નીલે ગગન કે તલે / વહી ધનુષ વહી બાન

latest article by madhu rye

  • અમેરિકામાં 1918માં સ્થાનિક ‘લોકલ’ ટાઇમોને સરિયામ કરવા ટાઇમ ઝોન તથા સ્ટાન્ડર્ડ ટાઇમનો તથા ડેલાઇટ સેવિંગનો કાયદો આવ્યો

મધુ રાય

Mar 18, 2020, 08:01 AM IST

કલકત્તામાં પોતે મોટા થયા છે તે વાત ગગનલાલા ફોંગરાઈ ફોંગરાઈને કહેતા ફરે છે, વખતોવખત, અને આજે પણ છે તેવો વખત, કેમ કે આજની વાત છે ‘વખત’ વિશે. કલકત્તામાં બપોરે ત્રણ વાગ્યે સખત તડકો હોય ને સાંઝે પાંચ વાગ્યે થઈ જાય ભાંભરું અંધારું. કલકત્તીલાલ મોટા થઈને અમદાવાદ રહેવા આવ્યા ત્યારે અહો! અજાયબી પામેલા કે અહીં સાંઝના પાંચ તો ખરેખર બપોરના ધીખતા પાંચ છે, કેમ કે આખા ભારતમાં એક જ સ્ટાન્ડર્ડ ટાઇમ છે. વળી, ભારતમાં ડેલાઇટ સેવિંગ ટાઇમ નથી ને અમેરિકામાં અસ્તિ.
સૂર્ય બરાબર માથા ઉપર આવે તેને મધ્યાહ્ન ગણીને સ્થાનિક ટાઇમ નક્કી થાય છે, પણ કલકત્તા ને અમદાવાદમાં ‘બપોર’ અલગ અલગ ટાઇમે થાય. તેથી વર્ધાનો સ્થાનિક ટાઇમ આખા ભારતના સ્ટાન્ડર્ડ ટાઇમ તરીકે પ્રચલિત છે. ચૌડા–પહોળા અમેરિકામાં પાંચ-સાત ટાઇમ ઝોન તથા તેટલા ‘સ્ટાન્ડર્ડ’ ટાઇમો છે.
ગ્રીષ્મના લાંબા દિવસોના તડકાને કામે લગાડવાનો વિચાર વીજળીનો તથા બાયફોકલ ચશ્માંનો વિચાર જેમને આવેલો તે મહામના બેન્જામિન ફ્રેન્કલિન(1706–1790)ને પહેલી વાર પેરિસમાં આવેલો (જુઓ ફોટો). એટલે શું? અમેરિકામાં ગયા રવિવારે રાત્રે ત્રણ વાગ્યે બધી ઘડિયાળોએ એક–એક કલાકની પાછી પાની કરી છે જેથી ગ્રીષ્મનો તડકો માણવાનો રોજ એક-એક કલાક જનતાને વધુ મળે.
ડેલાઇટ સેવિંગ ટાઇમમાં કલાકની હેરાફેરીનો એક રોમાંચક કિસ્સો ઇઝરાયેલમાં બનેલો. સન 1999માં ઇઝરાયેલ શાસિત વેસ્ટ બેન્કમાં ડેલાઇટ સેવિંગ ટાઇમ ચાલુ હતો અને ઇઝરાયેલમાં સ્ટાન્ડર્ડ ટાઇમ. વેસ્ટના ‘આતંકી’ઓ એક ટાઇમ બોમ્બની સાથે બે બસ ભરીને યાત્રીઓને ઉડાડી દેવાના ઇરાદાથી ઇઝરાયેલમાં પ્રવેશ્યા, પરંતુ ટાઇમ ડિફરન્સના કારણે બસોના ટાઇમ કરતાં ટાઇમ બોમ્બ એક કલાક વહેલો ફૂટ્યો અને એમાં ત્રણ ‘ટેરરિસ્ટો’ માર્યા ગયા.
ડેલાઇટ સેવિંગ ટાઇમ પ્રથમ વિશ્વયુદ્ધના સમયથી યુરોપ અમેરિકામાં વપરાતો આવ્યો છે. તે સમયે વીજળી બનાવવાનું બળતણ બચે તે ખાતર જર્મની અને ઓસ્ટ્રિયાએ 1916ના ઉનાળામાં ઘડિયાળોને એક-એક કલાક પાછળ કરી અને શિયાળામાં ફરી આગળ કરી. તે જોઈને યુરોપના ઘણા દેશોએ અને બ્રિટને પણ તેમ કર્યું અને જન્મ થયો ડેલાઇટ સેવિંગ ટાઇમનો, પરંતુ બ્રિટનમાં તેવો કાયદો થતાંવેંત વિરોધની આંધી આવી, કેમ કે તે સમયે ભરતીઓટ માપવા માટે ગ્રિનીચ ટાઇમ વપરાતો હતો. અમુક સરકારી સ્થાનો વહેલાં બંધ થતાં ને અમુક પહેલાંની માફક ગ્રિનીચ ટાઇમે. તે પછી કાયદાઓની કબડ્ડી કબડ્ડી પછી હવે બ્રિટનમાં ડેલાઇટ સેવિંગનો એકધારો કાયદો ચાલુ છે.
અમેરિકામાં 1918માં સ્થાનિક ‘લોકલ’ ટાઇમોને સરિયામ કરવા ટાઇમ ઝોન તથા સ્ટાન્ડર્ડ ટાઇમનો તથા ડેલાઇટ સેવિંગનો કાયદો આવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ ડેલાઇટ સેવિંગની જરૂરત નહીં જણાતાં 1919માં ડેલાઇટ સેવિંગ બાબત શું કરવું તેનો નિર્ણય સ્થાનિક સરકારો ઉપર છોડાયો. તેમાં એવા ગોટાળા થવા લાગ્યા કે માનો કે અડધા ડિટ્રોઇટ શહેરમાં ડેલાઇટ ટાઇમ ચાલે ને બીજામાં નહીં!
વળી, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1942–1945માં પ્રેસિડેન્ટ ફ્રેન્કલિન રુઝવેલ્ટે ‘વોર ટાઇમ’ દાખલ કીધો ને તે પછી 1966 સુધી જે સ્ટેટને જેમ કરવું હોય તે કરવાની છૂટ મળતાં જબ્બર અંધાધૂંધી ફેલાઈ. માનો કે 1966માં પ્રેસિડેન્ટ લિન્ડન જોન્સને ડેલાઇટ સેવિંગની પ્રથાનો દેશવ્યાપી, પરંતુ મરજિયાત કાયદો પસાર કર્યો અને 1974માં પ્રેસિડેન્ટ નિકસને તેમાં સુધારાવધારા સાથે દેશવ્યાપી કાનૂન બનાવ્યો જે એક કે બીજા સ્વરૂપે આજે પ્રચલિત છે.
કોઈ કહે છે આ કાયદો સારો છે ને કોઈ કહે છે નઠારો છે. કોઈ કહે છે બળતણ કશું બચતું નથી આ ખાલી અય્યાશીનાં બહાનાં છે. કોઈ કહે છે અજવાળું વધુ વખત રહેવાથી ગાડીના અકસ્માત ઘટે છે ને કોઈ કહે છે અંધારું વહેલું થતું હોય ત્યાં પાયચારીઓ કાર એક્સિડેન્ટમાં વધુ મરે છે. કોઈ કહે છે કે અજવાળાનો સમય વધુ રહેવાથી લોકો ખરીદી કરવા વધુ બહાર નીકળે છે ને એમ ધંધાપાણીમાં બરકત આવે છે.
હાલ જાપાન, ચીન તથા હિન્દોસ્તાં તે ત્રણ વિકસેલા કે વિકસતા દેશોએ આ પ્રથા અપનાવી નથી. બાકી જહાં જહાં સૂર્યપ્રકાશ સોના જેવો કીમતી છે તેહ તેહ જગતભરના 70 દેશોમાં આ ડેલાઇટ સેવિંગની પ્રથા છે.

X
latest article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી