નીલે ગગન કે તલે / કાળસ્વપ્ન કાફ્કા

neele gagan ke tale by madhu rye

  • 1924માં જે જીવ જીવતેજીવ ભૂખે મરી ગયો તેની એક વાર્તાની હસ્તપ્રત 1988માં 19 લાખ ડોલરમાં વેચાઈ

Divyabhaskar.com

Sep 18, 2019, 07:44 AM IST

સૃષ્ટિમાં કેટલાક જીવો એવા છે જે ખાય, સંતતિ પેદા કરે ને મૃત્યુ પામે ને કેટલાક એવા છે જે વિચારે કે વ્હાય, વ્હાય, વ્હાય? શા માટે હું જન્મું છું, જીવું છું ને મરું છું. કેટલાકને ઉત્તર જડે છે હરિભક્તિમાં, કેટલાકને વિજ્ઞાનમાં ને કોઈને કલામાં. કોઈને જ્યારે જીવન સમસ્ત કશીક ઉદભટ અનિર્ણીત યોજનાથી ઘસડાતું લાગે છે તેવો એક શાપિત જીવ છે, ફ્રાન્ઝ કાફ્કા.

યુરોપયાત્રાના અંતિમ ચરણમાં ગગનવાલા ભટકતાં ભટકતાં ચેક રિપબ્લિકના પાટનગર પ્રાહા યાકિ પ્રાગ નગરના એક બારણે આવી ઊભા છે, જે કહે છે, ‘ફ્રાન્ઝ કાફ્કા...’ વગેરે. ફ્રાન્ઝ કાફ્કાનો જન્મ પ્રાગના એક જર્મનભાષી યહૂદી ખાનદાનમાં થયેલો.

તે વકીલાતનું ભણીને વીમા કંપનીમાં નોકરી કરતો હતો ને ફુરસદના સમયમાં વાર્તાઓ લખતો હતો. તેની કથાઓમાં સામાન્ય મનુજને હતાશા, નિરાશા, વિચ્છિન્નતા, ઉદ્વેગ અને જીવનની અયૌક્તિકતા બેબાકળો બનાવતી, કશીક શેતાની સાજિશ જાણે માણસમાંથી કીડા જેવી અસમર્થ બનાવતી જોવા મળે છે : ‘એક સવારે ગ્રેગોર સામ્સાએ એક માઠા સપનામાંથી જાગીને જોયું તો એના પોતાના શરીરનું રૂપાંતર કોઈ કીડાના ખોળિયામાં થઈ ગયું હતું.’ આ કથા પોતાના નદીકિનારે આવેલા ત્રીજા માળના ફ્લેટમાંથી નદી તરફ જોતાં જોતાં કાફ્કા લખતા હતા. કાફ્કા લખે છે કે નદીના ટોલ કલેક્ટરને ચોંકાવવા મને ઘણીવાર નદીમાં કૂદી પડવાનું મન થઈ આવતું!

પોતાની મામૂલી નોકરીમાંથી એનું માંડ પૂરું થતું હતું તો કાફ્કાએ તેના દોસ્ત મેક્સ બ્રોડ સાથે ટ્રાવેલ ગાઇડો લખીને પૈસા કમાવાનું નિરધારેલું, પરંતુ તેના મગજમાં સતત ચાલતા ચરખાના કારણે તેનું લખાણ ઘોર નૈરાશ્યને પ્રકટ કરતું હતું. તેના પારાવાર વિષમ પ્રભાવના કારણે કાફ્કાએ પોતાની અધૂરી રચનાઓ તથા અપ્રકાશિત લખાણોનો નાશ કરવાની સૂચના મેક્સ બ્રોડને આપેલી, પણ મેક્સે તેને અમાન્ય રાખીને તે કાફ્કાના દેહાંત બાદ તેનાં લખાણો એક પછી એક પ્રગટ કર્યાં, જે આજે વીસમી સદીના ધ્રુવ તારકની જેમ વિશ્વ સાહિત્યમાં ચમકે છે.

તેના મિત્ર મેક્સ બ્રોડના વર્ણન મુજબ ફ્રાન્ઝ કાફ્કા કદી જૂઠું બોલતો નહીં કે કોઈને છેતરતો નહીં, કેમ કે તેમાં તેને પોતાની માનહાનિ લાગતી. માયાના જગતમાં, કલ્પનાની આલમમાં વાચકના રોંગટા ઊભા કરી શકનાર આ જુવાન વાસ્તવની દુનિયામાં ઉંદરથી બીતો હતો.

તેની વાર્તામાં આવતી જીવનની ‘અર્થહીનતા’ માટે અંગ્રેજીમાં એક ખાસ શબ્દ બન્યો છે, ‘કાફ્કાસ્ક’, કાફ્કા–જેવું. પોતાના સતત ઉદ્વેગને વ્યક્ત કરવા ફ્રાન્ઝે મિત્રોને, પરિજનોને હજારો પત્રો લખેલા. તેને માતા-પિતા સાથે અતડો સંબંધ હતો. કાફ્કા કામ ઉપર હસમુખો કર્મચારી હતો, પરંતુ અંગત જીવનમાં અનેક જટિલ ગ્રંથિઓના કારણે તેના સંબંધો જર્જરિત થઈ જતા હતા. પોતાની પ્રેમિકા ફેલિસ બાવર સાથે બે વાર સગપણ કર્યા બાદ પણ તેમણે લગ્ન ન કર્યાં.

આધાશીશી, અવસાદ અને અનિદ્રાથી તથા ટીબીથી રિબાતો ફ્રાન્ઝ જીવનના અંતકાળમાં તલ અવીવ, પેલેસ્ટાઇનમાં સ્થાયી થવા માગતો હતો, પરંતુ ત્યાં રહેતા તેના મિત્ર બર્ગમેને કાફ્કાના ટીબીના રોગના ચેપની બીકથી ના પાડેલી. ટીબીમાં કાફ્કાના ગળાના કાકડા ફૂલી ગયેલા અને તે કોળિયા ગળે ઉતારી શકતો નહોતો. અંતે 1924માં ખોરાકના અભાવે તેનું મોત થયું.

ત્યાં સુધીમાં તેની અમુક વાર્તાઓ છૂટીછવાઈ છપાયેલી, પરંતુ કોઈએ ખાસ ધ્યાનમાં નહીં લીધેલી, પરંતુ અચાનક બીજા વિશ્વયુદ્ધનાં વર્ષોમાં કાક્ફાની વાર્તાઓની વિષમતા, અર્થશૂન્યતા, તીવ્રતા અતિ લોકપ્રિય થઈ. અનામી તુમારશાહીની અમોઘ ભીંસમાં મનુષ્યત્વ ગુમાવતો માણસ ફ્રાન્ઝ કાફ્કાનો કાયમી નાયક અથવા વિનાયક રહ્યો છે.

જાણે કાક્ફાની વાર્તા જ સાચે જિવાતી હોય તેમ 1924માં જે જીવ જીવતેજીવ ભૂખે મરી ગયો તેની એક વાર્તાની હસ્તપ્રત 1988માં 19 લાખ ડોલરમાં વેચાઈ. આજે સોહામણા પ્રાગ શહેરમાં ગલીએ ગલીએ ‘કાફ્કાનું ઘર’ છે, ઠેકઠેકાણે કાફ્કાના નામે યેહ હૈ ને વોહ હૈ ને તેના નામ થકી ને કામ થકી ઈશ્વર જાણે જગતમાં કેટલા લોકોનાં ભાણાં ભરાય છે. કાફ્કાના નામે ચાલતા અસંખ્ય ટૂરિસ્ટ ત્રાગડામાંના એકમાં ભોળવાઈને ગગનવાલા મોટી ટિકિટનો મૂંડો કરાવે છે; પછી નીચલા હોઠે તર્જની લગાડી તમને પૂછે છે કે આ કહાણી કાફ્કાની લખેલી છે કે કાફ્કાની પોતાની છે? જય સુરેશ જોષી!

X
neele gagan ke tale by madhu rye
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી