નીલે ગગન કે તલે / અમારે એક ચંચળબેન હતાં

neele gagan ke tale by madhu rye

  • ચંચળબેન માનતાં’તાં કે વલ્લનો બેસ્સ રાઈટર કાલિદાસ છે. કોકવાર કાલિદાસને બદલે તુલસીદાસ પણ કહી દેતાં, પણ તેનો કોઈ ધોખો નો’તો, ઈ રાઈટર ઇન્ડિયાનો હોય એટલે હાંઉં

મધુ રાય

Dec 18, 2019, 07:43 AM IST
દર વર્ષના અંતે તે વર્ષમાં સૌથી વધુ વપરાયેલા શબ્દને વર્ષના શબ્દવિશેષ તરીકે મીરિયમ વેબ્સટર ડિક્શનરી નવાજે છે, જેમ આ વર્ષે એ લોકોએ શબ્દ પસંદ કરેલ છે, THEY. તે વાંચીને અમને યાદ આવી ગયાં અમારાં ચંચળબેન.
ચંચળબેન એક દિવસ એક હાથે લલકાર કરતાં બોલ્યાં, તમે કેતા’તા ને કે ઓલો સેક્સપિયર વલ્ડનો બેસ્સ રાઇટર છે? સાયબ હવે વાત બહાર આવી છે કે તમારા ઈ સેક્સપિયરે તો બીજાના નાટકમાંથી કોપિયું મારી છે. અને પછી ગગનવાલાને ધક્કો મારીને કહેવા લાગ્યાં કે ઇન્ડિયામાં કાલિદાસ રામાયણ લખતા’તા તયેં વિલાયતમાં લોકો નાગા ફરતા’તા.
ચંચળબેન ફમ્મલી માનતાં’તાં કે વલ્લનો બેસ્સ રાઈટર કાલિદાસ છે. કોકવાર કાલિદાસને બદલે તુલસીદાસ પણ કહી દેતાં, પણ તેનો કોઈ ધોખો નો’તો, ઈ રાઈટર ઇન્ડિયાનો હોય એટલે હાંઉં. ઇન્ડિયામાં ઝીરોની શોધ થઈ; ઇન્ડિયામાં વ્હીલ શોધાયું ને ઇન્ડિયાનો ઇતિહાસ બેસ્ટ ને ઇન્ડિયાની પ્રજા બેસ્ટ, કેમ કે ઓબામા પોતાના પાકીટમાં હનુમાનજીનો ફોટો રાખે છે. ને રિચમાં રિચ લેંગ્વેજ કઈ બોલો જોઉં. અમે અંગ્રેજી કહીએ તો કહેતાં કે અંગ્રેજીવારાયે તો દુનિયાભરની ભાસાઉંમાંથી ટનબંધી વર્ડિંગની કોપી મારી છે. તોયે બોલો માસીના દીકરાને અંગ્રેજીમાં સું કે’વાય? મેટરનલ કઝિન? એમ? તો પછી મામાના દીકરાને?
હેહ: હેહ: હેહ:!
ચંચળબેનની વાત સાચી હતી. અંગ્રેજીમાં કાકા, મામા, માસા, ફુઆ બધા અંકલ; સાળા, બનેવી, સાઢુ, દેર કે જેઠ એવરીબડી બ્રધર ઇન લો! ને સાળાની વાઇફને સું કેસો? હેહ: હેહ: હેહ:! ગુજરાતીમાં તો છે સાળેવી કે સાળાવેલી! તમારે અંગ્રેજીમાં છે?
ત્યારે ‘અમારા ભાઈ’ – એટલે કે ચંચળબેનના ‘ઈ’ કહેતા કે અંગ્રેજો જેવી સ્માર્ટ પ્રજા બીજી કોઈ નથી, કેમ કે વિલાયતમાં તો તીન તીન સાલ કા બચ્ચા અંગ્રેજી બોલતા હૈ.
ચંચળબેન ભલે ન માને, પણ હાલ તો વિલાયતમાં અંગ્રેજો સૂટબૂટ ને નેકટાઈ પહેરીને ફરે છે, ને એમની ભાસા ચોપડીઓમાં લખાતી ત્યારે પણ નવાનવા શબ્દો બનતા ને જૂના શબ્દોમાં નવા નવા અર્થ ફૂંકાતા, પણ હવે તો સોશિયલ મીડિયા ને ફોન ટેક્સ્ટ વગેરેના કારણે ભાષામાં એક ઊભડક શૈલી આવી છે ને લોકો ભાંગના લોટા ગટગટાવીને બસ પટક પટક ટાઇપ કરે છે ટૂંકાક્ષરોના શબ્દો, જે ચાહે તો ઘડી બે ઘડીના મહેમાન બની મહાલે કે પછી કાયમ માટે શબ્દકોશોમાં સ્થાન પામે. જેમ કે,
‘યોલો’ (YOLO) એટલે કે ‘you only live once’ના પ્રથમાક્ષરોનો બનાવેલો શબ્દ સન 2011ની આસપાસ બહુ વપરાતો હતો! અર્થ છે, જલસા કરો ને જિગર, જુવાની ને જિંદગાની તો એક જ વાર મળવાની છે ને!
‘હેરકટ’ (Haircut) આ હજામત જેવા શુષ્ક શબ્દમાં હમણાં હમણાં એક નવો અર્થ મુકાયો છે; કોઈ પ્રોપર્ટી કે કશીક કીમતી વસ્તુની કીમતમાં કોઈ કારણસર ઘટાડો થાય તો કહેવાય છે કે તેણે હેરકટ લીધો!
સમયે સમયે સામાજિક ધોરણો બદલે છે તેમ તેમ તે માટે નવા શબ્દો વહેતા મુકાય છે. જેમકે,
‘થ્રૂપલ’ (Throuple) યાને બે જણની જોડીને કહેવાય કપલ ને તન જનની કામકેલિને કહેવાય થ્રૂપલ. ‘ફોમો’ (phomo) યાને સેલફોનિસ્ટ જે વાતચીતમાં, પાર્ટીમાં, સિનેમામાં કે પથારીમાં સતત ફોન ઉપર ટોકિંગ કે ટેક્સટિંગ કરતો હોય કે કરતી હોય.
ઓહ અને આ ‘કરતો/કરતી હોય’માં કરનાર ‘તે’ પુરુષ છે કે સ્ત્રી તે સ્પષ્ટ નથી. અંગ્રેજીમાં તેવા વાક્યમાં લખાય છે he or she અથવા (s)he અને ગુજરાતીમાં એક સમયે પારસી સાહિત્યકારોએ he માટે ‘તે’ અને she માટે ‘તેણી’ સર્વનામ બનાવેલાં, પણ હાલ તેણી ખાસ વપરાતું નથી. અંગ્રેજીમાં he or sheના બદલે they અનૌપચારિક રીતે તો સદીઓથી વપરાય છે, પરંતુ સન 2019માં મીરિયમ વેબ્સટર ડિક્શનરીએ he or she, કે (s)he ને બદલે they કાયદાકીય લખાણોમાં તેમજ ઔપચારિક લેખનમાં પણ વાપરવાનું સ્વીકાર્યું છે. એટલે કે theyનો અર્થ બહુવચનનો ‘તેઓ’ તો ખરો, પરંતુ એકવચનના he or sheના બદલે પણ they! A person may vote only if they are over 21. હેહ: હેહ: હેહ:!
ચંચળબેને આ વાત જાણી ત્યારે બોલ્યાં કે ઈ તમે જી ક્યો ઈ, પણ માસીના દીકરાનું પ્રોપર અંગ્રેજી થાસે તયેં ઈ પ્રોપર ભાસા કે’વાસે. જય કાલિદાસ!
X
neele gagan ke tale by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી