માય સ્પેસ / શ્રદ્ધા અને અંધશ્રદ્ધા સત્ત્વ અને તમસ

my space by kajal oza vaidya

કાજલ ઓઝા વૈદ્ય

Dec 01, 2019, 08:14 AM IST
ઢોંગીઓના કાંડોને કુતૂહલ અને ગોસિપથી જોઈએ છીએ, પરંતુ એની સાથે જોડાયેલી ગંભીરતા અને સમાજ સાથે થઈ રહેલો આ ભયાનક ગુનો આપણી નજરે ચડતો નથી
15વર્ષની છોકરીના પિતાએ હેબિયસ કોર્પસ અરજી કરી હતી. સ્વામી નિત્યાનંદના આશ્રમમાંથી મુક્ત કરાયેલી એક છોકરીએ સ્ટેટમેન્ટ આપતાં કહ્યું હતું કે, ‘અમને અડધી રાત્રે જગાડીને મેકઅપ અને ઘરેણાં પહેરાવીને પ્રમોશનલ વિડિયોઝ બનાવવામાં આવતા. સ્વામીજી વિડિયો કેવી રીતે બનાવવા એની સૂચના આપતા.’ આ પહેલાં નિત્યાનંદ ઉપર બળાત્કારનો કેસ રજિસ્ટર્ડ થઈ ચૂક્યો છે.
નિત્યાનંદ, આસારામ જેવા કિસ્સાઓ બજારમાં આવે છે. થોડા દિવસ એના પર મીડિયા અને લોકો હો હા કરે છે અને પછી આવા કિસ્સાઓ ભુલાઈ જાય છે. થોડા દિવસ કે મહિનાઓ પછી ફરી એકવાર નવા નામ સાથે એ જ પ્રકારનો કિસ્સો બજારમાં આવે છે! 2015માં વિદેશથી આવેલી શિષ્યાના એમએમએસ બનાવવાનો કિસ્સો હોય કે નારાયણ સ્વામી સાથે રાસલીલાના વિડિયો હોય, આપણે બધા આવી બાબતોને કુતૂહલ અને ગોસિપથી જોઈએ છીએ, પરંતુ એની સાથે જોડાયેલી ગંભીરતા અને સમાજ સાથે થઈ રહેલો આ ભયાનક ગુનો આપણી નજરે ચડતો નથી. આપણે બધા જાણીએ છીએ, પરંતુ એ સત્ય વિશે કોઈ કશું બોલતું નથી, કારણ કે એક વ્યક્તિ જો એ વિશે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે તો એનો અવાજ દબાવી દેવા માટે અનેક હાથ લંબાય છે.
આ દેશ ધાર્મિકતા અને અધ્યાત્મનો દેશ છે. વિશ્વભરમાં અહીંથી વેદ અને પુરાણોનું જ્ઞાન પ્રસર્યું છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે, પરંતુ હવે ધર્મ અને સંસ્કૃતિના નામે જે થઈ રહ્યું છે એ આપણને જ વિશ્વભરમાં બદનામ કરી રહ્યું છે. આપણને સમજાય કે નહીં, પણ આપણે બધા અજાણતા જ સાધુવેશ પહેરેલા, દાઢીવાળા કે ત્રિપુંડ તાણેલા, માળા ફેરવતા કે ત્રિશૂલધારી લોકોને નમી જઈએ છીએ. આવો દરેક માણસ સંત હોય એવું જરૂરી નથી. ભારતીય જનસમાજ શ્રદ્ધાળુ અને ધર્મભીરુ સમાજ છે. આપણે બધા વેદ અને પુરાણોના વિચાર સાથે ઉછરેલા ભારતીય છીએ. રાવણ સાધુના વેશમાં ન આવ્યો હોત તો કદાચ સીતામૈયાએ એના પર વિશ્વાસ ન કર્યો હોત. ત્યાંથી શરૂ કરીને આજ સુધી ભગવા રંગનો ફાયદો ઉઠાવનારા લોકો આપણી આસપાસ વધતા જાય છે. ખાસ કરીને યુવાન અને સગીર દીકરીઓ સાથે આવા સાધુઓના દુર્વ્યવહારના દાખલા વધી રહ્યા છે ત્યારે એક જાગૃત સમાજ તરીકે આપણે આ વિશે આંખો ખોલવાની તાતી જરૂર છે.
શ્રદ્ધા હોવી એ અદ્્ભુત બાબત છે. લોજિક સિવાય પણ ધર્મમાં પૂર્ણપણે આસ્થા કેળવી શકાય તો આપણે આપણી જાતને ઈશ્વરની નિકટ અનુભવી શકીએ. આ વાત આપણે બધા જાણીએ છીએ તેમ છતાં હવે એક એવો સમય શરૂ થયો છે જ્યાં આપણે આ શ્રદ્ધાને ક્યાંક રોકતા પહેલાં થોડીક તપાસ અને થોડીક સમજણ કેળવવી જરૂરી છે. બાવા, સાધુઓ, સંતોની પધરામણી કરાવતા પહેલાં કે આપણાં સંતાનોને એમને નમવાનું કહેતાં પહેલાં, એમના આશ્રમમાં મોકલતા પહેલાં એ વ્યક્તિ કેટલી લાયક છે એ વિશે આપણે પૂરી જાણકારી મેળવવી રહી.
મોટાભાગનાં માતા-પિતા માને છે કે સમય બદલાઈ ગયો છે. બદલાતા સમય સાથે પેઢીઓની માનસિકતા પણ બદલાય છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં અમિતાભ બચ્ચને ભગવાનના મંદિરમાં જઈને કહ્યું હતું, ‘ખુશ તો બહોત હોગે તુમ...’ ત્યારે નાસ્તિકતા ફેશન હતી. હવે એક જુદા પ્રકારની નાસ્તિકતા પેશન છે. નવી પેઢી માને છે કે સ્વરૂપમાં શ્રદ્ધા ન હોઈ શકે, તત્ત્વમાં શ્રદ્ધા હોઈ શકે. કર્મકાંડ-વિધિવિધાન સામે આ પેઢીને વાંધો છે. માતા-પિતા ડરેલાં છે ને એથીયે વધુ ડરેલા છે સમાજના ઠેકેદારો! એ ગભરાયેલાં માતા-પિતાને વધુ ડરાવે છે. સંસ્કૃતિનો સર્વનાશ થઈ જશે એવી માન્યતા ફેલાવીને આવા લોકો સમાજમાં ઉચાટ અને ઉદ્વેગ ફેલાવે છે. સંસ્કૃતિનો પાયો આજથી 5000 વર્ષ પહેલાં નંખાયો છે. આપણે જેને ધર્મ કહીએ છીએ એના આધારે આપણે બધા ટક્યા છીએ. આપણી શ્રદ્ધાના આધારે જ તો આપણે જીવનની સમસ્યાઓ અને સંજોગોનો સામનો કરી શકીએ છીએ. સંસ્કૃતિનો અર્થ કોઈ મંદિરની મૂર્તિ, દોરા-ધાગા, ભભૂતિ, ચમત્કારો કે જાદુ-ટોણા, વશીકરણ સાથે જોડાયેલો નથી. સંસ્કૃતિ આકાશ જેવી છે. આપણા માથે છત્ર બનીને વિસ્તરે છે. ધર્મ ધરતી જેવો છે. આપણને સહુને ધારણ કરે છે. પાપ અને પુણ્ય જેવા શબ્દોથી આવા ઢોંગી સાધુઓ સમાજને ડરાવે છે. લાલચનો પણ આમાં મોટો ફાળો છે. આપણને જે જોઈએ છે તે આપવાનું વચન આપીને આવા લોકો એમને જે જોઈએ છે તે મેળવે છે. આપણને લાગે છે કે આવા કહેવાતા સાધુઓ કે બાવાઓ આપણા મનોરથ પૂરા કરશે, આપણને સફળતા અપાવશે, ધંધામાં બરકત લાવશે કે સંતાનોને ડાહ્યાં કરી દેશે. સત્ય એ છે કે એ આપણી લાલચ અને જરૂરત બરાબર સમજે છે. એને ખબર છે કે આપણી નબળી નસ કઈ છે. આપણી લાલચનો એ ગેરફાયદો ઉઠાવે છે. આપણી પીડા કે ગૂંચવાયેલી પરિસ્થિતિનો ગેરલાભ લે છે. આમાં એમનો વાંક ઓછો છે ને આપણો વધારે છે. આપણે એમને નમીએ છીએ, કારણ કે આપણને એ ભગવાન લાગે છે. એ ધીમે ધીમે આપણાં મન, મગજ પર એવો કાબૂ કરી નાખે છે કે પછી આપણે એ દેખાડે એટલું જ જોઈ શકીએ છીએ અને સમજાવે એટલું જ સમજી શકીએ છીએ.
રામરહીમ, આસારામ, રાધેમા કે નિત્યાનંદ એકબીજાથી જુદાં નથી! આટલા બધા લોકો જ્યારે એક વ્યક્તિને નમતા હોય, એને ભગવાન માનતા હોય, એનો પડ્યો બોલ ઉઠાવતા હોય ત્યારે એને જે પાવરનો અનુભવ થાય એ પચાવવો કંઈ સહેલો નથી. નવગ્રહ જ્યારે સેવામાં હોય અને સ્વયં કુબેર કે મયદાનવ જ્યારે કહ્યું કરતા હોય ત્યારે રાવણ જેવો વિદ્વાન પણ રાક્ષસ બની જાય તો સામાન્ય માણસની શું હેસિયત! અનેક લોકો નમે, લાઈનો લાગે, ત્યારે સ્વાભાવિકપણે માણસને પોતાના પાવરનો દુરુપયોગ કરવાની લાલસા થાય. આ દુરુપયોગ કઈ કઈ દિશામાં થઈ શકે એ વાતથી આપણે અજાણ્યા નથી. એક કિસ્સો ખૂલે ત્યારે અનેક લોકો ફરિયાદ કરવા આગળ આવે છે, પણ ત્યાં સુધી કેટલાય છેતરાયેલા, પીડાયેલા લોકો મૂંગે મોઢે બેસી રહે છે, કારણ કે આવા ઢોંગીઓ પોતાના કનેક્શન અને પાવરનો ઉપયોગ કરીને એક શ્રદ્ધાળુ માણસને નુકસાન પહોંચાડવામાં પોતાનો વિજય સમજે છે.
યુવાન અને બાળમાનસમાં ‘સંસ્કાર’ રોપવાની ઉતાવળ કે ઉચાટ માતા-પિતાને કારણ વગર આવા લોકોના શરણમાં લઈ જાય છે. મોઢે સાંભળેલી વાતો કે પ્રચાર આવા ઢોંગીઓની મદદ કરે છે. આજના સમયમાં સોશિયલ મીડિયા પણ બહુ જ મોટો ભાગ ભજવે છે. અનેક ધાર્મિક ચેનલો ચોવીસ કલાક જાતજાતના ડિસ્કોર્સ, ભાષણો, કથાઓનું પ્રસારણ કરે છે. મોટાભાગના સામાન્ય અને શ્રદ્ધાળુ માનસ ધરાવતા લોકોને ખબર નથી કે આ ચેનલ પર પૈસા ચૂકવીને સમય ખરીદવામાં આવે છે, જેનો ઉપયોગ પ્રચાર માટે કરવામાં આવે છે. આ પ્રચારથી બીજા અનેક ભોળવાય છે.
છેલ્લા થોડા સમયથી અનેક યંત્રો, પેન્ડન્ટ, વીંટીઓ અને સ્ટોન્સની જાહેરખબર ટીવી પર બતાવવામાં આવે છે. અખબારની પૂર્તિઓમાં ‘ગેરંટીથી કામ કરી આપવામાં આવશે’ અથવા ‘મેલીવિદ્યા-વશીકરણ’ જેવાં ટાઇટલ નીચે જાહેરખબર છાપવામાં આવે છે. આની સામે કોઈ વિરોધ કરતું નથી. અહીં ક્યાંય સંસ્કાર કે સંસ્કૃતિને તકલીફ પડતી નથી?
ધર્મ અંગત બાબત છે. ગીતામાં કહ્યું છે, ‘સ્વધર્મે નિધનમ શ્રેયમ, પરધર્મો ભયાવહ’ બીજાનો ધર્મ ભયપ્રદ છે. આપણને જેમાં શ્રદ્ધા હોય એ જ સાચો ધર્મ. આપણને શેમાં શ્રદ્ધા છે એ આપણે જ નક્કી કરી શકીએ, પરંતુ શ્રદ્ધા અને લાલચમાં ફેર છે, એ પણ આપણે જ સમજવું પડે. શ્રદ્ધા અને ગરજમાં ફેર છે, એ પણ આપણે સમજી લેવું પડે. કૂણા માનસ ઉપર સંસ્કારની છાપ પાડવી એ પ્રત્યેક માતા-પિતાની ફરજ છે, પરંતુ એ જ કૂણા માનસને કોઈ બાવા-સાધુના ચરણમાં ધકેલતા પહેલાં એની પાત્રતા તપાસવી એ માતા-પિતાની જવાબદારી છે!
X
my space by kajal oza vaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી