નીલે ગગન કે તલે  / સપનોં કી મેહફિલ મેં 

I dream of mehfil me

  • ભલું થજો એલેક્સ ક્રેઝરનું, જેના વિડિયોએ આ ચમત્કાર સર્જ્યો ને ઈશ્વરનો પાડ ને ઉપકાર!

મધુ રાય

Oct 16, 2019, 07:42 AM IST

આ લોસ એન્જલસ શહેરમાં 40 લાખ લોકોની ચાલીસ લાખ કથાઓ છે. તેમાં ક્યારેક કોઈના ગાવાનો અવાજ સંભળાય ને થાય, ઓહ! હાવ બ્યૂટીફૂલ!’ – પોલીસ ઓફિસર એલેક્સ ફ્રેઝર કોઈ વાર એવું બને કે તમે બારી ખોલો ત્યાં ચાર કબૂતર પાંખો ફફડાવી બારીના ટોડલે ડોકી ડોલાવતાં ડોલાવતાં તમને કહે કે હેલ્લો મિસ્ટર હાવાર્યુ! ત્યારે ટોટલ હરામખોરીથી ખદબદતી આ સ્વાર્થી, લુચ્ચી, કમજાત દુનિયા તમને અચાનક સેક્સી ને સુહાસિની દેખાવા લાગે.
અમેરિકાના લોસ એન્જલસ ગામમાં તારીખ 26મી સપ્ટેમ્બર એવો દિવસ હતો એમિલી ઝામુર્ખા નામની બાવન વરસની એક રશિયન બાઈના જીવનમાં અને ચન્દ્ર-મંગળની યુતિની જેમ તે દિવસ હતો સોનાના સૂરજ જેવો સાઈડ બાય સાઈડ લોસ એન્જલસ પોલીસ ડિપાર્મેન્ટના એક અફસર એલેસ ફ્રેઝરના જીવનમાં. લોસ એન્જલસની લોકલ મેટ્રો ટ્રેનના એક પ્લેટફોર્મ ઉપર એલેક્સે એક હોમલેસ ‘ભિખારણ’ને ઇટાલીના મહાન સંગીતજ્ઞ જિયાકોમો પુચિનીના ક્લાસિકલ ઓપેરાનું શાસ્ત્રીય ગીત ‘મેરે પ્યારે પિતા’ ગાતી સાંભળી અને એના અવાજથી અભિભૂત થઈને તેણે તેનો વિડિયો ટ્વિટર પર મૂક્યો, ઉપર ટાંકેલા ઉદગારો સાથે. અને તે હોમલેસ ‘ભિખારણ’ના ગીતથી વિડિયો વાઇરલ થઈ ગયો અને અચાનક તે એમિલી ઝામુર્ખાના જીવનનો ભમરો એક ગુંગુંગુંની ગુંલાટ મારીને સામી દિશામાં ઊડવા લાગ્યો, ઓ મેરે પ્યારે પિતા!

ત્રીસ વરસ પહેલાં મોલદેવિયાથી અમેરિકા આવેલી એમિલીએ ગાવાની કોઈ તાલીમ લીધી નહોતી, પરંતુ તે પિયાનો તથા વાદનમાં પ્રવીણ છે. અમેરિકામાં તે સંગીત વગાડતી, શીખવતી અને ફાજલ સમયમાં ફૂટપાથ ઉપર કે રેલવેના પ્લેટફોર્મ ઉપર વાયોલિન વગાડીને ગુજરાન ચલાવતી હતી. તેની પાસે $ 10,000ની કિંમતની એક મહામૂલી વિરાસત જેવું વાયોલિન હતું, જેના વડે તેની રોજી નીકળતી હતી.

પરંતુ તકદીરનું ખંજર એવું વાગ્યું કે તે વાયોલિન કોઈએ ચોરી લીધું અને અચાનક એમિલીને દાક્તરી તકલીફો ઊભી થઈ. તે દવાનાં ને હોસ્પિટલનાં બિલ ન ભરી શકી કે ન તો ઘરનું ભાડું આપી શકી અને જોતજોતાંમાં બાવન વરસની ઉંમરે એમિલી બેઘર બની રસ્તે રઝળતી વાર્તા થઈ ગઈ. છેલ્લાં ત્રણ વર્ષથી તે દિવસ આખો મેટ્રો ટ્રેનના પ્લેટફોર્મ ઉપર ગાઈને પાઈપૈસો કમાતી હતી ને રાત્રે કાર્ડબોર્ડનાં બોક્સ પાથરીને પાર્કિંગ લોટમાં સૂતી હતી.

એવામાં એકાએક અવકાશી પદાર્થોની અમીનજર થઈ ને ઓફિસર એલેક્સ ક્રેઝરે એમિલીના શાસ્ત્રીય ગીતનો વિડિયો ટ્વિટર ઉપર મૂક્યો ને તત્કાળ તે ‘વાઇરલ’ થઈ ગયો. સટસટ સટસટ દસ લાખ લોકોએ તે સાંભળ્યો! ભિખારણના ભાગ્યનો ભમરો ગુંગુંગું કરતો ઊડી ગયો સામી દિશામાં– લાહૌલ વિલાકૂવત! સાન પેદ્રો નામના નજીકના મહાનગરમાં એક નવો ઇટાલિયન ઇલાકો વિકસી રહ્યો છે, ‘લિટલ ઇટાલી’. તેના લોકાર્પણ પ્રસંગે ઇટાલિયન ઓપેરાનું એક ગીત ગાવા એમિલીને સરકારે બોલાવી! તે સમાચાર કવર કરવા દુનિયાભરમાંથી દર્જનબંધ પત્રકારો, ફોટોગ્રાફરો, ટીવી–ટમાટરો, બ્લોગરો ને અલબત્ત સંગીતકારો આવ્યા ને અહો! તેના પગલે સંગીત ઉદ્યોગના એક તગડા મ્યુઝિક પ્રોડ્યુસરે રેકોર્ડિંગ કોન્ટ્રાક્ટ મોકલ્યો છે એમિલી ઝામુર્ખાને. એમિલીને કાયમી ઘર અપાવવાની યોજનાઓ દોરાઈ રહેલ છે અને તેની આર્થિક મદદ માટે ‘ગોફન્ડમી’ નામે $ 100,000નું ફંડ એકત્ર થયું છે. તેના ચોરાયેલા વાયોલિન માટે અનેક ઓફરો આવી છે.

એમિલી આભી થઈને આસપાસ જુએ છે, આ શું? ગઈ કાલે હજી પૂઠાંના બક્સામાં સૂતી હતી ને આજે આ ચકાચૌંધ નેશનલ ફેઇમ! ભલું થજો એલેક્સ ક્રેઝરનું, જેના વિડિયોએ આ ચમત્કાર સર્જ્યો ને ઈશ્વરનો પાડ ને ઉપકાર! પરંતુ એમિલી કહે છે કે હું ગાઉં છું ને મને આ કુમક મળી, પણ જે લોકો ગાતા નથી ને ફૂટપાથ ઉપર સૂએ છે એમનું શું? લોસ એન્જલસની ફૂટપાથ ઉપર બીજા 59,000 હોમલેસ જીવો જીવે છે. તે પણ માણસ છે ને તેમને પણ ગૌરવભેર જીવવાનો હક છે, એમનો બેલી કોણ?
અને હવે આવે છે ખરેખર જે વાતથી આપણી બારીએ ચાર કબૂતર આવીને આપણને ઇંગ્લિશમાં ‘હલ્લો મિસ્ટર હાવાર્યુ’ કહે છે તે વાત: એમિલીના કિસ્સાથી પ્રેરાઈને ત્યાંની યુનિવર્સિટીએ લાખો ડોલરના ફંડ સાથે એક વિપન્ન જનસાધારણને સહાય કરવાના વિધવિધ ઉપાયોનો ‘બેડારી કાઇન્ડનેસ ઇન્સ્ટિટ્યૂટ’ નામનો એક નૂતન કાર્યક્રમ આરંભ્યો છે. જય પૂજ્ય પિતા પુચિની!

X
I dream of mehfil me

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી