નીલે ગગન કે તલે / ધેટ વોઝ ધ મેઇન ધક્કા

DivyaBhaskar.com

Feb 20, 2019, 08:07 AM IST
Article by madhu ray

એક સમયે આપણને સંસ્કાર અપાતા કે ફોન સાત ઘંટડી સુધી કોઈ ન ઉપાડે તો મૂકી દેવો. તે વ્યક્તિનો સામેથી ફોન આવે નહીં ત્યાં સુધી વધુ ખલેલ ન કરવી. પ્લસ, કોઈને પત્ર લખવાનો થાય તો મોતીના દાણા જેવા અક્ષરે ગુજરાતી અથવા ચાર લીટીની ખાસ નોટબુકોમાં ઘૂંટલા ત્રીજી ચોથી એબીસીડીમાં અંગરેજી લખતા શિખવાડાતું. કોઈ ચર્ચાસભામાં એક વ્યક્તિ બોલતી હોય ત્યારે તેને બોલી લેવા દેવાતું, પછી તમારી દલીલ રજૂ કરાતી. વચ્ચે ન બોલવામાં સભ્યતા ગણાતી, કોર્ટોમાં સામસામા પક્ષના વકીલોમાં એકબીજાને ‘મારા વિદ્વાન મિત્ર’ કહેવાતું અને રાજનેતાઓ પરસ્પરનો મલાજો જાળવી બહસ કરતા. સામાન્ય તકરારોમાં અશ્લીલ બોલી અસંસ્કારી ગણાતી, તમારાથી કોઈનું નુકસાન થાય તો ભરપાઈ કરવામાં ભદ્રતા ગણાતી, જાણ્યે-અજાણ્યે કોઈની લાગણી દુભાવી હોય તો નમ્રતાપૂર્વક તેનો ખુલાસો કરવામાં સજ્જનતા હતી. હવે જાણે અચાનક જગતભરમાં તુચ્છતા, અભદ્રતા, બદતમીજી વગેરે સર્વ સ્વીકાર્ય થયાં છે. નમ્રતાને નામર્દાનગી ગણી લેવાય છે ને સામી વ્યક્તિની લાગણી કરતાં જાણે નોર્મલ ગણાય છે, આપણી ઉદ્ધતાઈ!
ગગનવાલા જ્યાં રહે છે તે દેશમાં અભદ્ર ભાષા, નિર્લજ્જ વર્તન, બીજા કોઈની કશી પરવા વિના ‘આઇ, મી, એન્ડ માયસેલ્ફ’ મતલબ કે ‘મારો સ્વાર્થ ને મારો રુઆબ ને એક હું, એક હું’નું કલુષિત વાતાવરણ છે. તેનાથી અને અનવદ્ય ટાઢથી લગીર બચવા ગગનવાલા શિયાળા પૂરતા ભારતમાં આવી વસે છે, કેમ કે ‘ભારતના દેવ હનુમાનનો ફોટો તો અમેરિકાના ઓબામા બી ખિસ્સામાં રાખે’ તેવો આધ્યાત્મિક આ દેશ છે, પણ ગગનવાલાના એક સંબંધી મિસ્ટર બાદલ કાયમ અમદાવાદ રહે છે ને આમ દુનિયાના ઘણા દેશોમાં ફરતા બી હોય છે. મિ. બાદલનું માનવું છે કે અમેરિકાની માફક યુરોપ, આફ્રિકા કે આરબ કન્ટ્રીઝોમાં પણ મગરૂરી કે તોછડાઈને ‘પ્રતિભા’ ગણવામાં આવે છે ને અલબત્ત અહીં ભારત મેં ભી તૂ તૂ મૈં મૈં, નગ્ન સ્વાર્થ અને તમીજનો અભાવ દેખાવાનું શરૂ થયું છે.
દાખલા તરીકે એક છોકરીની કાર એક મિત્રની કારના સાઇડ મિરર સાથે અથડાઈ અને મિરર તૂટી ગયો. છોકરી પરવા વિના હાંકી ગઈ. તો કેટલે સુધી મિત્ર તેની પાછળ ગયા ત્યારે તેણે ગાડી અટકાવી. બારી ઉતારીને કહ્યું કે ‘લેડિઝની પાછળ પાછળ આવો છો?’ મિત્રએ કહ્યું, ‘મેડમ, તમે મારો મિરર તોડી કાઢ્યો.’ મેડમ બોલી, ‘ગામડિયા બધા મોટર લઈ લઈને ફરો છો ને હાંકતા આવડતું નથી?’, ‘મેડમ, હું અમદાવાદમાં બોર્ન થયો છું.’ મેડમ બોલી, ‘જો જાડિયા, અમદાવાદ હવે ક્રાઉડેડ થતું જાય છે, આવું નાનું-મોટું થયા કરે તેમાં ખોટી રાડારાડ ન કર.’ મિત્રએ કહ્યું કે, ‘મિરર નાનું નુકસાન નથી.’, ‘તો? કેટલાનો થાય તારો કાચ?’ મિત્ર કહે, ‘કાર લીધી ત્યારે મેં પાંચ હજાર આપેલા.’, ‘તો કેટલા પડાવવા માગે છે?’, ‘મારે પૈસા નથી જોઈતા, તમે મિરર નવો નંખાવી આપો.’
રકઝક પછી બંને તે છોકરીના મિકેનિક પાસે ગયા. મિકેનિકે કહ્યું કે, ‘જૂનો નાખી આપું તો ત્રણ હજાર થાય.’ છોકરી તડૂકી, ‘જો ત્રણ હજાર થાય ને આ સાલો જાડિયો પાંચ હજાર પડાવવા માગે છે.’ જાડિયાએ કહ્યું, ‘મેં પૈસા માગ્યા નથી, મિરર નંખાવી આપો.’ છોકરીએ કહ્યું, ‘આ ત્રણ કહે છે, જાડિયા ચાલ અડધા અડધા કરી લે.’ જાડિયો જોઈ રહ્યો. તેણે કહ્યું, ‘મારે પૈસા નથી જોઈતા, મિરર નંખાવી આપો.’
મેડમ ટસની મસ ન થઈ. કહે કે, ‘ડેમેજ 3000નું થયું છે ને મારો પોર્સન 1500નો થાય એનાથી વધારે હું નહીં આપું. લેવા હોય તો લે, નહીંતર બાય બાય.’ અને મિત્ર કાંઈ બોલે તે પહેલાં તેનો ને તેની ગાડીની લાઇસન્સ પ્લેટનો ફોટો પાડી તે હાંકી ગઈ.
મિ. બાદલ કહે કે, ‘મિકેનિકને અને આસપાસના સાંભળનારાઓને છોકરીની તુમાખી સ્વાભાવિક લાગી, ‘બિચારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી હોય! તમારે પંદરસો તો પંદરસો લઈ લેવા જેવા હતા.’ જાડિયો ચૂપ રહ્યો. ધીમે ધીમે ગાડીમાં બેઠો. મિરરના ડેમેજ કરતાં તેના સ્વમાનને લાગેલો ધક્કો મોટો હતો.
‘નો, નો, નો!’ મિસ્ટર બાદલ ગગનવાલા સામે પંજો હલાવતાં કહે છે, ‘ધેટ ધક્કા જો લડકીને લગાયા વો તો બેડ ઇનફ થા, લેકિન બાકી લોગોં ને લડકી કે સલૂક કો નેચરલ સમઝા, સમાજ ને જો લડકી કા અરોગન્સ જસ્ટીફાઇડ સમઝા, ધેટ વોઝ ધ મેઇન ધક્કા!’
madhu.thaker@gmail.com
X
Article by madhu ray
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી