તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલિબ્રેશન કે એક્ઝિબિશન?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંતાનનો પહેલો જન્મદિવસ, બર્થડે પાર્ટી, હાઉસ વોર્મિંગ કે ઓફિસનું ઉદ્ઘાટન ...
  • હવે આ પ્રસંગો માણવાને બદલે વધુ દેખાડાના સાધન બની ગયા છે

એક પરિવારનું ફંક્શન હતું. માતા-પિતાની વંદના કરવા માટે યોજાયેલા આ ફંક્શનમાં 82 વર્ષના પિતાને પાલખીમાં બેસાડીને લાવવામાં આવ્યા. એમને શેરવાની પહેરાવવામાં આવી હતી. 78 વર્ષની મમ્મીને બ્યૂટીપાર્લરમાં મોકલીને તૈયાર કરવામાં આવી. દેશ-વિદેશથી સગાંવહાલાંને ભેગાં કરવામાં આવ્યાં. દીકરાની વાહ-વાહ થઈ ગઈ, પરંતુ પિતાએ રાત્રે એના એક મિત્રને ફોન કરીને કહ્યું, ‘મારા પગમાં સોજા આવી ગયા છે. આટલા દિવસના થાકને લીધે કમર બરાબરની પકડાઈ છે. આ બધું ખાઈને પેટ બગડ્યું છે...’ દીકરાએ સાંભળ્યું. એને ખોટું લાગ્યું!   સવાલ એ બને છે કે સેલિબ્રેશન કે ઉજવણી કોને કહેવાય? આપણે બધા ધીમે ધીમે સેલિબ્રેશનના નામે એક્ઝિબિશન કરતા થઈ ગયા છીએ. બાળકના પહેલા બર્થડેની ઉજવણી બાળક માટે સજા છે. એને પહેરાવવામાં આવેલા ટાઈમટાઈટ કપડાં, ખેંચાખેંચા કરતાં સગાંવહાલાં, ભૂલાં પડેલાં મા-બાપ અને એનું બગડી જતું સ્કેજ્યુઅલ... એના માટે આમાં ક્યાંય મજા નથી. એને પોતાનો પહેલો જન્મદિવસ ટ્રોમા લાગે કે પછી એ જન્મદિવસના ફોટામાં બાળક લગભગ રડતું જ દેખાય ત્યારે એમ લાગે કે આ ઉજવણી નથી પજવણી છે. વૃદ્ધ માતા-પિતાના જન્મદિવસ, 75મા લગ્નદિવસ ઊજવવાની, માતા-પિતાની વંદના કરવાની જાણે એક ફેશન ચાલી છે. લગભગ દરેક વ્યક્તિને લાગે છે કે આવું કરવાથી એ પોતાનાં માતા-પિતાનું ઋણ અદા કરે છે. વાત આશ્ચર્ય થાય એવી છે, પરંતુ ખર્ચા કરવાથી કે દેખાડા કરવાથી ઋણ અદા થાય ખરું?    માતા-પિતાને પોતાના 75મા જન્મદિવસે શું કરવું છે? પરિવાર સાથે, સંતાનો અને સંતાનોના ય સંતાનો સાથે શાંતિથી બેસવું છે, વીતેલા જીવનની કેટલીક ખાટી-મીઠી વાતોને વાગોળવી છે. આવું કોઈ પૂછતું જ નથી. છોકરાઓને હવે પોતે જ કમાયા છે તે બીજાને દેખાડવું છે. વૃદ્ધ માતા-પિતાએ શારીરિક સ્વાસ્થ્યના ભોગે અને મરજી વિરુદ્ધ આ સેલિબ્રેશનમાં કે એક્ઝિબિશનમાં જોડાવું પડે છે. સંતાનનો પહેલો જન્મદિવસ, બર્થડે પાર્ટી, હાઉસ વોર્મિંગ કે ઓફિસનું ઉદ્્ઘાટન હવે આ પ્રસંગો માણવાને બદલે વધુ દેખાડાના સાધન બની ગયા છે. શું મેળવ્યું છે, શું કમાયા છીએ અને ક્યાં પહોંચ્યા છીએ આ જ્યાં સુધી ‘લાગતાવળગતા’ને ન જણાવીએ ત્યાં સુધી આ પહોંચ, સત્તા કે સંપત્તિ ફિક્કાં લાગે છે. સામેનાની આંખોમાં દેખાતો અહોભાવ કે ઈર્ષ્યા આપણા અહંકારને પંપાળે છે. જો અહંકારને પંપાળવામાં ન આવે તો રહી ગયાની, ગુમાવ્યાની લાગણી થાય છે!   બે વર્ગ ધીમે ધીમે વધુ ને વધુ તીવ્રતાથી છૂટા પડતા જાય છે. એક વર્ગ જેને આ બધું કરવું છે, પણ એની પાસે આર્થિક અને સામાજિક સગવડ નથી. બીજો વર્ગ જેને આ બધું કરીને પોતાની સંપત્તિ અને પહોંચનું પ્રદર્શન કરવું છે. એક વર્ગ જે સતત ટીવી પર રિયાલિટી શોમાં કે સોપ ઓપેરામાં એવી જીવનશૈલી જુએ છે જે સાચી નથી, હોઈ શકે નહીં. આ વર્ગ એ જીવનશૈલીને કોપી કરવાનો પ્રયત્ન કરે છે. સ્ટ્રેટ કરેલા વાળ, કોસ્મેટિકલી સુંદર દેખાતી ત્વચા, જરીવાળાં કપડાં, ગજરા અને એવી ઉજવણી જે કદીએ આપણા સંસ્કાર કે સંસ્કૃતિનો ભાગ નહોતી. લગ્નોમાં આવા ફેમિલી ડાન્સ અને એ પણ ફિલ્મોનાં ગીતોની ધૂન પર! ખાસ કોરિયોગ્રાફર રાખવામાં આવે, એ ઘરની ગૃહિણીને, મમ્મીને અને નાચવા ન માગતા જમાઈને ‘નચાવે’.    એમની લવસ્ટોરી રજૂ કરવામાં આવે, રસ હોય કે નહીં સાંભળવી પડે. દીકરીની કે દીકરાની જન્મથી શરૂ કરીને હમણાં સુધીની ફિલ્મો બનાવવામાં આવે. બધાએ જબરદસ્તી જોવી પડે! દીકરીને જે આપવાનું હોય એનું આણું પાથરવાનો એક રિવાજ હતો. એ વિશે ઘણા લોકોએ ઊહાપોહ કર્યો, એટલે આણાનો રિવાજ ભલે બંધ થયો, પણ એની સામે પોતે દીકરી માટે શું કર્યું છે એનું એક વગર જોઈતું અને વરવું પ્રદર્શન શરૂ થયું છે. લગ્નો પારિવારિક ઉજવણી હોવી જોઈએ. કોણે મેનુમાં કેટલાં કાઉન્ટર ઊભાં કર્યાં એના કરતાં વધારે પરણી રહેલી દીકરીને સપ્તપદીનાં વચન કેવી રીતે નિભાવવાં એની સમજણ આપવામાં શક્તિ અને સંસાધન વપરાવાં જોઈએ. એવું થતું નથી!   લગ્નના સેલિબ્રેશનનો નાનકડો વિડિયો બનાવીને વોટ્સએપ કરવામાં આવે છે. ભવ્ય સેટ કે હેલિકોપ્ટરમાં કે હાથી પર, હોડીમાં કે પાલખીમાં આવેલી જાન કે કન્યાની પધરામણી સૌની સામે એવી રીતે પ્રદર્શિત કરવામાં આવે છે જેનાથી સેલિબ્રેશનનું એક્ઝિબિશન કરેક્ટ રીતે થઈ શકે. લગ્ન પછી ઘેર આવેલા મહેમાનોને પરાણે વિડિયો જોવા બેસાડી દેવામાં કે આલ્બમ પકડાવી દેવામાં આવે. ત્યારે કંટાળા ને અણગમા સિવાય બીજી કઈ લાગણી થતી હશે!   સામાજિક પ્રસંગોએ કે સમાજના કેટલાક મેળાવડાઓમાં ડ્રેસકોડ નક્કી કરવામાં આવે છે. એકસરખી સાડીઓ ખરીદવામાં આવે ને પહેરવી જ પડે. એકસરખી કોટી સિવડાવવામાં આવે અને બેન્ડવાજાંવાળા જેવા પદાધિકારીઓ સ્ટેજ પર ગોઠવાઈ જાય! સમાજના કેટલાક કાર્યક્રમોમાં તો કોણે કેટલું દાન કર્યું એની જાહેરાતમાં એટલો સમય વિતાવવામાં આવે છે કે સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રેઝન્ટેશન કાપવા પડે!   આપણે શું કર્યું, શું કરી રહ્યા છીએ એનું પ્રદર્શન જ હવે આપણા અસ્તિત્વનું ધ્યેય બની ગયું છે, જાણે! આપણે બધા અજાણતાં જ એક એવા સમયમાં પ્રવેશ્યા છીએ જ્યાં આપણને બધું જ બીજા લોકોના પોઈન્ટ ઓફ વ્યૂથી કરવું ગમે છે. ઘરમાં રહેનાર વ્યક્તિ ઈન્ટીરિયર ડિઝાઈન એવી કરાવે છે જેનાથી ઘરમાં પ્રવેશતી વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય. રહેનારની સગવડ કરતાં જોનારને કેવું લાગશે એ વધુ મહત્ત્વનું છે! આપણે મોટાભાગના ઘર ફાઈવસ્ટાર હોટેલ જેવા બનાવવા લાગ્યા છીએ.    હોટેલની જાહેરાતમાં લખે છે, ‘એ હોમ અવે ફ્રોમ હોમ.’ મોટાભાગનાં ઘરોમાં હવે સાંજના છેડે ફેન્સી મેનુ બને છે. પનીર સ્ટફ્ડ ભીંડી કે ખાઉઝ્વે કે ફલાફલ જેવું ભોજન હવે ગુજરાતી ઘરોના ડાઈનિંગ ટેબલ પર પીરસાવા લાગ્યું છે. આમ જોવા જઈએ તો આને ‘બદલાવ’ કહી શકાય, પરંતુ આ ભોજન એ પેઢી માટે નકામું છે જેમને સાદું અને સરળ ખાવાની ટેવ અને જરૂરિયાત છે. આપણા ડાઈનિંગ ટેબલ હવે હોટેલ, રેસ્ટોરાં બનતાં જાય છે. મહેમાન જમવા આવવાના હોય ત્યારે એમને ‘ઈમ્પ્રેસ’ કરવાની તક ઉચ્ચમધ્યમ વર્ગની ગૃહિણી જવા દેતી નથી.   આખી જીવનશૈલી જાણે બીજા લોકોની સામે આપણા અસ્તિત્વને પુરવાર કરવાની એક રમત બની ગઈ છે. કોણ, કેટલું સુખી છે, સંપન્ન છે એનું પ્રદર્શન કરીને સામેનાની આંખોમાં ઈર્ષ્યા જોવાની પણ એક રમત છે. ઘરમાં ઝઘડતાં પતિ-પત્ની જાહેરમાં એકબીજાને જાનુ-વ્હાલુ કહીને સંબોધે છે. એકબીજાનો હાથ પકડવો, ભેટવું કે બીજી વ્યક્તિની સામે પોતાના ઘનિષ્ઠ સંબંધને પ્રસ્થાપિત કરવાનો મરણિયો પ્રયાસ કરવો એ પણ જાણે આપણી જીવનશૈલીનો હિસ્સો બનતો જાય છે. મેં જ કહ્યું છે કે પતિ-પત્ની એકબીજાને પ્રેમ કરતાં હોય તો એ દેખાડવામાં કંઈ શરમાવા જેવું નથી, પણ પ્રેમ કરતા હોય તો! એકબીજાની સાથે ફક્ત દેખાડાનો સંબંધ હોય તો એનાથી છીછરું અને અધૂરું બીજું શું હોઈ શકે?   આપણને સહુને લાગે છે કે સતત બીજાની નજરમાં રહેવું, સેન્ટર ઓફ એટ્રેક્શન બનવું એ જ આપણી પ્રવૃત્તિ હોવી જોઈએ. બીજાની વાતોમાં આપણી હાજરી ન હોય તો આપણને ઈન્ફિરિયારિટી-લઘુતાગ્રંથિ આવવા માંડે છે. પાર્ટીમાં કે ઉત્સવની ઉજવણીમાં કોઈ આપણી નોંધ ન લે તો હવે ‘માર્કેટ’માં ન હોવાની લાગણી આપણને તોડી નાખે છે. સૌથી જુદી કંકોતરી, સૌથી જુદું કાર્ડ, સૌથી જુદાં કપડાં, સૌથી જુદાં પડવાની આ લાગણી ફક્ત ધ્યાન ખેંચવાની લાગણી છે. સામેની વ્યક્તિ જ્યાં સુધી આપણી ઉજવણીની કે ઉત્સવની નોંધ ન લે ત્યાં સુધી એ ઉત્સવ કે ઉજવણી આપણને આનંદ આપી જ શકતી નથી.   આપણી ઉજવણી હવે પોતાની નથી રહી. અંગત આનંદ તો ક્યારનોય ભુલાઈ ગયો છે. હવે બીજાની ઈર્ષ્યા એ આપણો આનંદ છે. સમજવાની વાત એ છે કે આ દેખાડા, પ્રદર્શન કે દેખાદેખીથી યોજાતા ઈવેન્ટ મેનેજમેન્ટને સોંપી દેવાતા પ્રોફેશનલ પ્રસંગો ઉજવણી નથી. બીજાએ જે નથી કર્યું તે આપણે કરવું છે એવી હરીફાઈ છે. હરીફાઈમાં ક્યારેય ‘મજા’ હોય નહીં, એમાં તો ફક્ત રસાકસી, ઉદ્વેગ, દેખાડી આપવાની ભાવના કે જીતી ગયા પછી અહંકાર ઉપર ચડતું એક બીજું પડ હોઈ શકે. ઉજવણીનો સાચો અર્થ ‘અંગત’ છે. માણવાનો સાચો અર્થ માનસિક સંતોષ છે. જે સંબંધની સ્મૃતિને ભીતર સચવાઈ રહેતી સુગંધમાં ફેરવી શકે એવા પ્રસંગો આપણે છેલ્લા કેટલાય સમયથી જોયા છે ખરા?  

અન્ય સમાચારો પણ છે...