નીલે ગગન કે તલે / બોટલ્ડ વોટર વ્હાય નોટ?

neele gagan ke tale by madhu rye

Divyabhaskar.com

Sep 25, 2019, 07:54 AM IST

પ્લાસ્ટિકની ખાલી બોટલો જમીનમાં દટાય છે કે દરિયાના પાણીમાં ફેંકાય છે. તે અમુક સમયે ‘વકરે’ છે, યાને તેના બારીક રજકણનું ‘ઝેર’ આપણા વેપાર વણજના જળમાર્ગોને રૂંધે છે, આપણી ખેતીની જમીનને ભ્રષ્ટ કરે છે અને આપણાં ઢોરઢાંખરમાં રોગ ફેલાવે છે

ગગનવાલા અમ્રિકાના જે નગરમાં રહે છે તે જર્સી સિટીમાં હવે પ્લાસ્ટિકની થેલીઓનો નિષેધ છે. ગગનવાલા પૂર્વે જ્યાં નાટ્યલેખનના એકડિયા બગડિયા ભણી લાવેલા તેવડા તે હોનોલૂલૂ નગરમાં પ્લાસ્ટિકની સ્ટ્રો ઉપર પ્રતિબંધ છે ને તેના સ્થાને મેટલની નળીઓથી કનકકામિનીઓ કુદરતના પીણાનું પાન કરે છે. ભારતમાં ગગનવાલાની એક ખોલી કાંદિવલીમાં છે, ત્યાં પણ ઝભલાં થેલી નોટ એલાઉડ. ને કર્ણાવતી મધ્યે નદીકિનારે મૃણાલિની નિર્મિત નટરાણી કોમ્પ્લેક્સમાં પ્લાસ્ટિકની થેલી લાવનારને બરડા ઉપર 100 ટન્ગ–લાશિંગની સજા થાય છે, એવમ્ ઉત્તર પ્રદેશના કોઈ નગરમાંથી ગગનવાલાની બસ પસાર થતાં તે મતલબનું પાટિયું વંચાયેલું કે ગાયો પ્લાસ્ટિકની થેલીઓ ચાવી જાય છે ને માંદી પડે છે તેથી તેની ઉપર પ્રતિબંધ છે.

વર્ષો પહેલાં તમે પ્લાસ્ટિકની બોટલોમાં પાણી વેચાતું જોયું હશે તો થયું હશે કે જે ચીજ પાણીના ભાવે (હેહ હેહ હેહ) ઘેર બેઠાં મફત મળે છે એના વળી પૈસા અલાતા હશે? પણ આજે દર વર્ષે 50 બિલિયન વોટર બોટલો ગટગટાવાય છે અને કેવળ અમેરિકામાં જ દર સેકન્ડે એચટુઓની 1500 બોટલો પીવાય છે.

એક બોટલ બનાવવામાં તેમાં સમાય તેના કરતાં ત્રણ ગણાં પાણીનો બગાડ થાય છે. આ બોટલો બનાવવામાં કઈ ચીજ વપરાય છે, માલૂમ? 170 લાખ બેરલ ખનિજતેલ. જેટલા તેલથી 10 લાખ યસ, વન્ન મિલિયન્ન મોટરકારમાં એક વરસ સુધી પેટ્રોલ ભરી શકાય. આ બોટલો બનાવવામાં, તેમાં પાણી ભરવામાં, તેમને રેફ્રિજરેટ કરવામાં બીજી 500 લાખ બેરલ! અને તેને મારકિટ સુધી પહોંચાડવા માટે રોકાય છે 40,000 એઇટીન–વ્હીલર લોરીઓ, એ–વ્રી વીક! હવે તમે મારકિટમાંથી પાણીની બોટલ ખરીદો ત્યારે તેને બત્તી સામે ધરીને જોજો: એના 1/4 ભાગમાં ખનિજતેલ છે, ઉપભોક્તા મહોદય!

આ બોટલોમાં પાણી ભરેલું પડ્યું રહે તો તેનું પ્લાસ્ટિક તેની માંહેના પાણીમાં ‘ઝમવા’ માંડે છે, જેમાંનાં કેમિકલ્સ યૌનરોગોના, વિધવિધ જાતનાં કેન્સર વગેરેના વાહક બને છે. સાંભળો. અમેરિકાના લગભગ દરેક ગામમાં નળનું પાણી પીવાજોગ હોય છે; છતાં તેને અથવા અમેરિકા કે ભારતના કોઈ પણ સ્થળના નળના પાણીને ઉકાળીને પીવાથી તમને ઉત્તમ અને નીરોગ પાણી વિના મૂલ્યે મળી શકે છે અને ઉપભોક્તા સાહેબ, આપણે જે બોટલ્ડ વોટર કાવડિયાં આપીને ખરીદીએ છીએ, તેમાં અરધોઅરધ સીધું નળનું રેપેકેજડ પાણી બી હોય છે!

આમ, બોટલ્ડ વોટર પર્યાવરણને નુકસાન કરે છે, પીનારને નુકસાન કરે છે, અર્થવ્યવસ્થાને નુકસાન કરે છે અને મોટા ખેદની વાત તે છે કે તેની કોઈ જરૂર નથી! અને આ પ્લાસ્ટિકની ખાલી બોટલો જમીનમાં દટાય છે કે દરિયાના પાણીમાં ફેંકાય છે. તે અમુક સમયે ‘વકરે’ છે, યાને તેના બારીક રજકણનું ‘ઝેર’ આપણા વેપાર વણજના જળમાર્ગોને રૂંધે છે, આપણી ખેતીની જમીનને ભ્રષ્ટ કરે છે અને આપણાં ઢોરઢાંખરમાં રોગ ફેલાવે છે. દરેક સમુદ્રના દરેક ચોરસ માઇલમાં આવા ઝેરી પ્લાસ્ટિકના 46,000 રજકણ તરી રહ્યા છે. ભારતમાં દર વર્ષે 6.2 કરોડ ટન ઉકરડો ફેંકાય છે અને રિસાયકલિંગ થાય છે. યસ, પણ કેવળ 20 ટકા બોટલોનું રિસાયકલિંગ થાય છે, જેમાંથી કાર્પેટિંગ, રમતગમતનાં સાધન, નવી બોટલો અને નાની-મોટી જણસો પુનર્નિર્મિત થાય છે, પરંતુ 80 ટકા ‘ગારબેજ’ કેવળ પડ્યો પડ્યો સબડે છે.

પ્લાસ્ટિક માત્ર જો રિસાયકલ ન કરાય તો કુદરત માટે ને હવા માટે ને પાણી માટે ને જમીન માટે ને દરિયા માટે સખત ખતરનાક છે, કેમ કે અન્ય ‘કચરા’ની જેમ તેનું વિઘટન થઈને તેના ઘટકપદાર્થો સૃષ્ટિમાં સમાઈ જતા નથી. તે કારણે નવું નવું પ્લાસ્ટિક બનાવ્યા કરવું પડે છે, જેના માટે વધુ ને વધુ કાચો માલ ને ખનિજ તેલનો ધુમાડો થાય છે, જેમાં અપરંપાર સાધનો ને શક્તિ ને ઊર્જા ખર્ચાય છે.​​​​​​​ ગોડફીયરિંગ ગગનવાલા પ્લાસ્ટિકની બોટલવાળું પાણી બને ત્યાં સુધી અડકતા નથી. સામેથી પૈસા આલીને પર્યાવરણનો ભુક્કો બોલાવવો તો પાપ કહેવાય, નો? ઓકે, અમે એકલા બોટલ્ડ વોટર ન વાપરીએ તેટલાથી કાંઈ ફરક પડવાનો નથી. નથી તો નથી, ગગનવાલાની ગાંઠનાં કાવડિયાં તો બચે છે ને!

X
neele gagan ke tale by madhu rye
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી