માય સ્પેસ / દો સિતારોં કા ઝમીં પર હૈ મિલન... આજ કી રાત!

latest article by kajal ozah vaidh

વાત માત્ર કાદમ્બરીદેવીની કે જીયા ખાનની નથી, ક્ષણિક આવેગ સાથે જોડાયેલા ઉશ્કેરાટ અને ગુસ્સાની છે. આપણે ધીરે ધીરે અસહિષ્ણુ અને અસંતોષી થઈ ગયા છીએ

Divyabhaskar.com

Jun 09, 2019, 07:59 AM IST

‘મોટા-મોટા મૃત્યુને એક બાજુ મૂકી બાળવય સહજપણે આગળ ને આગળ દોડી જાય છે, પણ મોટી વયે મૃત્યુને એ રીતે બાજુએ રાખી સહેલાઈથી ચાલ્યા જવાતું નથી. હાસ્ય અને રુદનના પરિચિત તાણાવાણાથી જીવન સર્જાયું છે. તેને વળગીને હું ચાલી રહ્યો હતો. તેમાં ગાબડું પડી શકે તેનો ખ્યાલ જ નહોતો. જીવનની પાર કશું દેખાતું નહોતું. જીવનને જ મેં અંતિમ માની લીધું હતું. એકાએક મૃત્યુએ આવી મોટું બાકોરું પાડ્યું. હું દિગ્મૂઢ થઈ ગયો. બીજું બધું જેમનું તેમ રહ્યું - વૃક્ષો, ધરતી, જળ, સૂર્ય અને તારા નિશ્ચિત સત્ય જેવાં પહેલાંના જેવાં જ કાયમ હતાં, પણ તેમના જેવી જ, અરે! તેમનાથીય વિશેષ સત્ય હતું જે, મારા અસ્તિત્વના કણકણમાં જેનો સ્પર્શ હતો, ફક્ત તે જ વ્યક્તિ હવે નહોતી. એક સ્વપ્નની જેમ તે અદૃશ્ય થઈ. આ વિકરાળ વિરોધાભાસે મને મૂંઝવણથી સ્તબ્ધ કરી મૂક્યો.’

રવીન્દ્રનાથ ટાગોરે આ વાત 1884માં લખી છે. આ આખીયે વાત એમનાં ભાભીને ઉદ્દેશીને લખાઈ છે. બાળવયે એમને મળેલા સાથી કાદમ્બરીદેવી સાથે ‘રોબી’ યુવાન થયો. એને કાદમ્બરીદેવી ‘ભાનુ’ કહીને બોલાવાતાં. રવીન્દ્રનાથ ટાગોરનાં લગ્ન પછી ચાર મહિના ને દસ દિવસે કાદમ્બરીદેવીએ આત્મહત્યા કરી. ભાભીના મૃત્યુનો શોક રવીન્દ્રનાથને જીવનભર રહ્યો. આ વાત વિશે, ઘટના વિશે, સંબંધ વિશે ઘણું લખાયું છે અને કહેવાયું છે. રવીન્દ્રનાથની લેજેન્ડ્રી પર્સનાલિટીમાં કે એમના આવડા મોટા સાહિત્યિક અને સામાજિક પ્રદાનમાં કાદમ્બરીદેવીનું મૃત્યુ અને એમણે આત્મહત્યા પહેલાં લખેલો પત્ર (જે ક્યારેય-ક્યાંય પ્રગટ નથી થયો) ટાગોર માટે એક એવી પીડા બની રહ્યા જેમાંથી એ ક્યારેય મુક્ત ન થઈ શક્યા! એમના સમયના અને એમના પછીના લોકોએ ગુરુદેવને ઓછાવત્તા અંશે આ અકાળ મૃત્યુ માટે જવાબદાર ઠેરવ્યા છે. આમ જોવા જઈએ તો એમણે ક્યારેય આ વિશે સફાઈ આપવાનો પ્રયાસ નથી કર્યો.

કોઈ એક વ્યક્તિ આત્મહત્યા કરે કે સ્વેચ્છાએ મૃત્યુ સ્વીકારે તો એ માટે કોઈ બીજી વ્યક્તિને જવાબદાર ઠેરવવાનો કાયદો આપણી પાસે 1948 પછી આવ્યો. આત્મહત્યા માટે મજબૂર કરનાર વ્યક્તિ પણ ગુનેગાર ગણાય છે, આ વાત આપણા કાયદાએ 306ની કલમમાં સમાવી લીધી છે, પરંતુ સત્ય તો એ છે કે આત્મહત્યા માટે વ્યક્તિ ત્યારે જ મજબૂર થાય છે જ્યારે એની પાસે ભીતરથી જીવવાની ઇચ્છા કે જીજીવિષા મરી પરવારે છે. પહેલાં મૃત્યુ મનમાં થાય છે, જીવવાની ઈચ્છા પૂરી થઈ જાય પછી આત્મહત્યા કરી લેવાની ઈચ્છા શરૂ થાય છે. સત્ય તો એ છે કે મરવું સરળ છે, જીવવું અઘરું છે! આ વાત આપણે સમજતા નથી ને સમજતા હોઈએ તો બીજાને સમજાવવામાં નિષ્ફળ જઈએ છીએ.

સ્વેચ્છાએ મૃત્યુના માર્ગે ચાલી જવું કે આત્મહત્યા કરવી એ આમ જોવા જઈએ તો આજના સમયમાં બહુ મોટી ઘટના રહી નથી. મા-બાપ સહેજ ઠપકો આપે ને સંતાન આત્મહત્યા કરે. પતિ-પત્ની વચ્ચે મન-દુઃખ થાય, બેમાંથી એક આત્મહત્યા કરી લે. દેવું વધી જાય કે કોઈ ભૂલ થઈ જાય એટલે તરત આપણી ભાગી છૂટવાની મનોવૃત્તિ જોર કરે છે. પરિસ્થિતિનો સામનો કરવાને બદલે એ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય એટલું જ વિચારીને મોટાભાગના લોકો તરફડિયાં મારવા માંડે છે. ભારતમાં આત્મહત્યાના આંકડા ચોંકાવી દે એવા છે. ઈન્ડિયા ટુડેના એક સર્વે મુજબ આઠ લાખ લોકો વિશ્વભરમાં દર વર્ષે આપઘાત કરે છે. જેમાં 1,35,000 લોકો ભારતના છે. 1987થી 2007 સુધીમાં આત્મહત્યાનો રેટ 7.9થી 10.3 ટકા જેટલો વધ્યો છે. સ્ત્રી અને પુરુષમાં 2:1નો રેશિયો છે. 15થી 29 વર્ષના વ્યક્તિઓમાં આપઘાત એ મૃત્યુનાં મુખ્ય કારણોમાં બીજા નંબરે આવે છે. 2016માં 2,30,314 લોકોએ આપઘાત કર્યા.

ક્ષણિક આવેશમાં કરાયેલા આપઘાત સામાન્ય રીતે થોડી જ ક્ષણોમાં અફસોસનું કારણ પણ બનતા હોય છે. ફાંસો ખાઈને લટકી ગયેલા લોકોએ બચાવ માટે બૂમો પાડી હોય એવા કિસ્સા ઓછા નથી! મૃત્યુ પામનાર તો ચાલ્યું જાય છે, પણ એની પાછળ રહેલા લોકોને અનેક સવાલો અને શંકાઓના ઘેરામાં છોડી જાય છે. ટાગોર સાથે કાદમ્બરીદેવીનો સંબંધ શું હતો એની જાણ એ બે જણા સિવાય કદાચ બીજા કોઈને નહોતી. સ્ત્રી-પુરુષના સંબંધમાં, ખાસ કરીને લગ્નેતર સંબંધમાં સામાન્ય રીતે સ્ત્રીનો જ પક્ષ લેવામાં આવે છે. પુરુષે જ એને છેહ દીધો હશે, એનો ઉપયોગ કરી લીધો હશે, એને ભોળવી હશે અને પછી તરછોડી હશે આવું સમાજ ત્યારે પણ માનતો હતો અને આજે પણ માને છે! અતીતથી શરૂ કરીને વર્તમાનની યાત્રામાં આ એક વાત હજી સુધી બદલાઈ નથી. જીયા ખાન કે દિવ્યા ભારતીના આપઘાતમાં સૂરજ પંચોલી અને સાજિદ નડિયાદવાલાને જવાબદાર ઠેરવવામાં આવ્યાં છે.

આ વાત માત્ર કાદમ્બરીદેવીની કે જીયા ખાનની નથી, ક્ષણિક આવેગ સાથે જોડાયેલા ઉશ્કેરાટ અને ગુસ્સાની છે. આપણે બધા ધીરે ધીરે અસહિષ્ણુ અને અસંતોષી થઈ ગયા છીએ. થોડુંક મળે તો નહીં ચલાવી લેવાનું, મળેલું ફગાવી દેવાનું ને આખેઆખું મેળવવાની આપણી જીદ આપણને મળેલું માણવા દેતી નથી. આપણું દુઃખ એ નથી કે આપણને આપણું સુખ ઓછું પડે છે, આપણી ફરિયાદ, દુઃખ કે પીડા છે, બીજાનું સુખ!

કાદમ્બરીદેવીનો આપઘાત એ ટાગોરના ખોઈ બેઠાની પીડા નહીં હોય, કદાચ! પરંતુ, મૃણાલિનીદેવી ટાગોરને પામ્યા એ વાતે કરેલો આપઘાત હશે. માણસ તરીકે આપણે બધા કંઈક સાબિત કરવાની હોડમાં છીએ. સંબંધ પણ હવે ધીરે ધીરે સાબિત કરવાનો મુદ્દો બનતો જાય છે. વ્યક્તિ આપણી છે, એ વાત કોઈ પણ સંજોગોમાં દુનિયા સામે પ્રસ્થાપિત થવી જોઈએ, બેડરૂમમાં ભલે આપણી વચ્ચે સારા સંબંધ ન હોય, પણ જગતની સામે તો એ સંબંધ એકદમ ચકચકતા, માંજેલા, ઢોળ ચડાવેલા હોવા જ જોઈએ. બધા જ જાણે છે કે અમિતાભ બચ્ચનના સંબંધો રેખાજી સાથે હજી સુધી અકબંધ છે. એનિવર્સરીના દિવસે લગ્નજીવન વિશેની ટ્વીટ કરીને બચ્ચનસાહેબ અજાણતાં જ પોતાની ઈમેજ પોલિશ કરવાનો પ્રયાસ કરે છે? એક વ્યક્તિ લગ્નેતર સંબંધમાં હોય એનો આ સમાજને બહુ વાંધો નથી, પરંતુ એ લગ્નેતર સંબંધ માટે થઈને જો એ લગ્ન તોડે તો એ વાતને પ્રામાણિકતા તરીકે જોવાને બદલે ‘બેજવાબદારી’ તરીકે જોતા શીખ્યો છે આ સમાજ! કોઈ વ્યક્તિ આપણને લગ્ન પછી મળે ને મળનારી વ્યક્તિ આપણને જીવનસાથી તરીકે, કમ્પેનિયન તરીકે, દોસ્ત તરીકે કે શારીરિક રીતે પણ વધુ કમ્પેટેબલ લાગતી હોય એવું ન બને?

દરેક વાતને ‘મોરલ’ સુધી લઈ જવાની અને પછી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડવાની આપણને ભયજનક લત લાગી ગઈ છે. ભારતીય સંસ્કૃતિમાં ફક્ત રાજાઓ જ નહીં, આર્ય ચારુદત્ત જેવો અકિંચન બ્રાહ્મણ પણ વસંતસેના નામની ગણિકાના પ્રેમમાં પડે છે. (મૃચ્છકટિક-ઉત્સવ). અર્જુન પરણેલો હોવા છતાં કૃષ્ણ પોતાની સગી બહેનને એની સાથે ભગાડે છે, કારણ માત્ર પ્રેમ છે!

સામાજિક ઉદારતાઓ વ્યક્તિને પ્રામાણિક બનતા શીખવે છે અને સામાજિક સંકુચિતતાઓમાંથી માત્ર સંબંધ જ નહીં, સંસ્કૃતિ પણ ગૂંચવાય છે. જો સત્ય ન પચે, તો જૂઠ જ સહી, એમ માનીને મોટાભાગના લોકો પોતાના જાહેરજીવનને સતત વ્હાઈટ વોશ કર્યા કરે છે. 1861માં જન્મેલા ટાગોર અને 1966માં જન્મેલી એક લેખક સ્વર્ગમાં મળે, તો શું થાય? 2019માં જો એ સ્ત્રી લેખક ટાગોરના લખાણને કે એમના જીવનને પોતાની રીતે મૂલવે તો ટાગોર એનો શો જવાબ આપે? ગુજરાતી ભાષામાં આપણને મળેલા ટાગોરના જૂજ અનુવાદો સિવાય આપણે એમના જીવન, લેખન અને ફિલોસોફીને ઝાઝી સમજી શક્યા નથી. ટાગોરના જન્મને 158 વર્ષ થયા, આજના સમયની કહેવાતી આધુનિક સમજણ અને સ્ત્રી બંને, નોબેલથી સન્માનિત, કવિ, ચિત્રકાર, વાર્તાકાર અને એના સમયની અતિ આધુનિક વિચારધારાના પ્રણેતાને જો પ્રશ્ન પૂછે તો એનો ઉત્તર શું હોઈ શકે?

સદેહે હાજર ન હોય એવા બધા જ વિશે આપણે જે કહેવું હોય તે કહી શકીએ, કારણ કે એ વ્યક્તિ હવે પોતાનો બચાવ કરી શકે તેમ નથી એની આપણને ખાતરી છે. સારી વિગતો કે સત્ય તો એની સાથે જ ગયું.

દરેક સંબંધને એક બીજી બાજુ પણ હોય છે, સિક્કાની જેમ! જેને ઉલટાવીને જોવી જોઈએ ટોસ કરતી વખતે ચિત્ત કે પટ, છાપ કે કાંટો... નક્કી કરીએ તેમ સંબંધનો ટોસ પણ ઉછાળવો જોઈએ, કાદવ ઉછાળતા પહેલાં.

આજે 9મી જૂને રાત્રે રંગમંચ ઉપર એક પ્રસ્તુતિ થવાની છે. સ્વર્ગમાં (હશે એમ ધારી લઈએ!) સ્થિત થયેલા ટાગોરને મળવા પહોંચે છે આ કોલમની લેખક (મૃત્યુ પામ્યા પછી!) ને સર્જાય છે, સંવાદ, સવાલો અને સજીવન થાય છે બંનેની કલમે અલગ અલગ સમયમાં સર્જાયેલાં પાત્રો.

કાશ! આવી જ રીતે મૃત્યુ પામેલા લોકો સાથે સંવાદ થઈ શકતો હોત! એમને કશું કહેવાનું હોય એ આપણે સાંભળી શકતા હોત. ક્રોધ, આવેશ અને ક્ષણિક ઉશ્કેરાટમાં જેણે પોતાનું અમૂલ્ય જીવન ફેંકી દીધું કે પછી જેની પાસેથી વિધાતા કે સંજોગોએ એનું અમૂલ્ય જીવન છીનવી લીધું હોય એવી વ્યક્તિઓની વાત આપણે સાંભળી શકતા હોત!

X
latest article by kajal ozah vaidh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી