નીલે ગગન કે તલે / સદગત ઉત્પલ ભાયાણી

Neele gagan ke tale by madhu rye

  • આપણા કરતાં તો તે કેટલો નાનો હતો ને કોઈ રોગ નહોતો તોપણ આવું?

મધુ રાય

Oct 23, 2019, 07:44 AM IST

વ્હોટસેપના લલ્લુ મેસેજિઝના ઢગમાં અચાનક સંજય ગોરડિયાનો ભાયાણીના ‘અશુભ’ સમાચારનો મેસેજ દેખાય છે ને હાડકાં હચમચી જાય છે. દાયકાઓ પહેલાં હું અમદાવાદમાં પ્રકાંડ પંડિત હરિવલ્લભભાઈના ‘દુવારે’ એમનાં પ્રચંડ અટ્ટહાસ્યોનો ઘોષ સાંભળવા જતો. વયમાં વર્ષોનું અંતર હોવા છતાં હરિવલ્લભભાઈ સામાને જાણે અશ્વગંધાની પડીકીમાં વાળીને હહ્હોહોહ્હોનો ઢોલ વગાડીને પાકિટમાં મૂકી દેતા. ત્યારે ચડ્ડી પહેરેલા ઉત્પલને બેએક વાર જતો આવતો જોયો હશે. તે પછી હું અમેરિકા આવી વસ્યો અને સીનિયર ભાયાણી સાહેબ સાથે એરોગ્રામી આલાપ થયા કરતો, પરંતુ ‘સીએ’નો કારબાર કરતા ઉત્પલને વાર્તા સાથે કે નાટક સાથે કે ભાષા સાથે જોડવાની મહાદશા હજી શરૂ થઈ નહોતી.

તે પછી સુરેશ દલાલની દુકાને, કે કોઈ વર્તમાનપત્રના કાર્યાલયમાં કે સાહિત્યના મેલાવડામાં કેમ છો, કુશળ? વગેરે થતું. છોકરડો મુંબઈનાં નાટક વિશે બેચાર વાક્યો બોલતો ને હું વડપણથી સાંભળી લેતો. પછી અચાનક મુંબઈમાં ઉત્કર્ષ, નૌશિલાદિ મુનિઓએ મારું નાટક ‘ફૂલ’ ભજવ્યું, અને છોકરડાએ મારા તે અતિ નિષ્ફળ, અતિ અઘરા નાટકની ચકાચૌંધ મીમાંસા કરી બતાવી બતાવ્યું કે ધંધાદારી રીતે તેમ જ કળાની રીતે તેમ બંને રીતે ‘સફળ’ કહેવાય તેવું નાટક છે અને તે સતત ભજવાવું જોઈએ. એવું તો કાંઈ થયું નહીં પણ તે પછીથી ક્રમે ક્રમે મારાં નાટક છપાયાં તેમાં પબ્લિશરને કહીને ઉત્પલ લિખિત અવલોકનો સામેલ કરાવ્યાં.

તે પછી ઉત્પલનો વાર્તાગૃહમાં પ્રવેશ થયો. દરમિયાનમાં તે ‘ઇમેજ પબ્લિકેશન’ના સપ્તર્ષિઓના કુંડાળામાં ગોઠવાયા અને મારે વાર્તાકાર, નાટ્યકાર અને ઇમેજના ક્લાયન્ટ એમ ત્રણ રીતે ભાયાણીસાહેબના દીકરા સાથે પનારો પડ્યો અને જૂનિયર ભાયાણી હવે ગોટલા ફુલાવી પોતે નિજ લલાટના તેજે નવો ભાયાણી સાહેબ બની બેઠો.

ત્યારે તે સમીક્ષકના માભાથી મારાં નાટકો વિશે ટિપ્પણી લખતો અને મારી વાર્તાઓની સયલન્ટ સાયલન્ટ ખિલ્લી ઉડાવતો અને મારી ચોપડીઓ અંગે બ્હીતાં બ્હીતાં મોકલેલી રોયલ્ટીની યાદીના રિપ્લાય બીજા ત્રણજણની સહી સાથે રુક્ષતાથી આપતો. શિકાગોના જિગરી મિત્ર ડાક્ટર અશરફ ડબાવાલા દર વખતે ફોન કરે ત્યારે અચૂક ઉત્પલ તમારી કોલમનો ફેન છે, હો? કહી આનંદ આપે. આમ આ લખનારને ઉત્પલ ભાયાણી સાથે વિશેષ અંગત મો’બત નહતી.

પરંતુ મારા જિગરજાન હરીફ ન્યુ યોર્ક નિવાસી વાર્તાકાર/નાટ્યકાર ડાક્ટર રજની (આરપી) શાહ તેના સતત સંપર્કમાં હતા અને તે બેઉ સામસામા મુંબઈ–ન્યુયોર્કનાં નાટકો વિશે રાસડા લેતા. આરપી માડૂ સાહિત્યનો એવો ‘પગલો’ છે કે તે ઉત્પલના (અને બીજા બધાનાં) નાટકની સ્ક્રીપ્ટોમાં ને વાર્તાની ચોપડીઓમાં લગભગ લીટીએ લીટીએ પોતાની ટિપ્પણી લાલ પેનથી લખતા હોય છે. કોઈ કોલમની કે ફેસબુકમાં વાંચેલ કોઈની કશીક ‘લાઇન’ વિશે આરપી ફોન ઉપર લાલ અવાજે થાળ ભરીને પ્રશંસા કરતા હોય છે.

અને ઓમાઇગોડ, ગઈ કાલે રાત્રે વ્હોટસેપના લલ્લુ મેસેજિઝના લથપથ ઢગમાં અચાનક ભાયાણીના ‘અશુભ’ સમાચારનો મેસેજ દેખાય છે ને ‘આરપી’ ચીસ પાડી ઊઠે છે, કે ‘સાલું પગ ઢીલા થઈ જાય છે. આપણા કરતાં તો તે કેટલો નાનો હતો ને એવો કોઈ રોગ નહોતો તોપણ આવું? પછી આપણા ગોઠણ ‘ધરુજે’ કે નહીં? હવે પછીની લીટીઓમાં સદગત ઉત્પલ ભાયાણીને અંજલિ ‘આરપી’ના વિચારોની છે અને આ લખનાર ‘આરપી’ના બાંવડે આંગળીઓ અડાડી ‘કો–સાઇની’ બને છે.

‘સાલું મુંબઈમાં એ માણસ અઠવાડિયાનાં પાંચ નાટક જુએ એટલે? ‘ગુજરાતી, હિન્દી, મરાઠી,અંગરેજી...? અને તે બધાં બાબતે પોતાનાં અવલોકનો લખે? મારે મુંબઈમાં કોઈ બી નાટક જોવું હોય તો ઉત્પલ ગમે તેમ કરીને ટિકિટનું કરી આપે. મને લિખાવટમાં ફટફટી હોય એવો ડ્રામો ગમે પણ ઉત્પલ મ્યુઝિકલ બ્યુઝિકલ બધામાં જાય. ટોટલ શોબિઝનેસ કવર કરે. હું તેને કહું કે કોઈવાર તો કશું કડક લખો, બધું માઇલ્ડ માઇલ્ડ જ લખવનું? તો તે કહે કે કોઈવાર ‘જોનાર’ના વ્યૂપોઇન્ટથી લખાય ને કોઈવાર ‘કરનાર’ના વ્યૂપોઇન્ટથી જોવાય. તેનાં લખાણોનાં પુસ્તક છપાયાની સાથે જ ફેડેક્સથી મને મોકલે. આઇ વિલ મિસ હિમ.’

યસ, હું વિચાર કરું છું, ‘આરપી’, યુ એન્ડ મી બોથ, અને ધ હોલ મુંબઈ વિલ મિસ હિમ, બાર પોંઈટના ફોન્ટમાં દાંતિયું સ્માઇલ આપતો ‘મિસ્ટર મુંબઈ ડ્રામા’! ને મને ભાસે છે કે તેના ચાર ભાષાના નટવૈયાઓ, દર્શકો, લાખો વાચકો બધા મારા બાંવડે આંગળીઓ લગાડી ‘કો–સાઇની’ બને છે પોતપોતાની મિસ હિમ અંજલિના. જય જય હરિવલ્લભ!

X
Neele gagan ke tale by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી