નીલે ગગન કે તલે / ગ્રેટા... અને ગાંધી

neele gagan ke tale by madhu rye

  • 15 બાળકોએ જગતના પાંચ મહા અપરાધી દેશો સામે કેસ માંડ્યો છે

મધુ રાય

Oct 02, 2019, 08:00 AM IST

ગયા અઠવાડિયે અમેરિકાના અનેક રાજકીય ‘રાઝ’ બહાર આવ્યા, 50,000 અમેરિકાવાસી ભારતીયોએ પોતાના દેશનેતાને આવકારનું તિલક કર્યું અને પાકિસ્તાનના નેતાનો તેજોવધ થયો.

પરંતુ આ બાજીનાં પાનાં સહેજ આંખોથી દૂર રાખીને જોઈએ તો દેખાશે જગતનો, પૃથ્વીનો, માનવજાતનો વિધ્વંસ અને સૃષ્ટિની તારાજી–જેની સામે ગ્રેટા થુનબર્ગ નામે એક ષોડશી સ્વિડિશ કન્યાએ એક વરસથી જેહાદ મચાવી છે જગતના ‘જૂઠા, ભમરાળા રાજપુરુષો’ની સામે, જે દારૂડિયા મા-બાપની જેમ પૃથ્વીની સંપત્તિનો હુરિયો બોલાવી પોતાની પાછળની સંતતિનું શું થશે તેની પરવા કર્યા વિના આર્થિક વિકાસની કપટભરી આરસીથી જનતાને ઘેનમાં રાખીને સત્તાને શેરડીના સાંઠાની જેમ ચૂસી રહ્યા છે.

એક વર્ષ પહેલાં પંદર વર્ષની ગ્રેટાને થયું કે જગતનાં હવા, પાણી, ખનિજસંપત્તિ અને વનસ્પતિનું નૈસર્ગિક કવચ રાક્ષસી ગતિથી નષ્ટ થઈ રહ્યાં છે અને પોતે જુવાન થશે ત્યાં સુધીમાં જગત આખું નરક સમાન થઈ ગયું હશે! તેથી તેણે એકલા હાથે પોતાના દેશની પાર્લામેન્ટ સામે ‘સત્યાગ્રહ’ કરીને. પહેલાં તો કોઈ ન આવ્યું, પણ અચાનક તેની હાકલને પ્રચંડ પ્રતિસાદ મળ્યો અને હવે, આજે એક વરસની અંદર ગ્રેટા ન્યૂ યોર્ક શહેરમાં યુનાઇટેડ નેશન્સમાં પર્યાવરણ સમિતિની બેઠકમાં વડીલોને ઠપકો આપવા આવી છે! અને આવ્યા છે તેની સાથે 150 દેશોમાંથી તેની ‘ગ્લોબલ ક્લાઇમેટ સ્ટ્રાઇક’ના અઢી લાખ યુવા કર્મશીલો.

‘હવે જાગો, હવે ચેતો, નહીંતર ખરેખર બે-પાંચ કે દસ વરસમાં રામ બોલો ભાઈ રામ થઈ જશે.’ પેસેફિક આઇલેન્ડ્ઝ, ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા આદિ અને યુરોપ, આફ્રિકા, યાને જગત આખેઆખું. જગતના ઇતિહાસમાં આવડા મોટા પાયા ઉપર વિકાસના નામે ખનિજ તેલના આંધળા વપરાશથી થતા વિનાશ સામે આવો મોટો ઊહાપોહ પર્યાવરણ બાબત થયો નથી. ગ્રેટા સ્વયં વિમાનને બદલે એટલાન્ટિક મહાસાગર શઢ–સુકાનવાળા વહાણમાં બે અઠવાડિયાંનો દરિયો ખેડીને સ્વિડનથી અમેરિકા આવી છે, કેમ કે વિમાનની સફરમાં પોતે પેટ્રોલનો ધુમાડો કરે છે, જે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું જહર ફેલાવે છે.

પોતાની જિહાદ અંગે યુએનમાં પધારેલા રાજનેતા–નેત્રીઓ સમક્ષ ગ્રેટાએ આંગળી ચીંધીને કહ્યું કે, ‘મારી ઉંમર નિશાળમાં બેસીને ભણવાની છે, પણ તમે લોકોએ નાશ પામતી સૃષ્ટિ બાબત નિષ્ક્રિય બેઠા રહીને મારું ભવિષ્ય, મારાં સપનાં ચોરી લીધાં છે. તમને તાત્કાલિક દેખાતા પૈસાની લાલચ વધુ છે ને પૃથ્વીની સંપત્તિની બેફામ લૂટથી કેટલાં પશુપંખીની પ્રજાતિઓનો વિનાશ થાય છે, હવામાનના નાટકીય પલટાથી કેટલાં બધાં માણસો અને પશુઓનાં સામૂહિક મોત થઈ રહ્યાં છે તેની તમને પડી નથી. તમે હજી પણ કોઈ પગલું નહીં લો તો તમે દુષ્ટ છો અને મને તમારા ઉપર કોઈ ભરોસો નથી.’

લોકો કહે છે કે આવતાં દસ વર્ષમાં ઝેરી વાયુઓનું ઉત્સર્જન અડધું કરી દેવાશે અને તેથી પૃથ્વી નારકીય ઉષ્ણતાથી બચવાના પચાસ ટકા ચાન્સ છે, પણ પચાસ ટકા અમને સ્વીકાર્ય નથી. જો પૃથ્વીની ઉષ્ણતા અમુક હદથી વધી જશે તો પછી માણસના હાથની વાત નહીં રહે અને તેનાં કરપીણ પરિણામ અમારે યુવાન પ્રજાએ ભોગવવાનાં રહેશે. યુનાઇટેડ નેશન્સમાં બિરાજેલા આ નેતાઓ હજી સાચી વાત ન સમજે એવા અબુધ છે કે નાદાન છે.

ગ્રેટાની વાતો પણ ફક્ત વાતો નથી. તેણે અને બીજાં 15 બાળકોએ જગતના પાંચ મહા અપરાધી દેશો સામે કાયદેસરનો કેસ માંડ્યો છે: આર્જેન્ટિના, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની અને ટર્કી, કેમ કે એ દેશોએ ‘30 વર્ષ પહેલાં થયેલી માનવહકની એક સંધિમાં સ્વીકારાયેલાં બાળકોના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.’ આ પહેલાં ગ્રેટાએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમને ઉદ્દેશીને કહેલું કે સાહેબ તમે કહો કે તમને આશા છે તેનો કોઈ અર્થ નથી. તમને પૂંછડે આગ લાગવી જોઈએ, કેમ કે આપણું ઘર ભડકે બળે છે.

કોઈપણ સદાશય ભરેલી ચળવળનું નેતૃત્વ કોઈ સોળ વર્ષની કન્યા કરતી હોય તો તેની જબરદસ્ત અસર પડે જનમત ઉપર તે સ્વાભાવિક છે, પરંતુ કેટલાક બીજા કર્મશીલોને દહેશત છે કે ગ્રેટાનો નિર્દોષ પુણ્યપ્રકોપ ઠાલવતા ચહેરા નીડમાં કોઈ મેલી મુરાદવાળા લોકો અપનો ઉલ્લુ સીધો કરતા હશે કે?​​​​​​​ ખાદીધારી મોહનદાસ પણ પોતાના સમયમાં પોતાની રીતે પર્યાવરણના રક્ષણ માટે કર્મશીલ હતા. ગાંધી જયંતી નિમિત્તે સત્યાગ્રહી ગ્રેટાની છટા નવા રૂપમાં દેખાય છે. જય ગાંધી! જય અલ–મસ્ત ગોર!

X
neele gagan ke tale by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી