નીલે ગગન કે તલે / ને વાચા એટલે તું

neele gagan ke tale by madhu rye

  • કોઈ પણ ભાષાના બે શબ્દોનો અર્થ અદ્દલ એક સરખો કદી નથી હોતો ને, તેમજ કોઈ તરજુમો કે ભાષાંતર કે ટ્રાન્સલેશન અદ્દલ નથી હોતાં

મધુ રાય

Dec 11, 2019, 07:51 AM IST
એક સવાલ છે, ગગનવાલા સર- ગગનવાલાને મહાપંડિત સમજીને વાચકો સવાલ પૂછતા હોય છે ને તે રીતે ‘વાચા’ નામક એક વાચિકા પૂછે છે કે– ઘણાં ગુજરાતી મેગેઝિનોમાં ‘સંપાદક’ અને ‘તંત્રી’ એમ બે અલગ અલગ હોદ્દા હોય છે, પરંતુ શબ્દકોશ બંનેનો અર્થ ‘એડિટર’ એવો જ દર્શાવે છે. તો, ગુજરાતીના સંદર્ભમાં આ બંને શબ્દ અને હોદ્દા તેમજ એ હોદ્દા હેઠળ થતી કામગીરીમાં શું તફાવત હોય છે એ સમજાવશો તો આભારી રહીશ ને મારા અજ્ઞાન તરફ ઉદારતા અને ક્ષમા દાખવવા વિનંતી. જાણવા માટે ઉત્સુક.
સૌથી પહેલાં વાચા, આવો લવલી સવાલ પૂછવા બદલ ધન્યવાદ. શબ્દો પોતે કશું નથી, ‘શબ્દ’નો અર્થ છે, અવાજ, બોલાટ, ધ્વનિ વગેરે. માણસો તેમાં અર્થ પૂરે છે અને કોઈ પણ ભાષાના બે શબ્દોનો અર્થ અદ્દલ એક સરખો કદી નથી હોતો ને, તેમજ કોઈ તરજુમો કે ભાષાંતર કે ટ્રાન્સલેશન અદ્દલ નથી હોતાં, દરેક સહેજ સહેજ અલગ હોય છે. જેમ કે, ‘એડિટર’ તે સંપાદકનું કે તંત્રીનું એક્ઝેક્ટ ટ્રાન્સલેશન નથી, તે છે ફક્ત એક ઇશારો, કેમ કે ભાષાએ ભાષાએ શબ્દો બોલનારાંની જીભે હતૂતૂતૂ ખેલે છે ને ક્યારે કયો અર્થ રમતો રહે ને ક્યારે કયો બેસી જાય તે કદી નિયત નથી હોતું.
દાખલા તરીકે એક સવાલ છે, સર. તે ‘સર’ શબ્દનું મૂળ છે ‘સેન’ યાને વડીલ, પીઢ, વૃદ્ધ, બાહોશ વગેરે. તે ‘સેન’ ઉપરથી સંસ્કૃતમાં શબ્દો બન્યા સેનાપતિ, સૈન્ય, સેનાની, વગેરે. લેટિનમાં શબ્દો બન્યા સેનેટર, સિનિયર, સેન્યોર, સેન્યોરા ને સેન્યોરીતા વગેરે અને સદીઓની ધોબીપછાડ ખાતો ખાતો આવ્યો છે આજનો ‘સર’ અને અલબત્ત બીજા અનેક.
‘મેગેઝિન’ મારા ધારવા પ્રમાણે તુર્કી કે ઇરાની શબ્દ છે, જેનો અર્થ છે એકસાથે ગોઠવેલી એકસરખી ચીજો, ખાસ કરીને બંદૂકો, દારૂગોળો, બંદૂક સાથે રખાતો કારતૂસોનો પટ્ટો વગેરે; તેમજ દારૂખાનાનો કોઠાર અને વળી તે શબ્દ ઠેકાઠેક કરતો ફ્રેન્ચમાં રિટેલ સ્ટોર્સ માટે પણ વપરાવા લાગ્યો અને અંગરેજીમાં કોઈ તિલસ્મી કારણસર વાર્તા, કવિતા, વગેરેના સંગ્રહને પ્રકાશિત કરતા સામયિકને પણ કહેવાનું ચાલુ થયું ‘મેગેઝિન’.
ચારસો વરસ પહેલાં મૂળ લેટિન ‘એડિટર’માં જે વ્યક્તિ કશુંક રસિક તમારી સામે મૂકે તે પબ્લિશર યાને પ્રકાશકનો હોદ્દો પણ ગૂંથાયેલો હતો. સો વરસ પછી તેમાં બીજાની લેખિત વસ્તુને સાફસૂફ કરી તમને ધરે તેવો અર્થ ઉમરાયો અને આજના એડિટરમાં તે ઉપરાંત બીજા અનેક શાલોદુશાલા ફરફરે છે. કેમ કે કોઈપણ ડિક્શનેરી છપાતાની સાથે જ વાસી થઈ જાય છે ને શબ્દોના અર્થ તબડક તબડક દસે દિશામાં ફેલાતા જાય છે.
સંસ્કૃત ‘સંપાદન’ એટલે એકત્ર કરવું, મેળવવું. સંપાદક એટલે કશાક કોઈ પ્રકલ્પ ખાતર– જેમ કે મેગેઝિન ખાતર– એકસરખી જણસો ભેગી કરી સુચારુ રીતે ગોઠવનાર તે સંપાદક. ગુજરાતી શેઠ લોકો છાપાં ચલાવવાનાં નાણાં રોકતા અને એમણે નોકરીમાં રાખેલા સંપાદકોને કેમ ક્યારે કોણે શું શા માટે કરવાનું છે તેના વટહુકમ છોડતા અને સમગ્ર તંત્ર પોતાની મુઠ્ઠીમાં રાખતા એટલે તંત્રી કહેવાતા. ખરેખર તો તંત્રી અને પ્રકાશક એકસરખી જવાબદારી નિભાવતા હોય છે, પણ શેઠ એટલે શેઠ. કોઈ શેઠ વળી લગીર નમ્રતા દર્શાવવા લખતા મેનેજિંગ તંત્રી. ખરેખર તો આ હોદ્દા નામ પૂરતા હોય છે ને જેને જે વધુ ફાવે તેને તે કામ સોંપાતું હોય છે. પ્રિન્ટના એડિટિંગમાં પછી નવી નવી શોધો થતાં અનેક નવાનવા હોદ્દા આવ્યા મેગેઝિન એડિટર, આસિસ્ટન્ટ એડિટર, વિમેન્સ એડિટર, માર્કેટિંગ એડિટર, ફોટો એડિટર, કલર એડિટર વગેરે અને હવે સિનેમા, સંગીત, વિડિયો તથા કમ્પ્યૂટર પ્રોગ્રામોના એડિટરો ફૂંફાડા મારતા ફરતા હોય છે.
અને હલો! કોઈ વ્યાખ્યા પરિપૂર્ણ નથી, કેમ કે દરેક શબ્દના અર્થ સતત બદલાતા રહે છે. મતલબ કે ગગનવાલા સર કહે તે બી સાવ સાચું ન કહેવાય, ઓકે?
ઓઓઓકે, વાચા, હવે વાત કરીએ, ‘વાચા’ એટલે શું? વાચા એટલે વાણી, વાક્ એટલે મોઢાની બખોલમાંથી નીકળતા અવાજ, જે ઉપરથી વાક્ય, વાણી, વાચક, વાચન વગેરે શબ્દો નીપજે છે અને તે બોલવાની ઇન્દ્રિય જીભ તે વાચા, પણ ગગનદાદાને ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે કે વાચા એટલે શું, તો આન્સર છે, વાચા એટલે તું.
X
neele gagan ke tale by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી