તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમ્પ્યૂટર સ્કૂલ? નો ટીચર? નો બુક્સ? નો ફી?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમને સૌને ખબર છે કે ફ્રાન્સ નામનો એક દેશ છે ને તેમાં છે પેરિસ નામનું એક નગર, પણ તમને કદાચ ખબર નથી કે પેરિસમાં એક ફ્રી કમ્પ્યૂટર સ્કૂલ છે, જેમાં ભણવાની કશી ફી નથી, ભણાવનાર કોઈ માસ્તર નથી કે ભણવાના ચોપડા ચોપડીની જંજાળ નથી. સન 2013માં શરૂ થયેલી આ ઇસ્કૂલ ફેક્ટરી પ્રકારના કેમ્પસમાં ચાલે છે; તેમાં હોસ્ટેલની જેમ વિદ્યાર્થીઓ સ્લીપિંગ બેગ્ઝ સાથે પિઝા ને બિયર વગેરેના આહારથી જીવે છે ને રહે છે ને એકબીજાની સહાયથી કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ શીખે છે.
પોતાના ગજવામાંથી 78 મિલિયન ડોલરના ખર્ચે ઊભી કરેલી આ સ્કૂલના સ્થાપક છે ઝેવિયેર નીલ નામના ફ્રાન્સના એક સનકી અબજોપતિ, 51મા વર્ષે ફ્રાન્સની રાક્ષસી કદની ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની અને મોબાઇલ ઓપરેટર ઇલિયાડ કંપનીના 'ફ્રી' બ્રાન્ડનેઇમ મોબાઇલ ફોન સર્વિસના તથા ફ્રાન્સના પ્રતિષ્ઠિત અખબાર 'લા મોંદ'ના પણ મેજોરિટી શેરહોલ્ડર છે. અમેરિકાના પ્રતિષ્ઠિત ફાઇનાન્સિયલ મન્થલી 'ફોરચ્યુન'ના સંવાદદાતા વિવિયન વોલ્ટના હેવાલ મુજબ આ ઝેવિયેર સાહેબ પોતે ખાસ ભણ્યા નથી. કમાવા માટે શરૂઆતમાં જ્યારે કમ્પ્યૂટર શૈશવમાં હતું ત્યારે કામશાસ્ત્રનાં દૃશ્યો બતાવતી દુકાનોની ચેઇન લીધેલી સાહેબે. પછી સન 2006માં મહાશયે તે દુકાનોમાંથી 2000,000 યુરોની તફડંચી કરી સજા ભોગવી. દરમિયાન હૈયાસૂઝથી નીલમહાશય જાતે જાતે કમ્પ્યૂટર કોડિંગ શીખી ગયા ને લાગલો જ એક પ્રોગ્રામ બનાવ્યો 'સેક્સચેટ' મતલબ 'અગડમ બગડમ કેરી ગોઠડી'. ને લાગલો જ 50 મિલિયન ડોલરમાં વેચાયો! પછી તો તેમણે આ ખરીદ્યું ને ઓલું ખરીદ્યું ને પેલું હાંસલ કીધું. આજે ફ્રાન્સના સાતમા નંબરના ધનકુબેર છે.
નીલબાબુ કહે છે કે વિદ્યાર્થીઓને ક્લાસના ઓરડામાં ભંડારી રાખવામાં આવે છે, પહેલેથી નક્કી કરેલા ભણતરનું ભૂસું એમને નિર્વેદથી ભરી દે છે અને એમને બસ ધૂન ચડી તો 2013માં સ્થાપી નાખી આ કમ્પ્યૂટર પ્રોગ્રામિંગની ઇસ્કૂલ. તે ઇસ્કૂલનું નામ રાખ્યું છે, '42'. એવું કેવું નામ? સન 1979માં ડગલસ આડમ્સ નામના લેખકે એક સાયન્સ ફિક્શન ટાઇપ નવલકથા લખેલી, 'ધ હિચહાઇકર્સ ગાઇડ ટુ ધ ગેલેક્સી'. તેમાં એમને તોર આવ્યો ને લખી કાઢ્યું કે આ જિંદગીની, આ બ્રહ્માંડની અને સર્વાધિસર્વત્રની તમામેતમામ સમસ્યાઓનો ઉત્તર છે 42! ને નીલકુમારે ઇસ્કૂલનું નામ રાખ્યું '42'. તેના મકાન ઉપર ચાંચિયાઓનો ઝંડો લહેરાવાયો. તેમાં દર વર્ષે 40,000 ઉમેદવારો આવેદન કરે છે જેમાંથી 3000ને વધુ ચકાસણી માટે બોલાવાય છે અને તેમાંથી 1800 વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે 'ફોરટીટુ'માં. તેમને કમ્પ્યૂટર પ્રોગ્રામિંગની એકડીબગડી ઘૂંટાવવાની સખત ટ્રેનિંગ અપાય છે. હવે ચાંચિયાની ધજા ઉતારી લેવાઈ છે, પણ અરાજકતા ગઈ નથી ને દીવાલો ઉપર વિખ્યાત કલાકારોની વિખ્યાત કૃતિઓ ઝૂલે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેકરો આ વિદ્યાલયની જાત્રાએ અવારનવાર પધારે છે.
બરાબર, પણ આ છ વરસમાં કાંઈ કંદમૂળ લાધ્યાં? નીલગારુ કહે છે કે પ્રોગ્રામર બનવું હોય તો જરૂર છે ફક્ત તર્કશાસ્ત્ર યાને લોજિકની સૂઝની ને ગગનગામી મહત્ત્વાકાંક્ષાની. બાકી બધાની પરવા ઇલ્લે. ગણિતના રાજા હોવુંયે જરૂરી નથી. 'અમારા 40 ટકા વિદ્યાર્થીઓ હાઈસ્કૂલ પાસ નથી. માણસે પહેલાં શું કરેલું તે નહીં, પણ હવે શું કરી શકે તેમ છે તે જોવાનું હોય છે.'
ઓકે, તો હવે તેમના વિદ્યાર્થીઓ કેવા સફળ થયા છે! એક છોકરો પિઝા ડિલિવરી કરતો હતો તે હવે ગંજાવર પગારોની નોકરીઓને ના પાડે છે ને પોતાની કંપની ખોલનાર છે. એક છોકરી ફાઇન આર્ટ સ્કૂલ છોડીને '42'માં આવી ને પાંચ વરસમાં તેણે આર્ટિફિશિલ ઇન્ટેલિજન્સની 'ચાટબોટ'નું સર્જન કરેલ છે. ઇકોનોમિસ્ટ બનવા માગતા એક છોકરાએ બ્લોકચેઇન કંપની શરૂ કરી રહેલ છે. ઝેવિયર નીલ કહે છે કે હવે ફ્રાન્સની બેન્કો ને ફેશન હાઉસીઝ જેવી જૂના વિચારની પેઢીઓ પણ '42'ના વિદ્યાર્થીઓને નોકરીઓ ઓફર કરે છે.
આ '42'નું બીજું કેમ્પસ 2016માં કેલિફોર્નિયામાં ખોલાયું, પરંતુ તે હજી લોકપ્રિય થયું નથી. ઝેવિયેર નીલ આંખ મીંચકારીને કહે છે કે લોકોને થાય છે કે મ ફ ત છે એટલે કાંઈક ચારસો બીસી હશે. જય જ્હોન બાકુસ!
અન્ય સમાચારો પણ છે...