માય સ્પેસ / વિરોધ કે સમર્થન સાચી માહિતી એ પહેલી શર્ત છે

Opposition or endorsement is the first condition of truthful information

  • CAAમાં કોઈની ય નાગરિકતા છિનવાઈ જવાનો પ્રશ્ન આવતો નથી. આ નિયમ ફક્ત ભારતમાં વસતા નાગરિકની સુરક્ષાને વધુ મજબૂત કરવાનો સરકારનો પ્રયાસ છે

Divyabhaskar.com

Dec 29, 2019, 07:40 AM IST

‘કિસ ચીઝ કા વિરોધ કર રહે હૈં?’ એક અવાજ પૂછે છે.
‘યે કાનૂન જો હૈ ઉસકા વિરોધ કર રહે હૈં’ એક ચહેરો જવાબ આપે છે.
‘કાનૂન ક્યા હૈ?’ અવાજ ફરી પૂછે છે.
‘વો તો પતા નહીં...’ ચહેરો જવાબ આપે છે, ‘ઉસ ચીજ કા ફુલફોર્મ તો પતા નહીં...’ રેલીમાં તોફાન કરી રહેલા અનેક લોકોને આ સવાલ ફેરવી ફેરવીને પૂછવામાં આવે છે અને દરેકનો જવાબ લગભગ એક જ છે, એમને ખબર નથી કે એ શેનો વિરોધ કરી રહ્યા છે. આ વિડિયો હમણાં બહુ વાઈરલ થયો છે.

અમદાવાદમાં પણ સીએએ બિલનો વિરોધ થયો. શું છે આ બિલ? આ નાગરિકતા સંશોધનનો કાયદો આપણે સમજ્યા છીએ કે સમજ્યા વગર જ મંડ્યા છીએ? આ સીએએ એટલે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ.
1955માં ભારતીય નાગરિકતા વિશેનો એક કાયદો બનાવવામાં આવ્યો. જેની વિગતો સંવિધાનના 5થી 11 ફકરામાં મળે છે. આ કાયદાને બદલવા માટે 2016માં એક વિધેયક રજૂ કરવામાં આવ્યું. જેમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા અવૈદ્ય, ગેરકાયદેસર ઘૂસપેઠિયાને નાગરિકતા મળવી જોઈએ કે નહીં એની ચર્ચા કરવામાં આવી. 12 ઓગસ્ટ, 2016થી 7 જાન્યુઆરી, 2019 સુધી આના પર સંશોધન કરીને સંયુક્ત સંસદીય કમિટીએ પોતાનો રિપોર્ટ આપ્યો. શીતકાલીન સત્રમાં આને ફરી રજૂ કરવામાં આવ્યું અને 9 ડિસેમ્બર, 2019ના દિવસે 311 વિરુદ્ધ 80 વોટથી લોકસભામાં પાસ થયું.

11 ડિસેમ્બરે રાજ્યસભામાં રજૂ થયું જેમાં 125 વિરુદ્ધ 99 વોટથી આ બિલ પાસ થયું. રાષ્ટ્રપતિની મંજૂરી પછી આ કાયદો બન્યો જેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન ધર્મના પ્રવાસીઓ માટે નાગરિકતાના નિયમોને સહેલા કરવામાં આવ્યા છે. પહેલાં કોઈ પણ વ્યક્તિને ભારતની નાગરિકતા મેળવવા માટે 11 વર્ષ અહીંયાં રહેવું જરૂરી હતું. હવે એ સમયને ઘટાડીને 6 વર્ષ કરવામાં આવ્યો છે. સરળ શબ્દોમાં સમજવું હોય તો આ ત્રણ દેશોના છ ધર્મોના લોકોને ભારતમાં આવીને વસવું હોય તો એમના માટે નિયમો સરળ કરવામાં આવ્યા છે, જેમાં મુસ્લિમનો સમાવેશ થતો નથી. વાત આટલી જ છે! એનઆરસી એટલે નેશનલ સિટીઝન રજિસ્ટર તૈયાર થઈ રહ્યું છે. જેના લિસ્ટ મુજબ ભારતના નાગરિકોનું એક લિસ્ટ તૈયાર થશે. જેની મદદથી સરકારને અથવા દેશની સુરક્ષા કરનારાઓને ભારતમાં ઘૂસેલા આપણા દુશ્મનોની ઓળખ કરવામાં સરળતા રહેશે. અત્યારે આ પ્રક્રિયા ફક્ત આસામમાં પૂરી થઈ છે અને ત્યાં એનઆરસીનું ફાઇનલ લિસ્ટ પબ્લિશ થઈ ચૂક્યું છે. સરકારનું કહેવું છે કે આખા દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે.

આ બધું ખરેખર તો આપણી સુરક્ષા માટે અને આપણા ફાયદામાં છે. જેને સમજ્યા વગર આપણે, ભારતીય નાગરિકતા ધરાવતા મોટાભાગના લોકો આના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. આપણો દેશ એવો દેશ છે જ્યાં અનેક ધર્મના લોકો નિવાસ કરે છે અને સૌને નાગરિકતા આપવામાં આવે છે. અમિત શાહે પોતાના વક્તવ્યમાં ગૃહમંત્રાલય તરફથી એવી સ્પષ્ટતા કરી હતી કે સીએએ ભારતમાં કોઈ પણ ધર્મના નાગરિક સાથે અન્યાય નહીં કરે. પ્રયાસ એ છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં જે નાગરિકો બિનમુસ્લિમ છે અને એમણે ભારતમાં શરણ લીધું છે તે સૌને ભારતીય નાગરિકતા આપવામાં સરકાર સહાયરૂપ થશે. તો આમાં ખોટું શું છે?

અહીં અખાનો છપ્પો યાદ આવે છે, ‘કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.’ આર્ટિકલ 370 હોય કે સીએએ, અંતે તો ભારતની સુરક્ષાનો પ્રશ્ન છે. ભારતીય નાગરિકતા વિશેના કાયદા અને અહીં વસતા નાગરિકોની સામે ઘૂસી આવતા આપણા દુશ્મનો વચ્ચે જો એ સ્પષ્ટ રેખા દોરાઈ શકતી હોય તો સરકારે એવો પ્રયાસ કરવો જોઈએ કે નહીં? જે દેશો પોતાની જાતને કોઈ એક ધર્મના રાષ્ટ્ર તરીકે ઓળખાવે છે એ દેશોમાં જો અલ્પ સંખ્યા ધરાવતા લોકોને ફક્ત ધર્મને લીધે હેરાનગતિ થતી હોય કે એ પોતાનો ધર્મ પાળવા માટે જે-તે દેશ છોડવા માંગતા હોય તો ભારત એમને આવકારે અથવા એમને કાયદેસર રીતે ભારતમાં વસવાની મંજૂરી આપે એમાં વિરોધ કરવા જેવું શું છે?

કેટલાક લોકોને એવી ગેરસમજ છે કે આ બિલને લીધે અમુક લોકોની નાગરિકતા છિનવાઈ જશે. આ ગેરસમજ સત્વરે દૂર કરવાની જરૂરિયાત એટલા માટે છે, કારણ કે આમાં કોઈની ય નાગરિકતા છિનવાઈ જવાનો પ્રશ્ન આવતો નથી. આ નિયમ ફક્ત ભારતમાં વસતા નાગરિકની સુરક્ષાને વધુ મજબૂત કરવાનો સરકારનો પ્રયાસ છે એવું મને સમજાય છે.

અમેરિકન બોર્ડર સિક્યોરિટી ઉપર જ્યારે આપણે વિઝા લેવા ઊભા હોઈએ છીએ ત્યારે એ આપણને જે પ્રશ્ન પૂછે એ નમ્રતાથી અને ક્યારેક ગરીબડા થઈને જવાબ આપીએ છીએ. એ માગે તે બધાં ડોક્યુમેન્ટ્સ, કાગળિયાં આપણે રજૂ કરીએ છીએ. કારણ એ છે કે આપણે અમેરિકામાં પ્રવેશવા માગીએ છીએ. ભારત જ્યારે કોઈ એક દેશના નાગરિકને પ્રશ્ન પૂછે અથવા પોતાના જ દેશના નાગરિકની સુરક્ષા માટે બીજા દેશમાંથી ભાગી આવેલા શરણાર્થીઓ પાસે ડોક્યુમેન્ટ્સ માગે કે એમને નાગરિકતા આપવી કે ન આપવીનો નિર્ણય કરતા પહેલાં કેટલીક ચોક્સાઈ કરવા માગે તો એનો વિરોધ થવો જોઈએ કે આપણે આપણી સરકારને સહકાર આપવો જોઈએ?


આપણા દેશમાં થઈ રહેલા બોમ્બ ધડાકા કે અસુરક્ષાનો રસ્તો શોધવાનો આ એક પ્રયાસ હોઈ શકે. બોમ્બ ધડાકા કે અસુરક્ષા કોઈ એક ધર્મની વ્યક્તિની જવાબદારી છે એવું કહેવાનો આશય નથી, પરંતુ આ દેશની અત્યારની સરકાર સામે અનેક વિરોધ હોઈ શકે તેમ છતાં આ સરકાર દેશની સુરક્ષાનો પ્રયાસ કરી રહી છે. આપણા બધાના જીવન આ દેશની સુરક્ષા પર નિર્ભર છે એવું સમજવા છતાં આપણે કેમ અર્થ વગરના આંદોલનમાં જોડાઈએ છીએ? દેશની સુરક્ષાનો પ્રશ્ન આવે ત્યારે દરેક વ્યક્તિએ એ વિશે ગંભીરતાથી સહકાર આપવો જોઈએ, કારણ કે આપણા પછીની પેઢી પણ આ દેશમાં જીવવાની છે. વિકસી ગયેલી ટેક્નોલોજી સાથે ફેક પાસપોર્ટ, ફેક આઈડેન્ટિટી ક્રિએટ કરવી અઘરી નથી એ તો આપણે સમજી જ ગયા છીએ. આ સમજ્યા છતાં, ફક્ત કોઈ એક પક્ષ-વિપક્ષના કહેવાથી, ઉશ્કેરવાથી જો આપણે દેશની સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા છે તો આપણી અસુરક્ષાની જવાબદારી આપણી પોતાની રહેશે.


ભારતીય જનસમાજ ધીમે ધીમે ઘેટાના ટોળા જેવો થતો જાય છે. વાતને સમજ્યા વગર, કોઈ એક વ્યક્તિ ચાલે તે દિશામાં પાછળ આખું ટોળું ઘસડાય. આગલી વ્યક્તિ ક્યાં જાય છે એની ખબર ન હોય તો પણ નીચે માથે પાછળ પાછળ ચાલ્યા કરવાનું આપણું ભાગ્ય છે કે આપણી ચોઈસ?


વિરોધ ચોક્કસ હોઈ જ શકે અને કરવો જ જોઈએ, જો ખરેખર મુદ્દો હોય તો. આપણી પાસે એ મુદ્દાની સમજ અને માહિતી હોય તો... છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયાએ દાટ વાળ્યો છે. સમજાય કે ન સમજાય, દરેક માણસ દરેક વાત વિશે પોતાનો એક અભિપ્રાય આપવા માગે છે. જ્ઞાન પ્રદર્શન કરવાનો અને પોતાનું મહત્ત્વ ઊભું કરવાનો આ પ્રયત્ન આપણી બેવકૂફી છે. બિનજરૂરી દલીલો, એકબીજાને ઉતારી પાડતા અંગત અને ગંદા આક્ષેપથી જીતવાનો પ્રયત્ન આપણા જ સંસ્કાર અને ઉછેરનું પ્રદર્શન છે એ આપણે સમજતા નથી. જે વાત વિશે આપણે કંઈ જાણતા નથી એ વાતને સમજ્યા વગર, માહિતી વગર સ્વીકારવી કે નકારવી બંને ખરેખર ભયજનક અને ખતરનાક છે.


સીએએ, સિટીઝનશિપ એમેડમેન્ટ એક્ટના વિરુદ્ધમાં બે પ્રકારના લોકો પ્રદર્શન કરી રહ્યા છે. નોર્થ ઈસ્ટના લોકો વિરોધ કરે છે, કારણ કે અહીં બહારના લોકો આવીને વસશે જેનાથી એમની શાંતિ અને સંસ્કૃતિ જોખમાશે એવું એ લોકો માને છે. એમના સિવાયના, ભારતના બીજા પ્રાંતોમાં જે પ્રદર્શન થાય છે એ લોકો એવી અફવા ફેલાવવાનો પ્રયત્ન કરે છે કે આવો કાયદો ગેરકાનૂની છે. આનાથી ભારતીય નાગરિકતા છિનવાઈ જવાનો ભય ઊભો થશે. ગૂગલ ઉપર બધી જ માહિતી ઉપલબ્ધ છે. અંગ્રેજી અને ભારતીય ભાષાઓમાં આ માહિતીને વાંચી, સમજીને પછી આનો સ્વીકાર કે અસ્વીકાર કરવો, એટલું તો એક સમજદાર માણસ તરીકે આપણે કરવું જોઈએ ખરું ને?

X
Opposition or endorsement is the first condition of truthful information
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી