નીલે ગગન કે તલે / મા તુઝે સલામ

neele gagan ke tale by madhu rye

  • અંગરેજી તે હવે એકલા અંગરેજોની ભાષા રહી નથી

મધુ રાય

Nov 06, 2019, 07:38 AM IST

અર્થનીતિવિદ અભિજિત વિનાયક બેનરજીને નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે તેમને અમેરિકાની એમઆઈટી નામે જગવિખ્યાત એમની શિક્ષણ સંસ્થામાં બે શબ્દ બોલવા કહેવાયું અને તેવણ બોલ્યા. પછી કોઈએ બે ઘરી ડિલ્લગી ખાટર કહ્યું કે હવે બે શબ્દ બંગાળીમાં બોલો. અને વાચક વાચક! દાયકાઓના વિદેશવાસ પછી પણ, નોન–બંગાલી બાયકો સાથે મેરજ કીધા છતાં પણ અભિજિત બાબુ શદ્ધ, સંસ્કારી સુહાસ સુમધુરભાષ ઉચ્ચારણો સાથે બોલ્યા.

અભિજિતની અર્થનૈતિક થીયરી ફીયરી સાથે ગગનવાલાને કોઈ મતલબ નથી કેમકે તેમને તેનો કક્કોય આવડતો નથી. પણ બંગાલી ભાષા, બંગાલીઓ અને બંગાલણો થકી ગગનવાલા કાયમ અંજાયેલા રહે છે ને. આ પ્રસંગે ગગનવાલાનો સ્વયમનો એક વિજયી કિસ્સો યાદ આવતાં હેંહેંહેં શરમના શેરડા સાથે વાચકરાજના ચરણામ્બોજે પ્રસ્તુત કરે છે.

થોડા સમયથી નેટ ઉપર અતિતારક મનોજ જોશી ‘ચાણક્ય’ આણિ એક સુદર્શના યુવતી કેરો એક સુદર્શન વીડિયો ચકરાવા લઈ રહ્યો છે જે જોતાં જોતાં દરેક ગુસ્મુજરાતી મોટેથી સાદ પુરાવે છે, ‘યસ! યસ!’. વીડિયોમાં મનોજ જોશી માતૃભાષા ગુજરાતીમાં બોલવા માટે તમને ને મને ને ઓલ ઓવર ગુજરાતને શીખામણ આપી રહ્યા છે કે એક જાપાનીઝ માણસને જાપાનીઝ લેન્ગ્વેજ બોલતાં શરમ નથી આવતી, આજે અબ્દુલ કલામ આઝાદ હોય, કે નરેન્દ્ર મોદી હોય કે કોઈ પણ નેતા હોય કે અભિનેતા હોય, પણ પોતાની માતૃભાષામાં પ્રવીણ હોય તો એને જિંદગીમાં કોઈ અડચણ નથી નડતી. આજે અમિતાભ બચ્ચન અણિશુદ્ધ હિન્દી બોલે છે તેથી જ તે નખશિખ નમણું અંગરેજી પણ બોલી શકે છે. સચીન ટંડુલકરને કે ધીરુભાઈ અંબાણીને કે એવા મોટા માણસોને પોતપોતાની માતૃભાષામાં વાત કરવાનો ગર્વ હોય તો આપણે ગુજરાતીઓને જ કેમ આટલો બધો કોમ્પલેક્સ છે? આપણા બાબાને કહીએ છીએ કે બેટા બહુ અર્લી અલી રાઇઝી ગયો? પ્લીઝ બેટા કમ હીયર, નો નો, નો… નો, નો સ્પીક ઇન ઇંગલિસ, સ્પીક ઇન ઇંગલિસ!

મનોજબ્રધર પોતાની છાતી ઉપર પંજો મૂકી પોતાનું દિલ બતાવતાં ‘દિલથી’ પ્લસ વટથી કહે છે કે મનોજ જોશી સાહેબ જણાવે છે કે એમને અંગ્રેજી સામે કોઈ હેટ્રેડ નથી. પણ એમને ગુજરાતી હોવાનો ગર્વ છે. અને એમના આ બયાન દરમિયાન વીડિયોમાં શોભાયમાન યુવતી ‘યસ યસ!’ કહી સુર પુરાવે છે. આ બધું બરાબર છે પણ એક બાબત મનોજ જોશી ચાલાકીપૂર્વક છુપાવે છે કે અતતિતારકશ્રી મનોજ જોશી સાથે એચકે કોલેજના એક મંચ ઉપર ગગનવાલાએ પણ એકદા નૈમિષ દેસાઈના અરણ્યે અને અમે સર્વ સભાજનો તેમ જ વક્તાઓને લલકાર આપેલો કે હમ તો ચાલીસ બરસ સે અમ્રિકા રહતા હૈ મગર આજે હું જે અરધો કલાક બોલું એમાં ફોન કે ક્લાસ કે ટ્રેન જે હવે ગુજરાતી શબ્દ બની ગયા છે, તે સિવાયનો એક પણ અંગરેજી શબ્દ આવી જાય તો વન રૂપિયા પર વર્ડની પેનલ્ટી આલીશ. અલબત્ત ગગનવાલા તે હોડમાં જીતી ગયેલા.

મનોજ જોશીનો વીડિયો અમારા ઐતિહાસિક અંગરેજી–મુક્ત આખ્યાનની પહેલાં થયેલો કે પછી તેની માહિતી નથી. પણ અમારી જીત પછી થયો હોય અને તે છતાં પણ અતિતારકે પોતાના વીડિયમાં તે વાત છુપાવી હોય તો મનોજને અમારી પોપ્યુલારિટીની જેલસી થાય છે; અથવા, પ્રૂવ થાય છે કે મનોજ અમને અબ્દુલ કલામ કે સચીન કે અમિતાભ જેટલા સક્સેસફુલ નથી ગણતા. કે ‘રાય’ એટલે ગુજરાતી નહીં હોય તેમ માને છે?

આ ટો બે ઘરી ડિલ્લગી. અંગરેજી તે હવે એકલા અંગરેજોની ભાષા રહી નથી. બલકે ખુદ ઇંગ્લેન્ડની મોટી કચેરીઓ કહે છે કે વીસ વરસની અંડર અંડર અંગરેજી ભાષા ભારતની પોતીકી મૂડી બની જશે. અને હલો! બોલવામાં કયો શબ્દ વપરાય છે તેના કરતાં કેવી આવડતથી વપરાય છે તે જોવાનું હોય. લોકોની દેખાદેખીમાં ઘાટલોડિયા સોસાયટીની યન્ગ મધર ‘અર્લી અર્લી રાઇઝી ગયો’ કહે તે ઢોંગી છે તેથી ખોટું છે. વીડિયોમાં સુદર્શના યુવતી ‘યસ, યસ!’ કહે તે સુમધુર છે તેથી કર્રેક્ટ છે. જય બોંકિમચોન્દ્રો ચોટ્ટોપાધ્યાય!

X
neele gagan ke tale by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી