નીલે ગગન કે તલે / તારા બોલનો બંધાણી

neele gagan ke tale by madhu rye

  • હસમુખ ગાંધી પોતાના સમકાલીનના સ્ટાફને ગુજરાતી ગ્રામર અને જોડણી શીખવવાનો મદરેસો ચલાવતા હતા

મધુ રાય

Nov 20, 2019, 08:00 AM IST
એક સમયે મુંબઈની લોકલ ટ્રેનોનાં ભાડાં વધ્યાં ત્યારે પત્રકારોમાં સિંહ એવા હસમુખ ગાંધીએ તેમના દૈનિક ‘સમકાલીન’માં સમાચાર આપેલા કે વધેલાં ભાડાં મુસાફરોને ‘લિટરલી દઝાડશે.’ તે વાંચીને ગગનવાલાએ એમની ‘અભિયાન’ સાપ્તાહિકની કોલમમાં વ્યાઘ્રની જેમ ત્રાડ પાડેલી કે ગુજરાતીમાં ઇંગ્લિસની ફુટાની મારવી હોય તો એટ લિસ્ટ ઇંગ્લિસ સાચું લખો. ‘લિટરલી’ એટલે સાચેસાચ અને લિટરલી દઝાડશે એટલે પેસેન્જર જેવો કે લોકલ ટ્રેનની સીટ ઉપર બેસવા જશે કે તેની બેઠકનો ભાગ ધુમાડાબંધ સળગી ઊઠશે, ધોતિયામાંથી આગની લપટો નીકળશે લાલ લાલ, તો તેને લિટરલી કહેવાય. ખાલી ખાલી ઠઠારો કરવો હોય તો ‘લિટરલી’ ન કહેવાય.
તેના જવાબમાં મહામના હસમુખભાઈએ સૌમ્યભાવે ગગનવાલાને જે વચન કહેલાં તેનો લિટરલી અમલ થઈ શકે તેમ નહોતો, પરંતુ કહીં ‘દીપ જલે કહીં દિલ’ એ ગીતમાં દીપ લિટરલી જલે છે ને દિલ ફિગરેટિવલી યાને કાવ્યાત્મક ઉપમા સાથે જલે છે. પોતાની વાતને ભાર દેવા બીજા અપશબ્દોની સાથે હસમુખભાઈએ જણાવેલું કે કોઈપણ વાતને ભારપૂર્વક કહેવા માટે પણ ‘લિટરલી’ વાપરી શકાય છે; આટલા દાયકાઓ પછી હવે ડિક્શનરીઓએ પણ તે વાતનો સ્વીકાર કીધો છે કે લિટરલી એટલે ફક્ત લિટરલી જ નહીં, પણ ફિગરેટિવલી પણ વાપરી શકાય.
સમય જતાં શબ્દો લોકજીભે રગદોળાય છે ને જુદા જુદા સમયે તે શબ્દનો અર્થ ભરતનાટ્યમ કરતો કરતો સહેજસાજ બદલતો જાય છે, તેવો બીજો એક શબ્દ છે, ‘ફેન્ટાસ્ટિક’. તેનો મૂળ અર્થ હતો ‘જે કાલ્પનિક છે તે’, યાને અવાસ્તવિક, જેની હયાતી નથી તે, પણ આજે તેનો મતલબ થાય છે, ગ્રેટ, અફલાતૂન, બેમિસાલ, વન્ડરફુલ અથવા એવું અદ્્ભુત કે સાલું દિમાગ કામ ન કરે. જેમકે કંગના રણૌતની એક્ટરી, કિશોર કુમારનાં સોન્ગો, કળશની અમુક કોલમ... ફેન્ટાસ્ટિક.
એક વળી એવો વધુ શબ્દ પાટલી બદલીને બેઠો છે કે આપણને કલ્પનાય ન આવે: ‘મીટ’ યાને આજે જેનો અર્થ આપણે માંસ કરીએ છીએ તે મીટ શબ્દનો અસલી અર્થ હતો ભો–જ–ન. જેમાં ગાજર હોય બટાટા હોય કે જે બી પિરસાય તે કહેવાતું મીટ, અને વેજિટેરિયન કે નોન વેજિટેરિયન જે લબલબ ખાતા તે ‘મીટ’. શી ખબર કેમ લગભગ સાતસો વરસ પહેલાં ‘મીટ’ એટલે ભોજન માટે કપાતા પ્રાણીઓનું માંસ એવો અર્થ પગપેસારા કરવા લાગ્યો અને આજે તો મીટનો અર્થ માંસ જ થાય છે.
અને વેલ, વેલ, વેલ. આજકાલ ગુજરાતી પત્રકારો હસમુખ ગાંધીની દેખાદેખીમાં વાતે વાતે ઇંગ્લિસ વર્ડઝો યૂઝ કરતા ફરે છે.
હસમુખ ગાંધી પહેલાં પ્રથમ તો ગુજરાતી ભાષાના પ્રચંડ જ્ઞાતા હતા અને પોતાના સમકાલીનના સ્ટાફને ગુજરાતી ગ્રામર અને જોડણી શીખવવાનો મદરેસો ચલાવતા હતા, પહેલાં ગુજરાતી લખતાં શીખો પછી, વેલ, ઇંગ્લિસના ઉપાડા લેજો, પણ હવે ગુજરાતી ગ્રામર અને ગુજરાતી સ્પેલિંગ વાત જ જાણે નવા કટારચીઓને ને વિશ્લેષકોને ને ફીચર રાઇટરોને બોરિંગ લાગે છે. અને પોતાના ભવ્ય લખાણોમાં સમીકરણો અને રણનીતિ અને એજેન્ડા જેમાં વર્ડઝ સાથે હવે ઇંગ્લિસ મેનરિઝમનો પણ યૂઝ થવા લાગ્યો છે, જેમ કે વાતે વાતે પત્તું ઊતરવાનુ હોય તેમ ગુજરાતી પત્રકારો પોતાના ભાષ્યમાં લખતા હોય છે, ‘વેલ!’ જેમ કે કોઈ પૂછે કે તમે માનો છો કે આજે બુધવાર છે? તો જવાબ મળે કે વેલ, અમદાવાદમાં બુધવાર હોઈ શકે, પરંતુ અલાસ્કામાં હજી મંગળવાર હોઈ શકે. યાને ‘વેલ’ એક લંગડાઘોડીની માફક વપરાય છે, જેમ કે ‘યુ સી/ યુ નોવ/ બિલીવ મી અથવા એની વે’ જેનો વાત સાથે કોઈ સંબંધ નથી હોતો, ફક્ત એક, વેલ, મેનરિઝમ.
રોજ સવારે ગગનવાલા પોતાના લેપટોપમાં ઇમેઇલની બારી ખોલે છે ને ફટફટ ફટફટ પાંખો ફફડાવતી શબ્દોને લગતી પાંચ સાત વેબસાઇટોનાં પંખેરુ જાણે ગટરગૂં ગટરગૂં કરતા ઘરમાં ઘૂસીને ગગનવાલાના ખભે ને ટેબલ ઉપર ને તર્જની ઉપર આવી બેસે છે: નવા શબ્દો, જૂના શબ્દો, અરબીફારસીમાંથી ઊતરી આવેલા, ઇન્ડો ઇરાનિયન કુળના, ગ્રીક લેટિનના, ઇધરના ને ઉધરના ને પ્યારના ને તકરારના ને ખાવાના ને પીવાના ને યુ નો... એવરીથિંગના. ગગનવાલા તે શબ્દોના વિધવિધ અર્થ, અર્થછાયાઓ ને અભિધા, ને લક્ષણા ને વ્યંજનાની રજોટીમાં ખુલ્લા બરડે આળોટે છે. વ્હાય? વેલ, શબ્દો હમારા દિમાગને, યુ નોવ, સોનાનો વરખ ચડાવેલા રાજભોગ કરતાં વધુ મિષ્ટ લાગે છે. જય હસમુખ ગાંધી!
X
neele gagan ke tale by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી