતા. હમ ભી એક જમાને મેં રાઇટર થે.
એમ? ગગનવાલાએ ઇર્ષા દર્શાવતાં કહ્યું. પવનજી કહે કે તુમને ચાહે જિતના બુક્સ લિક્ખા હોગા, હમને જો લિક્ખા હૈ સો તુમને કભી નહીં લિક્ખા હોગા. હમને ભી એક જમાને મેં એક લડકી સે પ્યાર કિથા થા, સમઝે?
હવે તે બાબતમાં ગગનવાલા ગેરહાજર હતા તેથી તેમનું મોં ઓર નીચે ગયું. ઓ બાત અલગ હૈ કિ વો લડકી હમસે બડી તુનક કર ચલતી થી. લેકિન તુમ તો જાનતે હો પ્યાર અંધા હૌતા હૈ.
જી, જી ચૂપ ક્યોં હો ગયે? ગગનવાલાએ મોં સહેજ ઊંચે કીધું.
હમ ઉસે ચિઠ્ઠી લિખતે થે લેકિન... ગગનવાલાએ પૂછ્યું કે ક્યા વો દાદ નહીં દેતી થી?
નહીં. ઐસી બાત નહીં થી. હમ ચિઠ્ઠી લિખતે તો થે લેકિન ઉસકો દેતે નહીં થે. ખાલી ખાલી લિખ લિખ કર અપને ટેબલ કા ખાના મેં ડાલ દેતે થે.
ઓહ! ગગનવાલાએ કહ્યું. પછી ક્યા હુઆ?
ઉસ લડકી કા નામ થા કવિતા ગર્ગ. બનારસ કી થી લેકિન બમ્બઈ મેં જનમ હુઆ થા. ઉસે વૈસે લિટરેચર વાંચને લખને કા બહુ સોખ થા. પવનકુમારે જણાવ્યું. હમ સોચા કે હમ કવિતા લિખેંગે તો કવિતા કો જીત લેગા. હમને એક ચોપડી મેં સે કવિતા કા કોપી કરકે કવિતા કા હાથ મેં દિયા. વો પઢ કર હંસી પડી. ગાલ પર ધોલ લગા કર બોલી કિ તું લુચ્ચો સુરેશ જોષીની કવિતાની કોપી કરીને લાવ્યો છે! હીહીહીહી. તારા નામ સાથે ‘અખંડ આનંદ’માં કવિતા છ–પા–વી–ને લાવ તો... કહીને છોકરીએ મારા ગાલ ઉપર આંગળી ફેરવીને કિસ્સી કરવાનો ચાળો કર્યો.
તે દિવસથી પવનકુમારે કવિતા લખી લખીને નિયમ મુજબ રિટર્ન પોસ્ટેજ સાથે અખંડ આનંદને મોકલ્યા કર્યું. અખંડ આનંદે તે રિટર્ન મોકલ્યા કર્યું. કવિતા, મુક્તક, કથાકાવ્ય, અછાંદસ ઇવન ગઝલ, પણ અખંડ આનંદવાળાએ રિટર્ન પોસ્ટેજ વાપરીને વળતી ટપાલે પાછી મોકલવાનું ચાલુ રાખ્યું.
પવનકુમારે સહેજ સ્માઇલ આપ્યું. કહે કે આપણે તો ટીનએજર યાર, આપણી અક્કલ કેટલે પહોંચે! મેં કવિતાની સાથે કવર લેટરમાં લખ્યું કે આ સાથે બે રૂપિયાનું રિટર્ન પોસ્ટેજ પણ મોકલું છું. તમે જો મારી કૃતિ પ્રકાશિત કરો તો તે પોસ્ટેજ તમે રાખી લેજો. મારી કવિતા છાપો તો તે ટિકિટો તમારી!
તે પછી ન કવિતા છપાતી કે ન પરત આવતી. એટલે મેં વાર્તા મોકલવાનું શરૂ કર્યું. નો ફેરફાર. હું મોકલું ને વાર્તા ભી જાય ને રિટર્ન પોસ્ટેજ ભી ડૂલ. એવી પાંચ-સાત વાર્તા પછી મને થયું હું લેખ લખું! કહીને પવનકુમાર સાયલન્ટલી સાયલન્ટલી સ્માઇલ આપવા લાગ્યા.
પછી કાંઈ છપાયું?
ના બાબા ના! પવનબાબુ બોલ્યા. સામેથી કાગળ આવ્યો કે સાહેબ તમે ફોગટ સમય બગાડો છો તમારો ને અમારો. પવનકુમારે આંખ મારી: મારા એ સમયની વાત કરી, રિટર્ન પોસ્ટેજ ઇ લોકો ચાંઉ કરી જતા હતા તેની વાત ન કરી!
તો પછી તમે ગિવ અપ કરી દીધું કે? નો, નો. હમને લેખ લિક્યા તો સઇમ થિંગ. કોઈ લેખ ન છપાયો. ફિર છેવટ જાકે કોયેલું ને જાણેલું વિભાગમાં એક મનગઢંત કિસ્સો લિખ્યો તો વો ફટાકડા બી નહીં ફૂટા!
ઔર એક દિન સવાર સવાર હમકો જાણે ભગવાનને દર્શન દિયા! અખંડ આનંદ મેં વિજય ગુપ્ત મૌર્ય વાચકોના સવાલોના જવાબ આપતા હતા ને મેં એક સવાલ પૂછ્યો, ‘પ્રેમ એટલે શું?’
અચ્છા! ગગનવાલાએ આશ્ચર્ય બતાવ્યું. યસ! પવનલાલે જણાવ્યું. વિજયગુપ્ત મૌર્યે તે સવાલ છાપ્યો ને કાંઈક રિપ્લાય બી આપ્યો, પણ રિપ્લાયની આપને ક્યાં પડી હતી. મારું નામ અખંડ આનંદમાં પ્રશ્નર્તા તરીકે છપાયેલું, તાકધિનાધિન! હિપહિપ હુર્ર! હું તે કવિતાને બતાવવા લઈ ગયો!
પછી? પવનકુમાર કહે કે કવિતા ગર્ગે પવનના હાથમાં તે સમયનું ટોપમાં ટોપ હિન્દી વીકલી ધર્મયુગ મૂક્યું: પવનની ને કવિતાની કહાનીને સહેજ લહેરાવીને બહેલાવીને કવિતા ગર્ગના નામે એ સ્વતંત્ર કહાની છપાયેલી: ‘પ્યાર કા પવન!’
પછી? ગગનવાલાએ ચકિત થઈને પૂછ્યું. સિનેમાના સીનની જેમ ઘરની અંદરના ભાગમાંથી ચાની ટ્રે સાથે પવનની પત્નીએ પ્રવેશ કર્યો: પછી મને થયું કે જે માણસ આટલો બધો તડપે છે તેને જો હું નહીં પરણું તો તે ભૂત થશે.
‘મીટ માય વાઇફ કવિતા ભીમાણી.’ પવનજીએ કહ્યું. જય ધર્મવીર ભારતી!
X
neele gagan ke tale by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી