માય સ્પેસ / ખોવાયેલું સંતાનઃ માતા-પિતા મિસ કરે એના કરતાં...

my space by kajal oza vaidya

  • મોટા ભાગનાં મા-બાપને કદાચ કલ્પના પણ નથી કે એમની સખ્તી અને કંટ્રોલ જ એમની દીકરીને કોઈ ષડ્યંત્રનો ભોગ બનાવી શકે છે

કાજલ ઓઝા વૈદ્ય

Oct 13, 2019, 08:18 AM IST

1 ઓક્ટોબરે અમદાવાદમાંથી એક છોકરી ગુમ થઈ. 8મી ઓક્ટોબર સુધી એના વિશે પોલીસ ક્લ્યુલેસ છે. માહિતી ખૂબ છે, પણ એ માહિતીથી ખાસ મદદ મળી નથી. 8મી ઓક્ટોબરે વૃષ્ટિએ ઈ-મેઈલ કરીને પોતાની મમ્મીને કહ્યું કે, ‘મારી ચિંતા નહીં કરતાં, હું સલામત છું. એને નોકરી મળી ગઈ છે અને હું ખુશ છું.’ આ ઈ-મેઈલ એણે પોતે જ કર્યો છે કે કોઈએ એના બદલે કર્યો છે એની પણ હજી ચોક્સાઈ થઈ શકી નથી! રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ, સોસાયટી બહારના સીસીટીવી ફૂટેજ અને બધી જ માહિતીનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છતાં વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ક્યાં છે એની હજી કોઈને ખબર નથી. આપણને નવાઈ લાગે, પરંતુ જો ઈન્ટરનેટ પરના આંકડાનો ભરોસો કરીએ તો 2015ના એક રિપોર્ટ મુજબ ભારતમાં રોજ 400 યુવતીઓ અને બાળકો ગુમ થાય છે. જેમાંનાં મોટાભાગનાં મળતાં નથી. આ માત્ર ભારતનો જ સવાલ નથી. અમેરિકા જેવા દેશમાં ટેક્સાસ અને નાવાડા જેવા છેવાડાના સ્ટેટ્સમાં લેડીઝ બાથરૂમના દરવાજા બંધ કરીએ ત્યારે ત્યાં લખેલી સૂચના વંચાય, હ્યુમન ટ્રાફિકિંગનો શક લાગે તો નીચેના નંબર પર ફોન કરવો. તમે હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર હો તો નીચેના નંબર પર ફોન કરો તમને એરપોર્ટ પર જ મદદ મળશે!

ભારતમાં પણ ઓનરકિલિંગ અને વર્ગ સંઘર્ષમાં અનેક દીકરીઓનો ભોગ લેવાય છે. હજી હમણાં જ બહાર આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કિસ્સાઓમાં માત્ર ભણવા માગતી છોકરીને ગામના કહેવાતા ઉચ્ચ વર્ણના લોકોએ જાહેરમાં નગ્ન કરીને નાચવાની ફરજ પાડી. એક તરફથી આપણે વિકાસનો દાવો કરીએ છીએ. ઈન્ડસ્ટ્રીઝ, બુલેટ ટ્રેન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આપણી જિંદગીનો કબજો લઈ બેઠા છે ને બીજી તરફ જો 2015માં 400નો આંકડો હોય તો આજે કેટલો એ આપણે સમજી શકીએ છીએ છતાં આંખ આડા કાન કરીને એ વિશે ચર્ચા પણ ટાળી દઈએ છીએ.

આપણે બધા જ જાણીએ છીએ કે કુમળાં બાળકોને મિડલિસ્ટ અને યુરોપમાં વેચી નાખવામાં આવે છે. પીડોફેલિયા (બાળકો સાથે દુષ્કૃત્ય કરવાના મનોરોગીઓ) આવાં બાળકોને ખરીદે છે. કેટલાક ટીનએજ બાળકોનાં અંગોનો વ્યાપાર થાય છે. તો બીજી તરફ યુવાન દીકરીઓને પણ આવી જ રીતે વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાય છે. એવું નથી કે આપણે આ વિશે જાણતા નથી. ભણેલા-ગણેલા લોકોને આ વિશે બધી જ ખબર છે તેમ છતાં એ વિશે કશું જ કરવાનું આપણને સૂઝતું નથી. ફેસબુક જેવા માધ્યમનો ઉપયોગ આપણે એકબીજાને ઉતારી પાડવામાં અને અંગત આક્ષેપો કરીને ચારિત્રખંડન કરવામાં વાપરી શકીએ, પરંતુ આવી રીતે ખોવાયેલાં બાળકો કે ક્યાંક નજરે દેખાય એવી ગરબડને અટકાવવા માટે આપણે કશું જ કરવા તૈયાર નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક લેખ મુજબ ખોવાયેલ દીકરીની ફરિયાદ કરવા જતાં મોટાભાગનાં માતા-પિતાને પહેલો સવાલ એના બોયફ્રેન્ડ વિશે પૂછવામાં આવે છે. એ ભાગી જ ગઈ હશે એવું ધારી લેવામાં આવે છે. બેથી ત્રણ દિવસ સુધી મિસિંગ પર્સનનો રિપોર્ટ ન લખવામાં આવે, ત્યાં સુધીમાં જો ખરેખર આ અપહરણ હોય તો નેપાળ કે રાજસ્થાન થઈને પાકિસ્તાનના રસ્તે છોકરી દેશની બહાર મોકલી દેવામાં આવે છે. પોલીસનો પણ વાંક નથી, રિપોર્ટ લખી લે, પછી જો છોકરી પાછી આવી જાય તો કેટલાંક માતા-પિતા એ કહેવા પણ પોલીસ સ્ટેશન સુધી લાંબા થવાની તસદી નથી લેતાં!

ઘરેથી ભાગી જતી છોકરીઓ દરેક વખતે બોયફ્રેન્ડ સાથે જ ભાગી જાય છે અને લગ્ન કરીને સુખી થાય છે એવું માની લેવાનું કોઈ કારણ નથી. વેશ્યાવૃત્તિના વ્યવસાયમાં ધકેલવા માટે આવા હેન્ડસમ યુવકોને તૈયાર કરવામાં આવે છે. જેનું કામ જ આવી ભોળી સ્કૂલ ગર્લ્સ કે કોલેજમાં ભણતી છોકરીઓને ફસાવવાનું છે. કોલેજ અને સ્કૂલની બહાર ઊભા રહેતા આવા છોકરાઓ છોકરીઓને પ્રેમમાં પાડીને ઘેરથી ભગાડે પછી એને સીધી વેચી દેવામાં આવે.

સાવધાન ઈન્ડિયા અને ક્રાઈમ પેટ્રોલ પર આપણે આવા ઘણા કિસ્સા જોઈએ છીએ. સત્ય તો એ છે કે દીકરી કોલેજમાં જાય ત્યારે માતા-પિતાને ખબર જ નથી કે એ ખરેખર ક્યાં જાય છે. ઈન્ટરનેટનું માધ્યમ હવે એટલું સ્ટ્રોંગ થઈ ગયું છે કે પહેલાં કોલેજની બહાર ઊભા રહેતા છેલબટાઉ છોકરાઓ હવે ઈન્ટરનેટના માધ્યમથી પોતાનું કામ કરે છે. બીબીસીના એક ટીવી રિપોર્ટ મુજબ ઈન્ટરનેટ પર પ્રેમમાં પડીને ઘર છોડી દેનારી છોકરીઓની સંખ્યા વધતી જાય છે. ચેટિંગથી ડેટિંગ ને ડેટિંગ પછી એ છોકરીને ઘર છોડાવીને ભગાડવાનું એક વ્યવસ્થિત ષડ્યંત્ર ધીમે ધીમે આપણી આસપાસ જ જાળાની જેમ ગૂંથાઈ રહ્યું છે.

આનાથી ડરવાની જરૂર નથી. અગત્યનું એ છે કે માતા-પિતાએ પોતાનાં સંતાનો સાથે સંવાદ કરવો જોઈએ. શક્ય હોય એટલી સગવડ અને એને ગમતી વસ્તુઓ અપાવવી જોઈએ. કેટલાંક માતા-પિતા બહુ સ્ટ્રીક અને કડક ઉછેર કરવામાં માનતાં હોય છે. એમને લાગે છે કે દીકરી પર સખ્તી રાખવી જોઈએ, એને કંટ્રોલમાં રાખવી જોઈએ, પરંતુ આવાં મા-બાપને કદાચ કલ્પના પણ નથી કે એમની સખ્તી અને કંટ્રોલ જ એમની દીકરીને કોઈ ષડ્યંત્રનો ભોગ બનાવશે. હા, બાળક કે યુવાન થઈ રહેલી દીકરી જે માગે તે ન અપાવીએ, પણ કોઈ લિપસ્ટિક કે પરફ્યૂમની લાલચ આપીને આપણી દીકરીને ભોળવી જાય, ચોકલેટ કે આઈસક્રીમની લાલચે આપણા બાળકને ઉપાડી જાય એવું પણ ન જ થવું જોઈએ.

આપણે જગતને બદલી શકતા નથી, બદલી શકવાના પણ નથી, પરંતુ આપણા પરિવારનું અને સંતાનોનું પ્રોટેક્શન એ માતા-પિતા તરીકે આપણી જવાબદારી છે. એક માતા-પિતા જ્યારે પોતાના સંતાનને વિશ્વાસમાં લે છે. એના ડેઈલી રૂટિન કે મિત્રો, અવરજવર, સ્કૂલના ટીચર્સ કે ટ્યુશનમાં મળતી બહેનપણીઓ વિશે જાણે છે, એમની સાથે પણ સંપર્ક રાખે છે ત્યારે આપણા બાળકની સલામતી વધુ સારી રીતે જળવાય છે. ઘણાં માતા-પિતા વધુ પડતી પ્રાઈવસીમાં કે છૂટમાં પોતાની જાતને મોડર્ન માને છે. જેમ બહુ સખ્તી સારી નથી એમ બહુ છૂટ પણ સારી નથી જ. ઘરમાં કોઈનો, આપણાં સંતાનનો ફોન લોક ન જ રહેવો જોઈએ. એટલો નિયમ તો દરેક માતા-પિતાએ બનાવવો જ જોઈએ. એના ફેસબુક ફ્રેન્ડ્સ અને એ કમ્પ્યૂટર પર કેટલો સમય પસાર કરે છે એ બંને ઉપર માતા-પિતાની નજર હોવી જ જોઈએ. આ જાસૂસી નથી, કાળજી છે. શક્ય છે શરૂઆતમાં કદાચ ટીનએજ કે યુવાન સંતાનો આનો વિરોધ કરે, પરંતુ એમને વિશ્વાસમાં લઈ, દુનિયા વિશેની માહિતી આપીને, ગુસ્સે થયા વગર આ વાત સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

આ વાત માત્ર દીકરી પૂરતી મર્યાદિત નથી રહી હવે. ટીનએજમાં આવેલો કે યુવાન થયેલો દીકરો પણ ખોટી કંપનીમાં વીડ ફૂંકતો થઈ જાય કે ડ્રગ પેડલિંગનો હિસ્સો બની જાય ત્યાં સુધી રાહ જોઈને બેસી રહેવાની જરૂર નથી. બે મહિના પહેલાં મુંબઈના એક અખબારમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ એક સંભ્રાત પરિવારનાં માતા-પિતા પૂરતી પોકેટમની નહોતાં આપતાં (આજના સમયમાં વધુ નહીં અને ઓછી પણ નહીં એવી પોકેટમની સંતાન સાથે બેસીને નક્કી કરવી પડે.) એ કારણે એમના દીકરાએ ડ્રગની ડિલિવરી શરૂ કરી. ડ્રગની ડિલિવરી કરતો એ છોકરો ક્યારે ડ્રગ લેતો થઈ ગયો એની માતા-પિતાને જાણ જ ન રહી. રિહેબમાં મૂકવા ગયેલાં માતા-પિતાનું કલ્પાંત જેણે જોયું હોય એને જ સમજાય.

સૌથી મહત્ત્વની અને અંતિમ વાત, સંતાનનો પ્રોબ્લેમ હોય ત્યારે દુનિયા શું વિચારશે એમ વિચારીને બેસી રહેવાને બદલે પહેલો વિચાર સંતાનની સલામતીનો કરવો જોઈએ. આજનો સમય જુદો છે. સંતાનો પાસે એટલી બધી મોટી દુનિયા ખૂલી ગઈ છે કે માતા-પિતા એની દુનિયાનો હિસ્સો બની શકે એમ નથી, પરંતુ સંતાનોને પોતાની દુનિયાનો હિસ્સો બનાવી શકાય છે. સંવાદ અને સમજણ હવે સંતાન સાથેના સંબંધમાં અનિવાર્ય જરૂરિયાતો છે. સંતાન ભૂલ કરે તો ક્ષમા કરવી એ પણ એક સારાં માતા-પિતા તરીકે બહુ જરૂરી છે, કારણ કે તમારા સંતાનને જો તમારી ક્ષમામાં વિશ્વાસ હશે તો એ ભૂલ કરીને પણ તમારી પાસે જ આવશે.

X
my space by kajal oza vaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી